રામ
રામ


કાશીમાં એટલે અમારા ફળિયાનું જાજરમાન વ્યક્તિત્વ. આસપાસના લોકોમાં કાશીમા સાકરની જેમ ભળેલા.
હું નાની હતી ત્યારથી તેમના ઘરે આવવા - જવાનો સિલસિલો ચાલુ હતો. કાશીમાના દિકરાના લગ્ન પ્રસંગે આખુંય ફળિયું એવું વિચારતું હતું કે અમારા ઘરનો જ પ્રસંગ છે.
કાશીમાનો એકનો એક દિકરો જ્યારે નોકરી અર્થે અમેરિકા ગયો ત્યારે બધાની આંખો ભીની થયેલી.
કાશીમાનો દીકરો અમેરિકામાં જ સ્થાયી થઈ ગયો હતો. એમના સમાચાર આવતા રહેતા. પાંચ - સાત વર્ષે દીકરો પત્ની અને બાળકો સાથે આવતો ત્યારે કાશીમા તો તેમની વાતોથી ધરાતા નહીં.
આમ ને આમ વર્ષો વીતતાં ગયાં. કાશીમાની હવે ઉમર થવા આવી હતી. કાને સાંભળવાનું બંધ થઈ ગયેલું આંખે પણ ઓછું દેખાતું હતું. પણ ફળિયામાં રહેતા દરેક લોકો કાશીમાને પોતાની મા સમજીને સાચવતા.
આજ અચાનક તેમની તબિયત લથડી. તેમના દીકરાને ફોન કર્યો. પણ આટલે દૂરથી આવતા સમય તો લાગે ને! હવે કાશીમા પાસે પણ સમય ક્યાં હતો! દીકરાના નામની પાઠ ભણતા હતા અને કેટલા દિવસથી પીડાતા હતા.
અચાનક મને એક વિચાર સ્ફૂરી આવ્યો. હું એક એવા પરિવારને ઓળખતી હતી. જે કદાચ કાશીમા માટે કંઈક કરી શકે. હું એ પરિવારના મુખિયાને મળી, ને તેમને કાશીમાની વાત કરી. તે કાશીમા પાસે આવ્યો.
કાશીમાનો હાથ તેના હાથમાં લીધો ને કાશીમાના મોઢામાંથી શબ્દો નીકળી આવ્યા "રામ તું આવી ગયો, બસ હું તારી જ રાહ જોતી હતી." અને કાશીમાએ સંતોષ પૂર્વક દેહ છોડ્યો.
ઘણાં જ પાત્રો ભજવી ચુકેલા આ બહુરૂપિયા ને આજ તેના "રામ" બનવાનું સાર્થક લાગ્યું..!