સંઘર્ષ ક્યાં સુધી ?
સંઘર્ષ ક્યાં સુધી ?
"આ તે કંઈ બોડીબામણીનું ખેતર છે ?"
શિક્ષિકા ઉર્વીબેન વર્ગમાં પ્રવેશતાં છોકરાઓને ધમકાવતા બોલ્યાં. એમના આગમનથી શોરબકોર કરતો આખો કલાસ શાંત પડી ગયો. એક પછી એક વિદ્યાર્થીઓનું લેસન તપાસતાં તપાસતાં દરેકને એમની કર્કશ વાણીનો પરિચય આપતાં હતાં. મોડા આવતા છોકરાઓને "તારા બાપનો બગીચો છે તે ગમે ત્યારે આવે છે.." કહીને ખખડાવી નાખતાં.
એક શિક્ષક તરીકે ખૂબ ચીવટથી ભણાવતા ઉર્વીબેન એમના કડવા સ્વભાવથી ખૂબ વગોવાઈ ગયેલા. ક્યારેક કોઈ ગરીબ વિદ્યાર્થીની ફી એની જાણ બહાર ભરી દેતા પણ પોતાની ભીતરની નરમાશ સહેજ પણ બહાર ન આવે એ રીતે. એમના ઘણા વિદ્યાર્થીઓને પોતાને આગળ લાવવા બદલ 'થેન્ક યુ ટીચર' કહેવું હતું પણ વિદ્યાર્થીઓ એમનાથી ડરતાં તો વળી અમુક શિક્ષકોને પણ એમના ખરાબ સ્વભાવનો પરચો બરાબર મળી ગયો હતો. ઉર્વીબેન સૌને પોતાના દુશ્મન હોય એવી નજરોથી જોતાં. સ્ટાફમાં ઘણા શિક્ષકોએ એમની બદલી થઈ જાય એવી રજુઆત પણ ઉપર સુધી કરેલી પણ ઉર્વીબેનનું સદભાગ્ય કે કશું થતું જ નહીં.
ઉર્વીબેન જ્યાં જતાં ત્યાં એમના સ્વભાવ પ્રમાણે બધાને તતડાવતા એટલે એમના પાડોશીઓ સાથે પણ એમને કાંઈ ખાસ બનતું નહીં. એક વાર પાડોશીના ઘરે મહેમાન આવેલા ને ભૂલથી એમણે ઉર્વીબેનને ઘર આગળ સ્કૂટર પાર્ક કર્યું. એટલામાં ધુંઆપૂઆ થતા ઉર્વીબેન બહાર આવ્યા ને આગંતુકના સ્કુટરની હવા કાઢી નાખી અને પાડોશીઓ સાથે બહુ મોટો ઝગડો કર્યો.ત્યારથી બધા એમનાથી આઘા જ રહેતાં.
ઉર્વીબેનને ખૂબ નજીકથી જાણતાં એમની જ્ઞાતિના જ એક શિક્ષિકાબેન હતાં. નામ એમનું કુમુદબેન. ઉર્વીબેનના સગામાં દૂરના પિતરાઈ બહેન થતાં. શિક્ષકોની તાલીમના વર્ગો વખતે કુમુદબેન પણ કોઈ ને કોઈ સાથે ઝગડી પડતાં ઉર્વીબેનને પરાણે સમજાવીને અટકાવતાં. ઉર્વીબેન એક ત્યકતા હતા એટલે અન્ય શિક્ષિકાઓ પણ એમના ભૂતકાળ અંગે ગુસપુસ કરી લેતી.એક સ્ત્રી આટલી બધી કઠોર કેમ રહી હશે એ અંગે દરેકને પ્રશ્ન થતો. કુમુદબેન ઉર્વીબેનને ખૂબ નજીકથી જાણે છે એવું લાગતાં કેટલીક શિક્ષિકાઓ સ્ત્રી સહજવૃત્તિથી એમના વિશે જાણવા માટે કુમુદબેનને આગ્રહ કર્યો.
કુમુદબેનનાં જણાવ્યા પ્રમાણે ઉર્વીબેને ઘરનાંની મરજી વિરુદ્ધ જઈને લવમેરેજ કરેલાં. એથી એમના પરિવારે એમની સાથે બધા સંબંધો તોડી નાખેલાં. બીજી તરફ એમની સાસરીમાં પણ એમનો અસ્વીકાર થયેલો. શરૂશરૂમાં સ્વતંત્ર રહેતા બંને પતિપત્ની વચ્ચે ખૂબ પ્રેમ હતો. પણ સમયના વહેણ સાથે પતિના પ્રેમને પણ જાણે ગ્રહણ લાગી ગયું હોય એમ રોજ રોજ કારણ વગર ઝગડા થવા લાગ્યા.
એક દિવસ પોતે માતા થવાના છે એ સમાચાર આપવા ઓચિંતા પતિની ઑફિસે પહોંચ્યા ને ત્યાં પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો ભાંડો ફૂટતાં એમને આંખે અંધારા આવી ગયાં. રડીને કરગરીને પતિને પાછો વાળવા ખૂબ પ્રયત્નો કર્યા પણ અંતે હાથમાં ડિવોર્સ પેપર્સ પકડાવીને એ ઉર્વીબેનને અધવચ્ચે તરછોડી ગયો.
સાસરી પક્ષે અસ્વીકાર તો હતો જ પણ માતા-પિતા ન હોવાથી પિયરમાં ભાઈ-ભાભીએ પણ એમને માફ ન કર્યા. છેવટે એકલા પડી ગયેલા ઉર્વીબેને સમય જતાં દીકરાને જન્મ આપ્યો અને એકલા હાથે એને ઉછેરવા લાગ્યા. ડીગ્રી હોવાથી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી એમને આસાનીથી મળી ગઈ. કરકસરથી જીવતરનું ગાડું એકલે હાથે ગબડાવતા પણ દીકરાને કોઈ વાતે ઓછું આવવા ન દેતાં. પોતાના દુઃખનો પડછાયો દીકરા પર ન પડે એ રીતે ખૂબ સંઘર્ષ કરીને દીકરાને તમામ સુખસગવડ દીધાં અને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરાવ્યો. દીકરાને મોટી કંપનીમાં નોકરી મળી એટલે એ શહેરમાં રહેવા ગયો. ફરીથી એકલા પડેલા ઉર્વીબેન હવે પોતાને ભાગે સુખ આવશે એવી રાહ જોતાં ત્યાં એક દિવસ દીકરાએ એમને પૂછ્યા વિના જ લગ્ન કરી લીધાં. છતાં મન મોટું રાખીને માફ કરીને એમણે દીકરા વહુને અપનાવી લીધાં.
ભગવાન પણ એમની પરીક્ષા કરવા બેઠો હોય તેમ વહુ થોડી કજીયારી નીકળી. ખોટે ખોટી ઉશ્કેરણી કરીને એ પતિના કાન એની મા વિરુદ્ધ ભરવા લાગી. આખરે દીકરો પણ એની પત્નીની વાતમાં આવી ગયો ને એ એની માને કાયમ માટે છોડીને જુદો રહેવા લાગ્યો. જીવનમાં વગર વાંકે પડેલા ફટકાથી સૌમ્ય સ્વભાવવાળા ઉર્વીબેન હવે કડવાશ પકડવા લાગ્યા. જેના માટે પોતે આટલું બલિદાન આપ્યું એ જ પોતાને તરછોડી ગયા એના આઘાતથી એમને ધીમેધીમે માણસમાત્રથી અણગમો થવા લાગ્યો.
કુમુદબેને જ્યારે ઉર્વીબેનની આખી કથની સંભળાવી ત્યારે હાજર રહેલાં સૌની આંખો ભીની થઈ ગઈ. ઉર્વીબેનની વિરુદ્ધમાં પડેલા શિક્ષકો હવે સહાનુભૂતિથી એમને જોવા લાગ્યા. ઉર્વીબેનના કઠોર અને કર્કશ વર્તનથી હવે કોઈ ઉશ્કેરાતું નથી પણ બધા એમના સુખની કામના કરે છે. ખબર નહીં ઉર્વીબેનનો સંઘર્ષ હજી ક્યાં સુધી ચાલશે !
