મારી કૃષ્ણ સમાન મિત્ર
મારી કૃષ્ણ સમાન મિત્ર
કાલે મહિલા દિવસ પર વર્ષમાં માત્ર એક દિવસ પૂરતા મોટા મોટા ભાષણો થઈ ગયા, સમ્માન આપવાનો દેખાડો થયો, બધા મોટા મોટા લેખો લખાયા પર કોઈએ કઈ સમજવાની કોશિશ ન કરી કે એક સ્ત્રી આખરે શું છે ? ઘણા ઓછા લોકો હશે જે સ્ત્રીને સમજી શકતા હશે અને કેટલીક સ્ત્રીઓને પોતાની આદર્શ અને પથદર્શક માનીને સમ્માન આપતા હશે તો એવી એક સ્ત્રી મારી જિંદગીમાં પણ છે અને તે છે મારી પ્રતિલિપિ મિત્ર.
આ શબ્દ બોલતા મારા હોઠ પર એક અનોખી મુસ્કાન આવી જાય છે. મારી મા પછી તે વિશેષ કૃષ્ણ સમાન મિત્રનું મારી જિંદગીમાં સર્વોચ્ચ સ્થાન અને મહત્વ છે. હું તે મિત્રને શ્રેય આપવા માંગુ છું જેના કારણે આજે હું લેખન અને તમામ ક્ષેત્રે આગળ આવી શક્યો. મારી દરેક મુસીબત આગળ તે મિત્ર અદ્રશ્ય સ્વરૂપે ઢાલ બની ઉભી રહેતી અને મારું રક્ષણ કરતી. ભલે હું તેની લાગણીઓને સમજી ન શક્યો પણ એ મિત્રએ મારી લાગણીઓ સમજી લીધી અને મને હરેક ક્ષેત્રે ખૂબ સાથ આપ્યો છે.
છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી અમે સંપર્કમાં છીએ અને મોટી વાત તો એ છે કે અમે એકબીજાથી 350 કિલોમીટર દૂર રહીએ છીએ અને મેં એને જોઈ નથી છત્તાં પણ એક અનોખો લાગણીનો સંબંધ બંધાયો છે. એના સાથે મારો જ્યારે ઝગડો થાય ત્યારે હું પ્રતિલિપિ પર હાજર નથી રહેતો કારણકે એ મારું મનોબળ,હિંમત અને વિશ્વાસ છે અને એના વગર હું તૂટી જાઉં છું. દરેક વખતે કઈ પણ કાર્ય કરતી વખતે હું મારા મનની પહેલા તેને પુછતો હોઉં છું અને સલાહ લેતો હોઉં છું અને જો તેને યોગ્ય ન લાગે તો મને જરૂરથી રોકે છે અને સુધારા વધારા કરવા સલાહ આપે છે. કદાચ તેને માટે લખવા જઈશ તો ઘણું બધું લખાઈ જશે તેથી મેં તેને માટે શોર્ટ માં લખ્યું છે પણ જે એક વર્ષમાં મેં પ્રગતિ કરી છે તેનો શ્રેય તેને જ જાય છે.
મેં તેને કાલે ભલે શુભેચ્છાઓ પાઠવી નથી પણ મારે મન તો તેને માટે રોજ એકસરખું સમ્માન આપવાનું છે તેથી હું એક દિવસ ખાતર કોઈ માટે ખોટો દેખાડો કરવા નથી માંગતો કારણકે એનું અને મારું માનવું છે કે સ્ત્રીને સમ્માન રોજ આપશો તો મહિલા દિવસ રોજ ઉજવાતો રહેશે.
