Parth Toroneel

Inspirational Thriller Tragedy

3  

Parth Toroneel

Inspirational Thriller Tragedy

સૈનિકની શૌર્યકથા: કારગિલયુદ્ધ

સૈનિકની શૌર્યકથા: કારગિલયુદ્ધ

9 mins
14.2K


1999માં થયેલાં કારગિલ યુદ્ધમાં લડેલાં સૈનિક, યોગેન્દર સિંહ યાદવની શૌર્ય કથા.

19 વર્ષીય ગ્રેનેડિયર યોગેન્દર સિંહ યાદવ લાશોનાં ઢગલાં વચ્ચે પડ્યા હતાં. એમની સાથે એમનાં બીજા ૬ સાથીદારો પણ હતા, જેમને દુશ્મનોએ અત્યંત બેરહેમીથી મારી નાંખ્યા હતાં. એમનાં હાથ-પગ ધડથી જુદાં કરી દીધાં હતાં. તેમનાં માથાં બુલેટ્સથી એવાં વીંધી નાખ્યા હતાં કે એમને ઓળખી શકવાં પણ અશક્ય હતાં.

લાશોનાં ઢગલાં વચ્ચેથી યોગેન્દરે ઊભા થવાની કોશિશ કરી, પણ તેમનાં ઘાયલ થયેલ પગ પર તે ઊભા ન થઈ શક્યા. ખુન્નસ ઘૂંટાતા પહાડી અવાજમાં તેમણે જોરથી ચીસ નાંખી... ટાઈગર હિલ પર એમની ચીસ અથડાઇને પડઘારૂપે આકાશમાં ગુંજી ઉઠી. એ વખતે એમને ખબર ન હતી કે 12 બુલેટ્સ એમનાં ઘાયલ શરીરમાં ખૂંપી ગયેલી હતી. 6 બુલેટ્સ તો ખભામાં ઘૂસી ગયેલી હતી. જેનાં લીધે ખભા બેજાન થઈ ગયાં હતાં. હાડ-માંસનાં લોચા બહાર નીકળી આવ્યા હતાં. ખભા હલતાં ત્યારે અસહ્ય દર્દનો સણકો ઊઠતો. એમનાં પગ પર હેન્ડ-ગ્રેનેડ ફૂટી હતી એટલે એમનો પગ પણ ખાસ્સો ઘાયલ થઈ ગયો હતો. એમને પગમાં કશું જ મહેસુસ થતું ન હતું. એમણે વિચાર્યું કે હવે બધું જ ખત્મ થઈ ગયું હતું, પણ એમને ખબર ન હતી કે બાકીનું ખરું યુદ્ધ તો હજું એ રાત્રે ખેલાવાનું હતું.

***

1999માં જ્યારે કારગિલ યુદ્ધ શરૂ થયું હતું એ સમયે યોગેન્દર સિંહ રજાઓ પર હતાં. રીનાની સાથે લગ્ન થયે હજુ બે અઠવાડિયા જ વિત્યા હતાં. 22 Mayએ લશ્કરની ટુકડીમાં શામેલ થવાં નીકળ્યા ત્યારે પણ તેમનાં મનમાં રીનાનો ખિલખિલાટ હસતો ચહેરો આંખ સામે તરવરતો હતો. યોગેન્દરને યુદ્ધની કડવી સચ્ચાઈ અંગે ત્યારે ખ્યાલ પડ્યો જ્યારે 22 દિવસોની અંદર 2 ઓફિસર્સ, 2 જુનિયર્સ કમિશન્ડ ઓફિસર્સ, અને 21 જવાનોનાં મૌતનાં ગવાહ બન્યા.

લડાયક ઉપકરણોની મરામત કરવાં અને પૂરતો આરામ કરવાં યોગેન્દરને લશ્કરી ટુકડીમાં પાછા બોલાવી લીધાં. ચાર દિવસમાં જ તેમને ટાઈગર હિલ પર હુમલો કરવાનો આદેશ મળ્યો. ટાઈગર હિલ ત્યાંની સૌથી ઊંચી ટેકરી હતી. પાકિસ્તાનીઓએ ત્યાં તેમની પોસ્ટ બનાવી લીધી હતી. બટાલિયનનાં કમાન્ડિગં ઓફિસર કર્નલ કુશલ ચંદ ઠાકુરે તેમનાં સૌનિકોને હુમલો કરવાનાં હેતુની જાણકારી બતાવી. તેમણે બટાલિયનનાં ઘાતક કમાન્ડોની ટુકડીને પહેલો હુમલો કરવાનો આદેશ આપ્યો. તેઓની કુલ 23 સાથીદારોની ટુકડી હતી. સામે એક મોટી ચટ્ટાન દેખાતી હતી. 90 ડિગ્રીનાં ખૂણે એનાં પર ચડવું ઘણું કઠિન કામ હતું. ચટ્ટાન પર ચડતાં જવાનોને ખ્યાલ આવ્યો ચટ્ટાનની બંને બાજુ દુશ્મનની ચોકીઓ ગોઠવેલી હતી. એમણે બસ દુશ્મનની ગોળીઓથી બચતાં બચતાં ઉપર ચડવાનું હતું. વળતો હુમલો કરી શકાય એવું ન હતું. તથા ત્યાંની ઠંડીથી બચવાં પૂરતાં ગરમ કપડાં પણ ન હતાં.

3 જૂન 1999ની એ અંધારી રાત હતી. શાંતિનો ભંગ કર્યા વિના તેઓ દોરડાઓ પર હાથ-પગ મૂકી ટાઈગર હીલ પર ઉપર ચડવાં લાગ્યા. ઉપર ચડતાં હવાની ગતિ વધી રહી હતી. ઠંડા પવનનાં સુસવાટાને લીધે અપૂરતાં ગરમ કપડાની સખ્ત જરૂરિયાત વર્તાતી હતી. 18 ગ્રેનેડિયર્સ ટાઈગર હિલ પર પહોંચી ગયાં બાદ મદદ કરવાવાળી ડેલ્ટા કંપની આવવાની હતી, પણ ત્યાં સુધીમાં તો ખૂબ મોડુ થઈ જવાનું હતું. ચટ્ટાનોની પાછળ સંતાઈ જઈને તેમણે દુશ્મનોની પરિસ્થિતિની બરોબર તપાસ કરી. તેમની બેગમાં 72 કલાકનું ભોજન હતું. કાજુ, સૂકી રોટલી-શાક, કિશમિશ, બદામ, ચા પત્તી અને દૂધનો પાવડર. કેટલાક જવાનોએ રસ્તામાં આવતાં છેલ્લા ગામમાંથી પોતાનાં માટે કેટલાક બિસ્કિટ પણ ખરીદ્યા હતાં.

નિંબાલકરે ઘાતક લશ્કરનાં જવાનોને થોડોક આરામ કરવાં કહ્યું. થોડીક વાર પછી એ પોતે કેટલાક સાથીયોને લઈને દુશ્મનોની હિલચાલ નિરખવા નીકળી પડ્યા. બધુ જ શાંત માલૂમ પડતું હતું. પણ તેઓ જેવા 100 ગજનાં અંતર પર વધ્યાને તરત જ તેમનાં પર દુશ્મનોએ ગોળીઓનો વરસાદ વરસાવાનો શરૂ કરી દીધો. તેઓ એક એવી રેન્જ પર પહોંચી ગયાં હતાં જ્યાં દુશ્મનોએ બંને તરફ બંકર બનાવી રાખ્યું હતું.

એક ચટ્ટાનની પાછળ સંતાઈને તેમણે મદદ માટે કમાંન્ડિગ ઓફિસરને વાયરલેસ પરથી બધી માહિતી જણાવી દીધી. ઓફિસરે એમણે ચટ્ટાનોની પાછળ છુપાઈને હુમલો ન કરવાનો હુકમ આપ્યો. આરામ ફરમાવતાં સૌનિકો તરત જ હુમલાં માટે તૈયાર થઈ ગયા. હુકમ મળતાં જ તેમણે મિસાઇલમાંથી ગોળા છોડી દુશ્મનોનો ખાત્મો કર્યો, અને ચટ્ટાન પાછળ છુપાયેલાં જવાનોને સુરક્ષિત નીકાળ્યા. એ બધાં જવાનો જખ્મી થયાં વિના ચમત્કારિક રૂપથી ત્યાંથી નિકળવામાં સફળ રહ્યા.

ગોળાબારીનાં હુમલાં બાદ પાકિસ્તાની લશ્કરને જાણ થઈ ગઈ હતી કે ભારતીય સૌનિકો ટાઈગર હિલ પર પહોંચી ગયાં છે. કમાંન્ડિગ ઓફિસર કુશલ ઠાકુરે આપણાં જવાનોને દુશ્મનો હુમલો કરે એ પહેલાં એમનાં પર તૂટી પડવાનો આદેશ આપ્યો. યોગેન્દર સિંહ યાદવ અને એમનાં જેવાં જ નામનાં બીજા જવાન યોગેન્દર યાદવ, સ્કાઉટ નંબર એક અને બે સૌથી આગળ હતાં. સવારનાં 5:30 વાગ્યે પાણી વહેતાં નાળા ઉપરનો પુલ પાર કરતાં હતાં ત્યારે અચાનક ગોળીઓ છૂટવાની શરૂ થઈ ગઈ. દુશ્મનો બંને તરફ બનાવેલ બંકરોમાંથી સતત ગોળીબાર કરતાં હતાં.

ત્યાં તહેસ-નહેસ ફેલાઈ ગઈ હતી. પુલ પરથી માત્ર 7 જ જવાનો પસાર થઈ શક્યા. બાકીનાં જવાનોએ ગોળીબારને લીધે ત્યાંથી પાછાં ફરવાં મજબૂર થવું પડ્યું. યોગેન્દર સિંહ અને એમનાં સાથીઓ આગળ વધવામાં કામિયાબ રહ્યા. જોકે તેઓ એમનાં બાકીનાં સાથીદારોથી છૂટા પડી ગયાં હતાં. હવે એમની પાસે એમનાં દમ પર આગળ વધવાં સિવાય કોઈ વિકલ્પ ન હતો. જોકે હજુ તો એક ભયાનક સાહસિક કાર્ય એમની રાહ જોઈ રહ્યું હતું.

***

યોગેન્દર સિંહની કહાની.

ત્યારે અમે માત્ર સાત જણ હતાં. અમે પાછાં પણ જઈ શકીએ એમ ન હતાં, કેમકે દુશ્મનોએ અમારો રસ્તો બંધ કરી દીધો હતો. અમે આગળ વધતાં રહેવાનું નક્કી કર્યું. આગળ જતાં અમે રેતથી ભરેલાં કોથળાની દીવાલો બનાવેલો એક અડ્ડો જોયો. અમને ખબર ન હતી કે અંદર કેટલાં લોકો હતાં. એ લોકો અમને જુએ એ પહેલાં અમે એમનાં પર ગોળીબાર વરસાવાનું શરૂ કરી દીધું.

એમનાં ચાર જણાને તો તરત જ ઠાર કરી દીધાં. જ્યારે એમણે ગોળીબાર કરવાનું બંધ કરી દીધું ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે એ બધા ઠાર થઈ ગયા છે. પણ ત્યાં સુધીમાં તો ગોળીબારનો અવાજ સાંભળી અમારી ઉપરનાં બંકરમાં સંતાયેલાં પાકિસ્તાનીઓ સજાગ થઈ અમારી ઉપર ગોળીબાર વરસાવવાં લાગ્યા. શું કરવું અને શું નહીં – એવી મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. હવામાં ચારે તરફ ગોળીઓની બોછાર ઊડી રહી હતી. અમે ના તો આગળ જઈ શકતાં ના તો પાછળ.

ત્યારે અમારી ટિમનાં લિડર હવાલદાર મદને બૂમ પાડી કહ્યું, ‘એમનાં બંકરમાં ઘૂસી જાવ. એજ એક સુરક્ષિત જગ્યા છે. અમે બધાં બંકરની તરફ આગળ વધ્યા. બંકરની અંદર ઘુસ્યા બાદ અમે અમારી પોઝિશન લઈ લીધી. અમારી આસપાસ દુશ્મનોની લાશો પડેલી હતી. અમારા ઉપરનાં બંકરમાંથી થઈ રહેલ ગોળીબારનો જવાબ અમે ગોળીબારથી આપવાનો શરૂ કરી દીધો.

આ ગોળીબારનો સિલસિલો 5 કલાક સુધી ચાલતો રહ્યો. જેમાં કોઈનો જીવ ન ગયો, પણ સતત ગોળીબારને લીધે અમે બિલકુલ આગળ વધી ન શક્યા. અને અમારાં ગોળા-બારૂદ વધુ લાંબા સુધી ચાલે એમ ન હતાં. તથા બીજા સાથીદારોની ટોળકી તરફથી કોઈ મદદ મળવાની સંભાવના પણ ન હતી. ઠાર થયેલ પાકિસ્તાનીઓનો ગોળા-બારૂદ પણ ખતમ થઈ રહ્યો હતો. અમે ગોળીબાર બંધ કરી દઈ એમને નજીક આવવાની રાહ જોવા લાગ્યા.

સવારે 11:30 વાગ્યાની નજીક દુશ્મનોનાં 12 સિપાહીઓ અમે મરી ગયા છીએ કે નહીં – એ તપાસવાં નીચે બંકરમાં ઉતર્યા. અમારી રાઈફલોમાં ત્યારે 45-45 રાઉન્ડ વધ્યા હતાં. જેને લઈને અમે ચૂપચાપ બાજ નજર રાખી છુપાઈને બેઠાં હતાં. એ લોકો ઘણાં નજીક આવી ગયાં, એમણે દુધિયા રંગની પઠાણી અને પીળા રંગની પાઘડીઓ પહેરી હતી. એમની લાંબી લહેરાતી દાઢીઓ હતી.

એમનાં ખૂબ નજદીક આવવાં સુધી અમે ચૂપચાપ બેસી રહ્યા. પછી અચાનક અમે ગોળીઓ વરસાવાની શરૂ કરી દીધી. બે જણાં સિવાય અમે બધાને ઠાર કરી દીધાં. બચી ગયેલા બે એમની પોસ્ટ પર પહોંચી જવામાં સફળ રહ્યા. ત્યાંથી તેઓ અમારી પર ભારે ભરખમ હથિયારોથી ગોળીઓ વરસાવી રહ્યા હતાં. અમારા પર હેવી મશીનગન, રોકેટ છોડે એવાં RPG હથિયારોથી હુમલો થઈ રહ્યો હતો. મેં ઉપર જોયું તો સાત પાકિસ્તાની પઠાણી પહેરી ઊભાં હતાં.

ઉસ્તાદ, વો લોગ આ ગયે હૈ હું હવાલદાર મદનને જોઈને બુમ પાડી. ઉસ્તાદને મને અને ગ્રેનેડિયર અનંત રામને અમારાં નિશાનબાજ લાંસ નાયક નરેશની મદદ લેવાં જવાં માટે કહ્યું. ત્યાંથી બહાર નીકળતાં જ મારા માથે ગ્રેનેડ અથડાઇને મારી થોડેક દૂર પડતાં જ ધમાકેદાર અવાજે સાથે ફૂટી! મેં જોરથી આંખ-કાન દબાવી દીધાં. પાછળ ફરીને જોયું તો... તો મારી થોડીક દૂર પાછળ ઉભેલા લાંસ નાયક નરેશનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

હું તરત જ અનંતની તરફ વળ્યો. અને એમને હાલ બનેલી ઘટનાં કહેવાં જાઉં એ પહેલાં એમને માથામાં એક ગોળી વાગી. એ તરત જ ત્યાં શહિદ થઈ ગયાં. પાકિસ્તાની લશ્કર અલ્લાહ હો અકબરની બૂમો પાડી નજીક આવી રહ્યું હતું. હથિયાર સાથે એમની કુલ 30- 35ની ટુકડી હતી. અમારાં સાત સાથીદારોમાંથી 2 શહીદ, 2 ઘાયલ હતાં. માત્ર 3 જવાનો એ 30-35 પાકિસ્તાનીઓનો સામનો કરવા માટે વધ્યા હતાં.

થોડીક વારમાં બે લોકો મારી તરફ આવતાં લાગ્યાં. હું ગોળીબાર કરું તો પણ એમની ગોળીઓથી હું પહેલા વીંધાઈ જવાનો હતો. મારા બેલ્ટ પર એક હેન્ડ-ગ્રેનેડ બાંધેલી હતી. એને ખોલીને મેં પૂરી તાકાતથી પાકિસ્તાનીઓની ટોળકી પર ઊછાળી દીધી. તેજ ધમકાથી કેટલાયનાં ફુરજે-ફુરજા ઊડી ગયાં. મારી બાજુમાં પડેલ મૃત સાથીદારની રાઇફલ ઉઠાવી ભાગી જતાં 5 દુશ્મનોને ખતમ કરી દીધાં. બાકીનાં એક-બે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા. બાકી વધેલાં પાકિસ્તાનીઓને એમ લાગ્યું કે બાકીનાં ભારતીય સૈનિકોની મદદ આવી પહોંચી. એ ગભરાઈ ગયાં હતા. જેવા એ ભાગવાં લાગ્યા, મેં ચોરીછૂપી જમીન પર ઘસેડાઇને એમનો પીછો કર્યો, અને એમનો કેમ્પ પોસ્ટ દેખી લીધો. બપોરનાં 1:30 વાગ્યા હતાં. દુશ્મનો પર હુમલો કરવાં હું કશું કરી શકું એમ ન હતો. મારાંથી બરોબર ઊભાં પણ નહતું રહેવાતું. છતાં પણ મારામાં જીવતાં રહેવાનું ઝૂનૂન સવાર થઈ ચૂક્યું હતું. હું નીચેની મીડિયમ મશીનગન પોસ્ટ સુધી જઈને અમારાં લશ્કરને ચેતવવાં ઈચ્છતો હતો.

***

એ તેનું શરીર ઘસેડતાં તેની જગ્યા પર પહોંચી ગયાં, જ્યાં એમનાં મૃત સાથીઓનાં દેહ પડ્યા હતાં. યોગેન્દર સિંહ કહે છે, ‘કોઇકનું માથું ઉખડેલું હતું, તો કોઈકની છાતી ફાટી ગયેલી હતી. કોઈકનાં આંતરડા બહાર નિકળી પડ્યા હતાં. કંપાવી મૂકે એવા બિહામણાં દ્રશ્ય હતાં. એ બધાં મારા દોસ્ત હતાં. મારાં પોતાનાં સગાં ભાઈ કરતાં પણ વધુ પ્રિય અને નજદીકી કહી શકાય એવાં.

જ્યારે એમનું શરીર ઠંડુ પાડવાં લાગ્યું ત્યારે એમનાં શરીર પરનાં જાનલેવાં જખમોમાં અસહ્ય દર્દ મહેસુસ થવાં લાગ્યું. એમનાં ખભાનું હાડકું બહાર નીકળી આવ્યું હતું. જરાક સરખી હિલચાલ થતાં અસહ્ય દર્દનો સણકો ઊઠતો. જેના લીધી ચીસ નીકળી જતી.

મેં મારા અંદરથી આવતો અવાજ સંભાળ્યો, કે તું હજું સુધી મર્યો નથી, તો તું હવે ન મરે યોગેન્દરે આગળ કહ્યું કે,‘એના પછી હું મારાં ઘાયલ ખભાને બેલ્ટમાં બાંધી, 12 ગોળીઓથી શરીર વીંધાયેલું હોવાં છતાં બાજુમાં વહેતાં નાળામાં ઉતરી ગયો

***

થોડાક કલાકોમાં 18 ગ્રેનેડિયર્સ તેમનાં છૂટાં પડી ગયેલાં સાથીદારોની શોધમાં ત્યાં આવી પહોંચ્યા. એક સાથીદારની નજર નાળામાં લટકેલાં યોગેન્દર સિંહ પર પડી. જવાનોએ તરત જ એમને ત્યાંથી ઊંચકીને કેમ્પમાં લઈ ગયાં. સાંજ થતાં જ સુરજ ડૂબવા લાગ્યો.

જ્યારે કમજોર અને થથરતાં યોગેન્દરને કમાંન્ડિગ ઓફિસરનાં ટેન્ટમાં લાવ્યા ત્યારે ખૂબ બધુ લોહી વહી ચૂક્યું હતું. જેનાં લીધે એ એટલાં કમજોર થઈ ગયાં હતાં કે એમને દેખાવાનું પણ બંધ થઈ ગયું હતું. કમાંન્ડિગ ઓફિસરે જ્યારે એમ કહ્યું કે,‘હમે પહચાન પા રહે હો?’ ત્યારે યોગેન્દરે જવાબ આપ્યો, 'સાબ, મેં આપકી આવાજ પહચાનતાં હું. જય હિન્દ, સાબ!

એમની કંપકપાહટ દૂર કરવાં સ્ટવની આગથી ગરમાવો આપી, યોગેન્દર સિંહ યાદવે તેમનાં લશ્કરને દુશ્મનોની પોસ્ટની જાણકારી આપી, ત્યાં કેવી રીતે પહોંચાય એટલું કહ્યા બાદ તે બેભાન થઈ ગયાં.

***

3 દિવસ પછી.

યોગેન્દર સિંહ યાદવને 9 જુલાઈએ હોશ આવ્યો. એમને ટાઈગર હિલથી શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ થયે 3 દિવસ થઈ ગયાં હતાં. એમને જ્યારે હોશ આવ્યો ત્યારે એક પળ માટે એમને ખબર ન પડી કે પોતે ક્યાં આવી પહોંચ્યા છે. નર્સે એમને કહ્યું કે એ હોસ્પિટલમાં છે, અને ખતરાની બહાર છે. એમણે એમનાં લશ્કર વિષે પૂછ્યું તો તેણે કહ્યું, 'બ્રાવો અને ડેલ્ટા કંપનીનાં લગભગ 100 જવાનોએ ઘાતક ટુકડી સાથે મળીને ટાઈગર હિલ પર એ રાતે જ હુમલો કરી દીધો હતો. તમારી સલાહને લીધે એમણે દુશ્મનોની પોસ્ટને ચારેબાજુથી ઘેરી લેવામાં સફળ રહ્યા.

યોગેન્દર યાદવને દિલ્હી લાવી, તેમના શરીર પર થયેલ ઘાની સર્જરી અને બોન ગ્રાફ્ટિંગ કરાવ્યુ. છતાં પણ એમનાં શરીર પર ગોળીઓનાં નિશાન રહી ગયાં હતાં, પણ એમણે હસતાં મુખે એનો સ્વીકાર કરી લીધો.

દર વર્ષે ગણતંત્રનાં દિવસે તે દિલ્હી આવે છે. તેમણે જીતેલ મેડલ્સને છાતી પર લગાવી પરેડમાં ભાગ લે છે. હજારોની સંખ્યામાં દેશવાસીઓ એમનો હાથ મિલાવે છે ત્યારે તે તેમની ભાવનાઓ વ્યક્ત કરતાં તે કહે છે,‘મેં બહુત કૃતજ્ઞતા મહેસુસ કરતા હું. મેં એક સિપાહી હું. લડના મેરા કામ થા. વીરતા કે લિયે સબસે બડે ઍવોર્ડ પરમ વીર ચક્ર સમ્માન સે નવાજા ગયા ઉસકા ગર્વ હૈ. મેરી જગહ કોઈ ઔર સિપાહી હોતા તો વોહ ભી યહી કરતાં.

***

સૂબેદાર યોગેન્દર સિંહ યાદવ આજે 37 વર્ષનાં છે. 19 વર્ષની યુવાન વયે પરમ વીર ચક્ર એવોર્ડ જીતનાર સૌથી પહેલાં ભારતીય યુવાન સૈનિક છે.

***


Rate this content
Log in

Similar gujarati story from Inspirational