શ્રાવણી
શ્રાવણી
શ્રાવણી એટલે કુદરતના ખોળે મીઠી સુગંધ વાળી ધરા પર મુક્ત રીતે ફરફરતું ભોળું પારેવું!
શ્રવણ જેવા પતિને પામી શ્રાવણી પોતાની જાતને ધન્ય માનતી. થોડો સંકોચ અને શરમ સાથે શ્રાવણી એ પોતાના જ હાથ પર ચૂટકી ખણી લીધી કે આ સ્વપ્ન તો નથી ને!
નાના અંતરિયાળ ગામમાં ઉછરેલ શ્રાવણી રૂપમાં મેદાન મારી જતી, ગોરો આરસ જેવો દેહ, કાળા ઘેરા વાળ, ચમકીલી આંખોમાં ભરેલી શરારત, ચણીયા ચોલી જેવા ગામઠી વેશમાં શ્રાવણી પગે પાયલ ખનકાવી ડગ જ્યાંથી ભરતી ત્યાં ગામનાં જુવાનિયાઓનાં હોશ ઊડતાં. દસમું ફેઈલ શ્રાવણી એ શહેર શું છે તે કદી જોયું ન હતું. ગામમાં દસમા ધોરણ સુધીની જ પ્રાથમિક શાળા હતી.
પિતા સરપંચ તેથી ગામમાં શ્રાવણીના કુટુંબની આગવી પ્રતિષ્ઠા જરૂર હતી. શ્રાવણી ભણી નહીં પરંતુ વિનય વિવેક અને સંસ્કારોથી ભરેલી ચોક્કસ હતી. છેવટે શ્રાવણીની માતાએ પણ ગામના લોકોની ઘરેડમાં ખેંચાઈને દીકરીને આગળ ભણાવવાનું માંડી વાળી ઘરકામમાં પાવરધી બનાવવાનું નક્કી કરી લીધું અને ભણે નહિ તો અઢાર ઓગણીસની થઈ એટલે મુરતિયો શોધવાની ત્રેવડમાં હતી ત્યાં જાણે મુરતિયો સામે ચાલી ને આવ્યો હોય એમ લાગ્યું.
ગામમાં જમીન ખરીદવા આવેલ શ્રવણ નામનો શહેરી યુવાન ગામની આ ભલી ભોળી શ્રાવણી પર વારી ગયો, પોતાના સરપંચ પિતાજી સાથે ઉછલકુદ કરતી પતંગિયા જેવી શ્રાવણીની માસૂમિયત પર શ્રવણના માતા પિતાએ પણ લગ્ન માટે મંજૂરીની મહોર મારી દીધી. શ્રાવણીના ભલા ભોળાં માબાપ તો આ હકીકત માનવા જ તૈયાર ન હતા!
"શ્રવણ કુમાર... અમે તો ગામડાંના સીધા સાદા અને ગરીબ માણસ, અમને અમારું ગામ જ ગમે, વળી શ્રાવણી શહેરના વાતાવરણથી ટેવાઈ નથી તો અમે કેવી રીતે શ્રાવણીને તમારા હાથમાં..." બે હાથ જોડી શ્રાવણીના પિતાએ આજીજી કરીને કહ્યું.
"એ બધું તમે મારા પર છોડી દ્યો, આમ ચૂંટકીમાં બધું અમે શીખવી દઈશું." મલકાતાં મલકાતાં શ્રવણના માતા બોલ્યાં અને એકના એક દીકરાની ખુશી પર મંજૂરીની મહોર મારી અને ગોળધાણા વહેંચાયા ત્યાંતો જાણે શરણાઈ ગુંજી ઉઠી.
એકદમ કુદરતના ખોળે જીવનારી શ્રાવણીને શહેરના લોકો, રીતભાત, મોબાઈલ કમ્પ્યુટર, ટેકનોલોજી, ડ્રાઈવિંગ, એ.સી, ફ્રિજ, વગેરે વાપરવાનો તો દૂર, જોવાનો મોકો પણ મળ્યો ન હતો. ગામના ખેતર, ટેકરી, ફળિયું, નદી, પાદર, ઢોર ઢાંખર, ક્યારડા, કૂવો, તળાવ વચ્ચે મોજથી ઉછરેલી શ્રાવણી પોતાના ભોળપણ અને સાદગીથી સાસરિયામાં સહુના દિલ જીતી લીધાં.
સવારમાં વહેલા ઉઠી આંગણું વાળવું, પાણી છાંટવું, ઉંબર પૂજા, સાથીયા, તુલસીક્યારે દીવો, ઘરની સાફસૂફ, રસોઈ બધું એકદમ સ્ફૂર્તિથી કરી નાંખનાર શ્રાવણીને જોઈ સાસુ મનોમન ભગવાનને વંદી રહેતાં અને કહેતા..." ભગવાન આ મારી ભોળી પારેવડીને તું સદાય ખુશ રાખજે અને એની સુરક્ષા કરજે." સમાજના કાવાદાવાથી તદન અજાણ એવી શ્રાવણી સૌની આંખોમાં વસી ગઈ.
"શ્રવણ... આ મારી ભોળી રાણીનો ખ્યાલ રાખજે બેટા, તદન બાળક જેવી નિર્દોષ છે. છળ કપટ, ભેદભાવ, જૂઠ... બધાંથી દૂર છે. ભગવાને આપણા ઉપર કેટલી કૃપા વરસો છે જોને ત્યારે જ તો શ્રાવણી આપણા ઘરે આવી છે, કોઈ વધારે ભણેલી વહુ આવતે ને તો કદાચ સૌના બુરા હાલ થઈ જાત!" સાસુ શ્રાવણીના વાંસે હાથ ફેરવી પ્રેમથી એને નીરખી રહેતા શ્રવણને બોલતાં.
ધીમે ધીમે શ્રવણે શ્રાવણીને શહેરથી પરિચિત કરવાનું ચાલુ કર્યું, લોકો, રીત રિવાજ, વાહન, બજાર, ફેશન, કપડાં, મૂવી વગેરે જાણકારી આપતો.
વાતવાતમાં શ્રવણ શ્રાવણીના ગોરા મુખ મંડળ પર લહેરાતી વાળની લટને સમારતા ધીમે રહી લવ યુ ડાર્લિંગ બોલતો અને દસમું ફેઇલ શ્રાવણી શ્રવણની બાંહોમાં સમાઈ જતી.
ગામમાં હતી ત્યારે શ્રાવણી પોતાની સહેલીઓ સાથે સાઈકલ લઈ ટોળામાં ઘૂમતી પણ ગામના કોઈ છોકરાની મજાલ ન હતી કે શ્રાવણી સામે આંખ ઉઠાવીને જુએ! મુક્ત ગગનના પારેવા સમી અને આખા ગામમાં મુક્ત મને સાઈકલ પર બિન્દાસ્ત ઘુમનારી શ્રાવણી પરણીને પંદર દિવસમાં તો સ્કુટી ચલાવતાં શીખી ગઈ! ફ્રીઝ, ટીવી, એ.સી, માઈક્રોવેવ.... વગેરનો ઉપયોગે પોતાના સાસુ પાસે શીખવા લાગી.
આજે શ્રાવણી નજીકના શાક માર્કેટમાં શાક લેવા સ્કુટી પર ગઈ! શ્રવણે અને માતાએ ના પણ પાડી કે હજી તું શહેરના રસ્તાથી ટેવાઈ નથી. તોએ ઉત્સાહની મારી શ્રાવણી માર્કેટ નજીક હોવાની વાત આગળ ધરી હરખાતી નીકળી! બા તો બંગલાના ઓટલે જ બેસી રહ્યાં!
"શ્રવણ... આ શ્રાવણી પહેલી વાર જાય છે, મને ચિંતા થાય છે, કંઇ વાગી જાય, પડે મૂકે તો... ઉપાધિ... તું જરા જોને..."
પણ શ્રાવણી જેનું નામ, નદીની ધારાની જેમ સ્કુટી લઈ નીકળી, આજુ બાજુ ઊંચા મકાનો, રસ્તા પર ભારે ટ્રાફિક, લોકોની અવર જવર, આ બધા આટલી ભાગદોડ રોજ કેવી રીતે કરતાં હશે! વગેરે વગેરે અનેક સવાલો એના મનમાં ઉઠતા રહ્યા.
"આઇ લવ યુ ડાર્લિંગ... સાંજે કલાપી બાગમાં બરાબર છ વાગે મળીયે." શ્રાવણી એ અવાજની દિશામાં જોયું તો બાજુમાં ઉભેલ એક યુવાન બાઈક સવાર ડોકું ફેરવી શ્રાવણીની સામે જોઈ બોલી રહ્યો હતો કે જે ટ્રાફિક સર્કલ પર શ્રાવણીની બાજુમાં જ બાઈક લઈ ઉભો હતો.
અરે... આખા ગામમાં કોઈ જુવાનિયાની મજાલ ન હતી કે આંખ ઉઠાવી શ્રાવણી સામે જુએ, અને અજાણ્યો યુવાન પોતાને ...આઈ લવ.... સીધે સીધુ.... ના ઓળખાણ... ના... પિછાણ... આ... શહેરના લોકો... સમજે છે શું...? શ્રાવણી વિચારવા લાગી ત્યાં તો સિગ્નલ ચાલુ થયો અને બાઈક સવાર જવા માંડ્યો, શ્રાવણી એ સ્કુટી તેજ ભગાવી પેલા યુવકનો પીછો કરી તેની સામે સ્કુટી ઉભું રાખી બૂમાબૂમ કરી મૂકી, પંદર વીસ માણસોનું ટોળું ભેગું થઈ ગયું!
"તને પ્રોબ્લેમ શું છે, તેં મને પ્રોમિસ કર્યું હતું." હજી પણ પેલો યુવક બાઈક થોભાવીને પણ બોલી રહ્યો હતો.
"જુઓ... જુઓ... હજી પણ આ બેશરમ મને કેવું કહે છે..." શ્રાવણી મોટેથી બોલવા લાગી.
શ્રવણ માતાના કહેવાથી શ્રાવણીની પાછળ જ હતો. એણે પણ શ્રાવણી અને ટોળાંની વચ્ચે ઘૂસી જઈ પેલા યુવકને કઈક કહેવાનો પ્રયત્ન કરે તે પહેલાં યુવક બોલ્યો...
"ડાર્લિંગ........ આપણા ઈન્ગેજ્મેન્ટ માટે જે હૉલ બુક કરાવ્યો છે ત્યાં એડવાન્સ ભરવા જાઉં છું, હા... હા... સાંજે કલાપી બાગમાં મળીએ... અહીં રસ્તામાં કંઇ પ્રોબ્લેમ થયો લાગે છે , હું તને બે મિનિટ માં કોલ કરુ છું."
મોબાઈલના બ્લ્યુ તૂથ કાનમાંથી બહાર કાઢતાં બોલ્યો...
"શું થયું... કોઈ પ્રોબ્લેમ છે?"
"સોરી... સોરી... ના... ના... કશું નહીં... તમે જાઓ..." શ્રવણ બોલી ઉઠ્યો!
"ઉફ્ફ... શ્રાવણી... ચાલો... મારી ભોળી રાણી..."
"પણ... શ્રવણ... એ યુવાને મને..."
"શ્રાવણી... ચાલ... ઘરે... આજે તને મોબાઈલ વાપરતાં શીખવી દઉં છું."
શ્રાવણીના ભોળપણ પર મંદ મંદ મુસ્કાતો શ્રવણ શ્રાવણીને લઈ ઘર તરફ ચાલ્યો!

