Mariyam Dhupli

Inspirational Children

4  

Mariyam Dhupli

Inspirational Children

સ્નાન

સ્નાન

3 mins
75


ગ્રામ્ય વિસ્તારની ઠંડી છતાં હૂંફાળી પ્રભાતના સથવારે એક પિતા અને પુત્રના ડગલાં શ્રદ્ધા અને ઉત્સાહથી પ્રેરાતા મંદિરની દિશામાં આગળ વધી રહ્યા હતાં. નાનકડા બાળકનું મન હજારો પ્રશ્નથી છલોછલ ઉભરાઈ રહ્યું હતું. પ્રશ્નોનો ઉભરો પિતાની આગળ અવિરત ઠલવાઇ રહ્યો હતો. એ પ્રશ્નોમાં પોતાના પુત્રની બુદ્ધિશક્તિ અને સર્જનાત્મક વિચારોનું પ્રતિબિંબ નિહાળી પિતાનું હૈયું સ્નેહ અને ગર્વથી ગદગદ થઇ રહ્યું હતું. એક પછી એક નિર્દોષ છતાં તર્કયુક્ત પ્રશ્નોના ઉત્તર પિતા તરફથી ત્વરિત અને હાસ્યથી તરબતર મળી રહ્યા હતાં. 

" આ પતંગિયું કોણે બનાવ્યું ? "

" ઈશ્વરે "

" એમાં રંગો કોણે પુર્યા ?"

" ઈશ્વરે "

" આ નદીમાં પાણી કોણે ભર્યું ? "

" ઈશ્વરે "

" પહાડને ધરતી જોડે કોણે ચોંટાડ્યા ? "

" ઈશ્વરે "

" આ આભને હવામાં અધ્ધર કોણે લટકાવ્યું ? "

" ઈશ્વરે "

" એમાં વાદળોના આકારો કોણે દોર્યા ? "

" ઈશ્વરે "

" પંખીઓને પાંખો કોણે બાંધી ? "

" ઈશ્વરે "

" વૃક્ષો ઉપર ફળો કોણે ટાંગ્યા ? "

" ઈશ્વરે "

"જમીનમાંથી શાકભાજી કોણે નીકાળી ? "

" ઈશ્વરે "

" મને, મારી બા,દાદી અને બાપુ તમને પણ ઈશ્વરેજ બનાવ્યા ?"

" હાસ્તો વળી. " 

" જાતે ? " શબ્દના ઉચ્ચારણ જોડે નાનકડું મોઢું ઉદગાર સમું ખુલ્લુંજ રહી ગયું. પિતાના ચહેરા ઉપર સર્જનહાર પ્રત્યેના આભારની અભિવ્યક્તિ સ્પષ્ટ દર્શન આપી રહી.

મંદિરની દાદરો નજીક પહોંચતાં જ પિતા-પુત્રના ડગલાં થોડા સમય માટે થંભ્યા. પિતાનો હાથ પુત્રના ખભે હેત સભર ટેકાયો. આધ્યાત્મિકતાએ હૃદયને તરબોળ કરી મૂક્યું. 

" તને, મને, આપણા પરિવારનેજ નહીં ; આ સમસ્ત બ્રહ્માંડના દરેક માનવી, સ્ત્રી, પુરુષ, બાળકો, પ્રાણી, પંખી, પ્રકૃત્તિ, જીવિત - નિર્જીવ, એક - એક રજ અને કણ ઈશ્વરે જાતે રચ્યા છે." પિતાના ઉત્તરનો શબ્દેશબ્દ ધીરજ અને ધ્યાનથી સાંભળતા નાનકડો ચહેરો વિસ્મયમાં ડૂબ્યો. થોડી ક્ષણોના મૌન પછી તર્ક અને જીજ્ઞાસા ફરી હાવી થયા.

" ઈશ્વરે બધુંજ જાતે રચ્યું ? પોતાના હાથ વડે ? કુંભાર કાકાની જેમ ? " 

નિર્દોષતાની પરમસીમા ઉપર પિતાનું હાસ્ય ન જ રોકાયું. 

" હા, પોતાના હાથ વડે. તદ્દન કુંભાર કાકાની માફક. "

બીજીજ ક્ષણે હાસ્યની પળ વીંધાઈ. ચહેરો હાસ્ય છોડી ધીરગંભીર બન્યો. પ્રેમ,સ્નેહના સ્થળે અણગમો અને રીસ હાવભાવોમાં પ્રસરી ગયા. પુત્રને રીતસર ખેંચી બીજી તરફ ધકેલ્યો. સંતુલન ગુમાવતા નિર્દોષ મન પોતાના સર્જનાત્મક અને તર્ક સભર જગતમાંથી શોકસાહીત બહાર આવી પડ્યું.

" બાપુ...."

પુત્રને ઝડપથી થામી પિતાએ એની સુરક્ષાની ચકાસણી કરી.

" વાગ્યું તો નહીં ? "

પુત્ર તરફથી કોઈ ઉત્તર મળ્યો નહીં. એ મનોજગત હજી જોરદાર ધક્કાથી સ્તબ્ધ હતું. પિતાએ એના શરીરના દરેક અંગનું જાતે નિરીક્ષણ કર્યું. કોઈ ઈજાનું નિશાન ન દેખાતા મન આખરે રાહત પામ્યું. 

પુત્રના શરીરની અત્યંત નજીકથી પસાર થયેલું શરીર ઘણું આગળ નીકળી ચૂક્યું હતું. દ્રષ્ટિએ એની ઝીણવટ ભરી તપાસ કરી લીધી. પુત્રની દ્રષ્ટિ પણ એજ દિશામાં અટકી હતી. આખરે એ શરીર બન્ને દ્રષ્ટિથી ઓઝલ થયું. પુત્રના શોક્ગ્રસ્ત મનોજગતને સંભાળતા પિતાએ એ માસુમ હૈયાની મૂંઝવણ દૂર કરવા પ્રયાસ કર્યો.

" એ અછૂત જાત છે. એ શરીરને અડકવાથી અપવિત્ર થવાય. પછી મંદિરમાં ન જ પ્રવેશાય. ઘરે જઈ ફરીથી સ્નાન કરવું પડે. સમજ્યો ? "

પિતાનો હાથ થામી નાનકડા ડગલાં ધીમે - ધીમે મંદિરની દાદર ચઢવા લાગ્યા. નાનકડું હૃદય હજી કોઈ ઊંડા વિચારમાં ગરકાવ હતું. થોડી ક્ષણો પહેલા અવિરત ચાલી રહેલું મોઢું તદ્દન શાંત હતું. નિ:શબ્દ. 

પિતાએ પૂજાની થાળી ચોક્કસ જગ્યાએ ગોઠવી. મૂર્તિના પગ સ્પર્શ્યા. પુત્ર એ ક્રિયાનું મૌન અનુકરણ કર્યું. મૂર્તિના પગનો સ્પર્શ થયો જ કે મંદિરના ઘંટથી શાંત વાતાવરણમાં એક ઊંડો પડઘો પડ્યો. એજ સમયે નાનકડા હૈયામાં પણ એક ઊંડો પડઘો પડ્યો. અચાનક એણે ઘરની દિશામાં દોટ મૂકી. 

" અરે આમ ક્યાં જાય છે ? " પિતાની હેરત પ્રશ્નમાં ડોકાઈ.

" ઘરે સ્નાન કરવા. " દોડતા દોડતાજ ઉત્તર ઉતાવળે પરત થયો.

" પણ તારું શરીર સ્પર્શ્યું ન હતું. તું પવિત્ર છે. "

દોડતા શરીરમાંથી હાંફતા શબ્દોએ દલીલ રજૂ કરી. " હું ઈશ્વરને સ્પર્શ્યો. તમેજ કહ્યું કે ઈશ્વરે જાતે બધાને પોતાના હાથ વડે રચ્યા છે. તો એ અછૂત શરીરને પણ અડક્યાં હશે ને....

મંદિરની દાદરો ઝડપથી ઉતરી રહેલા પુત્ર ઉપર પિતાની ફાટી આંખો નિ:શબ્દ જડાઈ ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational