શોર
શોર
શોર
કલશોર બંગલામા, સવાર નાં આંઠ વાગ્યાં હતા, દૂધ વાળો ક્યારનો બેલ મારી રહ્યો હતો, સમીર આંખ ચોળતો ઉઠ્યો અને દૂધ ની થેલીઓ લીધી.
રસોડા મા હજુ અંધારું હતું, પૂજા ઘર નો દરવાજો બંધ હતો. બાથરૂમ નાં દરવાજો અધખુલ્લો,અને પલંગ પર તેની પત્ની સપનાનું ઓઢણ ખુલ્લું, ગડી કર્યા વગર નું પડ્યું હતું .સપનાના ઓશિકે અડધું વાંચેલું પુસ્તક. આવું જોઈ સમીર ને ફાળ પડી..
તે સવારે કલશોર બંગલે કોઈ જ઼ શોર નહતો. સપના, બંગલો છોડી ચાલી ગઈ ચુકી હતી.
તે દિવસે કલશોર બંગલે કોઈ ઝઘડો નહોતો.
કોઈ નો ઉંચો અવાજ પણ નહોતો.
પરંતુ સપના શાંતિથી, કોઈને કીધા વગર ચાલી ગઈ હતી, એ હકીકત હતી.
સપના, એટલે તે સમીરની ગૃહહસ્તી નો મોભ, અને એવી સ્ત્રી હતી,જે ઘરના બધાના સપનાઓને પોતાનું નામ આપી દેતી.
સસરા ની સમયસર દવાઓ,
પતિ સમીર ના ધંધાનાં અધૂરા ઓરતા માટે ઉત્સાહ.,
બાળકોની આવતીકાલ —
બધું સપનાએ પોતાના શ્વાસમાં સાચવ્યું હતું.
એ સદા હસતી રહેતી હતી,
કારણ કે કલશોર બંગલા નિવાસીને સદાય માત્ર હાસ્ય જોઈએ હતું.
એ રોજ થાકતી હતી,
કારણ કે મોભ ને પણ ટેકો જોઈ તો હતો. પણ કેવળ લાગણી નાં તંતુ એ ચૂપ રહેતી હતી.
કોઈએ ક્યારેય પૂછ્યું નહોતું —
“તેને શું જોઈએ છે?”
છાતીના દુખાવાની ફરિયાદ નાં જવાબમાં તે દિવસે ડોક્ટરે આંખમાં આંખ નાખીને કહ્યું.
હવે
“સમય મર્યાદિત છે.”
રોગનું નામ ઘરમાં કોઈ થી સંભળાયું કે સપનાથી બોલાયું નહીં.
ફક્ત દવાઓ વધતી ગઈ,
અને સપના સ્મિત છોડી વધુ ઊંડી બનતી ગઈ.
તે દિવસો દરમ્યાન પણ સપના બધું કરતી ગઈ.
સવારની રસોઈ,
બપોરે બાળકોનું હોમવર્ક,
રાત્રે પતિના ચિંતાઓનું મૌન સાંભળવું.
અને આખરે એ સવાર
એણે પહેલી વાર
પોતાના માટે થેલી ભરી.
કોઈને કહ્યું નહીં.
કારણ કે એને ખબર હતી
એને રોકશે પ્રેમ,
અને હવે એ પ્રેમને પણ દુઃખ ન આપવું હતું.
કબાટમાં એક પત્ર મૂકી ગઈ:
“હું ભાંગી ને ભાગી નથી.
હું હવે થોડા દિવસો, મારા માટે જીવવા જઈ રહી છું.
મારો સમય કોઈ દવા કે દુઆ બચાવી શકાશે નહીં,
પણ હું મુક્ત શ્વાસ લેવા માંગુ છું, તે સમયસર શીખવા માંગુ છું.
આ સપના નાં સપનાઓ બહુ નાનાં છે.
સૂર્યાસ્ત જોવો,
દરિયાની હવા,
અને હસવું… મારા ખુદ માટે.”
સમીરને ખબર પડી.
સંસાર સાગર મા
એ દરિયો જોવા ગઈ હતી.
સૌના ચિત્ર સાકાર કર્યા .
સાસરે આવી અજાણ્યા લોકોને હસાવ્યા.
અને પોતાની બીમારી કરતાં
પરિવાર ને મોટો ગણ્યો .
આજે સપના ગઈ,ત્યારે
ઘરમાં પહેલી વાર ચા ઠંડી પડી ગઈ.
સસરા ને સમજાયું —
એ દવા કરતાં વધુ જરૂરી હતી.
પતિને સમજાયું —
એ પત્ની નહીં, આખું ઘર હતી.
બાળકોને સમજાયું —
મમ્મી કદીયે મજબૂત નહોતી,
એ મજબૂત બનતી હતી.
સપના ની મેડિકલ કેસ ફાઈલના છેલ્લાં પાના પર લખેલું હતું.
“દર્દ વિનાનું અવસાન.”
તે દિવસે જયારે તે ચાલી ગઈ.....
ત્યારે હવે...કલશોર બંગલે હવે એક અલગ શોર હતો.
સાચી સમજણ નો.
સપનાએ જતા જતા બધાને શીખવાડી દીધું.
કે જીવન માત્ર જવાબદારી નથી,
થોડું સ્વપ્ન પણ છે.
તે દિવસે જ્યારે સપના ચાલી ગઈ,
ઘરમાં સૌ કોઈ ની સવલત ચાલી ચુકી હતી .
કોઈજ શોર વગર, સપના મા રહેલી,એક સ્ત્રી આખરે જીવતા શીખી ગઈ હતી.
~~~~~~~~
અને એ શાંત શોર વચ્ચે, કલશોર બંગલાની કલ-શોર કરતી દિવાલો જાણે પહેલી વાર સાંભળવા લાગી — એક સ્ત્રીના અદૃશ્ય સ્વપ્નો, જે હંમેશા બીજાના માટે જીવતી રહી. સપનાની ગેરહાજરી એ શીખ બની ગઈ: કે પ્રેમ માત્ર ત્યાગથી નહીં, પણ સમજણથી પણ જીવંત રહે છે. હવે એ ઘરમાં, જ્યાં કદીયે કોઈએ “તને શું જોઈએ છે?” તે પૂછવા વાળું કોઈ નહોતું —
એ પ્રશ્ન પોતે ગુંજતો રહે છે. અને એ શોર, જે કદીયે ન હતો, આજે દરેક હ્રદયમાં ધબકતો રહે છે
એક સ્ત્રીના જીવનની સાચી સમજણ તરીકે.
