શહેરી હીરો ને ગામડાની પ્રિન્સેસ
શહેરી હીરો ને ગામડાની પ્રિન્સેસ
આ વર્ષે ઉનાળાના વેકેશનમાં અમે ગામડે રોકાવા માટે ગયા. શહેરના દોડધામવાળા જીવનની સરખામણીએ થોડા દિવસો ગામડામાં વિતાવવાથી અમને શાંતિનો અનુભવ થતો. અમને તો ગામમાં રહેવાની મજા આવતી પરંતુ અમારા દીકરો પ્રથમ કે જે શહેરી વાતાવરણમાં રહેવા ટેવાયેલો હતો તેને થોડા જ દિવસોમાં પોતાનું શહેરનું ઘર, મિત્રો, ગાર્ડન, ફાસ્ટ ફૂડ, સ્કેટિંગ, સ્વીમીંગ, જીમ, વીડીયો ગેમ્સ વગેરે યાદ આવતા. વળી, ગામડામાં તેના મિત્રો પણ ઓછા હતા.
અમારા ઘરની બરાબર સામે પશાકાકાનું ઘર હતું. પશાકાકાના પરિવાર સાથે અમારો વર્ષો જૂનો સંબંધ. તેમની પૌત્રી પંખુડી અમે ગામ પહોંચતા કે તરત આવી જતી. થોડા દિવસમાં પંખુડી પ્રથમની મિત્ર બની ગઈ. તે પ્રથમને શહેરી હીરો કહી બોલાવતી. પ્રથમને પણ જાણે કે નવી મિત્ર મળવાથી થોડી મજા પડી ગઈ.તે પંખુડીને ગામડાની પ્રિન્સેસ કહેતો. બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ.
પંખુડીએ પ્રથમને ગામડાની ઘણી બધી બાળરમતો કે, જે રમતો પ્રથમ ક્યારેય નહોતો રમ્યો તે રમતો શીખવી. પ્રથમે પણ પંખુડીને કેટલીક નવી ગેમ્સ તથા મોબાઈલની અવનવી ગેમો શીખવી. બંનેને એકબીજા સાથે મજા પડી ગઈ ! બંને સાથે રમતાં અને સાથે જમતાં.
રોજ સવાર થાય કે પંખુડી પ્રથમને જગાડવા આવી જતી. એક દિવસ તે પ્રથમને આખું ગામ બતાવવા લઈ ગઈ. તેણે પ્રથમને ગામડાના કાચા ઘરો, તળાવો, વૃક્ષો, ખેતરો, દૂધ ડેરી, સરકારી દવાખાનું, પોતાની નાનકડી નિશાળ વગેરે બતાવ્યાં.
આ જોઈ પ્રથમે પખુડીને કહ્યું, "તારું ગામ તો મારી સોસાયટી કરતા પણ નાનું છે. તારા ગામમાં તો કોઈ ગાર્ડન પણ નથી. તમે બધા આખો દિવસ ધૂળમાં અને વડ નીચે રમો છો. તારી નિશાળ પણ ખૂબ જ નાની છે. ક્યારેક મારા શહેરમાં આવજે તો તને ખબર પડે કે ઘર કોને કહેવાય ? ત્યાંનાં રસ્તાઓ પણ કેટલા વિશાળ હોય છે. અમે રોટલા નહીં પરંતુ પીઝા બર્ગર ખાઈએ છીએ. અમારા શહેરમાં તો મોટી મોટી ઈમારતો અને કારખાના હોય છે. મારી સ્કૂલ પણ મોટી છે. સાચું કહું તો મને તો ગામડામાં વધારે વખત રહેવું ગમતું જ નથી."
આ સાંભળીને જાણે પંખુડીને ખૂબ જ ગુસ્સો આવ્યો.
તેણે કહ્યું કે,
"જો આ ગામ ના હોય તો તમને શહેરીઓને દૂધ કે શાકભાજી, ફળો ના મળે. અમે ખેડૂતો ખેતરમાં મહેનત ના કરીએ તો તમને ખાવાના પણ ફાંફા પડી જાય. તમે શહેરીજનો તો અમારા પર જ આધારિત છો. અમારા ગામમાં ચોખ્ખી હવા મળે જયારે તમારા શહેરમાં તો માત્ર પ્રદૂષણ હોય છે."
આમ, બંને નાનકડા મિત્રો વચ્ચે શહેર અને ગામની રહેણીકરણી બાબતે બાળસહજ વિવાદો થવા લાગ્યા. પંખુડીએ ગુસ્સામાં પ્રથમને ધક્કો માર્યો. પ્રથમે પણ પંખુડીનો ચોટલો જોરથી ખેંચ્યો. બંને મિત્રો રડતારડતા પોતપોતાના ઘરે આવ્યા.
મેં પ્રથમને પૂછ્યું શું થયું ? બીજા દિવસે પંખુડી પ્રથમને રમવા માટે બોલવવા ના આવી. બે ત્રણ દિવસો વીત્યા પરંતુ પંખુડી અને પ્રથમના રિસામણા અકબંધ રહ્યા.
મેં પ્રથમને પ્રેમથી પૂછ્યું તો તેણે મને બધી જ વાતો કહી. આ વાતો સાંભળીને મેં બંને મિત્રોને સાથે બેસાડીને સમજાવ્યું કે, ગામ અને શહેર બંને પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે. ગામમાં પ્રકૃતિના તત્વો સાથે રહેવાની તક મળે છે. આપણો ભારત દેશ ગામડાઓનો બનેલો દેશ છે. પંખુડીની વાત સાચી છે આપણે શહેરીજનો જીવનજરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ માટે ગ્રામજનો પર આધાર રાખીએ છીએ. વળી, ગ્રામજનોને પણ શહેરમાં મોટું બજાર મળી રહે છે. શહેરમાં ગામડાની સરખામણીએ સગવડો વધુ મળે છે. આમ છતાં, શહેર અને ગામ બંનેમાં રહેવાના કેટલાક ફાયદા છે તો કેટલાક ગેરફાયદા છે. ગામ અને શહેર બંને પોતપોતાની રીતે વિશિષ્ટ છે.
હા.. તમારી એકબીજાને મારવાની, નુકસાન પહોંચાડવાની, તથા રિસાઈ જવાની રીત ખોટી છે.
બંને મિત્રોને પોતાની ભૂલ સમજાઈ. તેમણે ઝગડો નહીં કરવાનું તથા હંમેશા એકબીજાના સાચા મિત્રો બની રહેવાનું વચન આપ્યું.
