રોજ ની ઘટના
રોજ ની ઘટના


'અજી..સુનતે હો...?
અહોહો....ક્યા બાત હૈ શ્રીમતી જી ?.. આજ તો સવાર સવારમાં હિન્દીમાં ?.. કંઈ નવા જુની છે કે ?.સુનિલ બોલ્યો.
સુનિલ ની પત્ની પારૂલ બોલી,"શું તમે તો ! શું હું હિન્દીમાં ના બોલી શકું ! હું શું કહેતી હતી ચામાં આદુ નાખું કે ફુદીનો ?'
'એમ કર ચામાં થોડો ફુદીનો અને થોડું આદું નાખ. સરસ બનશે.આમેય તારી ચા તો સરસજ બને છે. તારી બહેન અને તારા બનેવીને પણ તારા હાથની ચા જ વધારે ભાવે છે." સુનિલ બોલ્યો.
'મારા બનેવી ! અને તમારા કોઈ નહીં ?. સારું સારું બહું થયું સવાર સવારમાં મસ્કા મારવા લાગ્યા. પારુલ બોલી.
થોડીવારમાં પારૂલ આદુ ફુદીનાની ચા બનાવી લાવી અને સાથે સાથે પીતા હતા. અને પારૂલ બોલી," સાંભળો છો ? મારે બે સાડીઓ અને થોડા ડ્રેસ લેવાના છે. એક મહિના પછી મારી ફ્રેન્ડના ઘરે ફંક્શન છે અને મને બોલાવવાની છે. પછી વેકેશનમાં મારા મામાના ઘરે લગ્નમાં જવાનું છે. તો આપણે રતનપોળ ખરીદી કરવા જશું."
"અરે, રતનપોળ તો જવાતું હોય ! રતનપોળમાં એક તો બાઇક લઇને જવાની તકલીફ. શહેરમાં મને ચલાવતા ના ફાવે. આમેય તું ક્યાં સાડી પહેરે છે ! ને આટલા બધા તો ડ્રેસ છે ખોટો ખર્ચો જ ને! "
'જ્યારે હું મારા માટે ખરીદી કરવાનું કહું ત્યારે જ તમે ના પાડો છો. તમારા માટે તો હું બધું હોંશે હોંશે લાવું છું. આ તમે પુરૂષોને કદર જ ક્યાં છે ! હું હમણાં જ મારી બીજી ફ્રેન્ડ ને ફોન કરી ને નવી સાડી માટે પુછી જોઉં ?"
"અરે.. તું તો રીસાઈ ગઈ ! હું તો ખાલી ગમ્મત કરતો હતો. સારું સારું. તું કહે એ દિવસે લેવા જઈશુ." સુનિલ બોલ્યો.
"આ તમારે બેંકમાં હડતાલ છે ને આવતા વીકમાં એ દિવસેજ."
"ના ના મારે હડતાલ માં દેખાવ કરવા જવાનું છે. બધા સ્ટાફના આવવાના છે. બીજો કોઈ દિવસ રાખ."
'જુઓ તમે પગાર વધારા માટે એક વર્ષમાં કેટલી હડતાલ પાડી. પગાર વધ્યો ? મારી ફ્રેન્ડ કહેતી હતી કે બેંકવાળાને તો જલસા જ છે. કામ ઓછુંને પગાર વધારે! ને હવે તો એટીએમ અને ઓનલાઇન થયું અને બેંકમાં છુટા રૂપિયાજ મલતા નથી અને જુદા જુદા બહાના બતાવી કામ તો કરતા નથી. ઘરમાં તો કામ કરતા નથીને ઓફિસ માં શું કરતા હશો ?"
" ના..ના.એવુ નથી .કામની મેં ક્યારે ના પાડી ! અને છુટા રૂપિયાજ બેંકમાં આવતા નથી. અને આ બધી હડતાલ અમારા પગાર માટે જ નહોતી પાડી. ગ્રાહકોને અગવડો પડે છે જુદા જુદા ચાર્જ લે છે. અને સ્ટાફની ભરતી થતી નથી એટલેજ પાડી હતી. અને આ વખતે પગાર વધારા માટે. હવે તું વધુ પુછ નહીં. સવાર સવારમાં માથું ખાય છે તારે બીજું કામ છે કે નહીં ?'
સુનિલ હવે બગડ્યો. અને પારૂલ બબડતી બબડતી કીચનમાં ગઈ. 'સાચું કહીએ એ કોઈને ગમતુંજ નથી.. મારા પપ્પાને પેન્શન માટે અને બીજા કામ માટે આ બેંકવાળા ઓ બહું પરેશાન કરતા હતા એટલે સામાન્ય પુછ્યું. ભલાઈનો જમાનો જ નથી !'