ઝંખના
ઝંખના
મમ્મીનો અવાજ આવ્યો,
"લોપા બેટા, જલ્દી તૈયાર થજે મારી દીકરી. મુદિત અને એના પરિવારવાળા આવતા જ હશે. મીતાભાભી આ માંગુ લાવ્યા છે ભગવાન કરેને બધું સમુસુતરુ પાર ઉતરે. થોડી શાંતિથી વાત કરજે હો બેટા."
સુંદર બાંધણીમા સજ્જ લોપા મમ્મી પાસે આવીને બોલી,
"મમ્મી તમે ચિંતા નહીં કરો, ભગવાને ધાર્યુ હશે તે થશે."
ડોરબેલ વાગી ઉર્મિલાબેન અને રમેશભાઈએ મહેમાનોનું સ્વાગત કર્યું. લોપા ચાની ટ્રે લઈને આવી. થોડી ઔપચારિક વાતો થઈ ને લોપા મુદિતને વાતચીત માટે બાજુના રુમમાં મોકલ્યા. લોપા તો મુદિતને જોતી જ રહી. મુદિત એને ગમી ગયો. મુદિતની હા હતી પણ એક વાત હતી જે એણે લોપાને કરી કે એ કયારેય બાળક નથી ઈચ્છતો. લોપાને મુદિત ગમતો હતો એટલે હા કહી દીધી. બન્ને પરિવારોની સહસંમતીથી ઘડીયા લગ્ન લેવાયા. થોડા દિવસ પરિવાર સાથે રહી બન્ને કેરલા હનીમૂન માટે ગયા. ત્યાંથી આવીને બંને પરિવારથી દૂર અમદાવાદ સેટલ થયા. બન્ને બહુ પ્રેમથી રહેતાં. પોતપોતાની નોકરીમાં વ્યસ્ત વારતહેવારમાં ઘરે જઈ આવતાં.
આમ ને આમ ત્રણ વર્ષ નીકળી ગયા. લોપાએ મુદિતને સંતાન માટે સમજાવવા પ્રયત્ન કર્યો પણ હંમેશની જેમ મુદિતની ના તે ના જ રહી. સમાજ બધે સરખો હોય, જો બાળક ના થાય તો સ્ત્રીઓને જ મેણાટોણા મારે. દોષનો ટોપલો સ્ત્રીના શીરે જે ઢોળાય. શું કરે લોપા? પતિ ખૂબ પ્રેમાળ અને લાગણીશીલ પણ જિદ્દી બધી વાત માને પણ બાળક માટે ના તે ના.
જોતજોતામાં સાત વર્ષ નીકળી ગયા. બધાં મિત્રો સંતાનોવાળા થયા. બધાંને જોઈને લોપાનું મન અશાંત થઈ જતું હતું. તેણે નોકરી પણ છોડી દીધી હતી. સોફટ ટોયઝ બનાવતા શીખી નાના મોટા ટોયઝ બનાવેને મિત્રોના સંતાનોને ભેટ આપી બાળકોની ખુશી જોઈ ખુશ થતી.
ખુબ પ્રયત્નો કરવા છતાં લોપા મુદિતને મનાવવામા અસફળ રહી. તે બાળક માટે ઝૂરી રહી હતી પણ પતિ સમજવા તૈયાર જ ન હતો. ઘણી વખત પૂછવા છતાં મુદિત કોઈ કારણ જણાવતો ન હતો. બાળક દત્તક લેવા વાત કરી ત્યારે બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો અને વાત છુટાછેડા સુધી પહોંચી. વડીલોની સમજાવટ બાદ મામલો થાળે તો પડયો પણ લોપામાં રહેલી સ્ત્રી તડપીને રહી ગઈ.
ચાર બેડરૂમવાળા મોટા ટેનામેન્ટમાં રહેવાવાળા માત્ર લોપા અને મુદિત. સમય જતાં લોપાએ દુઃખી રહેવાને બદલે ખુશી શોધવાનું શીખી લીધું. ચારમાંથી બે બેડરૂમને બહારગામથી અમદાવાદમાં અભ્યાસ માટે આવનારી છોકરીઓને ભાડા પર આપી પી.જી. હાઉસ ચાલુ કર્યું. તેમાં છ છોકરીઓ રહેવા આવતાં આખો દિવસ ઘરમાં કલબલાટ થવા લાગ્યો. 'લોપાઆંટી મને રીંગણ ના ભાવે, લોપાઆંટી હું બધાં માટે કેક બનાવું? લોપાઆંટી આ વીકએન્ડમાં મુવી જોવા લઈ જશો?'
લોપા પોતાનામાં રહેલું માતૃત્વ બધી છોકરીઓ પર ઓળઘોળ કરતી, લાડ લડાવતી, સમજાવતી અને જરૂર પડ્યે ખીજાતી. તે છોકરીઓમાં જ પોતાનું મન પરોવતી. પી.જી.ની છોકરીઓ બદલાતી રહે પણ લોપા તો એના એ જ બધાને વ્હાલ કરે. મુદિતની ના પાછળનું કારણ અકબંધ હતું પણ હવે લોપાની એટલી બધી દીકરીઓ હતી કે એકલું લાગતું જ નહીં.
પછી તો લોપા અને મુદિત વચ્ચે બાળક માટેની ચર્ચા થતી જ નહીં. બન્ને પોતપોતાનામાં મસ્ત રહેતાં અને સુખેથી જીવન પસાર કરતાં.
પી.જી.ની છોકરીઓએ લોપાઆંટી અને મુદિતઅંકલની પચ્ચીસમી એનિવર્સરી પર સાથે મળીને સરપ્રાઇઝ પાર્ટી આયોજિત કરી.
લોપાની આંખમાં હરખના આંસુ આવી ગયા. એ માત્ર એટલું જ બોલી શકી "મુદિત, તમને એક સંતાન નહોતું જોઈતું પણ આ જુઓ મારી કેટલી બધી દીકરીઓ છે જે મને ખૂબ પ્રેમ કરે છે. જેનાં લીધે આજે વેરાન રણ જેવું મારું જીવન લીલાછમ્મ બાગમાં ફેરવાઈ ગયું છે."
વરસોવરસ લોપા જે કારણ જાણવા તડપતી રહી આખરે મુદિતે જણાવ્યું.
"લોપા તે ઘણાં વર્ષો મારી જીદ્દના કારણે સહન કર્યું, હું તારી તકલીફને સમજી શકું છું. પરંતુ સાચું કારણ જણાવવાની મારામાં હિંમત નહોતી, સાંભળ આજે હું તને બધી હકીકતથી વાકેફ કરાવું."
"મોટાફઇબાએ લગ્ન નહોતા કર્યાં એ આપણી સાથે જ રહેતાં. દાદાજી દાદીમા મોટાફઇબા પપ્પા મમ્મી અને હું. નાનનપણનું મને આછું આછું યાદ છે મોટાફઇબા અને બા સાથે મમ્મીને અણબનાવ રહ્યાં કરતાં. આપસી ઝઘડાઓ કાયમ થાય પરિવારમાં કંકાસનું વાતાવરણ રહે. દાદાજી કાંઈજ નહોતા બોલતાં મુક બની બધું જોયા કરે. પપ્પા પણ એકદમ ચુપ, ના મોટાફઇબાને કાંઈ કહે ના દાદીમાને કાંઈ કહે ના મમ્મીને. બસ કામસર ઘરની બહાર જ રહે વધું સમય. હું નાનપણથી પ્રેમ માટે ઝંખના કરતો રહ્યો, પરંતુ ભર્યો પૂરો પરિવાર હોવા છતાં કોઈ તરફથી મને એ પ્રેમ કદી મળ્યો નહોતો. મોટાફઇબાને દાદીમા યાત્રા પર ગયેલા ત્યાં એમને અકસ્માત નડ્યો બંનેનું મૃત્યુ થયું. પપ્પા આ બનાવ માટે મમ્મીને દોષ દેવા લાગ્યા અને એમની વચ્ચે આપસી પ્રેમ ઘટતો ચાલ્યો અંતર વધતું ચાલ્યું. મમ્મીને જાણે આઝાદી મળી હતી એ તો મહિલામંડળ અને કિટીપાર્ટી ને એમાં મશગૂલ રહેવા લાગ્યા. પપ્પા બિઝનેસ ટુર્સ પર વ્યસ્ત રહે. મારા તરફ એમનો પ્રેમ એટલે માત્ર ગીફ્ટસ અને મોટી પોકેટમની, મોટાફઇબા અને દાદીમાના મૃત્યુ બાદ હું આયાઆંટી અને દાદાજી પાસે મોટો થયો.
દાદાજીનું મૃત્યુ થતાં મને ૧૦મું અને ૧૨મું માટે બોર્ડિંગસ્કુલમાં મોકલી દેવાયો. પહેલાં એક છત નીચે જ દુર દુર રહેતાં, હવે મને માઈલો દુર મોકલી દેવાયો. નવું વાતાવરણ નવા લોકોની ભીડ વચ્ચે હું એકલો. થોડો સમય લાગ્યો મને બધાં સાથે એડજસ્ટ થતાં. પછી તો ઘણાં મિત્રો બન્યા, અને હું ખુશ રહેતાં પણ શીખતો ગયો. જ્યારે જ્યારે પેરેન્ટસમીટ હોય બધાંના પેરેન્ટસ આવે. હું અનિમેષ નજરે જોયાં કરું, ક્યાંક મમ્મી કે પપ્પા દેખાય, પણ દરવખતે મારી આશા ઠગારી નીવડે. હું વેકેશનમાં ઘરે જતો ત્યારે પણ જાણે મહેમાન હોઉં એવું જ લાગ્યાં કરતું. હું નાનીમા પાસે ગામડે ચાલ્યો જતો. મારું ગ્રેજ્યુએશન પૂરું થયું ડિગ્રીસર્ટીફિકેટ સેરેમની થઈ ત્યારે પણ કોઈ ના આવ્યું. મને તો આમ એકલાં રહેતાં આવડી ગયું હતું ને કદાચ એટલે જ મેં મહેસાણા પરત ના ફરતાં અમદાવાદમાં જ નોકરી શોધી લીધી. એકલો રહેવા તો હું પહેલેથી ટેવાયેલો હતો. મમ્મી પપ્પાનો લગ્ન માટેનો આગ્રહ વધતો રહ્યો ને હું તને જોવા આવ્યો. લોપા તું મને જોતાં જ ગમી હતી, મેં ત્યારે જ તને મારા મનની વાત કહી દીધી હતી."
લોપા મુક બની મુદિતનાં હૈયામાં ઘરબાયેલી વાતોને સાંભળવા સમજવા કોશિષ કરી રહી.
મુદિત આગળ કહી રહ્યો, "હું આખી જિંદગી મમ્મી પપ્પાનાં પ્રેમ માટે તરસતો રહ્યો. કદાચ એટલે જ ડરુ છું કે આપણે યોગ્ય પેરેન્ટસ ના બની શકીએ તો આપણું સંતાન પણ આમ જ રીબાયને જીવન વિતાવે. એટલે જ હું હંમેશા આ વાતથી દુર રહ્યો. મને માફ કરજે લોપા હું જાણું છું તને બાળકો ખૂબ વ્હાલા છે પરંતુ મેં જે જાતે અનુભવ્યું છે એ મને બહુ ડરાવે છે એથી જ હું નિઃસંતાન રહેવા ઈચ્છતો હતો. હવે મને મારી ભુલ સમજાય છે મેં આ થોડાં વર્ષોમાં જોયું છે તું એક સફળ માતા બની શકે એટલી સક્ષમ છે. જાણું છું હવે મોડું થઈ ગયું છે બની શકે તો મને માફ કરજે."
કુદરતના ગર્ભમાં શું હોય તે કોણ જાણી શકે છે? વરસોનાં પાનખર બાદ આખરે લોપા અને મુદિતનાં જીવનમાં વસંત આવી.
