શેરી ગરબા
શેરી ગરબા
માણસનો પહેલો સગો એટલે એમના આડોશી - પાડોશી, એટલેકે ફ્લેટ્સ-કોલોની-સોસાયટી કે પોળમાં રહેતા રહિશો...
શેરી ગરબા એટલે આડોશ પાડોશનાં સગાઓને એક તાંતણે બાંધતી ડોર છે, આ એક એવો ઉત્સવ છે જે બધાને "અમે એક ડાળનાં પંખી" હોવાનો ભાવ જન્માવે છે...
બહેનો દ્વારા માતાજીની સ્થાપના, સાથે મળીને સાજ-સજાવટ કરવી, ગરબો રમવાની જગ્યાની સાફસફાઈ, અન્નકૂટના નામથી નિતનવી ઘરેલું વાનગીઓ માઁને ધરાવવી, આરતી સજાવટના નામથી સૌ કોઈમાં રહેલી કલાને ઉજાગર કરવી, સાથે વડીલો માટે સાનુકૂળ બેઠક વ્યવસ્થા, આરતી ની આલબેલ પોકારતા ટાબરીયાઓ, શ્રધ્ધાભેર ગવાતી આરતી, પીપરમિન્ટ - ચોકલેટની રસીલી પ્રસાદી, મોબાઈલ બ્લ્યૂ ટૂથથી સ્પીકર ઉપર રમઝટ મચાવતા નીતનવા ગરબા, ગરબાની તાલે નાચતા ઝૂમતા સહુ ખેલૈયા, અલ્પાહારની જફાયત, ઠંડાપીણાંની છોળો વચ્ચે ઉમંગભેર ઘુમતો માતાજીનાં આશીર્વાદ નો મીઠો વાયરો, સાથે સાથે ભૂમીની રક્ષા કાજે આઠમની નવચંડી સાથે સમૂહ ઉજવણી ખુબજ મહત્વની હોય છે.
જોકે આજકાલ ઘણાં બધા અને ઘણીં બધી જગ્યાએ અમૂક 'અપવાદ' હોય છે અને રહેવાના, અમૂક વડીલોની જીદ હોય છે કે અમે છીએ ને... અમે કરીશું... કે પછી તમને ખબર ના પડે - તમને ના આવડે.
યુવાનોને એક કરવા... તેમને આગળ કરવાં... જેનો મુખ્ય ઉદ્દેશ્ય રિત - રિવાજો - પ્રસંગો અને સંબંધો કેવી રીતે સચવાયેલા રહે તેની શિખ આપવાનો હોય છે, અને એટલા માટેજ આવી બધી જગ્યાએ માત્ર શેરી ગરબા જ નહી પરંતુ ગણેશ ઉત્સવ, હોળી-ધૂળેટી, ઉત્તરાયણનો પતંગોત્સવ, ૧૫મી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરી એ ધ્વજવંદન અને રમત ગમતના અને ઈનામોના માધ્યમથી યુવાનો તથા બાળકોનો ઉત્સાહ વધારવાનો હોય છે, આવા બધા કાર્યોમાં જે'તે વડીલોએ સાથે મળીને યુવાનોને આગળ લાવવાના હેતુથી તેમની 'જીદ' ને બાજુએ મુકીને તેમની પાસે આવા કાર્યો કરવા દેવા જોઈએ અને કરાવવા જોઈએ .
આ એ'જ યુવાનો છે જે કાલે વડીલમાંથી વૃદ્ધ થયેલા કે વડીલની હયાતી નહી હોય તો તેઓ તેમની જગ્યા સાચવશે, કહેવાય છે ને કે 'જેવું પકવશો એવું'જ લણશો...'
જૂનાગઢ ખાતે માનસ નાઞર કથા માં પ.પૂ. મોરારીબાપુ એ ખુબજ સુંદર વાત કરી હતી કે...
"આજના તરવરીયા યુવાઓ ને આઞળ લાવો"
વડીલો એમને પ્રેરણા આપો - આશિર્વાદ આપો બાકીનું કાર્ય આજના આ યુવાનોને કરવા દો, એમની ઉપર છોડી દો.
બસ તો મનભરીને માણો શેરી ગરબાનો આનંદ.
મનભરીને ઉજવો ઉત્સવો.