Sujal Patel

Classics Others Children

3  

Sujal Patel

Classics Others Children

શ્રેષ્ઠ શિક્ષક

શ્રેષ્ઠ શિક્ષક

5 mins
368


સ્કુલનો સમય ઘણી‌ એવી ખાટી મીઠી યાદો બનાવવાનો સમય હોય છે. એમાંથી ઘણું શીખવા પણ મળે છે, ને ત્યાં નવું જીવન જીવવા પણ મળે છે. સ્કુલ માં જે કાંઈ શીખવા ને જાણવાં મળે, તેનો બધો શ્રેય એક શ્રેષ્ઠ શિક્ષકને જાય છે.

જો શિક્ષક સારાં હોય. તો જીવનમાં ડગલે ને પગલે એ આપણને નવી રાહ બતાવી માર્ગદર્શન પૂરું પાડી શકે. મારાં જીવનનાં એવા જ એક‌ શિક્ષક એટલે નમ્રતા મેડમ ! સ્કુલ નો વાર્ષિક મહોત્સવ હોય કે ચોપડીનું જ્ઞાન ! તમામ વસ્તુઓ એ એટલી સહજતાથી ને પ્રેમથી શીખવે કે વાત જ નાં પૂછો.

હમણાં થોડાં દિવસથી વાર્ષિક મહોત્સવ ની તૈયારી ચાલી રહી હતી. હું ડાન્સ માટે ખૂબ જ ઉત્સાહિત હતી. મને ડાન્સ નો ખૂબ જ શોખ..જે વાત નમ્રતા મેડમ સારી રીતે જાણે.

"સ્નેહા, તને આ સ્ટેપ કરવું તો ફાવશે ને!?" નમ્રતા મેડમે શાંતિથી પૂછ્યું.

"હાં, મને ફાવશે." મેં હસતાં મોંઢે જવાબ આપ્યો.

મારાં જવાબની સાથે જ ગીત શરૂ થયું.

નટખટ નટખટ જમુના કે તટ પર

કુછ તો ચુરાયે હાય મૈયા

દિલ ચુરાયે નીંદ ચુરાયે

ચેન ચુરાયે હાય મૈયા

આ સોંગ છેલ્લાં કેટલાંય વર્ષોથી મારું ફેવરીટ છે. મારો આઠમાં ધોરણમાં નવી સ્કુલ માં પ્રવેશ થયો જ હતો. એ મારો પહેલો વાર્ષિક મહોત્સવ હતો. મને ખૂબ જ મજા આવી રહી હતી. સ્કુલ માં પ્રવેશ કર્યો. ત્યારે મને એમ હતું, કે મને નવાં વાતાવરણમાં નહીં ફાવે.. મિત્રો તો જૂનાં હતાં. પણ નવી સ્કુલ, નવાં સર, મેડમ, પ્રિન્સિપાલ...એ બધું જ નવું હતું. એમાં મને નમ્રતા મેડમ તરફથી જે પ્રેમ અને સહકાર મળ્યો. એ ખરેખર અવર્ણનીય હતો.

એક મહિનાની તૈયારીના અંતે આખરે સ્કુલ નો વાર્ષિક મહોત્સવ આવી જ ગયો. સ્વાગત ગીતનાં ડાન્સ પછી એક પછી એક ડાન્સ અને નાટક પછી અમારાં ડાન્સ નો વારો આવ્યો. જે મુજબ નમ્રતા મેડમે તૈયારી કરાવી હતી. એ મુજબ જ ડાન્સ નું પરફોર્મન્સ આપવામાં આવ્યું. તાળીઓનો ગડગડાટ એમની અને અમારી એક મહિનાની મહેનતનું પરિણામ દર્શાવતો હતો.

અમારાં ડાન્સ પરફોર્મન્સ પછી નમ્રતા મેડમનાં ચહેરા પર જે ખુશી છવાઈ. એ જોઈને મારો ચહેરો પણ મલકી ઉઠ્યો. હું એમની લાડલી સ્ટુડન્ટ છું. એ બધી બાબતે મને તૈયાર કરતાં. ક્યારેય કોઈ પણ ક્ષેત્રે એમણે મને પાછળ નથી રહેવા દીધી. 

મારી સ્કુલ સવારની હતી. નમ્રતા મેડમની સ્માઈલ જોયાં પછી દિવસની જે શરૂઆત થતી. એવી શરૂઆત તો ક્યારેય નથી થઈ. થોડાં જ સમયમાં નમ્રતા મેડમ સાથે એક અતૂટ સંબંધ બંધાઈ ગયો હતો. જેનાં વિશે ગમે એટલું કહું. ઓછું જ પડે.

એક પછી એક વર્ષો વિતવા લાગ્યાં. દશમાં ધોરણમાં તો મારો અને નમ્રતા મેડમ નો સાથ છૂટી ગયો. એમને મારાં જ ગામની બીજી સ્કુલ માં નોકરી મળી ગઈ. એમણે નાછૂટકે એ નોકરી સ્વીકારવી પડી. શિક્ષકો ગમે તેટલી મહેનત કરે, પણ એમનું પરિણામ તો સાવ ઓછું જ આવે. મારી સ્કુલમાં પણ એવું જ હતું. પગાર સાવ ઓછો હોવાથી મેડમ ને બીજી જગ્યાએ નોકરી કરવાં જવું પડ્યું.

નમ્રતા મેડમ વગર સ્કુલ નો એક એક દિવસ ભારે જતો હતો. છતાંય એમણે આપેલી સમજણ થી હું આ સ્કુલ માં ટકી રહી હતી. ધીરે-ધીરે કોલેજ નો સમય નજીક આવતો ગયો. ત્રણ વર્ષ નાં અંતે તો મારી કોલેજ લાઇફ શરું થઈ ગઈ.

આટલાં વર્ષોમાં એક મહિનો એવો નહોતો ગયો, કે હું નમ્રતા મેડમ ને મળી નાં હોય. એ સ્કુલ માં નહોતાં. પણ એમનું સ્થાન મારાં દિલમાં હતું. એમનાં રસ્તે ચાલવાની મજા જ અલગ હતી. એમનાં પછી પણ મારાં જીવનમાં ઘણાં મેડમ આવ્યાં. પણ એમનાં જેવો પ્રેમ, સાથ અને સહકાર કોઈ પાસેથી નાં મળ્યો.

એક દિવસ એમ જ અચાનક મારી નમ્રતા મેડમ સાથે મુલાકાત થઈ ગઈ. એ દિવસોમાં હું બહું પરેશાન રહેતી.

"શું થયું સ્નેહા ? કેમ પરેશાન છે ?" નમ્રતા મેડમે ખૂબ જ નમ્રતાથી પૂછ્યું. મેં ઘણી કોશિશ કરી. છતાંય મારી પરેશાની એમનાથી નાં છુપાવી શકી. જેવું એમનું નામ એવાં જ એમનાં ગુણ છે. 

"હું મહેનત કરું છું. દિવસ-રાત મહેનત કરું છું. પણ ધાર્યું ફળ નથી મળતું. ક્યાંક કંઈક ખામી રહી જાય છે. પણ એ ખામી જ નજર નથી આવતી. બધું નજર સામે હોવાં છતાં કાંઈ નજર નથી આવતું. સારાં માર્ક્સ લાવવાં બહું મથામણ કરું છું. પણ નથી લાવી શકતી." મેં મારાં દિલની બધી જ મનોવ્યથા મેડમ સામે ઠાલવી દીધી.

"તું મહેનત કરે છે. એ જ ઘણું છે. તને એનું પરિણામ પણ નજર આવશે. પણ તેને જોવાં માટે તારે અલગથી મહેનત કરવી પડશે. ભણતર ને બોઝ નહીં... એમાંથી કંઈક શીખી શકાય, ને સમજી શકાય... ભણતર ને એવું એક અનુભવ ક્ષેત્ર બનાવો. તું મને એક શ્રેષ્ઠ શિક્ષક સમજે છે..પણ હું કોને શ્રેષ્ઠ શિક્ષક સમજું છું તને ખબર છે??" નમ્રતા મેડમે જરાં હસીને પૂછ્યું.

"કોને??" મેં પૂછ્યું.

"અનુભવ...અનુભવ જ એક શ્રેષ્ઠ શિક્ષક છે. હું પણ અનુભવ થી જ આટલે સુધી પહોંચી છું. તારાં દિલમાં મારાં માટે જે માન છે, એ મને એમનેમ નથી મળ્યું‌. મારાં અનુભવો થકી જ મળ્યું છે." મેડમે ફરી એકવાર આગળ વધવા માટે શ્રેષ્ઠ સલાહ આપી.

શ્રેષ્ઠ સલાહ તો શ્રેષ્ઠ શિક્ષક જ આપી શકે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. મેડમ માટે એમનો અનુભવ શ્રેષ્ઠ શિક્ષક હતો. પણ મારાં માટે તો આજે, કાલે ને મારું આખું જીવન એ જ મારાં શ્રેષ્ઠ શિક્ષક રહેશે.

મેડમની સલાહ લઈને અમે બંને અલગ પડ્યાં. ફરી એકવાર એમની પાસેથી એક શ્રેષ્ઠ સલાહ મળી. એમની પાસેથી ઘણું શીખવા મળ્યું. એમની પાસેથી પુસ્તકીયા જ્ઞાન સિવાય પણ ઘણું જ્ઞાન મળ્યું. જે મને એમની પાસેથી મળી શક્યું. એ જ્ઞાનની હું હકદાર બની. એ વાતની મને બહું ખુશી છે.

આજે હું એક લેખક બની ગઈ છું. ઘણું ખરું લખી લઉં છું. નમ્રતા મેડમે મને નવી વિચારધારા આપી છે. જેનાં સહારે મેં ઘણું પ્રાપ્ત કર્યું છે. હજું પ્રાપ્ત કરવાની ધગશ પણ છે. જે એમનાં જેવાં સલાહકાર વગર શક્ય નાં બન્યું હોત.

તેમની સાથે બહું ઓછો સમય મળ્યો. પણ જેટલો મળતો, એ બધાં સમયને તે સોનેરી બનાવી દેતાં.

સમાપ્ત

શ્રેષ્ઠ શિક્ષક... શ્રેષ્ઠ શિક્ષક બનવું સહેલું નથી. એમનો ફાળો તેમનાં વિધાર્થીઓનાં જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જેમ મારાં નમ્રતા મેડમ...!

તમારો ખૂબ ખૂબ આભાર નમ્રતા મેડમ...તમે મારાં જીવનમાં આવી મને એક નવી રાહ બતાવી, હંમેશાં મારો સાથ આપ્યો એ બદલ.


Rate this content
Log in

Similar gujarati story from Classics