Desai Gaurang

Classics Inspirational

4  

Desai Gaurang

Classics Inspirational

સમય સમયની વાત - ઓનલાઇન શિક્ષણ

સમય સમયની વાત - ઓનલાઇન શિક્ષણ

4 mins
226


કોરોનાનુ જોર ઘટતા હવે કેટલીક શાળા, સ્કુલ ફરીથી ખુલી રહ્યા છે. કેટલાક વાલી પોતાના સંતાનને શાળાએ મોકલવા તૈયાર થયા છે તો કેટલાક સાવચેતી રૂપે હજી રાહ જોઈ રહ્યા છે. આ કોરોના આપણા સૌ માટે અનેક નવા અનુભવ લઈને આવ્યો છે. તેમાથી એક એટલે ઓનલાઈન શિક્ષણ. 

ખાસ કરીને નાના બાળકો માટે, આ પરીસ્થીતીમાં તેના ફાયદા ગેરફાયદાની ચર્ચા હાલ પુરતી બાજુ પર રાખીએ. વર્ષ પહેલા ભુલકાઓના હાથમાં મોબાઈલ ફોન આપવાના જોરદાર વિરોધ કરતા આપણે જ આજે સવારે ઉઠીને વહેલા વહેલા બાળકોને તૈયાર કરી જાતે તેમના હાથમાં સેલફોન કે લેપટોપ થમાવીયે છે. સમય સાથે બધુ બદલાય છે કે સમય બધુ બદલી નાખે છે. વાત માત્ર શિક્ષણની નથી,વાત શાળા કે સ્કુલમાં જઈ શિક્ષણ મેળવવાની છે. શાળાનું એ બ્લેકબોર્ડ હવે મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર દેખાય છે. વિચાર આવે કે  બ્લેક કે વ્હાઈટ બોર્ડ જેટલું શીખવે છે એટલું જ કદાચ શાળા જીવનના અનુભવ બાળકોને શીખવે છે.

જેમ કે શાળાના મેદાનમાં રમતા રમતા પડી જવાથી છોલાઇ ગયેલી ઘૂટણ, રીશેસમાં નાતજાત અમીર ગરીબ, ઉચનીચના ભેદભાવ વગર ખુલી જતા લંચબોક્સ કે નાસ્તાના ડબ્બા, હોમવર્ક ન કર્યું હોય અને શિક્ષક પહેલી બેંચથી નોટબુક તપાસવાનું ચાલુ કરે અને આપણા સુધી પહોંચે ત્યાં સુધીનો તણાવ અને તેમાં પણ શિક્ષક આપણી આગળની બેંચ સુધી પહોંચી ગયા હોય અને ત્યાં રીશેસનો ઘંટ વાગે ત્યારે જે આનંદની અનુભુતિ થાય તે, બારી માથી ગળાઈને આવતા સુર્યપ્રકાશના નાના ગોળ પ્રતિબિંબની બદલાતી સ્થીતી પરથી છુટવાની રાહ જોવાનો વૈજ્ઞાનિક અભિગમ, પરિકરથી લાકડાની બેંચ પર કાણા પાડીને કરવામાં આવતું બાળસહજ એન્જીનયરીંગ, શિક્ષા ભોગવીને પણ ટીચરને જોડીદારનુ નામ ન આપવા વાળી દોસ્તી, શિક્ષકની ચાપલુસી કરી મોનીટર બનતા વિધાર્થીની મનમાં બનાવેલી છબી,શાળાની બેંચની ખીલ્લીમાં ભરવાઈને ફાટી જતો યુનીંફોર્મ, ચોપડી ખોલીને પાન નંબર પરથી રમાતુ ક્રિકેટ, ન આવડતું હોય તેવુ જો શિક્ષક પુછે ત્યારે આજુબાજુ નજર ફેરવવાની પણ શિક્ષક સાથે નજર નહી મેળવીને સવાલ ચુકવી દેવાની ચાલ, વગેરે વગેરે

મહીનાની છેલ્લી તારીખનો વહેલા છુટવાનો આનંદ, બુધવાર કે ગુરુવારની યુનીફોર્મ પહેરવાની છૂટ્ટી અને રંગીન કપડા પહેરવાની ખુશી, કોઈ રાજકીય નેતા કે પદાધીકારીના મૃત્યુથી મળતી આકસ્મિક રજા અને મૃત્યુ જેવી દુખદ વાતમાં પણ બાળકને તો રજાની મજા વગેરે વગેરે કેવી રીતના ઓનલાઈન શિક્ષણમાં શક્ય બને...

એક મજાની સરખામણી 

ઓનલાઈન શિક્ષણમાં શિક્ષક વિધાર્થીને શિક્ષા ( punishment) કેવી રીતના કરતા હશે. મારી ઉંમરના દરેકના મનમાં ઘણા બધા શિક્ષકોની છબી આજે પણ દિલમાં સંઘરાયલી છે એક કારણ તો તેમણે આપણા જીવનમાં અમુલ્ય પ્રદાન અને બીજું કારણ તેમની કડક અને આગવી રીતના કરવામાં આવતી શિક્ષાકોઈનો ધોલ, કોઈની થપ્પડ, કોઈનું ચુટીંયુ, કોઈની સોટી, કોઈનું ડસ્ટર મારા પરીવારને પણ કદાચ આમ જ કોઈ યાદ કરતું હશે કારણકે માતા-પિતા શિક્ષક, દાદા શિક્ષક અને માસ્તરના હુલામણા નામે જ ઓળખાતા, ત્રણે કાકા શિક્ષણ સાથે સંકળાયેલા, મામી અને માસી શિક્ષક, તેમાં પણ પિતરાઈ- મસિયાઈ ભાઈ-ભાભી, સગા સંબંધી ઉમેરોતો શિક્ષક તરીકેની યાદી બહુ લાંબી થઈ જાય, અને નવી પેઢીમાં રેજલ ભાભી પણ શિક્ષક

પણ પાછું વળીને જોઈએ તો એ વાંકા વળીને અંગુઠા પકડવાની શિક્ષાએ જ કદાચ આપણને જીવનમાં ટટ્ટાર ઊભા રહેતા શીખવ્યું હશે, ઉપરથી અંગુઠા પકડતી વખતે વધુ કડક શિક્ષાના ભાગ રૂપે પીઠ પર મુકવામાં આવતુ પુસ્તક જે પડવું ન જોઈએ નહીતો વધારે શિક્ષા .. એ સંતુલન જાળવાનુ કદાચ આપણને આગળ જીવનમાં અનેક વિપરીત પરીસ્થીતીમાં પણ અડગ રહેવાનું શિખવવા માટે હશે, અને શિક્ષક દ્વારા કરવામાં આવતી “મરઘા” બનવાની શિક્ષા કદાચ આપણને એવુ કહેવા માટે હશે કે આગળ જીવનમાં તમારે માત્ર “મરધા” બની નથી રહેવાનું, તમારે તો ઊંચે આકાશમાં ઉડવાનુ છે અને નવા નવા શિખર સર કરવાના છે.

ઓનલાઈન શિક્ષણને આ પળોની ખોટ શાળા એ ભણી ગણીને આગળ કોલેજમાં જવા માટેનો રસ્તો માત્ર નથી. શાળા કે સ્કુલ એ પોતે જીવન ઘડતરનો ફુલ સીલેબસ છે. એટલે ઓનલાઈન શિક્ષણથી કદાચ પુસ્તકીયા જ્ઞાનની ખોટ સરભર થાય પણ સ્કુલ કે શાળાની ખોટ કદાપિ પુરાય નહી.  એવું મારુ માનવું છે.

મારુ વતન દાહોદ. ઐતીહસીક રીતે તેની એક ઓળખ ઔરંગઝેબનુ જન્મસ્થળ. શહાજહાની દખ્ખણ પર કુચ અને દાહોદમાં સૈન્યનો પડાવ, મુમતાઝના કૂખે છઠ્ઠા બાળકના જન્મની તૈયારી. નેક ઔલાદ માટે મૌલવી સાહેબે બયાં કરેલ ઘડી ચુકી ન જવાય તે માટે મુમતાઝ માટે એક ઝાડ નીચે કરવામાં આવેલી વ્યવસ્થા. છતા એ ઘડી ચુકી ગઈ અને એક એવા ક્રુર પુત્રનો જન્મ જેને પાછળ જતા રાજગાદી માટે પોતાના ભાઈઓની કતલ કરી અને શહાજહાને મૃત્યુ સુધીની કેદ કરી.

માત્ર ભણવામાં આવ્યું હોત તો વર્ષો પહેલાની આ વાત કદાચ યાદ ન રહે પણ મારા પ્રિય શિક્ષકો પૈકી એક અને વિદ્વાન સ્વ. એચ. જી. શાહ સર અમને તે સમયે ઔરંગઝેબના જન્મસ્થળ પર બનેલી મસ્જિદ અને તે ઝાડની નજીક બનાવેલ એ જર્જરિત ટીંબાની મુલાકાતે લઈ ગયા હતા પછી તો કેમ કરી ભુલાય.

કદાચ નસીબ આપણું કે તે સમયે ગુગલ મેપ કે ઈમેજીસના જન્મને હજી વાર હતી.


Rate this content
Log in

Similar gujarati story from Classics