આત્મહત્યાનું કારણ શું લોકડાઉન
આત્મહત્યાનું કારણ શું લોકડાઉન


આજકાલ આત્મહત્યા કર્યાના સમાચારો વારંવાર સાંભળવા મળતાં હોય છે, શું આનું કારણ લોકડાઉન હોઈ શકે..?
મારો જવાબ હા, થોડાઘણા અંશે લોકડાઉન જવાબદાર છે.
લોકો કરે પણ શું..?
જો જાણીતાં - ખ્યાતનામ અને પૈસેટકે સંપન્ન વ્યક્તિ આત્મહત્યા કરતો હોય તો વિચારો એક સામાન્ય અને મધ્યમવર્ગની વ્યક્તિઓની મનની હાલત કેવી હશે..? એ કેવી રીતે સહન કરતો હશે..? કેવી રીતે જીવતો હશે..?
મધ્યમવર્ગીય લોકોની લોકડાઉન પછીની પરીસ્થિતિ વધારે ખરાબ થઈ છે, લોકડાઉન હતું એ સમયતો ચાલો કે સંપૂર્ણ ઘરમાં હતાં, થોડું આઘુ પાછું કરીને ચલાવી લેતાં, ક્યાંકથી થોડીઘણી પૈસાની કે રાશન કીટની સહાય મળીને સમય પસાર થઈ ગયો પરંતુ લોકડાઉન પછી આવ્યું 'અનલોક-૦૧' પછી ૦૨ અને અત્યારે ૦૩.
નોકરીયાત વર્ગને ક્યાંતો પુરો પગાર ના મળ્યો કે પગાર ના'જ મળ્યો, અનલોક માં કેટલાય નાના નોકરીયાત લોકોની નોકરી ચાલી ગઈ... બેકાર બની ગયાં એ લોકો.
ઘણાં લોકો નાના નાના ઓનલાઈન કે અન્ય વ્યવસાય જેવાકે નાની ખાણીપીણી કે અન્ય દુકાન, રિક્ષા ચલાવવી, ટેક્સી ચલાવવી કે ઝોમેટો સ્વિગી જેવી કંપનીઓમાં ડિલિવરી બોય તરીકેના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતાં લોકોની હાલત તો સંપૂર્ણ ખરાબ થઈ ગઈ.
દાખલો મારો પોતાનો આપું તો મેં લગભગ ૨૨ વર્ષ સુધી માર્કેટિંગ ફિલ્ડમાં સેલ્સમેનથી શરૂઆત કરી માર્કેટિંગ મેનેજર સુધીનું કામકાજ કર્યું, પરંતુ આ ફિલ્ડમાં અતિશય દોડધામ, ટુરીંગ અને ટાર્ગેટ પ્રેશરના કારણે તબિયતની પૂરતી કાળજી ના લઈ શકાયું જેથી ડાયાબિટીસની અતિશય તકલીફ થઈ, વારંવાર હાર્ટએટેક આવ્યાં, ત્રણ વખત હાર્ટ ઓપરેશન થયાં.
આવી પરિસ્થિતિમાં બે વર્ષ પૂર્વે માર્કેટિંગની નોકરીને તિલાંજલી આપી કાંઈક પોતાનું કામ કરવું જેથી થોડીઘણી આવક આવે અને ઘર ચાલ્યાં કરે એવું વિચાર્યું, નોકરી છોડીને મારી પોતાની કારને ટેક્સીમાં પરિવર્તિત કરી અને ઉબર તથા વન વે ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું.
અંદાજીત ચારેક મહિના આમ ચલાવ્યું અને અચાનક તકલીફો આવી, ફરીવાર માર્કેટિંગની નોકરી શોધવી પડી અને નોકરીની સાથોસાથ સમય મળે થોડીઘણી ટેક્સી પણ ચલાવી.
થોડુંઘણું ગાડું ચાલવાનું શરૂ થયું અને ફરીથી બીજા ચાર મહિનામાં હાર્ટએટેક આવ્યો, ત્રણ સ્ટેન્ટ મુકવા પડ્યાં, નોકરી બંધ કરવી પડી.
લાંબા આરામ પછી (દિવાળી પછી) એટલેકે નવેમ્બર'૧૯ ની શરૂઆતમાં ફરીથી ધીમે ધીમે ટેક્સી ચલાવવાની શરૂઆત કરી, કારણ હવે તો માર્કેટિંગ ફિલ્ડમાં નોકરી કરવી શક્યજ નહોતી, પરંતુ કુદરત ને મંજૂર નથી કે નસીબમાં કાંઈ તકલીફો લખી છે ખબર નહીં, માત્ર ચારજ મહિનામાં ફરીથી તકલીફ આવી, આવ્યું આ લોકડાઉન.
પણ દિલથી એક વાત કરું કે લોકડાઉન પહેલાં મને ગમે તેવી તકલીફો આવતી હતી પરંતુ ઘર ચાલે એટલું કમાઈ લેતો હતો, ગયાં ઓગસ્ટમાં ઓપરેશન પછી આરામ કરવાના આશયથી રજાઓ લાંબી પાડી પરંતુ વચ્ચે વચ્ચે અંબાજી, વડોદરા કે રાજકોટ તરફની ટ્રીપ કરી આવતો જેથી થોડું સેટ થઈ જાય.
શરુંમાં લખ્યું એમ લોકડાઉન માં તો ગમેતેમ સમય પસાર થયો, ક્યાંકથી આર્થીક મદદ મળી તો ક્યાંકથી રાશનની કીટ મળી, કંટ્રોલ કરીને ૧૦૦ દિવસો કાઢ્યાં, આ 'અનલોક' ઘણું ભારે પસાર થઈ રહ્યું છે, ઉબરમાં આખા દિવસમાં માંડ એક કે બે ટ્રીપ આવે, આવક થાય ૧૦૦ થી ૧૫૦ રુપિયા અને ફ્યુઅલ ખર્ચ થાય ૩૫૦ થી ૪૦૦ રુપિયા નો, કેમનું પોસાય...?
માર્કેટિંગ માં કામ કરવાના કારણે અનુભવના આધારે મારા મોબાઈલમાં એપના માધ્યમથી દરરોજ અલગ અલગ પ્રકારની જાહેરાત બનાવી, ક્યારેક જાહેરાત સાથે શાયરી કે કવિતા લખીને સોશ્યલ મિડિયા એટલેકે ફેસબુક, વૉટ્સેપના માધ્યમથી બધાને મોકલતો રહું, લોકોને આકર્ષવા કાંઈક ને કાંઈક નવું નવું કરતો રહેતો, જેમકે કારમાં નાનું પુસ્તકાલય બનાવ્યું, બાળકોને માટે ચોકલેટ રાખું, કારને સ્વચ્છ અને સેનેટાઈઝ રાખું, ગ્રાહક માટે માસ્ક પણ રાખું, કાર ઉપર જો કોઈની જાહેરાત મળી જાય તો આર્થિક મદદ પણ રહે માટે લોકોની જાહેરાત ટેક્સી થ્રુ કરવા નવું નવું કર્યું...
પરંતુ આ તમામ વ્યર્થ નિવડી રહ્યું છે કારણ અમને રિટર્ન ટ્રીપ મળતી નથી માટે વન વેમાં ગ્રાહક પાસેથી ૫૦% રિટર્ન ભાડું માંગીએ છીએ જે કોઈને આપવું પોસાતું નથી, બીજું ઈમરજન્સી સિવાય લગભગ કોઈ બહાર નિકળતું નથી, બહારગામ જવાનું લોકો ટાળે છે,
સોશ્યલ મિડિયામાં અવારનવાર મારી જાહેરાતો જોઈને સૌને લાગે કે સરસ કામકાજ ચાલે છે પરંતુ હકીકત જણાવું તો આ આખા અનલોક ૧ - ૨ - ૩ ના સમયગાળામાં મેં આઉટસ્ટેશનની માત્ર ત્રણ ટ્રીપ કરી છે એટલેકે મહિનામાં માત્ર એક ટ્રીપ..!
વિચારો શું મળ્યું હશે મને...?
ઉપરથી હાલ અલગ અલગ જગ્યાએ અમૂક ટેક્સી ચાલકો તેમને બિઝનેસ નથી મળતો તેના કારણે પોતાના કાયદા બનાવીને અન્ય લોકોને ડરામણા વિડીયો મોકલી રહ્યાં છે કે...
- રિટર્ન ટ્રીપ વાળું પેસેન્જર હોય તોજ ટ્રીપ લેવી...
- રિટર્ન ભાડા વગર ટ્રીપ લેવી નહીં...
- અમે ચેકીંગ કરીશું અને પેસેન્જર ને અધવચ્ચે ઉતારી દઈશું.
- રુ.૫૦૦૦/- પેનલ્ટી લઈશું વિગેરે વિગેરે.
વિચારો કે ૫૦% રિટર્ન ભાડામાં કોઈ આવતું નહોતું તો ૧૦૦% રિટર્ન ભાડામાં કોણ એક સાઈડની મુસાફરી કરશે...?
આ તો ઠીક સરખા ૧૫૦૦૦ આસપાસના પગાર સાથે મહિનાના પગારથી ડ્રાઈવરની નોકરી નથી મળી રહી.
આવી પરિસ્થિતિમાં માણસ મનમાં ને મનમાં મુંજાય કરે છે કારણ પૈસા આવે કે ના આવે ઘર તો ચલાવવાનું જ છે, લાઈટ ના બિલ, વિમા પ્રિમિયમ, દવાઓના ખર્ચા અને અન્ય તમામ...
ક્યાં સુધી સહન કરશે એ.
આત્મવિશ્વાસ' છે ત્યાં સુધી તો લડી લે છે મધ્યમવર્ગનો વ્યક્તિ પરંતુ આમને આમ ચાલે ત્યારે અંતે તો 'આત્મહત્યા' એકજ પગલું વધતું હોય છે.
અને આત્મહત્યા કર્યા પછી બધાં લોકો 'વખોડવા' આવી જતાં હોય છે, એના જીવતાંજીવ કોઈ મદદે નથી આવતું હોતું.
અંતે એકજ પ્રાર્થના કે પ્રભુ સૌને આ મહામારીમાંથી ઉગારી લે.