સાચા મોતી
સાચા મોતી
" બા, આવતીકાલે તો 30 તારીખ છે કે?", એમ કહીને સંધ્યાએ તેની વિધવા સાસુ મનોરમાબેનને યાદ કરાવી દીધું કે હવે આ મહિનાનો એમને સાચવવાનો વારો પૂરો થયો છે અને હવે તેમને નડિયાદ રહેતા તેમનાં બીજા દીકરા ઋષભને ત્યાં જવાનું છે. પૂજા કરતાં મનોરમાબેનની આંખો ભરાઈ આવી. આંખમાંથી આંસુ લૂછતાં-લૂછતાં મનોરમાબેને કહ્યું, "હા, બેટા." " બા, તમારાં દીકરાએ બસના બુકીંગ માટે ફોન કર્યો હતો, પણ લગ્નગાળો છે એટલે ટીકીટ મળી નથી અને કાલે સવારે અમારે પણ મારા માસીની દીકરીના લગ્નમાં રેલમાં જવું છે તો તે તમને મુકવા નહીં આવી શકે", સંધ્યાએ જે કાંઈ કહેવાનું હતું એ બધું જ કહી દીધું. " ના બેટા, કોઈ તકલીફ ના લેશો. હું તો મારી મેળે જતી રહીશ", એ વાક્ય બોલ્યાં . " હવે તો આદત પડી ગઈ છે- એ વાક્ય ન બોલ્યાં.
મનસુખલાલના ગયા પછી છેલ્લા ત્રણ વર્ષથી ત્રણેય દીકરાઓ મહિનો- મહિનો સાચવતા. મનોરમાબેન પાલનપુરથી નડિયાદ અને નડિયાદથી અમદાવાદ જવામાં નહોતા થાકતા એટલા જિંદગીથી થાકી ગયાં હતાં. આપઘાત એટલા માટે નહોતા કરી શકતા કેમકે તો પાછળથી લોકો તેના દીકરાઓને જ હેરાન કરે અને કુદરતી મોત આવતું નહોતું બાકી અઠવાડિયામાં ચાર દિવસ તો ઉપવાસ જ હોય. બધા બહાર જમવા ગયા હોય એટલે જ તો. વળી તબિયત ખરાબ થવાને બદલે સારી થતી જતી હતી. ચાલે ખૂબ ને! ના કોઈ બસ સ્ટેન્ડ લેવા- મુકવા આવે કે ના ઘરે. રિક્ષાના પૈસા હોય નહીં. દુઃખ પણ કેટલું લગાડવું. અમુક સમય પછી બધું જ પથ્થર થઈ જતુ હશે?
નડિયાદ પહોંચ્યાં તો ઘરે તાળું હતું. ખબર પડી કે ઋષભ અને તન્વી તો ક્યાંક ફરવા ગયાં છે. ખાધાં-પીધાં વગરનાં અમદાવાદ પહોંચ્યાં. ત્યાં પણ તાળું. આજુ-બાજુવાળાને ખબર પણ નહોતી કે ક્યાં ગયા છે. હવે પાલનહાર પાસે પાલનપુર જવાના પૈસા જ નહોતા. આખો દિવસ બેગ લઈ દરવાજે બેસી રહ્યાં. સૌથી નાના દીકરા વિશાલનો દીકરો નિશાંત છેલ્લા ત્રણ વર્ષથી આ ખેલ જોઈ રહ્યો હતો. તે અચાનક જ ક્યાંકથી આવ્યો. " અરે બેટા, ક્યાં ગયા હતાં? તારા મમ્મી- પપ્પા ક્યાં છે?", મનોરમાબેન સુકાતાં ગળે પૂછ્યું. " કોઈ ક્યાંય નથી ગયું.બધા તમને જોઈ જાય અથવા તમારા આવવાના સમાચાર મળે એટલે બાજુના ઘરમાં શિફ્ટ થઈ જાય અને પછી તમારા જવાની રાહ જુએ છે. કોઈને તમારી પડી નથી. પણ હું ના રહી શક્યો", નિશાંત મનોરમાબેનને બાથ ભીડીને રડતાં- રડતાં બોલ્યો. મનોરમાબેનની આંખમાં હતાં એટલા બધા આંસુઓ જાણે વહી રહ્યાં હતાં. કોઈ ફરિયાદ કે આક્રોશ વગર. નિશાંતે મનોરમાબેનના આંસુ લૂછતાં કહ્યું, " બા, આ સાચા મોતી તો ત્યાં વહાવાય જ્યાં એની કિંમત જાણનાર કોઈ હોય. અહીં આની કોઈ કિંમત નથી. ચાલો, હું તમને સુખમાં લઈ જાઉં",એમ કરી નિશાંત મનોરમાબેનનો હાથ જાલી એના ઘરથી થોડે જ દૂર આવેલા વૃદ્ધાશ્રમ તરફ ચાલ્યો.