Valibhai Musa

Classics Inspirational Thriller

4  

Valibhai Musa

Classics Inspirational Thriller

પૂર્વ આફ્રિકાના રંગભેદની નાબૂદ

પૂર્વ આફ્રિકાના રંગભેદની નાબૂદ

10 mins
5K


મેં મિ.જેફને વિનંતી કરી હતી કે ભલે તેમની વાતનો વિસ્તાર થાય, પણ બંને પક્ષની દલીલો સવિસ્તાર સાંભળવા મળે તો મને વિશેષ આનંદ થશે. વળી જૂની હિંદી ફિલ્મોનાં ગાયનો સાંભળવાના શોખીન એવા મિ.જેફ પોતાની સાથે લાવેલા ટેપ રેકોર્ડરમાં અમારી હવે પછીની વાત કેસેટમાં રેકર્ડ થાય એવી ઈચ્છા પણ મેં વ્યક્ત કરતાં તેની ગોઠવણ તેમણે કરી લીધી હતી. કોર્ટની કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલી હતી, પણ મિ. જેફે એ કાર્યવાહીને ગુજરાતીમાં પોતાના શબ્દોમાં આ પ્રમાણે કહી સંભળાવી હતી :

‘મિ. પીરા, તમે વકીલની સેવાઓ કેમ લીધી નથી?’ સરકારી વકીલે પૂછ્યું હતું.

‘મારા કેસની પેરવી હું પોતે જ કરવા માગું છું, સાહેબ.’

પ્રતિવાદી વકીલે પૂછ્યું, ‘હોટલના પ્રવેશદ્વાર આગળ જ મોટા અક્ષરોમાં ‘ફક્ત ગોરાઓ માટે જ પ્રવેશ’ એવી સ્પષ્ટ સૂચના હોવા છતાં તમે હોટલમાં કેમ પ્રવેશ્યા હતા?’

પીરા યારાએ સ્વસ્થતાપૂર્વક જવાબ આપતાં કહ્યું, ‘તમે હોટલ પક્ષે વકીલ હોઈ તમને જ સંબોધીને કહું છું કે તમે લોકો આમ ગમે તે લખી નાખો તે કંઈ કાયદો બની શકે નહિ. શું તમારા પોતાના ઘડી કાઢેલા એવા એ કાયદાને સરકારી સમર્થન હતું ખરું? જો હોય તો નામદાર કોર્ટ આગળ સાબિતી રજૂ કરો.’

વચ્ચે સરકારી વકીલે પીરા યારાની વાતને સમર્થન આપતાં કહ્યું, ‘ફરિયાદીની માગણી સાચી છે. તમારે સાબિતી રજૂ કરવી પડશે કે સત્તાવાળાઓએ તમારી એ સૂચનાને બહાલ રાખી હતી.’

પ્રતિવાદી વકીલ થોડાક ભોંઠા તો પડ્યા તેમ છતાંય પોતાનો લૂલો બચાવ કરતાં બોલ્યા, ‘અમારા અસીલે એવી કાર્યવાહી કરવી જરૂરી માની ન હતી. પોતે હોટલના માલિક હોઈ પોતે ઈચ્છે તેવા કાયદા પોતાની હોટલ માટે ઘડી શકે. હોટલના માલિક તરીકે હોટલમાં કોને પ્રવેશ આપવો અને કોને ન આપવો તે તેમની મરજીને આધીન હોઈ, તેમાં સરકારની સંમતિ લેવાની હોય નહિ.’

સરકારી વકીલે વાદી શ્રી પીરા યારા સામે જોઈને પૂછ્યું, ‘મિ. પીરા યારા, આ બાબતે તમારે કંઈ કહેવાનું છે?’

પીરા યારાએ છટાપૂર્વક જણાવ્યું, ‘હા, નામદાર. આપ નોંધી લો કે હોટલ માલિક પોતાના ઉપર સરકાર જેવી કોઈ સત્તા છે તે માનવા ઈન્કાર કરે છે. જો દેશના તમામ લોકો આમ પોતાના માટેના કાયદા જાતે જ બનાવશે, તો દેશનું તંત્ર ક્યાં જઈને ઊભું રહેશે? નામદાર જજ સાહેબને હું નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે હું પણ મારી કોઈ હોટલ શરૂ કરીને એવી કોઈ નોટિસ મૂકી શકું ખરો કે આ હોટલમાં પ્રવેશ કરનાર કોઈ માણસ ઇચ્છે તો નગ્ન હાલતમાં પણ પ્રવેશી શકશે! હોટલમાં પહેલેથી જ મોજુદ એવું કોઈ સંસ્કારી કુટુંબ આ સાંખી લેશે ખરું? કહેવાનો મતલબ એ છે મિ. લોર્ડ કે આવી જાહેર જગ્યાઓના માલિકો પોતાની મનમરજી પ્રમાણેના કાયદા બનાવી શકે નહિ.’

હોટલમાલિકે વચ્ચે કહ્યું, ‘નામદાર જજ સાહેબ, હું કંઈક કહેવા માગું છું.’

‘કોર્ટના કઠેડામાં આવીને કહી શકો છો.’ ન્યાયાધીશે કહ્યું.

હોટલમાલિકે કહ્યું, ‘સર, બિનગોરાઓ માટે અમારી હોટલના પાછળના ભાગે છાપરા નીચે ટેબલ ખુરશીઓ મુકાએલાં જ છે.’

પીરા યારાએ ધારદાર દલીલ આપતાં કહ્યું, ‘નામદાર, જો હોટલમાં બિનગોરાઓ માટે અલાયદી વ્યવસ્થા હોય તો પછી પ્રવેશદ્વાર આગળ જ એવી સૂચના તો ન જ મૂકી શકાય ને કે ‘ફક્ત ગોરાઓ માટે જ પ્રવેશ’!. મિ. લોર્ડ, શું આ બંને બાબતો એકબીજાની વિરોધાભાસી નથી? પરંતુ હકીકત તો એ છે, મિ. લોર્ડ, કે હોટલના પાછલા ભાગે કરેલી એ વ્યવસ્થા તમામ બિનગોરા ગ્રાહકો માટે નહિ, પણ હોટલના ગોરા ગ્રાહકોના બિનગોરા નોકરો જેવા કે ડ્રાઈવર, બાળકોના તેડાગર, સરકારી ગોરા અધિકારીઓના બિનગોરા સેવકો વગેરે માટે કરવામાં આવેલી છે. વળી એ વ્યવસ્થા હોટલના પાછલા ભાગે, ખુલ્લી જગ્યાના છાપરા નીચે, હલકી કક્ષાના ફર્નિચર તથા ડાઈનીંગ ક્રોકરી સાથે અને સેલ્ફ સર્વિસની શરતને આધીન હોય તો તેને રંગભેદ નહિ તો બીજું શું કહેવાય, મિ. લોર્ડ?’

પ્રતિવાદી વકીલ : ‘મિ. લોર્ડ, હોટલમાં આવી ગોરાઓ અને તેમના બિનગોરા સેવકો માટેની અલગ વ્યવસ્થા એ રંગભેદ નથી, પણ સુઘડ પોષાકમાં આવતા શિષ્ટાચારી ગ્રાહકોનાં માનસન્માન અને લાગણી જાળવવા માટેની એક વ્યવસ્થા માત્ર છે. આમ કોઈ ધંધાદારીઓ આવી વ્યવસ્થાઓ અને સગવડો માટેના નીતિનિયમો લોકોને કે સરકારને પૂછીને જ બનાવે તે વાજબી ગણાય ખરું?’

પીરા યારા થોડાક આવેશમાં આવતાં બોલી ઊઠે છે, ‘નામદાર જજ સાહેબ, આપ સમજી શકો છો કે પ્રતિવાદીના વિદ્વાન વકીલશ્રી અન્યાયી અને સરાસર રંગભેદ જ વર્તાઈ આવે તેવા હોટલના માલિકે બનાવેલા પોતાના ખાનગી કાળા કાયદાને કેવું સરસ મજાનું ‘વ્યવસ્થા’ એવું હળવું નામ આપી રહ્યા છે! આ તે કેવી તેમની કહેવાતી નિર્દોષ વ્યવસ્થા કે જે બિચારા બધા જ બિનગોરાઓ જાણે કે ગંદા અને અસંસ્કારી જ હોય તેમ માનીને તેમને અપમાનિત કે તિરસ્કૃત કરીને પેલા કહેવાતા સુઘડ અને સંસ્કારી ગોરાઓનાં માનસન્માન અને લાગણીઓને સાચવવામાં આવે! વિદ્વાન પ્રતિવાદી વકીલશ્રીને શું વાજબી અને શું ગેરવાજબી એ નામદાર કોર્ટ જ જણાવશે, પણ મારી એક અન્ય દલીલના સંદર્ભમાં હું એક આડવાત કહેવા માગું છું, જો નામદાર કોર્ટ મને ઈજાજત આપે તો!’

ન્યાયાધીશ : હા, ઈજાજત છે.

ગોરાઓ, એશિયનો અને આફ્રિકનો થકી ભરચક એવી કોર્ટમાં ટાંકણી પડે તોય અવાજ સંભળાય તેવી શાંતિ પ્રવર્તી રહી હતી. સૌ કોઈ ભાઈશ્રી પીરા યારાની આડવાતને સાંભળવા ઉત્સુક હતા. પીરા યારાએ ખોંખારો ખાતાં પોતાની દલીલના ભાગરૂપે પોતાની વાત આગળ ચલાવી, ‘અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહી (ડેમોક્રેસી) ની વ્યાખ્યા આપી છે, ‘ગવર્નમેન્ટ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. – (લોક્શાહી શાસનપ્રથા એટલે લોકોની, લોકો માટેની અને લોકો વડે ચાલતી સરકાર.)’. મિ. લોર્ડ, આ વ્યાખ્યા આ કેસના હોટલ પક્ષને પણ આમ લાગુ ન પાડી શકાય કે ‘હોટલ ઓફ ધ વ્હાઈટ, ફોર ધ વ્હાઇટ એન્ડ બાય ધ વ્હાઇટ! – (ગોરાઓની, ગોરાઓ માટેની અને ગોરાઓ વડે ચાલતી હોટલ!)’

પ્રતિવાદી વકીલ : ‘નામદાર જજ સાહેબ, ફરિયાદી કે જે પોતે જ પોતાના વકીલ પણ છે તે આડવાત મૂકીને કોર્ટને ગૂંચવવા અને ગેરમાર્ગે દોરવા માગે છે અને તેટલું જ નહિ પણ આવી વાહિયાત વાત દ્વારા કોર્ટનો મુલ્યવાન સમય વેડફી રહ્યા છે. આપ એમને જણાવો કે તેમણે આપેલી અબ્રાહમ લિંકનની લોકશાહીની વ્યાખ્યાને આપણા આ કેસને શો સંબંધ?’

પીરા યારા : ‘જી, મિ. લોર્ડ. મેં આપની રજા મેળવીને મારી આડવાત કહી છે, એટલે હું કોર્ટનો સમય બરબાદ કરું છું તેવી વિદ્વાન પ્રતિપક્ષીય વકીલ મહાશયની દલીલ ટકતી નથી. હવે હું લોકશાહીની વ્યાખ્યાને આરોપી હોટલને સંપૂર્ણ રીતે લાગુ પાડવા માગું છું, પણ એક બાબત બાકી રહી જાય છે. હોટેલ ઓફ ધ વ્હાઇટ એટલે ગોરાઓની હોટલ, વાત સાચી છે કેમ કે હોટલના માલિક ગોરા છે. હોટેલ ફોર ધ વ્હાઇટ એટલે ગોરાઓ માટેની હોટલ, એ વાત પણ એટલી જ સાચી છે કે હોટલમાલિક માત્ર ગોરાઓને જ હોટલમાં પ્રવેશવા દે છે અને એટલે જ તો તેમણે પ્રવેશદ્વારે જ એવું બોર્ડ પણ મૂક્યું છે કે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ‘ફક્ત ગોરાઓ માટે જ પ્રવેશ’; પરંતુ મિ. લોર્ડ, હોટેલ બાય ધ વ્હાઇટ એટલે ગોરાઓ વડે ચાલતી હોટલ એ શરતનું અહીં સંપૂર્ણપણે પાલન થતું નથી, કેમ કે હોટલના ચાવીરૂપ અધિકારીઓ સિવાયના લગભગ તમામ કર્મચારીઓ જેવા કે રસોઈયા, વેઈટર, સફાઈ કામદાર, માળી, દરવાન વગેરે માત્ર અને માત્ર બિનગોરા જ છે. હોટલનાં તમામ કામો માટે માત્ર ગોરાઓને જ નિયુક્ત કરવામાં આવે તો જ પેલી વ્યાખ્યા આખેઆખી તેમની હોટલને લાગુ પડે. મિ. લોર્ડ, આ તે ક્યાંનો ન્યાય કહેવાય કે હોટલના સત્તાવાળાઓ બિનગોરાઓની સેવાઓ તો સ્વીકારે છે, પણ બિનગોરાઓને તેમની હોટલની સેવાઓ પૂરી પાડતા નથી!’

હોટલ માલિકને લાગ્યું કે હવે પોતાના પગતળેથી જાજમ સરકી રહી છે, ત્યારે તેમણે હતાશા વચ્ચે પણ થોડીક મક્કમતા સાથે કહ્યું કે, ‘અમે અમારી હોટલને ખાનગી ક્લબમાં ફેરવી નાખીએ અને માત્ર ગોરાઓને જ સભ્યપદ આપીને અમારી પેલી પ્રવેશ માટેની સૂચનાને કાયમ રાખીએ તો પછી કઈ રીતે તે રંગભેદ ગણાશે?’

ન્યાયાધીશે પોતાનો અભિપ્રાય દર્શાવતાં કહ્યું કે, ‘ક્લબ’ને ખાનગી ગણી શકાય, પણ ‘હોટલ’ તો જાહેરની વ્યાખ્યામાં જ આવે. આ બંને વચ્ચેનો ભેદ તમારે સમજી લેવો પડશે અને તમારી હોટલના બોર્ડ ઉપર ‘હોટલ’ ના બદલે માત્ર ‘ક્લબ’ સુધારી નાખવાથી તે ક્લબ બની જશે નહિ. સરકાર અને કોર્ટ ‘હોટલ’ અને ‘ક્લબ’ને સારી રીતે સમજી શકે છે અને આમ આવી તમારી કોઈ ચાલાકીને સાંખી લેવામાં આવશે નહિ, સમજ્યા?’

પીરા યારાએ આવેશમય અવાજે અને મક્કમતાના રણકા સાથે પડકાર ફેંક્યો આ શબ્દોમાં કે ‘ભલે, તમે તમારી હોટલને ક્લબ એવું નામ આપી દો, પણ અમે તમને છોડવાના નથી! તમારે તમારી ક્લબના નોકરો પણ ગોરા જ રાખવા પડશે! અમે સમગ્ર યુગાન્ડા અને જરૂર જણાયે આખા આફ્રિકા ખંડમાં અને તેથીય આગળ વધીને સમગ્ર દુનિયામાં એલાન કરી દઈશું કે જે ગોરાઓની માલિકીની કોઈ સીધેસીધી હોટલો કે ક્લબ નામધારી હોટલો હોય અને ત્યાં બિનગોરાઓને પ્રવેશ આપવામાં ન આવતો હોય તેવી કોઈ પણ જગ્યાએ કોઈ બિનગોરા માણસોએ નોકરી કરવી નહિ.’

કોર્ટમાં હાજર એશિયનો અને આફ્રિકનોએ ‘પીરા યારા, ઝિંદાબાદ!’ ના નારા લગાવવા શરૂ કર્યા. ન્યાયાધીશે ટેબલ ઉપર હથોડીનો પ્રહાર કરતાં ‘ઓર્ડર, ઓર્ડર’ કહીને ઓડિયન્સને ચેતવણી આપી દીધી કે ‘જો કોર્ટમાં શાંતિ અને શિસ્ત જાળવવામાં નહિ આવે તો બધાયને બહાર તગેડી મૂકવામાં આવશે અને જરૂર જણાશે તો સખત હાથે કામ પણ લેવામાં આવશે!’

પીરા યારાએ ઓડિયન્સ સામે ફરીને બંને હાથ જોડીને શાંતિ જાળવવા વિનંતી કરી અને કોર્ટની કાર્યવાહી આગળ ચાલી.

હોટલમાલિક, તેમના વકીલ અને હોટલ મેનેજમેન્ટના સભ્યો કોર્ટનું ઉશ્કેરાટભર્યું વાતાવરણ જોઈને છોભીલા પડી ગયા. પ્રતિવાદી વકીલે ગભરાતા અવાજે કોર્ટને કહ્યું, ‘નામદાર, આપ મને બેએક મિનિટનો સમય આપો તો હું મારા અસીલ સાથે અંગત રીતે વાત કરવા માગું છું.’

ન્યાયાધીશે પ્રતિવાદી વકીલની માગણીને માન્ય રાખીને ઓડિયન્સને શાંતિ જાળવવાની તાકીદ કરી. હોટલમાલિક અને તેમના વકીલ નજીકની જ ચેમ્બરમાં જઈને મસલત કર્યા પછી એક જ મિનિટમાં પાછા ફર્યા.

પ્રતિવાદી વકીલે જાહેર કર્યું કે ‘અમે અમારી હોટલને સાર્વજનિક કરી દેવા તૈયાર છીએ. અમારી હોટલમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવશે. પરંતુ, અમારા અસીલની બે માગણીઓ છે જેનો નામદાર કોર્ટ સ્વીકાર કરશે જ તેવી અમે આશા રાખીએ છીએ.’

ન્યાયાધીશે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, ‘માત્ર સ્થાનિક રીતે જ નહિ પણ દેશભરમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિને જાળવી રાખવા માટે હોટલપક્ષે નમતું જોખીને જે સમજદારી બતાવી છે તેની કદર કરવામાં આવે છે. તમારી માગણીઓ જો વાજબી હશે તો કોર્ટ તરફથી વાદીપક્ષને તેમને સ્વીકારવા માટેની ભલામણ કરવામાં આવશે. બોલો, તમારી શી માગણીઓ છે?’

પ્રતિવાદી વકીલે હોટલમાલિક સામે જોઈ રહેતાં કહ્યું, ’એક તો, આ કેસનો કોઈનીય તરફેણમાં ચુકાદો ન આપતાં, તેનો સમાધાનથી નિવેડો લાવવામાં આવ્યો છે તેવી નોંધ સાથે કેસને બંધ કરવામાં આવે; અને બીજું, હોટલમાં પ્રવેશનાર ગ્રાહકોએ હોટલના શિષ્ટાચાર (એટિકેટ)ને માન આપવું પડશે અને તેમણે હોટલમાં દાખલ થતી વખતે સુઘડ અને શોભનીય પોષાક ધારણ કરવો પડશે.’

ન્યાયાધીશે પીરા યારાને ઉદ્દેશીને પૂછ્યું, ‘મિ. પીરા યારા, હોટલપક્ષની બંને માગણીઓ કોર્ટને તો વાજબી લાગે છે. હવે બોલો, તમે આ અંગે શું કહેવા માગો છો?’

પીરા યારાએ તરત જ રોકડો જવાબ પરખાવી દેતાં કહી દીધું, ‘નામદાર સાહેબ, તેમની પહેલી માંગણી અમે હરગિજ સ્વીકારીશું નહિ. આનું સ્પષ્ટ કારણ એ છે કે જો સમાધાનની રૂએ આ કેસનો નિવેડો લાવવામાં આવે તો તેનો અર્થ એમ થાય કે અમારી અને માત્ર આ સ્થાનિક હોટલ વચ્ચે જ આ પ્રકારની સમજૂતિ થઈ છે અને તેથી આ પ્રકારના નિર્ણયનો અમલ અમારા પૂરતો જ ગણાશે, જે અમને માન્ય નથી. હોટલ પક્ષની વાત ગેરકાયદેસર અને અમારી માંગણી સાચી છે એવો સ્પષ્ટ ચુકાદો આપવામાં આવે તો જ અને માત્ર તો જ મસિન્ડીની અને આખા યુગાન્ડાની હોટલોને આ ચુકાદો લાગુ પડે અને દેશભરમાંથી રંગભેદની અમાનવીય વિચારધારાને જાકારો આપવાનો માર્ગ મોકળો બને. હવે, રહી વાત એ લોકોની બીજી માંગણીની, તો નામદાર સાહેબ, સાંભળી લો કે તેમની એ માંગણી અમને મંજૂર છે. અમે તેમની બીજી માંગણીના સંદર્ભે વધારામાં એ પણ કહેવા માંગીએ છીએ કે તેઓની વાહનોમાં જ હોટલે આવવાની શરત હશે તો એ પણ અમે મંજૂર રાખીશું. અમારામાંના કોઈની પાસે પોતાની માલિકીનું વાહન નહિ હોય તો તે ભાડાના વાહનમાં આવીને પણ તેમની એ શરતનું પાલન કરશે!’

પીરા યારાની છેલ્લી વાતથી કોર્ટમાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને ખુદ ન્યાયાધીશ પણ હસી પડ્યા.

ન્યાયાધીશે હોટલમાલિકને ફરી પાછા તેમનું મંતવ્ય જાણવાનું પૂછતાં તેમણે પણ ચહેરા ઉપર સ્મિત લાવતાં કબૂલી લીધું કે વાદી પક્ષની વાહનવાળી વાતને અમે મજાકભરી ગણતા હોઈ તેને બાદ કરતાં તેમની બંને વાતોને સ્વીકારીએ છીએ. નામદાર કોર્ટ આ કેસનો વાદીની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો આપે તેમાં અમે સંમત થઈએ છીએ. વળી માત્ર મસિન્ડી જ નહિ, પણ આખા યુગાન્ડા તો શું વિશ્વભરમાં આ ચુકાદાની હકારાત્મક અસર પડે તેવું અમે પણ ઈચ્છીએ છીએ. વળી, અમે નામદાર કોર્ટને એ પણ ખાતરી આપીએ છીએ કે અમે આ કેસની ઉપલી અદાલતોમાં અપીલ પણ કરીશું નહિ.’

કોર્ટે વાદી પક્ષની માગણી મુજબ સ્પષ્ટ ચુકાદો આપતાં જણાવ્યું કે ‘પ્રતિવાદી હોટલના માલિકે સ્થાનિક સમાચારપત્રમાં પોતાની હોટલને સાર્વજનિક જાહેર કરવી પડશે અને તે રૂએ તેણે કોઈપણ જાતના વંશ, રંગ, વર્ણ કે લિંગના ભેદભાવ વગર પોતાની હોટલમાં પ્રવેશ આપવાનો સ્વીકાર કરતું ‘મનુષ્ય માત્ર પ્રવેશને પાત્ર’ તેવું સ્પષ્ટ રીતે દેખાઈ આવે તેવું હોટલના પ્રવેશદ્વાર આગળ બોર્ડ મારવું પડશે. વળી પ્રતિવાદીની માગણી મુજબ હોટલના ગ્રાહકોએ શિષ્ટ અને સુઘડ પોષાક ધારણ કરીને હોટલની શિસ્ત અને સુરુચિનો કોઈ ભંગ ન થાય તેવી રીતે વર્તવું પડશે.’

જાફરભાઈની આંખે દેખ્યા અહેવાલ જેવી મસિન્ડીની એ હોટલ અંગેની કેસની કાર્યવાહીને સાંભળ્યા પછી હું ઉપસંહાર રૂપે એમ કહ્યા વગર ન રહી શક્યો કે, “જાફરભાઈ, આપણા ગામના અદના એ માણસે રંગભેદ સામેની પોતાની લડતની જે સિદ્ધિ બતાવી છે, તેને હું મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકામાંની ત્યાંના શાસન સામે ચલાવેલી તેમની લડતો સાથે મૂલવું છું. ગાંધીજીની એ ચળવળ ઉપર ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ’ એ પુસ્તક લખાયું છે, પણ ભવિષ્યે મારો મિજાજ મને સાથ આપશે તો હું તમને વચન આપું છું કે પીરા યારાના સંઘર્ષ અંગે કોઈ પુસ્તક તો નહિ, પણ ભવિષ્યે એકાદ પ્રકરણ તો જરૂર લખીશ અને તે પ્રકરણનું શીર્ષક હશે, ‘પૂર્વ આફ્રિકાના રંગભેદની નાબૂદીના ઇતિહાસનું એક પ્રકરણ…’”

મિ. જેફ પાસેથી રંગભેદની નાબૂદી અંગેની ઉપરોક્ત ગાથા મેં જ્યારે સાંભળી હતી, ત્યારે એ ગાથાના નાયક પીરા યારા આ દુનિયામાં મોજૂદ ન હતા. તેઓ વયોવૃદ્ધ અવસ્થાએ જલોદરની બિમારીનો ભોગ બન્યા હતા. મિ. જેફનાં કુટુંબીજનોએ તેમની સેવાસુશ્રૂષા કરી હતી. આખરી દિવસોમાં તેમના પુત્ર, પત્ની અને વતનની યાદ આવી જતાં તેમણે ભારત પાછા ફરવાની જીદ પકડી હતી. ડોક્ટરોની મનાઈ છતાં તેમની આખરી ઇચ્છાને માન આપીને મિ. જેફના કુટુંબીજન તેમને દરિયાઈ માર્ગે વતનમાં લાવી રહ્યા હતા અને સફરની અધવચ્ચે જ તેઓ ખુદાને પ્યારા થઈ ચૂક્યા હતા. સ્ટીમરના કપ્તાનના સહકારથી તેમની મૈયતને મોમ્બાસા ઊતારી દેવામાં આવી હતી અને ત્યાંના કબ્રસ્તાનમાં તેમને દફન કરી દેવામાં આવ્યા હતા.

વળી આજે ઘણાં વર્ષો બાદ મિ. જેફને આપેલા વચન પ્રમાણે હું જ્યારે મારી યાદદાસ્તના આધારે એ ગાથાનું આ એક પ્રકરણ લખી ચૂક્યો છું, ત્યારે મારે સખેદ કહેવું પડે છે કે મારા આ પ્રકરણને વાંચવા હવે મિ. જેફ પણ આપણી વચ્ચે નથી! (સંપૂર્ણ)


Rate this content
Log in

Similar gujarati story from Classics