સ્નેહબંધન
સ્નેહબંધન
દક્ષાબેન અને રાજેશભાઈના નવા નવા લગ્ન થયા હતા. શહેરમાં ભત્રીજાને (રાજેશભાઈના ભાઈનો દીકરો) સાથે લઈને ગયા. બંનેએ પોતાનું ઘર વસાવ્યું. ભત્રીજાનું નામ રવિ હતું. રવિ કાકા કાકી જોડે ત્રીજા ધોરણથી કોલેજના ત્રણ વરસ અને એમ. કોમ ભણ્યો ત્યાં સુધી રહ્યો. લગ્ન પછી પણ સાથે જ રહેતો હતો. ગોંડલ નોકરી મળી, ત્યારે પત્ની સાથે ત્યાંથી ગયો.
રવિ ખુબ વિવેકી અને કહ્યાગરો છોકરો. એક વાર કાકાને કંપનીમાં નોકરી બદલવામાં અડચણ આવી. નવી કંપનીએ ભાઈનો દીકરો સાથે રાખવામાં મનાઈ કરી દીધી. ટાઉનશિપમાં ક્વાર્ટર નહીં આપીએ. કંપની શહેરથી દૂર હતી. રાજેશભાઈએ નોકરી માટે ના પાડી દીધી. થોડા સમય પછી એ જ નવી કંપનીએ હા પાડી. આ તો નવી કંપનીએ હા પાડી નહીં તો રવિના લીધે પોતાને મળેલ તક જતી કરી હતી, એ અફસોસ રહી જાત. આમ તો ત્યારે અફસોસ પણ ન હતો, પોતે જ નોકરી માટે ના પાડી હતી, પણ અત્યારે રવિ ન બોલવાનું બોલી ગયો એટલે અફસોસ જ થાય ને !
આ બનાવ રવિનાં નાનપણમાં બની ગયો. રવિને ગામડે જવું પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી, પણ વાંધો ન આવ્યો. શહેરમાં રાજેશભાઈના ઘરે રવિનું ભણવાનું ચાલુ રહ્યું. સમય વીતતાં રવિના લગ્ન લેવાયા. રાજેશભાઈ અને દક્ષાનો હરખ એટલે આમ જુઓ તો એમનો પોતાનો જ દીકરો પરણે એવી લાગણી હતી. ત્રણેયનું સ્નેહબંધન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જતા.
રાજેશભાઈને અચાનક જ ફોરેન જવાની તક મળી. રાજેશભાઈ પોતાના પરિવાર જોડે ગામડે મોટાભાઈને મળવા ગયા. રવિ પણ પોતાની પત્ની જોડે ગોંડલથી ગામડે આવ્યો હતો. મોટાભાઈએ કહ્યું કે રાજેશ તું આવ્યો છે, તો ભાગ પાડી લઈએ. રવિ કહેતો હતો કે તે ત્યાં જમીન લીધી છે. એમાં આપણા બંનેના સરખા ભાગ. રાજેશભાઈએ કહ્યુ કે એ તો મેં પગારમાંથી લોન લઈને લીધી છે. હપ્તાની ચૂકવણીમાં પણ તમારો ભાગ આપો, તો જમીન વેચાણ થાય ત્યારે અડધો અડધો ભાગ પડે. મોટાભાઈએ ના પાડી દીધી. હપ્તા તું ભર. એ વેચે ત્યારે તારે મારો ભાગ આપવાનો રહેશે.
રાજેશ : "આ ગામડે મકાન માટે પણ મેં પગારમાંથી પાંચ લાખ મોકલ્યા હતાં, તો આમાં અડધો ભાગ આપવો જોઈએ. મેં ફર્નિચર મોકલાવ્યું એનો કંઈ વાંધો નહીં, એ તમે રાખજો".
મોટાભાઈ: "આ મકાન મારું. તારે મકાન બનાવવું હોય તો ગામમાં પ્લોટ પડ્યો છે તેમાં બનાવી લે".
રાજેશ: "પિતાજીની જમીન અઢાર વીઘા.."
મોટાભાઈ: "હા, એ નવ વીઘા તારા નામે કરી દઈશ".
રાજેશ: "શહેરની જમીન મકાનમાં ભાગ લીધો છે તો અહીંની ઉપજ બતાવો".
મોટાભાઈ: "બા બાપુજીની સેવા અને બહેનોના વ્યવહારમાં વપરાઈ ગઈ".
રાજેશ: "બહેનોને આપવામાં હું પણ અડધો ભાગ આપતો હતો ને ! આ રવિ ભણ્યો. એનો એક રૂપિયો લીધો નથી".
રાજેશભાઈ બા-બાપુજીને મોટી માંદગીમાં હોસ્પિટલ માટે શહેર લઈ ગયા હતા. રવિને ખબર છે કે કાકાએ પપ્પા પાસે એક રૂપિયો માંગ્યો નથી. બાને કિડની માટે અઠવાડિક લોહીના શુદ્ધિકરણનો ખર્ચ ખુબ વધારે હતો. રાજેશભાઈને ખુબ અન્યાય થયો. મોટાભાઈ શહેરમાંથી જમીન મકાનમાં ભાગ માગે અને ગામડેથી કંઈ ન આપે ? એ જાણી રાજેશભાઈને દુઃખ થયું.
મોટાભાઈ: "ના ગામડેથી કંઈ નહીં મળે. આ જમીન નવ વીઘા અને એક પ્લોટ. બસ શહેરની જમીન સીતેર લાખ અને મકાન પચાસ લાખનું એમાં મારો ભાગ મોકલી દેજે".
રાજેશભાઈ રડવા જેવા થઈ ગયા હતા. આખી જિંદગી મહેનત કરીને પગારમાંથી ઊભી કરેલી મિલ્કત આપ્યા પછી પણ પચ્ચીસ વરસની ઉપજમાં કે ગામડે મકાનમાં ભાગ ન મળ્યો. એમાંથી આશરે ઓછામાં ઓછા ચાલીસ લાખ ભાગમાં આવે એમ હતા.
રવિ સામે લાચાર નજરે જોયું કે એણે અમારી કરકસરને અને દિવસોને નજીકથી જોયા છે. જો કંઈ બોલે તો.....
રવિ ન બોલ્યો હોત તો સારું જ હતું. રવિના છેલ્લા શબ્દોએ રાજેશભાઈ અને દક્ષાબેનનું કાળજુ ચીરી નાખ્યું. રવિના છેલ્લા શબ્દો- કાકા, તમારે હજી ઘટે છે ને, વિદેશ જાઓ કમાઈ આવો......અહીંથી કંઈ નહીં મળે. કોઈ આશા ન રાખતા અને હા અમે ચાર ફઈઓ જોડે સંબંધ કાપીએ છીએ. તમે બધા વહેવાર સાચવજો.
કોઈ દિવસ એક અક્ષર ન બોલતો રવિ પત્ની આવતા જ આટલું બધું બોલી ગયો. આજે...રવિ એના મા-બાપનો જ થઈને રહી ગયો. રવિએ એક ઝાટકે સ્નેહબંધન તોડી નાખ્યું, પણ રાજેશભાઈ અને દક્ષાબેન ઈચ્છવા છતાં વર્ષોથી બંધાયેલી સ્નેહબંધનની દોર મનથી કયારેય કાપી ન શક્યા. આજે પણ રાજેશભાઈ અને દક્ષાબેન રવિને પોતાનો જ પુત્ર સમજે છે.
