Hiral Hemang Thakrar

Inspirational Others

3  

Hiral Hemang Thakrar

Inspirational Others

સમર્પણ

સમર્પણ

7 mins
14K


"હલ્લો પ્રકાશ, તમે જલ્દીથી ઘરે આવો હમણાં ને હમણાં" અકળાયેલા અવાજે નિશા પતિને ફોન પર કહી રહી.

"અરે પણ વાત શું છે ? શાંતિથી બોલને હજુ તો હમણાં હું બેંક પહોંચ્યો છું, એવી તે શું આફત આવી ?" ફાઇલોમાં નજર ફેરવતો પ્રકાશ ફોન પર નિશાને જવાબ આપી રહ્યો.

"મેં કહ્યુંને ઘરે આવો બસ." આટલું બોલતાં જ નિશાએ ફોન કટ કર્યો.

પ્રકાશ ડિપાર્ટમેન્ટ હેડને 'થોડીવારમાં આવું છું' કહી ઉતાવળે પગલે કાર સુધી પહોંચ્યો અને કારને ઘર તરફ હંકારી મુકી.

ઘરમાં પગ મુકતાં જ બોલ્યો, "હા નિશા, શું વાત છે ? કેમ આમ અચાનક બોલાવ્યો શું થયું ?"

"પ્રકાશ આપણે આજે જ જુદાં રહેવાં જતાં રહીએ, હવે બહુ થયું." ચીડાયેલા સ્વરે નિશા બોલી.

"અરે પણ આમ અચાનક ? વાત શું છે ? થયું શું ? સમજાય એમ બોલીશ ?" આશ્ચર્યના ભાવ સાથે પ્રકાશ નિશાને પુછી રહ્યો.

"આ તમારા મોટાભાઇએ ફ્લેટ માટે લોન લીધી હતી એ ચુકવી નથી શકતા એટલે બેંકવાળા આવ્યા હતા. નોટિસ આપી ગયા. હવે લોનની અમાઉન્ટ નહીં ચૂકવાય તો આ ઘર ખાલી કરવું પડશે, સમાજમાં બદનામી થશે એ અલગ. મેં કહ્યુંને તમને હવે આપણે અહીંયા રહેવું જ નથી, અલગ રહેવા જતાં રહીએ. એમના પ્રોબ્લેમ્સ એ લોકો જોવે." નિશા એકીશ્વાસે બોલતી રહી.

"નિશા તું જે ફ્લેટની વાત કરે છે તે કાંઈ મોટાભાઈએ એમના માટે નથી ખરીદ્યો. પપ્પાની આખરી ઈચ્છા હતી કે પિંકીને પોતાનું એક અલાયદું ઘર આપવું. તે ઈચ્છાને પૂર્ણ કરવા મોટાભાઈએ આ ફ્લેટ ખરીદ્યો ને પિંકીને આપ્યો. બિઝનેસમાં થોડા ચડાવ ઉતાર આવ્યા કરે, થોડો સમય થશે ને લોન ચૂકતે થઈ જશે." પ્રકાશ નિશાને સમજાવી રહ્યો.

"એ હું કાંઈ ના જાણું. આપણે બસ અહીંયા નહીં રહીએ લાલાને લઈને જતાં રહીએ બસ. મારે ગવર્નમેન્ટ જોબ છે અને તમારે બેંકની નોકરી, આપણે શા માટે આ લફડામાં પડવું ? મોટાભાઇને લોન ચુકવવી હોય તો ચુકવે, હું શું કરું ? મેં અરજી કરી દીધી છે મને ક્વાર્ટર મળી ગયું છે. આપણે ત્રણેય હવે ત્યાંજ રહીશું." નિશા તો બસ જીદ્દ લઈને બેઠી.

"બસ કર નિશા સ્વાર્થીપણાની કાંઈ હદ હોય, મારો લાલો મારો લાલો કહે છે ને એ આ મોટાભાઈ ભાભીના સમર્પણનું ફળ છે. તારે પહેલાં બાળકના મીસકેરેજ વખતે જ ડોક્ટરે કહી દીધેલું, તું હવે મા નહીં બની શકે, ત્યારે તને સંભાળવા માટે પોતાના નવજાત લાલાને ભાઈભાભીએ તને સોંપી દીધો ભૂલી ગઈ ?" પ્રકાશ નિશાને ભુલનું ભાન કરાવા કહી રહ્યો.

"જો નીશા આમ ઉતાવળે કોઈ નિર્ણય ન લેવાય હું મોટાભાઈ સાથે વાત કરું છું. બેંકમાં હમણાં આવું કહીને આવ્યો છું હવે જવું પડશે મારે." કારની ચાવી લઇ મેઇનડોર તરફ જતાં પ્રકાશ બોલી રહ્યો.

અંદરના રૂમના દરવાજાની આડશે ઊભા રહેલાં મોટાભાભી બધું સાંભળી રહ્યા. આમ ને આમ અઠવાડિયું પસાર થઈ ગયું. વળી બેંકમાંથી નોટિસ આવી, પંદર દિવસની છેલ્લી મુદ્દત આપી. હવે લોન નહીં ચુકવાય તો મકાન જપ્ત કરી લેવામાં આવશે.

"મોટાભાઈ હું બેંકમાંથી પર્સનલ લોન લઈ લઉં ? મને સરળતાથી મળી રહેશે. એકવાર આ મોટી ઉપાધી ટળે પછી નિરાંતે ચુકવતા રહેશુ." ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે બેઠા પ્રકાશ મોટાભાઈ વિશાલને કહી રહ્યો.

"ભાઈ તું ચિંતા ના કર, મેં હાઇવે વાળો પ્લોટ વેચાણ માટે મુકેલો જ છે સોદો થતાં જ બધી લોન ચૂકતે થઈ જશે. નિશા વહુને નહીં ગમે તું રહેવા દે ભાઈ. તારો સંસાર ના બગાડીશ." વિશાલ નાનાભાઈ પ્રકાશને સમજાવી રહ્યો.

"મોટાભાઇ એ પ્લોટ તો તમે જાનકી દીકરી માટે રાખ્યો હતો ને ?" પ્રકાશનો પ્રશ્ન.

"પ્રકાશ અત્યારે આ પરિસ્થિતિ સંભાળી લેવી જરૂરી છે જાનકી માટે પછી વિચારીશું. સમય જતાં સૌ સારાંવાનાં થઈ રહેશે." હતાશ સ્વરે વિશાલ બોલ્યો.

આ ચર્ચા થઈ રહી હતી ને નિશા ફરી વિફરી, "બસ પ્રકાશ જોયું ને મોટાભાઈ એમનું ફોડી લેશે તમે દોઢ ડાહ્યા નહીં થાવ હવે."

"તું કેટલી મતલબી થઈશ ?" પ્રકાશ બરાડી ઉઠ્યો "જ્યારે ને ત્યારે અલગ થવાની વાત કરે છે. સાંભળી લે, ગમે તે થાય હું મોટાભાઇનો સાથ નહીં છોડું. મારું આ જીવન મોટાભાઈની જ દેન છે હું કેમ કરી ભુલી જાઉં ? વર્ષો પહેલાં ફઈબાને ત્યાં રોકાવા ગયેલા ત્યારે દરિયાકાંઠે ફરવા ગયા હતાં. અચાનક આવેલું મોટું મોજું મને તાણી ગયેલું એ સમયે મોટાભાઈએ મને બચાવ્યો ના હોત તો આજે મારું અસ્તિત્વ જ ના હોત. આ જ શું આવું તો ઘણું બધું કર્યું મોટાભાઇએ પૂરા પરિવાર માટે." આંખમાં આસું સાથે પ્રકાશ બોલતો રહ્યો. "હું અને પિંકી ભણી શકીએ એટલાં માટે મોટાભાઇએ સોળ વર્ષની ઉંમરે ભણતર મુકી દુકાન સંભાળી. મમ્મીનું આકસ્મિક અવસાન પપ્પાની બિમારી અમારી જવાબદારીઓએ મારા મોટાભાઇને ઉંમર કરતાં વહેલાં મોટા કરી દીધાં. મેં એમને જીવનભર સંઘર્ષનો સામનો કરતાં જોયાં છે છતાં સદાય એમ જ કહે સૌ સારાંવાનાં થઈ રહેશે."

"એ જે હોય તે. મોટાભાઈ મહાન છે હું નહીં. વગર વાંકે આપણે શા માટે ભોગવવાનું ?" નિશા બોલી.

"જાનકીના પપ્પા સાંભળોને, પ્રકાશભાઈ ને નિશા લાલાને લઈને ભલે ખુશીથી જુદા રહેવા જતા રહે." અત્યાર સુધી ચુપ રહી બધું સાંભળી રહેલા મોટાભાભી પ્રિતીબેન બોલ્યા.

"મોટાભાભી આ તમે બોલી રહ્યા છો ?" આશ્ચર્ય સાથે પ્રકાશ ભાભી તરફ જોઈ રહ્યો.

"હા ભાઈ અમારું જે થવાનું હશે તે થશે, તમ તમારે સુખેથી રહી શકો એટલે કહું છું." દુઃખી હૃદયે પ્રિતીબેન બોલી રહ્યા.

પ્રકાશ અકડાઈને બોલ્યો, "જેને જે કહેવું હોય તે કહો હું ક્યાંય નહીં જાઉં, નિશા તારા પપ્પાનું એકસિડન્ટ થયેલું ત્યારે આ જ મોટાભાઈએ એમને લોહી આપેલું. મારું કે તારું લોહી કામ નહોતું આવ્યું, ભુલી ગઈ તું એ ઉપકાર ? હવે તો સ્વાર્થની પટ્ટીને ઉતાર."

"ટ્રીન.....ટ્રીન.....ટ્રીન.....ટ્રીન"

હલ્લો...... હા... હું... વિશાલ બોલું છું, તમે કોણ ?

"હા બોલો મિસ્ટર પરમાર."

"હા હું હમણાં થોડીવારમાં દુકાન પર આવું છું. તમે પણ ત્યાં પહોંચો ત્યાંથી જ સીધા પ્લોટ પર જઈશું." વિશાલ ફોન પર કહી રહ્યો.

"પ્રકાશ, એક મોટી પાર્ટી આવી છે એમને પ્લોટમાં ઇન્ટરેસ્ટ છે. જો આ સોદો થયો ને તો સૌ સારાવાના થઈ જશે." એક ઉમ્મીદ સાથે વિશાલ દુકાને જવા નીકળ્યો.

"ભાભી, હું પણ બેંક જાઉં છું સાંજે વાત કરશું." કહી પ્રકાશ નીકળ્યો.

"કરો જેને જેમ કરવું હોય તેમ.... હુંહ...." મોં બગાડતી નિશા પણ ઘર બહાર નીકળી ગઈ.

સૌ સારાવાના થઈ રહે તે માટે મોટાભાભી કાન્હાજીને આજીજી કરી રહ્યા. ત્રણ દિવસની ભાગદોડના અંતે પ્લોટનો સોદો સફળ થયો ને રોકડ રકમ હાથ પર આવતાં જ લોન ચુકવાઈ ગઈ. પતિને ઉદાસ જોઈ પ્રિતીબેન બોલ્યા,"જાનકીના પપ્પા હવે કેમ ઉદાસ છો ? લોનની ઉપાધી ટળીને હવે તો."

"પપ્પાએ જેમ પિંકીને મકાન આપવાની ઈચ્છા રાખી એમ હું પણ મારી લાડકીને કાંઇ આપી શકું એટલે તો આ એક માત્ર પ્લોટ લઈ રાખ્યો હતો, પણ હવે તો એના માટે કાંઈ ના રહ્યું હમણાં જોત જોતામા એના લગ્નનો સમય આવી જશે." ભારે હૃદયે વિશાલ પત્નીને કહી રહ્યો.

દુર ઊભાં રહી પ્રકાશ અને નિશા મોટાભાઇ ભાભીની વાતો સાંભળી. પ્રકાશ પત્નીને કહી રહ્યો,

"લે નિશા હવે તો તને શાંતિ થઈ ગઈને ?"

"પ્રકાશ મને માફ કરો મારી ભૂલ સમજાય ગઈ છે." પશ્ચાતાપના સ્વરે નિશા બોલી રહી.

"મોટાભાઈ, મોટાભાભી મને માફ કરી દો હું સ્વાર્થી થઈ ગઈ હતી. ભાભી આ મારા દાગીનાઓ રાખો જાનકી દીકરીના લગ્ન સમયે કામ લાગશે." પોતાની ભૂલનો એહસાસ થતાં નિશા પછતાઇ રહી.

"મોટાભાઈ આટ આટલી તકલીફો આવી તમે મને જણાવ્યું પણ નહીં, આ તો તમારી ને મોટાભાભીની વાત મેં સાંભળી લીધી તમે તો કાંઈ કહેવાના જ નહોતા, શું મારા લગ્ન થયા તો હું આટલી પારકી થઈ ગઈ ?" ભાઈભાભીઓને સરપ્રાઇઝ આપવાં અચાનક આવેલી પિંકી આ વાત સાંભળીને દુઃખી થઈ બોલી.

"અરે ના બેટા એવું તે કાંઈ હોતું હશે ? અમારે તો જાનકી પછી પહેલાં તું મોટી દીકરી. તું તારા ઘર સંસારની જવાબદારીઓમાં ગુચંવાયેલી હોય તને શા માટે ઉપાધી આપવી એટલે નહીં જણાવ્યું બેટા." નારાજ થયેલી બેનને મનાવવા વિશાલ પ્રયત્ન કરી રહ્યો.

પત્ની પ્રિતી, બહેન પિંકી અને નિશાની ભીની આંખો જોઈ વિશાલ કહી રહ્યો, "બસ બસ હવે આંસુનો દરિયો ના વહાવો સૌ સારાવાના થઈ રહેશે."

"सुबह का भुला शाम को घर लौट कर आए तो उसे भुला नहीं कहेते." માહોલ ને હળવો કરવા વિશાલ બોલ્યો.

હેં મોટાભાઇ "उसे क्या कहेते है ? "મજાકમાં સુર પુરાવતા પ્રકાશ બોલ્યો.

કપાળ પર ટપલી મારી ખુદને બુધ્ધુ કહેતી નિશા બોલી "उसको निशा कहेते है."

હા...હા...હા...હા...ઘરનું વાતાવરણ હળવું થઈ ગયું.

દુઃખના અંધકાર બાદ સુખનું સોનેરી કિરણ દેખાયું, સૌ શાંતિથી જીવી રહ્યા. અચાનક નિશાની તબીયત બગડતાં ડોક્ટર પાસે લઈ ગયા. ક્યારેય મા નહીં બની શકે એવું કહેનારા ડોક્ટરો કુદરતના ચમત્કારના પ્રત્યક્ષ સાક્ષી બન્યાં. નીશાના ગર્ભમાં ત્રણ માસનું બાળક આકાર લઈ રહ્યું એવું ડોક્ટરોએ કહ્યું. ઘરમાં ખુશીનો માહોલ રેલાયો. માતૃત્વ સુખ પામી રહેલી નીશાનું બધાં મળીને ખુબ જતન કરવાં લાગ્યા અને નવ માસ પૂર્ણ થતાં પુત્રને જન્મ આપ્યો. ઘર પરિવારમાં આનંદ છવાયો. ઘરનો મોભી વિશાલ સૌથી વધુ ખુશ થયો, ગાઈ ઉઠ્યો, "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી."

જોતજોતામાં મોહન બે વર્ષનો થવાં આવ્યો. લાલો હવે સમજદાર અને જવાબદાર મોટોભાઈ થઈ ગયો. પિંકી ફઇબા જાનકી માટે યોગ્ય મુરતિયો શોધી લાવ્યા ને 'જટ મંગની પટ બ્યાહ' જેમ ઘડીયા લગ્ન લેવાયા. દુલ્હનના રૂપમાં શોભતી જાનકી એ મમ્મી પપ્પાને એની ઈચ્છા વિશે વાત કરી, "પપ્પા હું ઈચ્છું છું કે પ્રકાશચાચુ ને નિશાચાચી પણ તમારા બંનેની સાથે મળી મારું કન્યાદાન કરે."

દીકરીનાં કન્યાદાનનું સુખ મળતાં પ્રકાશ અને નિશા ખુદને સૌભાગ્યશાળી સમજી રહ્યા. રંગે ચંગે પ્રસંગ પત્યો અને ભારે હૃદયે દીકરીને સાસરે વળાવી બધાં ઘરે આવ્યાં.

વિશાલ હંમેશા બોલતો 'સૌ સારાવાના થઈ રહેશે' અને થયું એવું જ. પરિવારમાં સંપ અને એકતા હોય બધાં દુઃખો સામે લડીને પણ બધાં શાંતિથી જીવી રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational