શિયાળો
શિયાળો
જશવંતભાઈ સવારે ચાલીને આવ્યા ત્યારે સાત વાગી ગયા હતા. દિકરો તથા તેની પત્ની ઊંઘતા હતા. એમને ગરમ કપડાં કાઢી મસાલાવાળી ચા બનાવી. ગેલેરીમાં બેસી ને ચા પીધી. એમની ધારણા હતી કે ત્યાં સુધી દિકરો તથા વહુ ઉઠી જશે પણ એમની ધારણા ખોટી પડી. હજી તેઓ ઊઠ્યા ન હતાં. ઠંડી તો હતી જ તેથી જ કદાચ તેઓ સૂઈ રહ્યા હશે. આમ પણ એમને વાસી કચરો ના વળાય ત્યાં સુધી તેઓ ઠાકોરજીની સેવા કરવા બેસતાં નહિ. દિકરો વહુ રાત્રે નાટક જોવા ગયેલા અને આવીને કહેતાં હતાં કે, "કારમાં હિટર ચાલુ કર્યું ત્યારે આવી શક્યા. બહાર બહુ જ ઠંડી છે."
જશવંતભાઈ વિચારતાં હતાં કે બંને દિકરીઓને પરણાવી દીધી પછી વહુને ઘરમાં ખાસ કંઈ કામ રહેતું ન હતું. ગયા મહિને દિકરો પણ નિવૃત્ત થઈ ગયો. હશે ભલે બિચારા આરામ કરે. પણ એમને યાદ આવ્યું કે કામવાળી આજે આવવાની નથી. તેથીજ એમને હાથમાં સાવરણી લીધી અને કચરો વાળ્યો અને પોતુ કરી નહાવા બેસી ગયા. સ્નાન કરી સેવા કરવા પણ બેસી ગયા.
દિકરાની વહુ ઉઠી ત્યારે ઘર સાફસૂફ જોઈ ઘણું બધું સમજી ગઈ હતી. જયારે સસરા સેવા કરીને ઉઠ્યા ત્યારે વહુની આંખોમાં આંસુ હતાં. બોલી, "પપ્પાજી કાલે સૂતાં મોડું થઈ ગયું હતું. હું ઉઠીને કચરાપોતા કરત.તમે આટલી ઠંડીમાં આટલું બધું કર્યુ ! મને માફ કરો."
"બેટા, મને કંટાળો નથી અને આમ પણ ઘરનું કામ કરવામાં આળસ કે શરમ ના હોય. શિયાળામાં દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય. તું પણ કયાં કંઈ ઓછું કામ કરે છે ? શિયાળામાં જ સ્વેટર ગુંથાય. તારા આવ્યા પછી અમે કયારેય બજારમાંથી સ્વેટર ખરીદ્યા નથી."
"પપ્પાજી, એતો મારો શોખ છે કારણ ઊનનું સ્વેટર ઉનાળામાં ના બનાવાય. ગરમીને કારણે આંખો ખરાબ થઇ જાય."
"શિયાળામાં જ બધા વસાણા બનાવાય અને ખવાય. જેવા કે સાલમપાક, મેથીપાક, ગુંદરપાક, અડદિયું, વગેરે આપણે બનાવીને ખાઈએ છીએ જેના કારણે આખા વર્ષની શક્તિ મળી રહે."
"હા, હું તમને કહેવાનું ભૂલી ગઈ કે મેં ગઈકાલથી વસાણા બનાવવાનું ચાલુ કર્યું છે. એમાંય શિયાળો આવે એટલે ઊંધિયું, કચોરી તો વારંવાર આપણે ત્યાં બનતાં જ હોય છે. અને આજે આપણે સુરત જવાનું છે. સુરતમાં જ પૌંક અને પૌંકની વાનગીઓ આરોગવાનું મજા જ કંઈક જુદી છે. જલેબી, છાશ તથા માટલા ઊંધિયું તો ખરૂ જ. ખરેખર શિયાળો એટલે શાકભાજીની ભરપૂર સિઝન."
જશવંતભાઈ ખુશ થઈ પુત્રવધૂ સામે જોઈને બોલ્યા,"બેટા, આજે ૮૫ વર્ષની ઉંમરે પણ મને થાકનું નામનિશાન નથી. તને ખબર છે કે શિયાળામાં ખાધેલું આખું વર્ષ શક્તિ આપે. નાનપણથી મેં શિયાળામાં વસાણા ખાધા છે. પહેલાં મા બનાવતી હતી. પછી પત્ની અને હવે તું. શિયાળાે ઉત્તમ સિઝન છે. એમાં તમારા શોખ મુજબ કપડાં પહેર્યા. ગરમીનું તો નામનિશાન નહિ."પપ્પાજી, શિયાળો એટલે જ બધાની પ્રિય ઋતુ .
