Mariyam Dhupli

Inspirational Romance

3.3  

Mariyam Dhupli

Inspirational Romance

સંબંધો ની વ્યાખ્યા

સંબંધો ની વ્યાખ્યા

10 mins
15K


"તને ખબર છે ને તું શું કહી રહ્યો છે ?"

"હા દીદી, હું જાણું છું, હું શું કહી રહ્યો છું."

"આ કઈ રમત નથી. લગ્ન એ જીવનનો સૌથી મહત્વ નો નિર્ણય છે ...આમ ઉતાવળ માંજ...."

"ઉતાવળમાં નહીં, દીદી, હું તબસ્સુમને છેલ્લા પાંચ વર્ષથી જાણું છું. જેટલો વધુ એને સમજતો જઈ રહ્યો છું એટલોજ એના પ્રેમમાં વધુને વધુ ઊંડો ઉતરી રહ્યો છું. એકવાર તમે પણ એને મળી તો જુઓ ! પ્રેમ ન થઇ જાય તો કહેજો..."

"લગ્ન બે પરિવારો વચ્ચે નો સેતુ છે ... અને આપણા પરિવારો વચ્ચે આવા સેતુનો કોઈ અવકાશજ નથી. "

"કેમ નહીં દીદી ? તમે બા જોડે વાત કરશો, એમને સમજાવશો તો એ જરૂર માની જશે ..."

"દિપક તું જાણે છે કે બા કેટલી રૂઢિવાદી અને ધર્મચુસ્ત છે .... પોતાના ધર્મને ભ્રષ્ટ કરી, એક પરધર્મી યુવતીને આ ઘરમાં લાવવાની પરવાનગી એ કદી ન આપશે ..."

"દીદી પ્લીઝ, તમે એકવાર તબસ્સુમને મળી તો લો.... એણે કેટલા દિવસોથી તમને ફેસબુક પર ફ્રેન્ડરિકવેસ્ટ પણ મોકલાવી છે ..."

"નહીં દિપક મારે કોઈને નથી મળવું. મારે જે વાત કરવી છે એ તારી જોડે. આખરે તું મારો નાનો ભાઈ છે અને તને સારા નરસાની પરખ કરાવવી મારુ કર્તવ્ય છે ..."

"પ્લીઝ દીદી ફક્ત એકવાર તબસ્સુમને મળી લો.એની જોડે વાત કરી લો... .દેખાવે ભલે સાધારણ છે પણ એનું હૃદય, અંતર એટલુંજ સુંદર છે ... સાદગીની જીવતી જાગતી મુરત ... સ્વાભિમાની અને સરળ વ્યક્તિત્વ ..... ટી વાય બીકોમમાં હતી જયારે એના અબ્બા અકસ્માતમાં મૃત્યુ પામ્યા ... અમ્મી-અબ્બાની એકની એક દીકરી એ પોતાની અમ્મી કાજે ભણતર અધવચ્ચે પડતું મૂકી નોકરી શરૂ કરી દીધી. પોતાની વિધવા અમ્મીની એક દીકરાની જેમજ સારસંભાળ લઇ રહી રહી હોય એ યુવતી આપણી બાની પણ કેટલી કદર અને કાળજી લેશે, એ તમે વિચારી શકો છો ......"

"વિચારવાનું તો તારે દિપક ... વર્ષોથી બા અને બાપુજી સમાજમાં જે માન સન્માન કમાયા છે એ એકજ ક્ષણમાં ધોવાય ન જાય. બાએ તારા લગ્નને લઇ કેટલા સ્વપ્નો જોયા છે ..."

" તો એ તમામ સ્વપ્નો તબસ્સુમ પુરા કરશે દીદી. તબસ્સુમ એને દીકરીની જેમજ સાચવશે ... હું તો કહું છું તબસ્સુમની અમ્મીને પણ લગ્ન પછી અહીં લઇ આવીશ ... એકજ ઘરમાં બે માના આશીર્વાદ હશે તો બરકત પણ બમણી થશે ..."

"પ્રેમ આંધળો હોય છે એવું સાંભળ્યું હતું. આજે જોઈ પણ લીધું. દિપક, પ્રેમની આવી સ્વપ્નસૃષ્ટિઓ સિનેમામાંજ શોભે. વાસ્તવિક જગત સાવ કડવું હોય છે અને એની હકીકતો પણ. જે બે પરિવારના ધર્મ, સંસ્કારો, માન્યતાઓ, રૂઢિઓ, પરંપરાઓ, પ્રણાલીઓ, રીતિરીવાજો, તહેવારો, જીવન વ્યવહારો, જીવન શૈલીઓ તદ્દન વિપરીત હોય ત્યાં પ્રેમ સહજતાથી ન વિકસે ... આ પરિવર્તન ઉપરથી જેટલું સહેલું, સરળ લાગે અંદરથી એટલુંજ મુશ્કેલ અને કઠિન ....."

"પરંપરાઓ અને રીતિરીવાજો તો શીખી પણ શકાય ... એકબીજાને પ્રેમ કરતા હય્યાઓને એકબીજાની જીવનશૈલીને સમજતા અને સ્વીકારતા વળી કેવી મુશ્કેલી ?"

"એવી વાત છે. તો શું તું કુરાન નું જ્ઞાન શીખીશ ?પાંચ સમયની નમાઝ અદા કરીશ ? મસજિદ જઈશ ? રોઝા રાખીશ ? નહીં ને ? શા માટે ? કારણકે એ એટલું સહેલું નથી. બાળપણથી લોહીમાં ભળેલા સંસ્કારોમાં આમ અચાનકજ બદલાવ ન લાવી શકાય. ખરું ને ? તો પછી તબસ્સુમ માટે ધાર્મિક અને સંસ્કારોનું આ પરિવર્તન શું સહેલું રહેશે ? અને એના પાસે ધર્મ પરિવર્તનની આશા અને અપેક્ષા રાખવી કેટલે અંશે વાજબી ?"

"પણ દીદી પ્રેમમાં કશું સહેલું કે કઠિન નથી હોતું. એક હૈયું અન્ય હૈય્યાને એની લાગણીઓને સમજી શકે, સુખી રહેવા એટલું પૂરતું નથી ? જીવન જીવવા માટે શું ફક્ત સંવેદનાઓ અને ભાવનાઓની સમાનતાજ પર્યાપ્ત નથી ? ખુશી તો એકબીજા પ્રત્યેના સમાન માન-સન્માનથીજ મળે ... ભલે અન્ય પાસાઓ ગમે તેટલી ભિન્નતા ભર્યા હોય ..."

"દિપક તારો એક અપરિપક્વ નિર્ણય તારા જીવન નો નકશો બદલી શકે છે. ધર્મોની મર્યાદા લાંઘીને પ્રેમના વાયરામાં ઉડતા સવ્પ્નોના પતંગોને જમીન પર કપાઈને પછડાતા સમાજે અવારનવાર જોયાજ છે ..."

"એક વાત પૂછું, દીદી ? બે સમાન ધર્મો, સમાન નાતજાત ધરાવતા , એકસમાન પરંપરાઓ, રીતિરીવાજો અને જીવનશૈલીઓ અનુસરતા લોકો વચ્ચે શું સંબંધ વિચ્છેદ કે છૂટાછેડા નથી થતા ? "

"જો દિપક , આખરે જીવન તારું ને નિર્ણય તારો. પણ મારે પણ મારા સાસરે મોઢું દેખાડવાનું હોય. તબસ્સુમ જોડે લગ્ન કરવાના તારા નિર્ણયમાં મારી ખુશી કદી સામેલ ન થશે. એની જોડે લગ્ન કરવા હોય તો ભલે. પરંતુ પછી મારો ચ્હેરો કદી જોતો નહીં. પિતાજીના અવસાન પછી બાને એક હૃદય રોગનો હુમલો આવી જ ચુક્યો છે. જો તારા નિર્ણય ને લીધે બાને કઈ પણ થયું તો હું તને કદી માફ નહીં કરીશ ...."

હોસ્પિટલમાંથી બાને પરત ઘરે લઇ આવેલી કારને દિપક એ બ્રેક લગાવી. બીજો હૃદય રોગનો હુમલો હતો આ. પાછળની બેઠક ઉપર બાને સંભાળીને અડકી બેઠી નિતીક્ષાની તંદ્રા તૂટી. પોતાના નાના ભાઈ જોડેનો ભૂતકાળનો સંવાદ જાણે આંખો એ એક વિડિઓ રિકોર્ડિંગ સમો જોઈ નાખ્યો. ઘર આવી ચૂક્યું હતું. બીજા હૃદય રોગના હુમલાથી હોસ્પિટલમાં ઘણા દિવસોની લાંબી સારવાર બાદ બા માંડમાંડ બચી આવી હતી. હૃદય ખુશ હતું પણ મન ખૂબજ ભારે. બન્ને ભાઈ બહેનોએ બાને એમના ઓરડામાં પહોંચાડી આરામથી ઊંઘવાની સગવડ કરી આપી. બાની આંખો મીંચાઈ અને દિપક એક પણ શબ્દ બોલ્યા વિનાજ દવાઓ અને અન્ય જરૂરી સામાન લેવા ગાડી લઇ નીકળ્યો. દિપકનો ઉદાસ ચ્હેરો અને મૌન હાવભાવ હવે એની ટેવ સમા બની ગયા હતા. એ મૌન પીડા અને શબ્દહીન ઉદાસીનતાને નિહાળી રહેલી પ્રતિક્ષાની આંખોમાંથી દર વખતની જેમજ એક નાનકડું અશ્રુ ભાવનાઓના વજનથી અસહ્ય દબાતું સરી પડ્યું. દિપકની કાર ઘરથી દૂર નીકળીને નિતીક્ષાની આંખો સમક્ષ ભૂતકાળનું અન્ય એક રિકોર્ડિંગ જુદા જુદા દ્રશ્યોથી સંમિશ્રિત શરૂ થયું.

પણ આ રિકોર્ડિંગની મુખ્ય પાત્ર તબસ્સુમ નહીં 'સમીક્ષા' હતી. સમીક્ષા, નિતીક્ષા અને બાની પસંદગી અને દિપકની પત્ની. દિપકનો પ્રેમ જરાયે કાચો પડ્યો ન હતો. એ ધારતે તો તબસ્સુમ જોડે ભાગીને લગ્ન કરી શક્યો હોત. પણ દિપક અને તબસ્સુમ બન્ને માટે પોતાની મા પ્રત્યેની ફરજ પ્રાથમિક હતી અને હમેંશાજ રહેશે . જવાબદારીઓથી ભાગી પોતાના પ્રેમની સ્વાર્થી દુનિયા રચવા ન દિપક તૈયાર હતો ન તબસ્સુમ. તબસ્સુમેજ તો એને બા અને નિતીક્ષા દીદીની પસંદગીને અપનાવવા મનાવ્યો હત, પોતાના પ્રેમનો વાસ્તો આપી. દિપક તબસ્સુમની ઝિદ સામે હાર્યો પણ શરત એટલીજ હતી કે લગ્ન પછી કદી તબસ્સુમનો ચ્હેરો પણ ન જોશે. અને સાચેજ એણે એ શરત નિભાવી પણ ....

સમીક્ષાને જીવનમાં પ્રવેશ આપ્યો અને પોતે તબસ્સુમના જીવનમાંથી હંમેશ માટે બહાર નીકળી ગયો, આખરે તબ્બસુમની જીદને માન આપવાની સજા જાતેજ ભોગવવાની હતી.

સમીક્ષા, સૌંદર્યનો ખજાનો. સફેદ, ગોરી ત્વચા. લીલી પાણીદાર આંખ, ઊંચું કદ, નકશીકામ કરી પ્રકૃત્તિ એ સુંદરતાથી તરાશેલો ચ્હેરો. બાહ્ય સુંદરતાથી જોનાર કોઈ પણ સહજ રીતે અંજાય જાય એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ ...

પરંતુ દરેક ચળકતી વસ્તુ સોનુ ન હોય. શરીરની સુંદરતા અને મનની સુંદરતા એકબીજા સાથે પૂરક ક્યાંથી ? બાહ્ય સુંદરતાથી સૌને આકર્ષી ચૂકેલી સમીક્ષા લગ્નનાં થોડાજ મહિનાઓ પછી પોતાની આંતરિક વાસ્તવિકતાથી એક અલગજ વ્યક્તિત્વ તરીકે ઉઘાડી પડી. સ્વાર્થ અને ઈર્ષ્યામાં રાચનારી, સમૃદ્ધિ અને ધનસંપત્તિના પ્રેમમાં અંધ, પ્રેમ અને સ્નેહની સામે ઘરેણાઓને માન આપનારી સમીક્ષાથી અવગત થતાંજ બા અને નિતીક્ષાના બધાજ સ્વપ્નો ચૂરેચૂરા થઇ ગયા.

દિપકને તો એમ પણ કશો ફેર પડવાનો ન હતો. હા, પણ નિતીક્ષા અને બાની નિરાશા અને હતાશાએ એના ઘા પર મીઠું જરૂર ભભરાવ્યું હતું. પરંતુ મન પાસે ફક્ત એકજ કટાક્ષ હતો : 'આખરે તમારીજ પસંદગી !'

ધીરે ધીરે સમીક્ષાનો ઈર્ષ્યાળુ અને સ્વાર્થી સ્વભાવ વધુ ઘેરો બનતો ચાલ્યો. વાતે વાતે મ્હેણાં ટોણા વધવા લાગ્યાં. ફક્ત નિતીક્ષા જ નહીં આ કડવી જીભનો શિકાર બા પણ નિયમિત બની રહેતા. દિપકના આર્થિક મોભભાંની પોતાના ધનિક પિતાની મિલ્કત જોડે સરખામણી કરવામાં, દિપકને બધાની સામે ઉતારી પાડવામાં પણ સમીક્ષાને સહેજે ખચકાટ અનુભવાતો નહીં. વારે તહેવારે અતિ કિંમતી આભૂષણોની જીદ, ખરીદી માટેના નીરર્થક ખર્ચાઓ પુરી પાડવાની જીદ એક નિયતક્રમ બનતો ચાલ્યો. દિપકના પગાર ઉપર નિયઁત્રણ લાદી એ ક્યાં ખર્ચાવો જોઈએ અને ક્યાં નહીં એ માટે દિપક જોડે સીધી જીભાજોડી જ થતી. બા માટે લાવેલી કોઈ પણ વસ્તુને સમીક્ષા "આની શી જરૂર હતી ?" કહી વગોવી મુક્તી.

નિતીક્ષાનું અને એના બાળકોનું નિયમિત ઘરમાં આવવું પણ એને ખૂંચવા લાગ્યું. કોઈ પણ બહાને સીધી નિતીક્ષા જોડે કે એના બાળકોની પ્રવૃતિની ફરિયાદોને બહાને સમીક્ષા વિવાદ સર્જવાની તકમાંજ રહેતી . ઘરનું દુણાયેલું વાતાવરણ વધુ ગંભીર ન બને એ વિચારે નિતીક્ષા એ પણ ધીરેધીરે ઘરે આવવાનું બંધ જ કરી દીધું. ફક્ત વાર તહેવારે કે કોઈ ખુબજ જરૂરી કામ હોય ત્યારે ડોકિયું કરી લેત . નહીંતર બાની જોડે ફોન ઉપર વાત કરી લઇ સંતુષ્ટ થઇ જતી.

દિપક સાથે તો જાણે સંબંધ નહીં વેપાર ચાલતો ! મહિનાની પહેલી તારીખે એક નિશ્ચિત રકમ સમીક્ષાના હાથમાં આપવી પડતી એના અંગત ખર્ચાઓ માટે. જાણે કે પત્ની તરીકેનો એક નિશ્ચિત પગાર. દિપક પોતાના માતાપિતાના પ્રેમનો સાક્ષી રહ્યો હતો. એ નિઃસ્વાર્થ સંબંધ જ્યાં કશું તારું-મારુ નહીં બધુજ 'આપણું' હતું. સમર્પણની વ્યાખ્યા સમા એ પાવન પ્રેમ આગળ પોતાના અને સમીક્ષાના આ સંબંધમાંથી એક વિચિત્ર દુર્ગંધ એને આવી રહી હતી, જેનાથી એની આત્માને શ્વાસ ભરવામાં પણ તકલીફ થઇ રહી હતી. પણ સમાજ તરફથી વધાવાયેલા અને આદર પામેલા આ સંબંધને ટકાવવા શ્વાસો ભરવું અનિવાર્ય હતું !

સંબંધો ફક્ત નામ ખાતર ચાલી રહ્યા હતા. સમાજના લોકોને ફક્ત એટલુંજ જાણવામાં રસ હતો કે પતિ પત્ની એકજ ધર્મના છે, એકજ જાતિના છે, એકજ કુળના છ. ઘરની અંદર વિકાસ પામતા સંબંધોને લાગણીઓના સેતુની ગરિમામાં ક્યાં કોઈને રુચિ હતી ? સમાજને ખુશ રાખવા માટે રચાતા સંબંધોની કટોકટી કે દુર્દશાને સુધારવા કદી સમાજ ઘરે આવે ખરી ? લાગણીઓની ગુણવત્તા કે ભાવનાઓની પવિત્રતા તપાસવાનો કોઈની પાસે સમય ખરો ? બસ દેખાવોના શણગાર સાથે બાહ્ય જગતમાં ફરતા આવા સંબંધો ઘરની ચાર દીવાલો વચ્ચે શણગાર ઉતરતાંજ કેટલા ભયાનક ભાસતા હોય છે !

દિપક અને સમીક્ષાના સંબંધનો એ ભયાનક ચ્હેરો પણ એક દિવસ ઉઘાડો પડ્યો. બિઝનેસ ટ્રીપ ઉપર એક અઠવાડિયા માટે અન્ય શહેર ગયેલો દિપક કામ ઝડપથી નિપટી જતા નિશ્ચિત કાર્યક્રમ કરતા બે દિવસ પહેલાજ ઘરે પહોંચી ગયો. ઘરે કોઈને પણ એના અનપેક્ષિત આગમન અંગે કશી ઘરે પહોંચી આંખો સામે જોયેલા દ્રશ્યથી દિપકની સહનશક્તિ ચરમસીમાએ પહોંચી ગઈ. સહેલીઓ સાથે મજા માણી રહેલી સમીક્ષાના ઓરડામાંથી ઠઠ્ઠા મસ્તીનો શોર બહાર સુધી પહોંચી રહ્યો હતો અને બા એ બધાના માટે રસોડા માં નાસ્તાઓ અને ચા તૈયાર કરી રહી હતી.

સહેલીઓના સામેજ દિપક ઓરડામાં ધસી સમીક્ષા ઉપર ગરજ્યો. બધીજ સહેલીઓ ખસીયાણી પડી તરતજ જતી રહી. સમીક્ષા માટે સખીઓની હાજરીમાં થયેલું અપમાન અસહ્ય થઇ પડ્યું. બોલાચાલી ઉગ્ર થઇ. બાના લાખ સમજાવવા છતાં બન્ને જીદ પર અડી રહ્યા.

પોતાના અહમને લાગેલી ઠેસ સાથે સમીક્ષા ઘર છોડી જતી રહી. બા અને નિતીક્ષા એ દિપકને સમજાવવા ખુબજ પ્રયાસ કર્યો. પણ દિપક ન તો સમીક્ષાને મનાવા ગયો ન તો એને એક ફોન પણ કર્યો.

થોડા દિવસો પછી ઘરે પુલીસ આવી. સમીક્ષા એ છૂટાછેડા માટે કાગળિયા મોકલાવ્યા. સાથે પતિ અને સાસુ ઉપર માનસિક ત્રાસ અને અત્યાચારની ફરિયાદ પણ નોંધાવી. નિતીક્ષાની અથાક દોડાદોડીને અંતે આખરે પુલીસ કાર્યવાહીથી પીછો છૂટ્યો. દિપક એ એક પણ ક્ષણ આગળ વિચાર્યા વિનાજ છૂટાછેડાના કાગળિયા ઉપર સહી કરી નાખી.

બા નું વૃદ્ધ નાજુક હૃદય માનસિક તણાવ સામે હાર્યું અને ઘાતક હ્રદયરોગના હુમલાથી એમને શીધ્રજ હોસ્પિટલમાં ભરતી કરવી પડી. આટલા દિવસો દરમિયાન સમીક્ષા બાને એક વાર પણ જોવા ન આવી, માનવતા ખાતર પણ નહીં.

હા, પણ કોઈ આવ્યું તો હતું બા ને મળવા. તબસ્સુમ અને એની અમ્મી !

"હું અહીં છું, જાઓ તમે જરા આરામ કરી લો, દીદી."

સાથે લઇ આવેલ દવાઓ અને જ્યુસનો ડબ્બો ટેબલ પર ગોઠવી રહેલ દિપકના અવાજથી ભૂતકાળનું રિકોર્ડિંગ ફરીથી અટકી ગયું.

બા ની પાસે કુરશી પર ગોઠવાયેલા દિપકના માથે નિતીક્ષા એ હેતથી હાથ ફેરવ્યો અને બહાર જઈ વરંડામાં ગોઠવાયેલ આરામકુરશી ઉપર લંબાવ્યું. પણ આરામ મળ્યો નહીં. ન શરીરને ન મનને.

એક પછી એક પ્રશ્ન મનમાં ઉભરાઈ રહ્યા હતા અને આત્માને એ તમામ મૂંઝવણોનો ઉત્તર જોઈતો હતો.

સંબંધોનું સુખ ફક્ત ધર્મ, જાતિ, રૂઢિઓ, માન્યતાઓ, પરંપરાઓ, રીતિરીવાજોની સમાનતાથી મળે કે પછી 'લાગણીઓ' અને 'ભાવનાઓ'ની સમાનતાથી ? બે વ્યક્તિને સાથે રહેવાં માટે સમાન રીતિરિવાજો જરૂરી કે સમાન સંવેદનાઓ ?

અચાનકજ કોઈ ખૂબજ જરૂરી કામ યાદ આવી ગયું હોય એમ ઉતાવળથી નિતીક્ષા એ પોતાનો મોબાઈલ ઉઠાવ્યો. ઝડપથી ફેસબુકમાં લોગ ઈન કર્યું. વરસોથી રાહ જોઈ રહેલી તબસ્સુમની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી લીધ. તબસ્સુમનું પ્રોફાઈલ ખોલ્યું. હાથ થોડો ધ્રૂજ્યો. સ્ટેટ્સમાં ' સિંગલ' શબ્દ વાંચતાજ મનમાં એક મોટો હાશકારો થયો અને ચ્હેરા ઉપર સ્નેહ ભર્યું સ્મિત રેલાય ગયું...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational