શરીરનું અભિમાન
શરીરનું અભિમાન
ધવલને આજે ઘરના સ્ટોર રૂમમાંથી એક જૂનો ફોટો આલ્બમ હાથ લાગ્યો. ઉત્સુકતા સાથે તેને તેના પરથી ધૂળ હટાવી આલ્બમના એક પછી એક ફોટો જોવાનું ચાલુ કર્યું.
પહેલો ફોટો જોતાં જ સહેજ હસી પડ્યો અને બોલ્યો," આમાં તો હું કેવો લાગુ છું..! એકદમ સિંગલ બોડી, સુકલકડી." ધીરે ધીરે ઉત્સાહ સાથે આગળના ફોટો જોવાનું ચાલુ કર્યું.
જેમ જેમ ફોટો ફરતાં જતા તેમ તેમ તેના ચેહરા પર ચમક સાથે ખુશી પણ વધતી જતી.
મનમાં ને મનમાં બોલતો જતો, " આ તો જિલ્લાની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં પ્રથમ આવ્યો ત્યારનો છે. અરે, આતો રાજ્ય કક્ષાએ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં પ્રથમ આવ્યો તે છે ગાંધીનગરમાં."
બોડી બિલ્ડિંગમાં પોતાનું કરીઅર આગળ વધારતા તે નેશનલ એટલે કે મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ પણ મેળવી ચૂક્યો હતો. હવે તો બસ લક્ષ્ય મિસ્ટર વર્લ્ડ બનવાનું હતું.
નેશનલ સ્પર્ધા જીત્યા બાદ તેનામાં થોડું અભિમાન અને ગર્વનો નશો ચડી ગયો હતો.
આ બધુ વિચારતો હતો એટલામાં જ સ્ટોર રૂમનો દરવાજા બહારથી અવાજ આવ્યો. "સાહેબ હું આવી ગયો છું. તમારે ફ્રેશ થવું હોય તો તમને લઈ જાઉં. આજે ડોક્ટર થોડા મોડા આવશે એવું મને કહ્યું છે.
આલ્બમનો છેલ્લો ફોટો જોઈ તેને બંધ કરતા એક વિચાર વીજળી વેગે પસાર થઈ ગયો," આ મારા અભિમાન ના કારણે જ. કદાચ પેલા વૃદ્ધ દંપતીની મને હાય લાગી હશે."
પોતાની ભૂલ સમજતો હોય તેમ પોતાના પગ તરફ એક નજર કરી. આંખોમાં ઝળઝળિયાં સાથે નોકરને જવાબ આપ્યો,"હા..! કોઈ વાંધો નહીં."
