સાહેબ ! ઈ ખરાબ છે
સાહેબ ! ઈ ખરાબ છે
માનવસહજ સ્વભાવ છે કે પોતે જ હોશિયાર છે એવું દેખાડવું. સામેવાળો ગમે તે હોય, તેનાથી ચડિયાતા દેખાવાનું રાખવાનું જ. દરેકના જીવનમાં આવું બનતું જ હોય છે અને તેમાં કયારેક શરમ અનુભવવાનો વારો પણ આવે. છતાંયે એવું વિચારવાનું ટાળીએ છીએ. મારા અનુભવે મેં એવું નક્કી કર્યું, કે કયારેક નમતું મૂકી દેવામાં પણ આપણી જીત છે.
એક દિવસ ફળ લેવા માટે બજારમાં નીકળ્યો. એક દુકાનમાં સારાં ફળ દેખાયાં. એટલે ત્યાં ગયો. દુકાનવાળાએ પૂછયું એટલે મેં ફળ લેવાની વાત કરી. તેથી તે વીણી-વીણીને ત્રાજવામાં મૂકવા લાગ્યો. મેં કહ્યું, “તું રહેવા દે ! હું વીણી લઉં છું.” પછી હું ફળ વીણવા લાગ્યો. તે જોતો રહ્યો. મેં એક મોટું દેખાતું ફળ હાથમાં લીધું. હવે તે ચૂપ રહી શકયો નહિ.
તે બોલ્યો, “રામોલિયાસાહેબ! ઈ ખરાબ છે.”
મારું નામ લીધું એટલે થયું, આ તો મને ઓળખે છે. છતાં મારી હોશિયારી બતાવવાનું છોડયું નહિ.
મેં કહ્યું, “કઈ રીતે ખરાબ છે ? દેખાવમાં તો સરસ છે. કયાંય ટોચો પણ નથી.”
તે કહે, “ખરાબ છે, તો છે. એની કોઈ રીત ન હોય.”
તેણે મારા હાથમાંથી ફળ લઈ લીધું અને ચપ્પુથી કાપ્યું. તો ખરેખર ખરાબ નીકળ્યું. બીજો કોઈ દુકાનવાળો હોત તો કદાચ ન પણ બોલત અને એનું ખરાબ ફળ વેંચાય પણ જાત. આપણે જાતે વીણ્યાં હોય, એટલે તેને કહી પણ ન શકીએ. અહીં મારું જ્ઞાન નબળું પડયું હતું.
મેં પૂછયું, “તું કઈ રીતે જાણી શકે છે કે ફળ ખરાબ છે.”
તેણે આડો જવાબ આપ્યો, “સાહેબ ! ભણવામાં ઠોઠ હોઈએ, એટલે બધી બાબતમાં ઠોઠ હોઈએ એવું થોડું છે !”
મેં કહ્યું, “તો ભણવામાં ઠોઠ મારો આ વિદ્યાર્થી કોણ છે ?”
તે કહે, “આલેલે, તમે તો જાણી લીધું કે હું તમારો વિદ્યાર્થી હતો. મારું નામ નમેશ વિસુમલ લાલવાણી છે.”
મને યાદ આવી ગયું. હું તેને કોઈ અક્ષર ઘૂંટવાનું કહું, તો તે તેને ઘૂંટી-ઘૂંટીને અક્ષરના બદલે ફળ જેવો બનાવી દેતો. કાંઈપણ લખવાનું કહું, તો તેને પણ લીટા કરીને બગાડી નાખે. તેનો આકાર તો ફળ જેવો જ બનતો. ઉપલા ધોરણમાં ગયા પછી પણ તેની એ ક્રિયા જ રહી. એક દિવસ તેના વર્ગમાં ગયો. એ ક્રિયા જોઈ. મને થોડો ગુસ્સો આવ્યો. એટલે થોડું ખિજાયો અને કહ્યું, “હવે તો મોટો થયો. ભણવામાં બરાબર ધ્યાન દે. કાંઈક તો શરમ રાખ. ધંધો કરવામાં પણ ભણતર તો જરૂરી જ છે. જે હોય તેને ફળ જેવા બનાવી દેશ. શું તારે ફળ વેંચવાનો ધંધો કરવો છે ?” આ યાદ આવ્યું ને મને ઝબકારો થયો. આ તો ખરેખર ફળ વેંચવા જ બેઠો છે.
મેં પૂછયું, “આ બધું તો ઠીક. તું ફળ પારખવામાં તો હોશિયાર બની જ ગયો. પણ આગળ કાંઈ ભણ્યો હતો કે નહિ ?”
તે કહે, “હા, નવમા ધોરણ સુધી તો પહોંચી ગયો હતો. પછી પાછો વળી ગયો. તમારું મ્હેણું સાંભળીને વાંચતાં-લખતાં તો શીખી ગયો. પણ ગાડી વધારે આગળ ન વધી શકી. પછી તો બાપાએ સૂંડલામાં ફળ ભરીને વેંચવા મોકલવાનું ચાલું કર્યું. હું ભણ્યો નહિ, પણ ગણ્યો. નફો કરવા લાગ્યો. થોડી રકમ ભેગી કરી લીધી અને આ દુકાન બનાવી લીધી. સારો વેપાર થઈ જાય છે. નીતિ રાખી છે. કોઈને છેતરતો નથી. ખરાબ આપતો નથી. એટલે ઘણા તો બાંધ્યા ગ્રાહકો થઈ ગયા છે.”
હું બોલ્યો, “તારા બાંધ્યા ગ્રાહકોમાં એકનો વધારો. તારી પ્રગતિ જોઈને ખૂબ આનંદ થયો. અત્યારે તેં જે નીતિ રાખી છે, તે ભણવામાં પણ રાખી હોત તો તારો આનંદ અત્યાર કરતાં બેવડો હોત. જિંદગીનો ઉજાશ જુદો જ હોત. ખેર, જે થયું તે. તારાં સંતાનોને તો બરાબર ભણાવજે. સુખી જીવનની મારી શુભેચ્છા.”
