સંભાળ
સંભાળ
રસોડામાં તેલનો ધુમાડો અને બટાકાવડા માટે કડાઈમાં તળાઈ રહેલા મરચાંની તીખી સોડમ વચ્ચે પ્રીતિ કાંદા કાપી રહી હતી ત્યાં બેઠકરૂમમાંથી સાદ પડ્યો.
"વહુબેટા, જરા સાંભળો તો !"
"જી મમ્મી."
"આ બટાકાવડા બને છે તેની સાથે ખજૂર આમલીની ચટણી અને ફ્રીજમાંથી થોડા ગુલાબજાંબુ લાવો."
"પણ મમ્મી તમને ડાયાબીટીસ છે. પ્લીઝ..."
પ્રીતિનું વાકય કપાઈ ગયું અને રેવતીબહેન તાડૂકી ઉઠયા. "આ ઘરમાં તું કઈ મહારાણી નથી કે તારું રાજ ચાલે. ચૂપચાપ ગુલાબજાંબુ લઈ આવ અને પાણી અને ચટણી પણ લઈ આવજે."
" જી મમ્મી જેવી તમારી મરજી." પ્રીતિ આટલું કહીને પાછી આંખમાં આંસુ સાથે કાંદા કાપવા લાગી.
બહારથી આવેલા અરવિંદભાઈ આ બધું સાંભળી રહ્યા હતા અને સંવાદ પૂરો થતાં તે બેઠકરૂમમાં આવ્યા અને બેઠા.
રેવતીબહેન પોતાનો ઉભરો અરવિંદભાઈ સમક્ષ ઠાલવતા બોલ્યા." તમે તો આખો દિવસ માત્ર તમારી મિત્રમંડળી સાથે રહો છો અને ઘરમાં તો ધ્યાન જ નથી આપતા. જુઓને આ પ્રીતિ મારા પર કેટલી રોક ટોક મૂકી રહી છે. "
"એક વાત જો તને સમજાય તો કહું ?"
"બોલો, આમ પણ તમારી વાત કાયમ ઢંગધડા વગરની હોય છે."
"તું ભૂલી ગઈ કે તૃષા જ્યાં સુધી પરણી ન હતી ત્યાં સુધી તારું કેટલું ધ્યાન રાખતી હતી. ભલે ઘરમાં મદદ ન કરતી પણ તને ડાયાબીટીસ હતો તેથી તારા ખાવા ઉપર ઘણો કન્ટ્રોલ રાખતી જેથી તને ડાયાબીટીસ વધી ન જાય. એમ આ પ્રીતિવહુ પણ આપણું ઘણું ધ્યાન રાખે છે. એ આ ઘરને પોતાનું ઘર ગણી રહી છે. તારાથી કામ નથી થતું તેથી સવારે કચરા પોતાથી માંડીને રાતના વાસણ સુધીનું બધું કામ એ છોકરી તારા આટલા મહેણાં ટોણાં મારવા છત્તાં પણ ચૂપ રહીને કરી રહી છે અને તારી તબિયત સાચવે છે. તારી દવા પણ તને સમયસર આપે છે અને એ તને તારા સારા માટે ગુલાબજાંબુ અને ગળી ચટણી આપવાની ના પાડે તો તું આટલું બધું એને સંભળાવી દે ? તારા પાસે આવી અપેક્ષા ન હતી રેવતી !" અરવિંદભાઈ આટલું બોલીને રસોડામાં પાણી પીવા જતા રહ્યા.
રેવતીબહેન ઉપર અરવિંદભાઈની વાત સાંભળીને પશ્ચાતાપ થયો હોય તેમ તરત જ સોફા પરથી ઊઠીને રસોડા તરફ ડગ માંડ્યા પણ પ્રીતિ ત્યાં ન હોતા તેઓએ પોતાના ડગ બેડરૂમ તરફ માંડ્યા. રેવતીબહેન બેડરૂમમાં આવ્યા અને જોયું કે પ્રીતિ બેડ પર આડી પડી હતી અને સૂતી હતી. રેવતીબહેન તેની પાસે જાય છે અને માથે હાથ ફેરવતાં સૌમ્ય સ્વરે પૂછે છે." પ્રીતિ બેટા, કેમ સુઇ ગઈ છો ?"
" મમ્મીજી, બહુ બેચેની લાગે છે અને થાક લાગ્યો છે."
"બેટા, મને માફ કરી દેજે. હું અત્યાર સુધી તને ન સમજી શકી. તને વારંવાર બોલતી રહી, તારું અપમાન કરતી રહી. તને વાતે વાતે ઉતારી પાડતી રહી. આજે મને મારી ભૂલ સમજાય છે." આટલું બોલતાં રેવતી બહેન રડી પડ્યા.
રેવતીબહેનની આંખો લુછતાં પ્રીતિ બોલી." મમ્મી, તમારે મારી માફી ન માંગવાની હોય, તમે માફી માંગીને રડો તો મને પાપ લાગે. આ ઉમરમાં આવું થવું સ્વભાવિક છે. ચાલો રડવાનું બંધ કરી દો. "
અરવિંદભાઈ બંને સાસુ વહુને જોતા હસતાં હસતાં બોલ્યા. "તો હવે સાસુ વહુને કારણ વગર મહેણાં ટોણાં નહીં મારે ને ! નહીં તો હું મારી દીકરીને પિયર મોકલી દઈશ. "
આટલું સાંભળતા ઘરમાં બધા હસવા લાગ્યા ત્યાં પ્રીતિના ફોનમાં મેસેજ આવ્યો. પ્રીતિએ જોયું તો તે આનંદથી ઝૂમી ઊઠી.
"મમ્મી - પપ્પા, પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટીવ. હું મા બનવાની છું. "
અને આખા ઘરમાં ખુશીનો બીજો ડોઝ ઉમેરાઈ ગયો.
