Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Mariyam Dhupli

Inspirational Others


4  

Mariyam Dhupli

Inspirational Others


સાદ

સાદ

4 mins 623 4 mins 623

"મનહર ...અલ્યા મનહર ...અહીં અહીં ..અરે સાંભળ તો ખરો ...અરે આ તરફ ...મનહર ....મનહર ...."

હું એ દિવસે ફરી એકવાર બુમાબુમ કરતો રહી ગયો અને મનહરનું સ્કૂટર સડસડાટ મારી આંખો સામેથી અદ્રશ્ય થઇ ગયું. આવું પહેલીવાર બન્યું ન હતું. આ અગાઉ પણ કેટલી બધી વાર મારી બુમાબુમ આજ પ્રમાણે પ્રત્યાઘાત મેળવ્યા વિનાજ સમી ચુકી હતી. 

આજથી પંદર દિવસ પહેલા મંદિરની દાદરો ઉતરતા મનહરના દર્શન થયા હતા. અત્યંત ભીડભાડમાં પણ મિત્રને ઓળખી કાઢવું ક્યાં કપરું ? સહજતાથી ઓળખી કાઢ્યો હતો એને. પણ જે રીતે એના નામની પુકાર પડઘા સમી નિષ્ફ્ળ મારી દિશામાં ફરી પરત થઇ હતી, તે જોતા તો અત્યંત અચરજ થયું હતું. મારા જેવા મિત્રને ઓળખી કાઢવું એના માટે સહજ કેમ ન હતું ?

ત્યાર બાદ એકવાર શનિવારે બજારમાં એના ઉપર નજર પડી હતી. શાકભાજી ખરીદવામાં એ મશગુલ હતો. એના નામની સાદ મારા અવાજ થકી આખા બજારમાં ગુંજી ઉઠી હતી. પરંતુ ફક્ત એની શ્રવણ શક્તિ એ ગૂંજથી બાકાત રહી ગઈ હોય એ રીતે શાકભાજીની થેલી સ્કૂટર ઉપર ઝડપથી ગોઠવી, એનું સ્કૂટર  પૂર ઝડપે બજારમાંથી અને મારી નજરમાંથી પણ ઓઝલ થઇ ગયું હતું.

બે દિવસ પહેલા હું ઓફિસેથી ઘરે પરત થઇ રહ્યો હતો અને મારી બાઈકની સામેથીજ એનું સ્કૂટર નીકળ્યું. બાઇકને રસ્તા વચ્ચે અટકાવી હું હોર્ન ઉપર હોર્ન મારતો રહ્યો, પાછળ વળી 'મનહર' નામ ઊંચા અવાજે સતત પુનરાવર્તિત કરતો રહ્યો. પણ એ પ્રયત્ન પણ નિષ્ફ્ળ જ નીવડ્યો.

એ બધા બનાવો વખતે વિચારતો પણ રહ્યો અને મનને જુદી જુદી સાંત્વના પણ આપતો રહ્યો. આમ કેમ થાય ? મારો અવાજ મનહર ન ઓળખે ? ના, ના, કદાચ ભીડભાડમાં મારો અવાજ એના સુધી પ્હોંચ્યોજ ન હશે. આ ટ્રાફીકનો ઘોંઘાટ કઈ ઓછો હોય છે ? વળી આજનો માનવી વિચારો અને તાણમાં પોતાની જાતને વિસરી જાય ત્યાં એકાદ મિત્ર ઉપર ધ્યાન ન પડે કે સામેની વ્યક્તિ ઉપર આંખો ન ઠરે, એવું થવાની શક્યતા તો ખરીજ. દરેક પ્રસંગે મારા મિત્રના બચાવમાં હું ધ્વનિ પ્રદુષણ અને આધુનિક સમયના તાણયુક્ત જીવન ઉપર દોષારોપણ કરતો રહ્યો. 

પણ એ દિવસે જયારે રાત્રીના નીરવ, અતિશાંત વાતાવરણમાં ફક્ત દસ બાર ફૂટના અંતરેથી મારા અવાજને અવગણતું એનું સ્કૂટર ફરીથી એજ રીતે ભાગી છૂટ્યું ત્યારે મનમાં શંકાની સોય ભોંકાઈ ગઈ. ગાલિબ જાણે સાક્ષાત મનમાં પ્રવેશી ગયા. મિત્રના બચાવમાં ભૂતકાળમાં મનમાં ઉઠેલી દરેક દલીલો સામે પોતાની પ્રખ્યાત પંક્તિ ગણગણી ગયા. 

'દિલ કો બહેલાને કે લિયે, ખ્યાલ અચ્છા હે ગાલિબ. '

હા, એ બધા મારા મનના ઘડી કાઢેલા બહાનાંઓજ તો હતા. વાસ્તવિકતા સ્વીકારવા હું તૈયાર ન હતો. મન સત્ય સામે મોઢું ફેરવી રહ્યું હતું. મિત્ર આવું વર્તન કરી શકે એ વિચારવુંજ કેટલું છોભીલું હતું.  પણ મનહર મારા જોડે એવું વર્તન શા માટે આચરી રહ્યો હતો ? શું મારાથી કોઈ ભૂલ થઇ હતી ? રાત્રીના અંધકારમાં આગળ વધી રહેલા મારા ડગલાં ઊંડી વિમાસણમાં હતા. આવું તો શું થયું કે મારો અવાજ મનહર માટે અપરિચિત બની ગયો ? અમે બન્ને શ્રેષ્ઠ મિત્રો તો નજ હતા. પણ સારા મિત્રો તો ચોક્કસ હતા. કદી બન્ને વચ્ચે થયેલ કોઈ અણબનાવ કે મતભેદ મને યાદ આવી રહ્યા ન હતા. ને જયારે અંતિમ વાર હું એને મળ્યો હતો ત્યારે યોગ્ય રીતે સામાન્ય વાર્તાલાપ થયો હતો અને .....અને ...અને ....હા , મારી યાદશક્તિનું ઢાંકણ એક ઝટકા જોડે ખુલી પડ્યું. થોડી ક્ષણ માટે મારા ડગલાં રસ્તા વચ્ચે અટકી પડ્યા. તો એ કારણસર મનહર મને અવગણી રહ્યો હતો. મનમાં હતાશા અને ક્રોધ એકબીજાની ઉપર હાવી થઇ પડ્યા. હું જ્યાં મિત્રતાના સંબંધ અંગેની ચિંતામાં દિવસોથી વિચારોના યુદ્ધમાં અટવાઈ રહ્યો હતો ત્યાં મનહર તો અન્યજ અટકણમાં પડ્યો હતો. એજ ક્ષણે મનમાં એક દ્રઢ નિર્ણય લેવાયો અને મારા ડગલાં ફરીથી પોતાને માર્ગે વળગ્યા. 

થોડા દિવસો પસાર થયા અને એક દિવસે ફરીથી મંદિરની દાદરો ઉપર એના દર્શન થયા. 'મનહર' નામની ગુંજ ફરીથી હવામાં લહેરાઈ. અપેક્ષા પ્રમાણે ન કોઈ પ્રતિઉત્તર મળ્યો ન કોઈ પ્રત્યાઘાત. અન્ય દિશામાં મોઢું ફેરવી અતિ ઝડપે અદ્રશ્ય થવા ઉપડી રહેલા મનહરના ડગલાની પાછળ મારા ડગલા પણ દ્રઢ પણે ઉપડ્યા. દસેક ફૂટ જેટલા અંતરેથી મારા શબ્દો સ્પષ્ટ રીતે એના કાન ઉપર પડ્યા. 

"મનહર , સાંભળ, પેલા હજાર રૂપિયા જે મારી પાસેથી ઉછીના લીધા હતા એ પરત કરવાની જરૂર નથી. "

એ શબ્દો જોડેજ હું અન્ય દિશા તરફ વળી ગયો. પાછળ ફરીને જોવાની ન કોઈ ઈચ્છા હતી, ન અનિવાર્યતા.

લગભગ એક મહિના પછી હું મારા કુટુંબ જોડે મેળામાં સુંદર સમય પસાર કરી રહ્યો હતો. દૂર અંતરેથી મારા નામની સાદ હવામાં ગુંજી રહી હતી.

હા , મનહરનો જ અવાજ હતો એ...


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Inspirational