Diptesh Mehta

Drama

3  

Diptesh Mehta

Drama

દીકરી

દીકરી

4 mins
8.0K


‘સ્વાર્થભર્યા આ સંસારમાં લાડપ્યારનો સપ્તરંગી સંબંધ કયો? એવું કોઈ જો પૂછે તો હું કહી દઉં કે દીકરીનો, દીકરીના કારણે જ ઘર સપ્તરંગી ઇન્દ્રધનુષ્ય જેવું લાગે છે.

તમે એનું કબાટ ખોલીને જુઓ તો એમાં બધા જ રંગ જોવા મળશે અને દિલ ખોલીને જુઓ તો એમાંથી રંગ અને સુગંધનો ફુવારો ફૂટશે. દીકરીનો રૂમ વૈવિઘ્યથી ભરેલો જીવંત અને રંગીન હોય છે.

વહાલનું સહસ્ત્રદલ કમળ એટલે દીકરી. માઁ-બાપના હૃદયની ભીનાશ અને અંદરની એકતા એકાકાર થઈ મહોરી ઉઠે ત્યારે પુષ્પકળી જેવી લાડકડી દીકરી નો ઘરમાં જન્મ થાય છે અને ફળિયું નર્તન કરતાં પગલાં અને લાગણી ભર્યા ટહૂકાઓથી ભરાવા લાગે છે.

દીકરી એ આંગણાની મધુમાલતી અને આખા ઘરનું અજવાળું છે, જે ઘરમાં એકેય દીકરી નથી એ ઘર ઘણી બધી અનુભૂતિઓથી અજાણ્યું રહી જાય છે.

દીકરી પ્રત્યેનું વ્હાલ આંસુનો દરિયો બનીને વહે ત્યારે એ વ્હાલના દરિયામાંથી વાત્સલ્યના જે મોતી ઝરે તે આ પવિત્ર સંબંધને શણગારીને ઝળહળતો કરે છે.

દીકરી પોતાના પરિવારને રસભર્યો, રંગીન અને રાજી રાજી રાખે છે. પત્ની હોવા છતાં પિતાની વઘુ દરકાર તો સમજદાર દીકરી જ રાખતી હોય છે.

દીકરી દસ અગિયાર વર્ષની થાય ત્યાં સુધી તો પિતાને વળગતી જ ફરતી હોય છે, સમજદાર પિતા દીકરીનો બાપ નહીં પણ મોટે ભાગે તો દોસ્ત થઈ જીવે છે, બાપ-દીકરાની દોસ્તી તો સ્વાભાવિક છે પણ બાપ-દીકરીની દોસ્તી લાગણી- ભીની, મીઠી મઘુર અને વાત્સલ્યથી તરબતર હોય છે.

જે દીકરીને તેડી તેડીને ફર્યા હોઈએ, ગળે વળગાડીને જીવ્યા હોઈએ એ જ દીકરી મોટી થઇ પિતાથી દૂર થવા લાગે, સંબંધમાં એક મર્યાદા આવી જાય ત્યારે પિતાને ખૂબ જ પીડા થતી હોય છે અને એવું પણ લાગતું હોય છે કે દીકરી મોટી જ ન થતી હોય તો કેવું સારું!

દીકરીનું બચપણ પિતા માટે કાયમ સ્મૃતિમાં જળવાઈ રહે છે. પોતાની લાડલી દીકરીને આંગળીએ વળગાડી ફર્યા હોઈએ એ જ દીકરી પાછલી જિંદગીમાં માઁ-બાપનો સહારો કે ટેકો બનવા સાથે રહી શક્તી નથી, એકની એક દીકરી સાસરે જાય પછી ઘર એકદમ ખાલી અને રોનક વિનાનું થઈ જાય છે.

લગ્ન પછી કેટલાંક દીકરા-વહુ માઁ-બાપને ભૂલી જાય છે, અથવા તો એમની સાથેના સંબંધમાં કડવાશ લાવી દૂર રહેવા લાગે છે અને ત્યારે માઁ-બાપ એકલા પડી જાય છે. પરંતુ દીકરીના લગ્ન થાય પછી પણ એ માઁ-બાપ સાથેના સંબંધને ઊંડાણથી સાચવી રાખે છે અને પાછલી ઉંમરમાં માઁ-બાપ એકલા પડી ન જાય કે ઓશિયાળા બની ન જાય એની પણ કાળજી રાખે છે.

પોતાનું એક જ સંતાન અને તે પણ જો દીકરી હોય તો સમજદાર માઁ-બાપની એ ફરજ બની જાય છે કે લગ્નની વય થતાં માઁ-બાપને એકલા છોડી જ્યારે એ સાસરે જાય ત્યારે એને સ્વાર્થી હોવાનો કે અપરાધ ભાવનો અનુભવ ન થાય એનો ખ્યાલ રાખે, કેમ કે સંસારની એ કાયમથી ચાલી આવતી રીતરસમ છે.

સમય થતાં એકની એક દીકરીને પણ હસતા ચહેરે અને આશીર્વાદભર્યા હૃદયથી વિદાય આપવી જોઈએ, અને દીકરી પ્રત્યેના પ્રેમના કારણે જ પાછળથી પોતે સુખશાંતિથી જીવી શકશે અને કોઈ બાબતમાં ઓશિયાળા નહીં બને એવી પ્રતીતિ કરાવવી જોઈએ.

સાસરે જઈને પણ જો એ માઁ-બાપની ચિંતામાં જ અટવાયેલી રહે તો પોતાના સંસારમાં સ્થિર કે સફળ થવામાં તકલીફ પડે છે.

દીકરી જ એક પરિવારમાંથી પોતાને મૂળિયા સમેત ઊંબેળીને બીજા પરિવારમાં રોપાઈ, એ ઘર અને પરિવારને પણ નવપલ્લવિત, હર્યોભર્યો અને સુવાસિત કરી શકે છે. જેમ આપણી દીકરી માટે આ સત્ય છે તેમ આપણે ત્યાં પોતાનો પરિવાર છોડીને આવતી પુત્રવઘૂ માટે પણ એટલું જ સત્ય છે.

લગ્ન બાદ દીકરી માઁ-બાપ વિના અને માઁ-બાપ દીકરી વિના જો સુખી થવાનો સંકલ્પ કરે તો એ જ પરસ્પરના પ્રેમની પારાશીશી છે.

સંતાનમાં એક દીકરી જ હોય અને સમજપૂર્વક માત્ર એક દીકરીમાં જ સંતોષ માન્યો હોય એ માઁ-બાપ માટે દીકરી મોટી થઇને સાસરે જાય અને સાસરું ખૂબ દૂર હોય તો એમના જીવનમાં જે ખાલીપો ઊભો થાય છે તેને કોઈ પણ ઉપાયથી ભરી શકાતો નથી, કેમ કે દીકરી જ એમનો એક માત્ર સહારો અને દીકરી જ સારસર્વસ્વ હોય છે.

દીકરીની વિદાયનું દર્દ એની માઁ સિવાય બીજું કોણ જાણે? નવ નવ મહિના એને ઉદરમાં રાખી પોતાના રક્તથી જ જેણે એના જીવતરને પોછ્યું, સીંચ્યું, સજાવ્યું, રાતના ઉજાગરા કર્યા, અનેક પ્રકારના સપના જોયા, એ માતાને એકલી મૂકી દીકરી સાસરવાસી થાય ત્યારે માઁના પગ નીચેનો આધાર જ છીનવાઈ ગયો હોય એમ એ ઢીલી થઈને ઢળી પડે છે.

આખા ઘરને સાચવતી દીકરી એકાએક જ્યારે સાસરે જાય અને ઘર ખાલી ખાલી લાગે ત્યારે જ ખબર પડે છે કે ‘દીકરી’ એટલે શું?

દીકરીના જવાથી ઘરમાં જ નહીં, માઁ-બાપના જીવનમાં પણ અંધારું છવાઈ જાય છે. દીકરી વિનાનું ઘર માઁ-બાપની જીવતી કબર હોય એવું લાગે છે. દીકરીને સાસરે વળાવીને જીવતા માઁ-બાપના હૈયામાં પ્રવેશીને જોઈ શકાય તો ખબર પડે કે માઁ-બાપ માટે દીકરી એ જીવનમાં કેટલી ઊંડે સુધી ઊતરી ગયેલી હસ્તી છે.

દીકરીની ‘જાન’ તો ચાલી જાય છે પણ માઁ-બાપની ‘જાન’ ને પણ સાથે લેતી જાય છે. સંસારની આ કરુણ વાસ્તવિક્તા છે કે દીકરીના સગપણ અને લગ્ન માટે ઉતાવળા થતા માઁ-બાપ દીકરીને વળાવીને સાવ દીનહીન, નોધારા અને ઓશિયાળા બની જાય છે. એકની એક દીકરીને વિદાય આપીને જીવવું એ ભલભલા માઁ-બાપ માટે'ય કપરી વાસ્તવિક્તા છે.

ઘરમાંથી એક વસ્તુ ખોવાઈ જાય કે આઘીપાછી થાય તો આ આકળવિકળ થઈ જાય છે, આખા ઘરને માથા પર લેતી પત્ની કે માતા આખે આખી દીકરીને કોઈ ઉપાડી જાય, પોતાની નજર સામેથી ગાજતે વાજતે ઉઠાવી જાય તો પણ કશું બોલી શકતી નથી, ચોધાર આંસુડે રડતી અને ડૂસકા ભરતી જિંદગી પણ દીકરીને સાસરે જતી રોકી શક્તી નથી! આનું નામ તો સંસાર છે, સંસારના આ ચકરાવામાં ભલભલાએ ચામડાની જેમ ફરવું જ પડે છે.

જીવનમાં ઘણું ઘણું એવું છે જે તમે ઇચ્છતા હોવા છતાં કરી શક્તા નથી અને ન ઇચ્છતા હોવા છતાં એને થતું રોકી શક્તા નથી, માણસ ખરેખર એક અસહાય અને મજબૂર પ્રાણી છે. એનું અહીં કશું જ ચાલતું નથી!


- અજ્ઞાત


Rate this content
Log in

Similar gujarati story from Drama