એકલતા
એકલતા
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર:
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર:"
જયંતીભાઈ પોતાના ઘરમાં મહાશિવરાત્રીના રોજ રાત્રે 8 વાગ્યે શિવલિંગ પર અભિષેક કરતા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરતા હતા. શિવ મહિમ્ન સ્તોત્ર પૂર્ણ કર્યા બાદ તે ભોળાનાથને પ્રાર્થના કરતા બોલ્યા. " હે મારા ભોળા શંભુ ! મારા એકલતાના સમયમાં તું જ એકમાત્ર મારો સહારો છે. રાજેશ્રી પણ મને આ દુનિયામાં એકલો મૂકીને તારા પાસે આવી ગઈ. મારો દીકરો પણ સાત સમુદ્ર પાર અમેરિકામાં પૈસા પાછળ આંધળી દોટ મૂકતો કમાવા પડ્યો છે અને હું અહીં એકલો માંડ માંડ તારી ભક્તિનો સહારો લઈ જીવી રહ્યો છું. હવે તો મારી સહનશીલતાની હદ બહાર જઈ રહ્યું છે. હું આ દુનિયામાં એકલો પડી ગયો છું. તારો સહારો પણ આખો દિવસ ક્યાં હોય છે. તું તો વ્યસ્ત છો પ્રભુ ! તારે પણ આખી દુનિયા ચલાવવાની હોય છે. હવે તો એવું લાગે છે કે તારી ભક્તિ આમ અહીં ઘરમાં એકલા બેસીને કર્યા કરતા તારા ચરણોમાં સમર્પિત થઈ ભક્તિ કરવી જોઈએ. હવે હું તારી પાસે આવું છું. આ એકલતા મને કોરી ખાય છે." આટલું બોલતાં તેમની આંખોમાં આંસુ આવી ગયા.
આખી દુનિયામાં ગમે તેટલા સુખ મળે પણ જો એકલા હોઈએ તો જિંદગી જીવવા માટે સાત કોઠા ભેદવા જેવી છે
આવું જ જયંતિભાઈની જિંદગીમાં હતું. જયંતીભાઈ પોતે એક ઉચ્ચ સરકારી અધિકારી હતા. રાજેશ્રીબહેન સાથે સુખરૂપ સંસાર ચાલી રહ્યો હતો પણ બે વર્ષ પહેલા કેન્સરની ગંભીર બિમારીમાં રાજેશ્રીબહેન ગુજરી ગયા અને જયંતિભાઈ એકલા પડી ગયા અને દીકરો તો પહેલેથી તેની ઘરવાળી સાથે અમેરિકા ઠરીઠામ હતો અને 7 આંકડાના પગારની નોકરી કરતો હતો. જયંતિભાઈ ધીરે ધીરે તૂટીને એકલા પડી ભાંગ્યા. જયંતિભાઈ ભલે પૈસાવાળા માણસ હોય પણ તેમને પણ આખરે પ્રેમની જરૂર હતી.
જયંતિભાઈએ પૂજામાં મૂકેલું નૈવેદ્ય ગ્રહણ કર્યા બાદ નક્કી કર્યું કે હવે તો જિંદગીનો અંત આણી દેવો અને કાયમ માટે ભગવાનના ચરણોમાં અને રાજેશ્રી પાસે જતા રહેવું.
રાતના એક વાગ્યા અને ત્રીજો પ્રહર ચાલુ હતો ને ત્યારે જયંતિભાઈએ ઊઠીને ઘરના દરેક ખંડમાં છેલ્લી નજર નાખીને તાળું મારીને એક્ટિવા લઈ આત્મહત્યા કરવા માટે નીકળી ગયા અને સીધા ફાજલપુર બ્રિજ પર પહોંચી ગયા. એક્ટિવા ઉભી રાખી તેઓ પુલની રેલીંગ પાસે જતા હતા પણ તેમનું મન તેમને આવું કરવાથી રોકી રહ્યું હતું કારણકે પાણીની સપાટી 15 મીટર નીચે હતી અને ડર લાગે તે પણ સ્વભાવિક છે છત્તાં તે એકલતાથી બહુ કંટાળી ગયા હતા.
આખરે તેઓ મન મક્કમ કરીને આગળ વધ્યા અને જ્યાં રેલીંગ પાસે પહોંચ્યા ત્યાં એક બસ તેમની પાસેથી પસાર થઈ અને તે બસની હેડલાઈટના પ્રકાશમાં તેમને નીચે ઘાટ પર આવેલ મહીસાગર માતાના મંદિર પાસે એક બાળક બેઠેલો દેખાયો.
જયંતિભાઈ વિચારે છે કે "આ બાળક રાતના દોઢ વાગ્યે અહીં શું કરી રહ્યો છે ? મને તો જોવા પરથી કદાચ કોઈ અનાથ બાળક લાગે છે. લાવ મારા આ દુનિયામાંથી જતા પહેલા આ બાળકને પૂછી જોઉં કે તેને કોઈ તકલીફ તો નથી ને ?"
જયંતિભાઈ ચાલતા ચાલતા ત્યાં જાય છે અને બાળક પાસે જઈને પૂછે છે "બેટા તું આટલી રાત્રે અહીં શું કરી રહ્યો છે ? જા તારા ઘરે જા. "
જયંતિભાઈના મોઢેથી આ બાળક બેટા શબ્દ સાંભળીને રડવા લાગે છે અને કહે છે કે" દાદા, મારું આ કોઈ દુનિયામાં નથી. મારા પપ્પા એક મહિના પહેલા મૃત્યુ પામ્યા અને હું ને મારી મા દર દર ભટકીને પોતાનું પેટ ભરતાં. મારી મા પણ આઠ દિવસ પહેલા મને અહીં મૂકીને જતી રહી. હવે હું ક્યાં જાઉં ? તેથી હું અહીં ભીખ માંગીને પેટ ભરી રહ્યો છું."
જયંતિભાઈ આ બાળકના મોઢેથી વાત સાંભળીને ધ્રૂજી ગયા અને વિચાર કરવા લાગ્યા કે આવા ઘણા લોકો મારા કરતાં પણ વધુ દુઃખી છે. હું વગર કારણે આત્મહત્યા કરી રહ્યો છું. કદાચ મારી એકલતા આના સામે કઈ નથી. એકલતા તો આવતી જતી રહેશે. કદાચ આ છોકરાની ખુશી પાછી મળે તેનાથી મોટી ખુશી શી હોઈ શકે ? અને બીજી ઘડીએ જ તેમણે આત્મહત્યા કરવાનો નિર્ણય ટાળી દીધો અને બાળકનો હાથ પકડીને કીધું કે" મારી સાથે મારા ઘરે ચાલ. હું તને તારા પગ ઉપર ઊભો કરીશ. "
જયંતિભાઈ એ બાળકને ઘરે લઈ ગયા અને સવાર પડતાં જ તેની મમ્મીની શોધખોળ પોલીસ પાસે કરાવી અને તે બાળકની મમ્મી મળી જતાં તેમની ગરીબીને ધ્યાનમાં રાખીને જયંતિભાઈએ તેમને તેમના ઘરે બધું કામ કરવા રાખી લીધા અને રહેવા માટે પણ તેમના ઘરમાં ઉપરનો માળ આપી દીધો અને એ બાળકનો તમામ ભણવાનો ખર્ચ ઉપાડી લીધો.
આજે પંદર વર્ષ બાદ એ બાળક કલેકટર બની ગયો છે અને તે પૂરા શહેરની વચ્ચે સ્ટેજ પર લઈ જઈ જયંતિભાઈનો આભાર માને છે કે "હું જે કંઈ પણ છું તે આ વ્યક્તિના કારણે છું. આજે આ વ્યક્તિ ન હોત તો આજે હું રસ્તાના કિનારે ભીખ માંગતો હોત." અને આખું મેદાન લોકોની તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયું.
