'Sagar' Ramolia

Fantasy

4.9  

'Sagar' Ramolia

Fantasy

સાચો રસ્તો

સાચો રસ્તો

4 mins
449


મુંબઈ શહેર એટલે ર૪ કલાક જાગતું શહેર અને એ શહેરમાં રહે ચાર મિત્ર : રાજ, પૂજન, મિતાંશુ અને આદિત્ય. આ ચારેય પાક્કા મિત્ર. હંમેશાં સાથે જ રહે. બધા પોતાના ગામથી અહીં-મુંબઈ કોલેજની ડિગ્રી મેળવવા જ આવ્યા હતા. ડિગ્રી તો જાણે તેના માટે ટાઈમપાસ માટે હતી. ચારેય પાસે ભવિષ્ય માટે આવક નક્કી હતી. તેથી તેને પૈસા કમાવા માટેની કોઈ પરવા ન હતી.

રાજના પપ્પા એક મોટા બિઝનેસમેન હતા અને તેને ખબર હતી કે તેના પપ્પાનો બિઝનેસ આગળ જતાં તેને જ સંભાળવાનો છે. એટલે તેને બીજી કોઈ નોકરી કરવી પડે તેવી કોઈ ઝંઝટ જ નથી. તેથી તે હંમેશાં બેફીકર જ રહેતો હતો.

પૂજનના પપ્પા એક ખેડૂત હતા અને તેની પાસે પ૦૦ વિઘા જમીન હતી. જેથી તે બેઠા-બેઠા નિરાંતે ખાય તોય ખૂટે તેમ ન હતું. એટલે તેને પણ કોઈ પ્રકારની ચિંતા હતી નહિ.

મિતાંશુના પપ્પા એક નેતા હતા અને તેને પણ ભવિષ્યમાં એક નેતા બનવાની જ ઈચ્છા હતી. તેથી તે પણ માનતો કે જો તેની પાસે કોઈ ડિગ્રી નહિ હોય, તો પણ તે નેતા બની શકશે, અને તેથી તે પણ હંમેશાં મોજીલો બનીને જ રહેતો.

આદિત્ય પણ એક બિઝનેસમેનનો પુત્ર હતો. એટલે તેને પણ રાજની જેમ જ તેના પપ્પાનો બિઝનેસ કરવો હતો. જેથી તેને ભણવામાં રસ જ ન હતો. તેને બધું જ રેડીમેડ મળવાનું હતું.

આમ, ચારેય મિત્રોને ભણવામાં કોઈ રસ હતો જ નહિ. મુંબઈમાં પોતાના શોખ પૂરા કરે અને બાપે કમાયેલ પૈસો પાણીની જેમ વહાવે. ભવિષ્યની કોઈ ચિંતા હતી જ નહિ.

એક વખત આદિત્યના ઘરે તેના પપ્પાએ એક પાર્ટી રાખી હતી. તે પાર્ટીમાં ચારેય મિત્રોના પપ્પાઓ પણ ભેગા થયા. બધાએ પોતાના પુત્રના બેફિકરાપણા વિશે ચર્ચા કરી. બધા ચિંતામાં મુકાઈ ગયા. તેઓ વિચારે છે, જો આ રીતે આ ચારેય છોકરા ધ્યાન નહિ આપે, તો જીવનમાં કાંઈ હાંસિલ કરી શકશે નહિ.

આદિત્યના પપ્પાને એક યુક્તિ સૂઝી. પછી પોતાની વાત બાકીનાને કહી, “આપણે ચારેય થોડા સમય માટે કયાંક ચાલ્યા જઈએ. પછી એવું જાહેર કરાવીએ કે, એક અકસ્માતમાં આપણું મૃત્યુ થઈ ગયું છે અને આપણી બધી સંપત્તિ એક ટ્રસ્ટમાં આપી દીધેલ છે. તેમને કાંઈ મળવાનું નથી. આ ઉપરથી આપણા પુત્રોને કાંઈ ભાન થાય અને મહેનત કરવા લાગે, તો તેમની જિંદગી સુધરી જાય.”

બધાને આ યુક્તિ પસંદ આવી. તે મુજબ બીજા દિવસે અમલ પણ કરી દીધો. ચારેય બીજા શહેરમાં ચાલ્યા ગયા. ત્યાંથી પુત્રોની કામગીરી ઉપર નજર રાખવા લાગ્યા કે, હવે તેઓ શું કરે છે ?

ચારેયના પુત્રો માથે તો જાણે આભ તૂટી પડયું હતું. પોલીસના કહેવા મુજબ ચારેયની લાશ પણ મળી નહોતી. આઘાત તો મોટો હતો જ, પરંતુ પોતાની સ્વતંત્રતા પણ હવે રહી નથી, એ પણ ધ્યાનમાં આવ્યું. ઉપરથી બીજો ફટકો પડયો. ખરાબ પરિણામને કારણે ચારેયને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ચારેયને થયું કે આપણે આગળ કાંઈક કરવું હશે તો ડિગ્રી તો જરૂર પડશે જ. હવે આપણી પાસે બાપકમાઈ તો નથી જ ! એટલે ગમે તેમ કરીને કોલેજ તો પૂરી કરી જ લઈએ.

ચારેય પ્રવેશ માટે ઘણી કોલેજોમાં ગયા. પણ આગળનું પરિણામ જોઈને કોઈએ તેમને પ્રવેશ ન આપ્યો. પછી ચારેયે નક્કી કર્યું કે, આપણી પાસે ટ્રસ્ટમાં ન ગયેલ અમુક વસ્તુઓ, જેવી કે મોંઘી ગાડીઓ, જવેલરી વગેરે તો છે જ. આપણે તે વેંચી નાખીએ. તેમાંથી આપણે એક નવી કોલેજ ઊભી કરી શકીએ, એટલો પૈસો તો આવી જશે. આમ વિચારીને ચારેયે તે મુજબ કર્યું. એક પ્રાધ્યાપકને સમજાવીને તેમના નામે એક કોલેજ શરૂ કરી. તેમાં આ ચારેય તો ભણ્યા, સાથે સાથે અન્ય એવા વિદ્યાર્થીઓ, કે જેઓ કોલેજપ્રવેશથી વંચિત રહી ગયેલ, તેમને પણ અહીં પોતાની ડિગ્રી પૂરી કરવાનો મોકો મળી ગયો. સૌ કોઈ આ કોલેજ શરૂ કરનાર ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા હતા. કોલેજ ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ. 

હવે આ ચારેય વિચારે છે કે, આપણે એ કોલેજને પછાડી દઈએ, કે જ્યાંથી આપણને કાઢી મૂકવામાં આવ્યા હતા. હવે આપણી મહેનત રંગ લાવી છે અને આપણી પાસે ફરીથી પૈસો પણ થઈ ગયો છે.

પણ કુદરતને આ ચારેયની આવી મેલી મુરાદ જાણે પસંદ ન આવી. પેલી કોલેજના બદલે પોતાની કોલેજના વળતાં પાણી થયાં. તેમની કોલેજનું શિક્ષણ કથળવા લાગ્યું. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. ચારેયને કંઈ સમજાતું નથી. તેઓ વિચારે છે, “આપણે માત્ર ભણવાના વિચારથી કોલેજ શરૂ કરી હતી, ત્યારે તો આપણી કોલેજ ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી. અહીં પ્રવેશ માટે પણ લાઈનો લાગતી હતી. તો હવે આ શું થઈ ગયું? હવે આપણે થોડું વધારે કમાવાનું વિચાર્યું, તો કોલેજના આ હાલ ?

એક દિવસ ચારેય કોલેજની બહાર ચિંતામગ્ન બેઠા હોય છે, ત્યાં તેમની નજર સામે પડે છે. જુએ છે તો ચારેયના પપ્પાઓ ત્યાં હાજર હતા. ચારેયને ખૂબ આનંદ થાય છે. અને પોતાની હકીકત કહે છે. ત્યારે તેમના પપ્પાઓએ ચારેયને સમજાવ્યા, “જ્યારે તમે લોકો માત્ર ભણવા અને ભણાવવા માટે કોલેજ શરૂ કરી, ત્યારે તે ખૂબ સારી ચાલતી હતી. આ કોલેજથી ઘણાને ખૂબ ફાયદો પણ થયો. ત્યારે તમારામાં કોઈ છળકપટ નહોતું. પણ તમે જ્યારે તમારી પહેલાની કોલેજ સાથે બદલો લેવાનું નક્કી કર્યું, ત્યારે તમારે આ દિવસો જોવાનું આવ્યું. દીકરાઓ ! છળકપટ તો કુદરતને પણ મંજૂર નથી. જ્યાં નીતિ છે, ત્યાં સફળતા છે.”

ચારેયને પોતાની ભૂલ સમજાય છે. ચારેય પોતાના પપ્પાની માફી માગે છે અને ફરીથી મહેનત કરવા લાગી જાય છે. કોલેજનું શિક્ષણ સુધરી જાય છે. પછી તો પોતે પણ પગભર થયા અને આ કોલેજમાં ભણાવીને અનેકને પણ પગભર કર્યા.

સાચું જ કહેવાયું છે ને? જ્યાં સેવાભાવના હોય છે, ત્યાં ભગવાન પણ મદદ કરે છે. સાચા રસ્તે ચાલનારને ભગવાન હંમેશાં સાથ આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy