Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Shashikant Naik

Drama


4  

Shashikant Naik

Drama


સ્માર્ટ ફોન

સ્માર્ટ ફોન

5 mins 279 5 mins 279

સાંજે કંદર્પ ઘરે આવ્યો ત્યારે પત્ની રૂપાએ સમાચાર આપ્યા, "બાપુજીનો ફોન હતો. કાલે બપોરની બસમાં તેઓ બા સાથે અહીં આવે છે. તેમણે કહ્યું છે કે બસ સ્ટેન્ડથી રિક્ષામાં તેઓ ઘરે આવી જશે."

"બીજું કાંઈ કીધું છે ? કોઈ ખાસ કામ, કેટલું રોકવાના છે વગેરે." કંદર્પે ચિંતા સાથે પૂછ્યું.

"કામનું તો કીધું નથી, પણ લાબું રોકાશે એવું એમની વાત પરથી લાગ્યું." કહેતા રૂપા રસોડામાં ગઈ.

કંદર્પ એના માતા-પિતાનો એકનો એક દીકરો. કોઈ ભાઈ-બહેન હતા નહીં. પોતે ગામમાં એમની સાથે રહીને મોટો થયો હતો, ત્યાંની સ્કૂલમાં ભણ્યો હતો. કોલેજ વખતે હોસ્ટેલમાં રહ્યો હતો. એમ.બી.એ. થયા પછી મોટા શહેરની એક જાણીતી કંપનીમાં નોકરી મળી ગઈ હતી, એટલે અહીં આવ્યો હતો. પહેલા એકલો ભાડે રહ્યો હતો, પછી રૂપા સાથે લગ્ન બાદ પોતાનો ફ્લેટ લઈને રહેતો હતો. ફ્લેટ મોટો હતો અને ઘરમાં એ બંને સાથે આઠ વર્ષનો પુત્ર જય, એમ ત્રણ જણ હતા. એટલે બા-બાપુજી જયારે પણ આવે ત્યારે થોડું રોકાતા, છતાં એમને ખાસ અગવડ રહેતી નહીં. રૂપાને પણ સાસુ સાથે સારું બનતું. મમ્મી અહીં રહે ત્યાં સુધી રૂપાને રસોડામાંથી છુટ્ટી મળી જતી, તો જયને સ્કૂલ બસ સુધી મૂકવા લેવા જવાની જવાબદારી પપ્પા સાંભળી લેતા. જયને પણ દાદા સાથે સારું ફાવતું, એટલે રૂપાને ઘણી રાહત રહેતી. એવા સમયે તેનું બહાર જવાનું વધી જતું. કંદર્પને માતાની રસોઈમાં બાળપણનો સ્વાદ આવતો. રાત્રે જમી-પરવારીને બધા બેઠા હોય ત્યારે બાળપણની યાદો, ગામની નવાજૂની વગેરેમાં અડધી રાત પતી જતી. ગામની ખેતીમાંથી એમનો ખર્ચ નીકળે એટલી આવક થતી એટલે આર્થિક રીતે એમના તરફથી કોઈ તકલીફ નહોતી, બલ્કે જતી વખતે તેઓ થોડી-ઘણી રકમ જયના હાથમાં મૂકી જતા.

છતાં એમની હાજરી હોય ત્યારે કંદર્પ અને રૂપા માટે થોડીક મૂંઝવણો પણ સર્જાતી. એકલા હોય ત્યારે જે પ્રકારે છૂટ લઈ શકતા તે સંકોચાતી. રૂપા બહાર જાય ત્યારે સાસુ કાંઈક કહીને ટોકતાં. ખાવા-પીવાની બાબતમાં પણ એવું થતું. નાની નાની બાબતોમાં પણ તેમની સલાહ ક્યારેક કંટાળાજનક બની જતી. જયના અભ્યાસ બાબતમાં પણ ક્યારેક દખલગીરી વધતી. રસોઈ મમ્મી બનાવતા એટલે સ્વાભાવિક રીતે જ સાંજના જમણમાં આધુનિક વાનગીઓને બદલે ખીચડી-શાક કે રોટલી શાકનું પ્રમાણ વધી જતું. જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ, એમના રહેવાના ફાયદા ઉપર એમના રહેવાના લીધે પેદા થતી અગવડો હાવી થઈ જતી અને એમ થવા લાગતું કે હવે એ લોકો જાય તો સારું..!

આમ છતાં તેમણે મોં પર હાસ્ય સાથે એવું કહેવાની ફરજ પડતી કે "હજુ રહો ને, શું ઉતાવળ છે ?"

એ લોકો અહીં હોય ત્યારે જયને એમના ભરોસે મૂકીને રજાના દિવસે કે રાત્રે મિત્રોને ત્યાં મળવા જવાનું ખૂબ અનુકૂળ બની જતું.

આ વખતે પણ એ જ બન્યું. એક તરફ આનંદ હતો, તો બીજી તરફ મૂંઝવણ. પહેલું અઠવાડિયું તો ખૂબ આનંદમાં વીતી ગયું. બીજા અઠવાડિયા પછી એનો ભાર શરૂમાં હળવો રહીને ધીરે ધીરે વધવા લાગ્યો. એક સાંજે કંદર્પ અને રૂપા એમના એક મિત્રને ત્યાં ગયા હતા. મિત્રના ઘરમાં તેઓ બંને, તેમના બે બાળકો, અને તેમના મમ્મી-પપ્પા એમ છ જણાની વસ્તી હતી. એમના મિત્રે દરવાજો ખોલ્યો અને 'આવો' કહી પોતે રસોડા તરફ પાણી લેવા માટે વળ્યો. પરિચિત ઘર હતું એટલે ઔપચારિકતાની જરૂર નહોતી. બંને જણ ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘરના બધા માણસો જમી-પરવારીને હૉલમાં બેઠા હતા. ટીવી પર કોઈ સિરિયલ ચાલતી હતી, પણ કોઈનું ધ્યાન તેમાં હોય એવું લાગ્યું નહીં. સોફામાં બેસીને બધા પોત-પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતા. એ લોકોના બેઠા પછી મિત્રની પત્નીએ તથા તેના પપ્પા-મમ્મીએ તેમના તરફ જોઈને ઔપચારિક સવાલો પૂછી લીધા અને પાછા પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા. કંદર્પે તેની નોંધ વિચારપૂર્વક લીધી. પછી તેઓ મિત્ર સાથે તેના રૂમમાં જઈને બેઠા. થોડી વાર ગપ્પા માર્યા પછી ઘરે જવા નીકળ્યા.

"તેં કાંઈ નોંધ્યું ?" રસ્તામાં કંદર્પે રૂપાને પૂછ્યું.

"ના, શું ?"

"જોયું ? બા કેવા વ્યસ્ત હતા ?"

"મને તો બહુ ખરાબ લાગ્યું. તમારા મિત્ર સાથે તેના રૂમમાં જઈને ના બેઠા હોત તો હું તો હું પાંચ જ મિનિટમાં ઊભી થઈ જાત. મોબાઈલ માણસોને કેવા લાગણીહીન બનાવી દે છે !.."

"એ તો ખરું, પણ મને એ જોઈને એક વિચાર આવ્યો છે."

"શું ?"

"નિરાંતે કહીશ."

રૂપા કંદર્પ સામે જોઈ રહી. એને કાંઈ સમજાયું નહીં. ત્યાં સુધીમાં ઘર આવી ગયું એટલે બંને અંદર ગયા.

એ વાતને બે દિવસ વીતી ગયા પછી એક દિવસ કંદર્પ એક નવો સ્માર્ટફોન લઈને આવ્યો અને આવતાની સાથે સામે બેઠેલા પપ્પા સામે જોઈને કહ્યું, "પપ્પા, હું તમારા માટે એક સરસ નવો ફોન લાવ્યો છું. બે દિવસ પછી તમારી વર્ષગાંઠ આવે છે, એટલે તમારા માટે ભેટ."

"મારે સ્માર્ટફોનની શું જરૂર છે, બેટા ? મને તો ચલાવતા પણ નહીં આવડે. મારે તો ડાયલવાળું ડબલું જ સારું. તારી મમ્મીને પણ ના આવડે. કેટલો મોંઘો આવ્યો હશે."

"ડાયલિંગવાળા ફોનનો જમાનો ગયો, પપ્પા. હવે તો મોબાઈલ ફોનનો જમાનો આવ્યો છે. ગામમાં હો ત્યારે કેટલા દિવસો સુધી તમારો ફોન બંધ પડી જાય છે, અને ભાડું પણ કેટલું વધારે. નહીં વાપરીએ તો યેં ચૂકવવાનું. એના કરતા તો આ ખૂબ સસ્તો પડે. વળી એમાં તમે સમાચાર વગેરે પણ જોઈ શકો. વોટ્સએપ પર તમારા મિત્રો સાથે ગપ્પા પણ મારી શકો."

"વાત તો તારી સાચી છે, બેટા. ગામમાં પણ હવે બધા પાસે મોબાઈલ છે. મારા જેવા બે-ત્રણ જણાને ત્યાં ડબલા છે, એટલે બગડે તો માણસ કેટલાય દિવસ પછી આવે. ચોમાસામાં તો લગભગ બંધ જ હોય. પણ મને શીખવશે કોણ ?" 

"એ તો આવડી જશે. હું તમને શીખવીશ. રૂપા પણ શીખવશે અને જય પણ હવે તો એમાં નિષ્ણાત થઈ ગયો છે."

અઠવાડિયામાં તો પપ્પા ફોન બરાબર વાપરતા શીખી ગયા, એટલું જ નહીં. વોટ્સએપ ઉપર મિત્રોને શોધીને ગપ્પા પણ શરુ કરી દીધા. ધીમે ધીમે એમનો ફોન-પ્રેમ વધતો જ ગયો. હવે તો જયને મુકવા જાય ત્યારે પણ ફોન સાથે જ હોય અને ઘણી વાર તો ફોનમાં વ્યસ્ત હોય ત્યારે જયને સામે કહેવું પડે કે "દાદા, મારી બસ આવી ગઈ, બાય." રાત્રે જમીને પણ થોડી જ વારમાં પોતાના રૂમમાં જતા રહે અને ફોનમાં વ્યસ્ત થઈ જાય. ટીવી પર આવતી તેમની ખાસ સિરિયલો પણ વિસારે મૂકાઈ ગઈ. ક્યારેક એવું થવા માંડ્યું કે પપ્પા ફોનમાં વ્યસ્ત હોયકે એના કારણે નાહવાનું મોડું થયું હોય ત્યારે જયને બસમાં બેસાડવા રૂપાને જવું પડતું.

આ મોબાઈલ રોગ એટલો ચેપી છે કે એની અસર સાથે રહેતા કોઈને પણ થયા વિના રહે નહીં. કંદર્પની મમ્મીને પણ થયું કે મને પણ આ ચલાવતા આવડી જાય તો કેવું સારું ?  થોડા દિવસ પછી એક દિવસ રસોઈ કરતા કરતા એણે દબાતા અવાજે રૂપા આગળ બળાપો ઠાલવ્યો, "આ તારા પપ્પાના હાથમાં એવું રમકડું કંદર્પે પકડાવી દીધું છે કે હવે તો મારી સાથે પણ સરખી વાત નથી કરતા. કાંઈ પૂછું તો હા-ના કરી દે. તમે લોકો ઘરમાં હો ત્યારે તો કંઈક પણ વાત થાય, પણ તમે ના હો ત્યારે તો મારે ઘરના રાચરચીલા સાથે જ વાત કરવી પડે..!"

રૂપા મમ્મીનો ઈશારો સમજી ગઈ. તેને થયું કે મમ્મીમાં પણ હવે ફોન રોગના લક્ષણો દેખાવા લાગ્યા છે. સાથે જ એને ચિંતા પણ પેઠી કે જો કંદર્પ માતૃપ્રેમના આવેશમાં મમ્મીને પણ ફોન લાવી દેશે તો  ઘરનું  અને રસોડાનું કામ પણ તેણે જ કરવું પડશે. 

જો કે, એક રીતે તો એ ગમતી વાત હતી કે ટકટકારો તો ઓછો થાય. થોડા દિવસ તો એણે કંદર્પને કાંઈ કહ્યું નહીં. એણે જોયું કે મમ્મીના સ્વભાવમાં કાંઈક બદલાવ આવ્યો છે. હંમેશા લાગણી અને 

પ્રેમથી વાત કરતા મમ્મી ક્યારેક ચિડાઈ પણ જતા, ક્યારેક કામમાં પણ આળસ કરી જતા,  ક્યારેક રસોઈ પણ બેસ્વાદ બની જતી.  આખરે એણે એક દિવસ આ વાત કંદર્પને કરી. કંદર્પ કાંઈ બોલ્યો નહીં. પણ એ ચિંતામાં પડી ગયો.

લાંબી ગડમથલના અંતે કંદર્પને લાગ્યું કે મમ્મીને પણ ફોન લાવી આપવો જ પડશે. નહીં તો, અમારું જીવન તો આ લોકો ગામ હોય ત્યારે ચાલતું હતું તેમ ચાલતું રહેશે, પણ પપ્પા મમ્મી વચ્ચે આ ઉંમરે વિષાદ થાય તો પરિણામ ખરાબ આવી શકે, એમની તબિયત પર પણ અસર થાય.

કંદર્પ હજૂ કાંઈ નિર્ણય લે તે પહેલા જ એક સાંજે મમ્મીએ કંદર્પને કહ્યું, "બેટા, હવે મારે ઘરે જવું છે. તું મને બસમાં બેસાડી જજે. હું એકલી જતી રહીશ. મને ત્યાં પાડોશીઓનો સંગાથ મળે અને ઘરના કામમાં વખત પણ વીતે. તારા પપ્પાને તો અહીં કે ગામ બધે સરખું જ છે. એમને તો ફોન મળ્યો એટલે બધું મળી ગયું."

કંદર્પ થોડી વાર મૌન રહ્યો. તેનું અનુમાન સાચું પડતું લાગ્યું. એને થયું કે મમ્મીને આ રીતે એકલી મોકલવાથી તો વાત વધારે બગડશે. થોડી વાર વિચારીને એણે મમ્મીને કહ્યું, "સારું, એવું કરીએ. આ અઠવાડિયાના અંતે મારે બે દિવસની રજા છે. જયને પણ રજા છે. આપણે બધા સાથે જ ગામ જઈશું. બહુ વખતથી અમે પણ બહાર ગયા નથી. એ બહાને વેકેશન થઈ જશે. બરાબર ને ?" એણે રૂપા તરફ જોઈને કહ્યું.

"બહુ સરસ. પણ તારા પપ્પાને કીધું ?"

"હું વાત કરું છું." કહીને તે પપ્પા પાસે ગયો. તેમને રજાની વાત કરીને સંમતિ મેળવી લીધી અને શુક્રવારે સાંજે તો બધા ગામ જવા નીકળી ગયા. જતા પહેલા કંદર્પે મમ્મી માટે પણ એક ફોન ખરીદી લીધો, પણ તે ગામ જઈને આપીશ એમ વિચારીને પોતાની પાસે જ રાખ્યો.

શનિ-રવિના બે દિવસ આનંદમાં વીતી ગયા. જયને તો મઝા આવી. દાદા જોડે ખેતરે પણ જઈ આવ્યો. રવિવારે નીકળતા પહેલા તે મમ્મીને ફોન આપવાનો વિચાર કરતો હતો, તે પહેલા જ પપ્પાએ કહ્યું, "બેટા, આ ફોન તું પાછો લઈ જા. અહીં ગામમાં તો મારે બધા સાથે પરિચય અને બીજા કામો પણ ઘણા, એટલે સમય પસાર કરવાની ચિંતા નથી. અને મારે ક્યાં વધારે વાત કરવાની હોય છે ? એટલે આ ડબલું જ ચાલશે. આટલા દિવસના અનુભવે મને સમજાયું કે આતો એક પ્રકારનું વ્યસન છે, જે પોતાનાને પણ પારકા બનાવી શકે."

કંદર્પને આશ્ચર્ય થયું. પોતે જે મનમાં રાખ્યું હતું તે પપ્પાએ આટલી સરળતાથી કહી દીધું. હવે મમ્મીને અલગ ફોન આપવાનો તો પ્રશ્ન જ નહોતો..!

"તમારી વાત સાચી છે. પણ એ ફોન તમે રહેવા દો. જ્યારે તમારું ડબલું બંધ હોય ત્યારે કામ આવશે. રોજ વાપરવો કે ક્યારેક તે તમારા પર છોડું છું. તમે મારા કરતા વધારે અનુભવી છો."

ચિંતાનું પોટલું માથા પર લઈને જવા તૈયાર થયેલા કંદર્પ-રૂપાને માથા પરથી મોટો ભાર હળવો થયો હોય એવો સંતોષ એમને થયો !


Rate this content
Log in

More gujarati story from Shashikant Naik

Similar gujarati story from Drama