રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૪
રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૪


આપણે જોયું કે જેકીનો અવાજ ફોનમાં ગભરાયેલો આવતો જોઈને વિકીને ચિંતા થઇ. અને મૉલમાંથી લીધેલી વસ્તુઓનું બિલ બનાવવાનું મૂકીને સીધી દોટ મૂકી કારનાં પાર્કિંગમાં. એના વિચારોની ગતિ એની કારની સ્પીડથી તો અચૂક વધારે હતી. મૉલથી "ધ સ્ટાર ઓફ કિંગ્સ"નો રસ્તો એટલો વધારે હતો નહિ પરંતુ આજે એ જ રસ્તો ઘણો લાંબો લાગી રહ્યો હતો અને એ જ રસ્તામાં એને કૅફેની મંઝિલ હજી દૂર દેખાતી હતી. વિચારોમાં ખોવાયેલો વિકી પોતાની જ જાત સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો અને જૂની યાદોને અને જેકી સાથેની દરેક વાતોને વાગોળતો કારને હંકારી રહ્યો હતો.
(વિચારોમાં)
આ જૅકી હંમેશા કાંઈક ને કાંઈક કર્યા જ કરતો રહે છે. આટલા સમયે મેળ થયા બાદ પણ આ જૅકી હજી એવો ને એવો જ છે. સમય સાથે દરેક માણસ બદલાય છે અને એનો સ્વભાવ પણ અચૂક બદલાય છે છતાં આ સાહેબના વર્તનમાં કોઈ ફેરકાર જોવા નથી મળતો. એ જ અલ્લડપણુ, એ જ ઝિંદાદિલી, એ જ છોકરમત અને એ જ બિન્દાસ એનો નેચર, દુનિયાથી પર રહીને જીવવાનું, ખુલ્લા મને હસવાનું, ગિટાર વગાડવાનું ને મસ્ત-મગન થઈને ગાવાનું. ડર તો એને કોઈ વાતનો હજી પણ લાગતો નથી. માણસ સાથે આંખમિચોલી રમવાની અને બસ પોતાની જાતને વ્યસ્ત અને ખુશ રાખવાની એ એનું કામ. આ માણસને સમજવામાં તો હજી હું પણ થાપ ખાઈ જાય છું. હા, એટલું જાણું છું કે એણે આજ સુધી કોઈનું ખરાબ કરવાનો વિચાર શુધ્ધા નથી કર્યો. પરંતુ પોતાના આનંદ માટે મઝાક-મસ્તી અને આંખમિચોલી તો અચૂક રમે છે. અરે ! એ દિવસ હું કઈ રીતે ભૂલી શકું જયારે બનેં પાક્કા મિત્રો બની ગયા હતા.
વિકી અને જેકી બંને સાથે શાળાએ જતા ત્યારથી મિત્રો તો હતાજ. અને પાડોશી પણ ખરા. એટલે મિત્રતા બંધાય એમાં કાંઈ નવાઈ નહિ. પરંતુ એક એવો બનાવ બન્યો કે એ બનાવે બંનેને પાક્કા મિત્રો બનાવી દીધા. અચાનક જ જેકીના ઘરમાં મુસીબતોના પહાડ ઉમટી આવ્યા હોય એમ વાવઝોડાની જેમ જિંદગી બેકાબૂ બનવા લાગી. મધદરિયે આખી નાવ હાલક-ડોલક થવા લાગે અને ખલાસી રસ્તો ભૂલી જાય ને ત્યારે પ્રવાસીઓની હાલત જે હોય ને એવી જ હાલત એના પરિવારની થવા લાગી. જૅકીનો પરિવાર તો નાનો જ હતો. મમ્મી-પપ્પા અને એક નાનો ભાઈ. અંકલને ધંધો હતો જે સારો ચાલતો હતો અને અચાનક જ ધંધામાં ખોટ આવી. પરિવાર આર્થિક રીતે ઘસવા લાગ્યો. પરિવારનું ગુજરાન તો ચાલતું હતું. પરંતુ અંકલ-આંટી માનસિક અને આર્થિક રીતે થોડા નબળા પાડવા લાગ્યા. જેકી એ સમયે એટલો નાસમજ પણ નહતો કે એ પરિસ્થિતિને જોઈને સમજી ના શકે. પરંતુ એટલો પણ મોટો નહતો થઇ ગયો કે એના પરિવારને મદદ કરી શકે. એટલે પોતાના જ વિચારોમાં, સવાલોના-જવાબોમાં અને પરિસ્થિતિના સકંજામાં વીંટળાયેલો શાળામાં પણ શાંત-શાંત બેસી રહે. એના મસ્ત મિજાજી સ્વભાવનું સ્થાન ચુપકીદીએ લઇ લીધું હતું.
શાળામાં ઘણા મિત્રો છતાં કોઈનું ધ્યાન એ તરફ ન ગયું. પરંતુ હું પહેલાથી જ શાંત અને સમજુ સ્વભાવનો એટલે મને એ વાતનો અંદાજો આપવી ગયો. મેં એને ઘરે જતા રિક્ષામાં જ પૂછ્યું કે, 'દોસ્ત કાંઈક થયું છે ? તું આમ કાંઈ બોલતો કેમ નથી?' અને એ સમયે તો જેકી કાંઈ બોલ્યો નહિ. ચૂપ જ બેસી રહ્યો. અમે ઘરે પહોંચવા માટે શેરીની ડગરમાં ચાલી રહ્યા હતા. ત્યારે અચાનક જ દોડીને વાડા તરફ ભાગ્યો અને ગભરાઈને હું પણ વાડામાં એની પાછળ બૂમો પડતો ભાગ્યો. જઈને જોયું તો જેકી જે મસ્ત મગન રહેતો, હસતો, મઝાક-મસ્તી કરતો, આંખમિચોલી રમતો, ઉલ્લડ સ્વભાવનો છોકરી આમ નાના છોકરાની જેમ બે હાથ વચ્ચે મોઢું સંતાડીને રડી રહ્યો હતો.
આ દ્રશ્ય જોઈને હું વધારે ગંભીર બની ગયો અને પાસે જઈને એને રડતો બંધ કરાવીને પ્રેમથી પૂછ્યું ત્યારે એણે કહ્યું કે, 'ધંધામાં થોડી મંદીના કારણે ઘરનું વાતાવરણ કાંઈક સારું નથી. હું પણ એટલો મોટો નથી કે પપ્પાને મદદ કરી શકું. નાનાભાઈને શાળાએ મુક્યો છે એટલે એના પણ ખર્ચા અને મારા પણ, ઉપરથી ઘરનો પરચુરણ ખર્ચ અને બીજું ઘણું બધું. જે પપ્પા એકલા હાથે હવે સાંભળી શકે એમ રહ્યા નથી. માનસિક રીતે એ પણ થાકી ગયા છે. મને અને ભાઈને કાંઈ કહી શકતા નથી. અમે તો રહ્યા નાના છોકરા એટલે મદદ પણ કાંઈ રીતે કરીએ. આ બધું પણ એમને મને કીધું નથી. આ તો હું એમની વાતો સાંભળી ગયો હતો અને એ દિવસથી જ મને ખબર નથી પડતી કે હું શુ કરું. આજે આપણે હજી ૮માં ધોરણમાં ભણીએ છે. કોઈ એવા મિત્રો નથી કે જેની સાથે મોકળા મને વાત કરી શકું, એટલે આટલા દિવસથી મુંઝાઉં છું. પરંતુ આજે દોસ્ત, તે મને પૂછ્યું એટલે હું મારી જાતને સાંભળી ના શક્યો અને કેહવું પડ્યું.'
આટલું બોલીને જેકી ચૂપ થઇ ગયો. અને મારા મગજમાં વિચારોનું વાવઝોડુ ચાલુ થઇ ગયું. હું ઉભો થયો એને ઘરે મૂકીને હું પણ ઘરે જતો રહ્યો અને જતા એટલે જ કહ્યું કે, 'જેકી, રડતો નહિ હવે. તું મસ્તી કરતો જ સારો લાગે છે.'
એ સમયે નાના મગજમાં આટલું જ આવ્યું. પછી આપણે પણ ઘરે જતા રહ્યા, હું મમ્મી સાથે દિલ ખોલીને વાત કરતો. રોજ આખા દિવસની દિનચર્યા હું એને કહી સાંભળવતો એટલે એ દિવસે પણ અમે ચર્ચાઓ કરી. પછી પપ્પા સાથે ચર્ચાઓ ચાલી અને પપ્પા અંકલને મળવા એમની ઓફિસમાં ગયા. બંને પરિવારે મળીને શું નક્કી કર્યું એ તો અમને આજ દિન સુધી ખબર નથી. પરંતુ એ દિવસ પછી સમસ્યોનું વાવઝોડુ કાયમ માટે હટી ગયું, બંને પરિવારોમાં ખુબ સંપ, બધા જ નિર્ણયો સાથે થાય. એ જ દિવસથી અમે બંને મિત્રો તો બન્યા પરંતુ ભાઈઓ જેવો પ્રેમ વધવા લાગ્યો. અમારી મિત્રતાંની ચર્ચા ચારેઓર થવા લાગી.
ભણવામાં પણ હોશિયાર એટલે બંને પોતાના રસ ધરાવતા વિષયોમાં ભણતર પૂરું કર્યું અને પછી એમનો પરિવાર બીજે રહેવા ગયો એમાં થોડું અંતર આવી ગયું. અંતર એટલે મનથી નહિ વાતચીતોથી, પછી બંને વિદેશ આવી ગયા એટલે તો સાવ જ છૂટી ગયું અને દુનિયાદારીમાં એટલે વ્યસ્ત થઇ ગયા કે પાછા ફરીને જોવાનો સમય જ ના રહ્યો. આજે મળ્યા છીએ તો આટલા વર્ષો બાદ અને એમાં પણ મુસીબતોનો સાથ. માણસની જિંદગી જ એક મેઘધનુષ્યના રંગો જેવી છે જે રોજ કાંઈક ના કાંઈક નવા રંગો ભર્યા જ કરે. નવું જ મેઘધનુષ્ય બન્યા કરે એને નિહાળ્યા કરવાનું અને એમાં જ ખુશ રહેવાનું.
વિચારોમાંથી બહાર આવી એને જૅકીની ચિંતા થવા લાગી એટલે એને કારમાં બ્લુટૂથથી કૉલ જોડ્યો. તો ફૉન આઉટઓફ કવરેજ બતાયો. એટલે એને ચિંતાનો પાર ના રહ્યો અને કાર બની શકે એટલી વધારે ઝડપે ચાલવી. એને 'ધ સ્ટાર ઓફ કિંગ્સ' હૉટેલ પહોંચવું હતું. રસ્તામાં એને ફૉન ચાલુ જ રાખ્યા પરંતુ એ ફૉન ના લાગ્યા. એટલે એની ચિંતા વધારે ને વધારે ઊંડી થતી ગઈ. અંતે એ 'ધ સ્ટેટ ઓફ કિંગ્સ' હૉટેલમાં આવી ગયો અને કાર પાર્ક કરી. ત્યાં જ એણે પોલીસની વેન જોઈ અને ચિતાના વધારે ગહેરા વાદળો એના મનમાં ફરી વળ્યાં. કાર પાર્ક કરીને એ જેવો અંદર જવા ગયો ત્યાં જ પોલીસે એને રોક્યો.
'હેલો યંગ મૅન, સોરી યુ કાન્ટ ગો ઇનસાઇડ.'
આ સાંભળીને વિકિના ટેન્શનમાં ગજબનો વધારો થયો. બાજુ પર આવીને એને ફરી જેકીને કૉલ કરવાનું શરુ કર્યું પરંતુ ફૉન ના લાગ્યો હજી આઉટઓફ કવરેજ જ આવતો હતો. હવે તેની સમજશક્તિ અને ધીરજ બંને ખૂટી રહ્યા હતા. તેને સમજાતું નહતું કે આ બધું શું થઇ રહ્યું છે. વિચારોમાંથી બહાર આવે એ પહેલા જ એના ફોનમાં રિંગ વાગી અને એને ફૉન ઉપાડ્યો.
'હેલો, હુઝ ધીસ ?'
'હૅલન ડૅની હીઅર. ઈઝ ધીસ વિકી પટેલ ?'
'યસ, હાઉ વુડ યુ નો અબાઉટ માયસેલ્ફ ?'
***
ક્રમશ:...
જેકીનો ફૉન આમ અચાનક આઉટઓફ કવરેજ કેમ ?
કેફેમાં આટલી પોલીસ શેની ?
ફૉન પર આવેલો એ હેલનનો કોલ ?
કોણ હતી એ લેડી ?
એની પાસે વિકીનો નંબર ક્યાંથી આવ્યો ?
નવું વર્ષ ક્યાં નવા રંગોથી બે મિત્રોનું સ્વાગત કરવા માંગે છે ?
શું થશે આગળના ભાગમાં?
બધા જ સવાલોના જવાબ સાથે આપણે મળતાં રહીશુ. ત્યાં સુધી આપના અભિપ્રાયોની આશા સાથે...