રંગભેદ
રંગભેદ
આકાશ અને મૈત્રીની દોસ્તી ઓનલાઈન થઈ હતી. બંને એકબીજા સાથે વાતો કરતા. બંને એકબીજાના વિચારો શેર કરતા. એકબીજાની પસંદ, નાપસંદ બધું જ ખબર હતી.
"મૈત્રી મારી દોસ્તી નિઃસ્વાર્થ છે. હું જીવનભર તારો સાથ નિભાવીશ. મારે તારા ચહેરા સાથે કોઈ લેવાદેવા નથી. તારું દિલ અને તારું મન દુનિયામાં સૌથી સુંદર છે. ભલે મે તારો ચહેરો આજ સુધી નથી જોયો પણ મને ખબર છે તું ખૂબ જ સુંદર છે."
આકાશ અને મૈત્રીની મિત્રતા ગાઢ થતી જતી હતી, પરંતુ બંનેએ એકબીજાનો ચહેરો ક્યારેય નહોતો જોયો.
આકાશ અને મૈત્રીના મનમાં હવે એક મિત્ર કરતાં વધારે ફિલિંગ થવા લાગી. બંને એકબીજા સાથે વાતો કર્યા વગર રહી શકે તેમ નહોતા. બંનેને એકબીજાની આદત પડી ગઈ. હવે તો બંને એકબીજાનો જાણે શ્વાસ બની ગયા.
"મૈત્રી તને એવું નથી લાગતું કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ. મૈત્રી તું કહે તો હું મારા પરિવાર સાથે વાત કરું." આકાશ મૈત્રી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે.
થોડા ગભરાયેલા અવાજે મૈત્રી એ કહ્યું ," પહેલા આપણે બંનેએ રૂબરૂ મળવું પડશે. પછી તું તારા પરિવારને વાત કરજે."
બીજા જ રવિવારે મૈત્રી આકાશને માળવા તેના શહેર બોલાવે છે. મૈત્રી અને આકાશ બંને જુદા જુદા શહેરના હતા. ઘણી એવી બાબતોથી બંને અજાણ હતા જે રૂબરૂ મળવાથી ખબર પડશે.
આકાશ તો જવા માટે તૈયાર થઈ ગયો. ઘરમાં તે વાત કરતો નથી. બીઝનેસ કામે બહાર જવું છું કહી આકાશ મૈત્રીને મળવા જાય છે.
આકાશના મનમાં તો મૈત્રીનો ચહેરો આકાર લેવા લાગ્યો." મૈત્રી કેવી હશે? રૂપાળી હશે? જાડી હશે કે પાતળી? તેના વાળ કેવા હશે? તેની આંખો કેવી હશે? અરે હું પણ કેટલા વિચારો કરવા લાગ્યો! હું જેને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરું છું એ સુંદર જ હોય ને! અને મને તેના રૂપ સાથે કોઈ લેવાદેવા નથી. તેનું મન તો સુંદર જ છે."
આકાશ મૈત્રીએ જે પાર્કમાં મળવાનું કહ્યુ હતું ત્યાં પહોંચી ગયો. બંને એકબીજાને ફોન કરી પોતાના કપડાનો કલર કહે છે, કારણ કે બંને એ એકબીજાને ક્યારેય જોયા નથી.
આકાશ આમથી તેમ આંટા મારે છે ત્યાં જ તેના ખંભે કોઈક હાથ મૂકી કહે છે,"આકાશ".
અરે આ તો મારી મૈત્રીનો અવાજ છે. તેનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. પાછું ફરી જોવાની હિંમત પણ નહોતી થતી.
હિંમત ભેગી કરી આકાશ મૈત્રીની સામે ફર્યો. અને મૈત્રીને જોતા તેની આંખો ફાટી જ રહી ગઈ.
આકાશ રંગે ગોરો, છ ફૂટ ઊંચો, ખડતલ શરીર અને દેખાવે એક રાજકુમાર જેવો હતો. મૈત્રી કદમાં નાની, રંગે શ્યામ હતી.
"તું મારી મૈત્રી છે?" મૈત્રીને જોતા જ આકાશના મોઢામાંથી વાક્ય સરી પડ્યું.
"શક્ય જ નથી. હું જેને પ્રેમ કરું છું એ આવી બદસૂરત ના હોઈ શકે. હું તને મારી પત્ની સપનામાં પણ ના બનાવી શકું!" આકાશ હૈયાની બધી વરાળ મૈત્રી ઉપર ઠાલવવા લાગ્યો.
"આકાશ તું તો કહેતો હતો ને કે તું મારા મનને પ્રેમ કરે છો. મારા ચહેરા સાથે ક્યાં તારો કોઈ નિસ્બત હતો! આપણે એકબીજાને જોયા વગર જ પ્રેમ કર્યો છે. હું એ જ મૈત્રી છું. હા હું રંગે જરૂર શ્યામ છું પણ મારું મન તો શ્વેત જ છે."મૈત્રી બોલતા બોલતા રડી પડી.
"નહી મૈત્રી હું તને નહી સ્વીકારી શકું. મને માફ કરી દે." આકાશ મૈત્રીને છોડી જતો રહે છે.
મૈત્રી ખૂબ જ રડવા લાગી. એક બાંકડે બેસી પોતાનો ભૂતકાળ વાગોળવા લાગી. રડી રડી તેની આંખો સૂજી ગઈ.
મૈત્રીની નજર એક નાનકડા પપી ઉપર પડી. એ પપી રંગે શ્વેત હતું. અને એ એક બીજા ડોગી સાથે રમતું હતું. જે રંગે શ્યામ હતું. બંને એબીજાના સાથે કેવા રમતા હતા. બંને એકબજાના મોઢાથી વહાલ કરતા હતા.
મૈત્રી વિચારવા લાગી. એક મૂંગા જાનવરને પણ રંગભેદ નથી હોતો. અને એક માણસ જે રંગભેદ જાણતા બધું જ છોડી જતો રહ્યો.