સાદગીની શાનદાર જીત
સાદગીની શાનદાર જીત
સુંદર શહેરના આલીશાન મહેલ જેવા ઘરમાં મોર્ડન સ્ટાઈલથી જીવતા લોકો વચ્ચે ગામડેથી ભણવા માટે કાકાના બંગલે આવેલી સુરભી સાવ સાદગીસભર કપડાં અને જૂની રીતભાત જાળવીને રહેતી હતી.
તેની સાથે કોલેજ કરતી તેની કાકાની દીકરી કાયરા રોજ તેને ટકોર કરતા કહેતી કે,
"માય ડિયર સુરભી તું સાયન્સની ઇન્ટેલિન્જટ સ્ટુડન્ટ છે યાર. થોડી મોર્ડન બનીને રહે.જો હું આર્ટસમાં અભ્યાસ કરું છું તોય કેવી લાઈફ ખુલ્લાં મનથી જીવું છું."
"મને સાદગીમાં રહેવું ખુબ ગમે છે." બસ એટલું જ બોલી મીઠડું સ્મિત આપીને સુરભી મૌન બની જતી.
કાયરાના ઘણાં મિત્રો સુરભીની મજાક ઉડાવતા હતાં. એક છોકરાએ સુરભીને દેશી ગર્લ કહેતા સુરભી ગુસ્સામાં બોલી હતી,
"ભારત દેશમાં રહીને ભારતીય સંસ્કૃતિ મુજબ રહેનારને તમે દેશી છોકરી માનતા હોય તો હા હું દેશી છોકરી છું. તમે બધા વિદેશી બનીને રહો એમાં મને કોઈ વાંધો નથી તો પછી હું સ્વદેશી કપડાં પહેરું તો તમને વાંધો છું છે.?" બોલીને સુરભી મૌન બનીને ગયેલી ત્યારે દૂર ઉભો રહીને નીરખતો કાયરાનો બોય ફ્રેન્ડ રાજવીર નજીક આવીને બોલ્યો,
"બાપના પૈસે નખરા કરતા વિદેશી લોકો હવે ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવવાનું બંધ કરો. સુરભી જેવી છે તેવી જ રહેવા દયો. ભારતીય સંસ્કૃતિ જીવંત રાખનાર સુરભી જેવી થોડી ઘણી યુવતીઓ તો ભારતમાં જોઈશે જ ને."
બધા કરાટે ચેમ્પિયન બનેલ રાજવીરને જોઈને ચૂપ બની ગયા અને સુરભી આંખોમાં છલકાતા આંસુ સાથે રાજવીરને પસન્ન વદને જોઈ રહી હતી. રાજવીર બોલ્યો,
"સોરી સુરભી આ બધા વતી હું માફી માંગુ છું."
"ના ના હું તો આનાથી ટેવાઈ ગઈ છું." સુરભી રાજવીર સામે અભરદર્શક નયન મિલાવીને ક્લાસમાં ચાલી ગઈ.
કાયરા બોલી, "રાજવીર તું ક્યારનો ભારતોય સંસ્કૃતિનો ઉપાસક બની ગયો.? તું તો મોર્ડન કપડાં મોર્ડન ભાષા બોલે છે."
"આઈ એમ ઇન્ડિયન. ગમે તેવાં કપડાં પહેરું દિલ તો મારુ ભારતીય છે." રાજવીર બોલ્યો એટલે એક યુવતી બોલી,
"ક્યાંક કાયરાને છોડી દેશી ગર્લ સાથે જોડાઈ ન જતો હો."
"એય ચૂપ..! વિદેશીઓની વકીલ નાં જોઈ હોય તો મોટી..! કોઈને દુઃખ લાગે તેવું બોલતા શરમ નથી આવતી. તારા કરતા ભણવામાં અને સંસ્કારોમાં પણ સુરભી આગળ છે અને કાયરા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. સુરભી સાથે તો આજ પહેલીવાર જ મેં વાત કરી છે. એના વિશે આવી ખોટી વાતો ન કર."
કાયરા ખુશ થઈ બોલી,
"હા સેજલ મારી બહેન વિશે આવું ન બોલતી હવે અને રાજવીર તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે એ તું જાણે છે. મને ભરોસો છે રાજવીર પર." સેજલ મોઢું મચકોડીને ચાલી ગઈ.
સમય વીતતો ગયો એમ રાજવીર અને સુરભી સમાન વિચારધારાના કારણે નજીક આવવા લાગ્યા. એકવાર રાજવીરે સુરભીને કોફી પીવાં આવવા કહ્યું તો સુરભી બોલી,
"સોરી રાજવીર ખોટું ન લગાડતો પણ હું કોફી કે ચા પીતી જ નહીં."
રાજવીર હસીને બોલ્યો,
"મને અંદાજ હતો જ કે સુરભી તું આવું જ બોલશે પણ જો અહીં તાજી ભેંસનું દૂધ તો નહીં લાવી શકું અત્યારે પણ દૂધ સીરપ તો અહીં જરૂર તને પીવડાવી શકીશ."
સુરભી હસીને બોલી, "અરે તું પણ કેવી મજાક કરે છે ? મેં ક્યાં દૂધ માગ્યું.? સારું ચાલ જઈએ." કહીને બંને કોફીશોપમાં ગયા. બંનેના વિચારો ખુબ જ મળવા લાગ્યા હતાં. રાજવીર બહાદુર હોવા છતાં તેનામાં જરીય અભિમાન ન હતું તે સુરભીને ખુબ જ ગમતું હતું. રાજવીરને પણ સુરભીનો એક એક શબ્દ સાચા મોતી જેવો લાગતો હતો. કાયરા જોતી જ રહી અને રાજવીર સુરભીનો દીવાનો બની ગયો.
એકવાર કાયરાએ પિતાજીને વાત કરતા પિતાજીએ રાજવીરને ઘેર બોલાવીને રાજવીરને પૂછ્યું,
"રાજવીર મને કાયરાએ બધી જ વાત કરી છે તારા વિશે. હું ખુબ જ ખુશ છું તને જોઈને." એટલામાં કાયરા અને સુરભી આવી પહોંચ્યા. કાયરા તો પિતાજી સામું જોઈ પિતાજીએ માથું હલાવતા કાયરા ખુશ થઈ ગઈ અને એમ માની લીધું કે રાજવીર તેની સાથે સગાઈ કરવાં રાજી થઈ ગયો છે એટલે તે ખુશીમાં સુરભીને થોડી દૂર લઈ જઈને બોલી,
"જોયું સુરભી મોર્ડન સ્ટાઇલવાળી હું કેવી ગમી ગઈ રાજવીરને.? હવે તું પણ મોર્ડન બની જા તો તને પણ કોઈ ગમાડી લેશે તો આપણે એક જ ચોરીમાં લગ્ન કરીશું."
"ખુબ જ વધાઈ કાયરા." કહીને સુરભી મૌન બની ગઈ પણ ભીતર કંઈક તેના ખૂંચતું હોય તેવું તેને લાગ્યું.
એટલામાં રાજવીર ચા પીને બોલ્યો,
"અંકલ કાયરા તો મારી બેસ્ટ ફ્રેન્ડ વર્ષોથી છે અને ખુબ જ સારી રીતે મને જાણે છે પણ હું સુરભીને જાણતો નથી તોય તેને પસંદ કરું છું એટલે તમે ભલે ખુશ હોય પણ લગ્ન કરતાં પહેલા હું સુરભીના મોઢે તેની હા સાંભળીને પછી જ સુરભી સાથે લગ્ન કરીશ."
અચાનક કાયરા અને તેનાં પિતાજીને ઝટકો લાગ્યો અને સુરભી પણ ચમકી ગઈ. કાયરા ગુસ્સામાં બોલી, "રાજવીર તું શું બોલી રહ્યો છે.? સુરભી વધુ ગમે છે તને.?"
"હા કાયરા તારા પિતાજીએ મને કહ્યું કે, તે તેમને બધી વાત કરી છે એટલે તો મેં કહ્યું કે પહેલા હું સુરભી હા પાડે પછી જ લગ્ન કરીશ. સાચે જ સુરભી મને ખુબ જ ગમે છે."
કાયરની આંખોમાં આંસુ વહેવા લાગ્યા તે જોઈને સુરભી બોલી,
"રાજવીર મારામાં એવું તો શું જોઈ લીધું કે આવી સરસ રૂપાળી કાયરાને છોડી મને પસંદ કરે છે.?"
"તારી સાદગી."
પિતાજી બોલ્યાં, "બેટા કાયરા તો પોતાના માટે વાત કરતી હતી સુરભી માટે નહીં."
રાજવીર ચમકીને બોલ્યો,
"ઓહ્હ્હ ગોડ. કેવો ગોટાળો થઈ ગયો."
રાજવીર સુરભી સામું જોઈને બોલ્યો,
"સોરી મારી ભૂલ થઈ ગઈ. કાયરા તારી પણ માફી માંગુ છું પણ મને સાચે જ સુરભીની સાદગી ગમે છે. હું જાઉં છું અત્યારે ખુબ જ ગોટાળો થઈ ગયો."
કહેતાંક રાજવીર નીચું મોઢું કરીને ફટાફટ ચાલ્યો ગયો અને કાયરા,સુરભી અને તેના પિતાજી મૌન બનીને મનમાં જ વાતો કરતા રહ્યાં.
કાયરને અહેસાસ થઈ રહ્યો હતો કે,
"સુરભીની સાદગી મારી મોર્ડન સ્ટાઇલ સામે ખુબ જ મહત્વનો જીવનનો જંગ જીતી ગઈ.
કાયરાના પિતાજી સાદગીની શાનદાર જીત મૌન સાક્ષી બની જોતાં જ રહ્યાં.
