પુસ્તક પરિચય (બૂક રિવ્યૂ)
પુસ્તક પરિચય (બૂક રિવ્યૂ)
પુસ્તક નામ: અને ઓફ ધ રેકોર્ડ
લેખક: ભવ્ય રાવલ
પ્રકાશન: સ્ટોરી મીરર ઈન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ.
કિંમત:૧૭૫ રૂપિયા
'અને ઓફ ધ રેકોર્ડ', રાજકોટના જાણીતા પત્રકાર અને લેખક 'ભવ્ય રાવલ'નું બીજું પુસ્તક. 'અને ઓફ ધ રેકોર્ડ' એટલે સાચા સંબંધો, ખોટા નેતાઓ, જૂઠા આરોપો, રાજનીતિક કાવાદાવા વચ્ચે પીસાતા સત્યા શર્મા અને વિબોધ જોષીના જીવનની કહાની.
આ એક ક્રાઇમ નોવેલ કે પત્રકારના જીવન પર લખાયેલી નોવેલ છે એવું જો મગજમાંથી કાઢી નાંખીએ ને તો આ પુસ્તક સંબંધોની સમજ આપનારું વધારે લાગે. એક એવા વિશ્વાસનો સંબંધ જે દુનિયાની વાતો અને સબુતોથી વધારે મક્કમ હોય, એક એવી દોસ્તીનો સંબંધ જેમાં પોતાના જીવ કરતા દોસ્તનો જીવ વધારે વ્હાલો હોય.
જ્યારે પુસ્તક વાંચવાની શરૂઆત કરી ત્યારે લાગ્યું કે આ કોઈ મર્ડર મિસ્ટ્રી પર આધારિત હશે પણ થોડા પ્રકરણ વાંચ્યા પછી એમ થાય કે આ સત્યા અને વિબોધની પ્રેમ કહાની છે અને જ્યારે નોવેલના અંત સુધી પહોંચો ત્યારે લાગે કે આ તો રાજકારણના કાવાદાવામાં ફસાયેલા બે ઈમાનદાર વ્યક્તિની કહાની છે.
ઈમાનદારીથી જીવવા ઇચ્છતા પત્રકારની કે કોઈપણ સામાન્ય માણસની હાલત ને લેખકે વિબોધના પાત્ર દ્વારા એટલું સરસ રીતે વર્ણવી છે કે પુસ્તકનું નામ જો એના નામ પરથી રાખવામાં આવ્યું હોત તો પણ ખોટું ન હતું.
આ પુસ્તકના નામ વિશે પણ મનમાં સવાલ ઊભો થયો હતો જેનો જવાબ લેખકે જ પુસ્તકના અંતમાં આપી દીધો 'અને ઓફ ધ રેકોર્ડ' એટલે સમાજથી છૂપાઈને જીવાયેલા જીવન કે કરેલા કામોની કહાની. દરેક વ્યક્તિ ના જીવનમાં એવી કહાની હોય છે જે સમાજથી છૂપાયેલી હોય અને આ કહાની જ્યારે કોઈ બહાર લાવવાનો પ્રયત્ન કરે ત્યારે રચાય છે મોતના ષડયંત્રની ગાથા.
ટૂંકમાં કહેવું હોય ને તો ૧૬૦ પાનાની 'અને ઓફ ધ રેકોર્ડ' નોવેલ બોલિવૂડની હળવી થ્રીલર ફિલ્મ જેવી છે જેમાં પોતાની ફરજ ને પ્રેમ,અને પોતાના જીવન કરતા વધારે મહત્વ આપનાર હીરો છે,જેમાં લવ ટ્રાએંગલ છે, સાચી દોસ્તી છે, વિલનના રૂપમાં ભ્રષ્ટાચારી નેતાઓ છે અને અમુક સીનમાં સસ્પેન્સ છે.
આ નોવેલમાં મને જે સૌથી વધુ ગમ્યું એ એક પત્રકાર તરીકેનું વિબોધનું પાત્ર. ભલે નોવેલમાં પત્રકારત્વના ક્ષેત્રમાં અંદરોઅંદર ચાલતા દ્વેષનું આલેખન કરવામાં ન આવ્યું હોય પરંતુ એક ઈમાનદાર પત્રકારને ઈમાનદારીની કેવી સજા મળે તેનું પૂરું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકે એક પત્રકાર હોવા સાથે પોતાના સાહિત્ય પ્રેમને પણ વિબોધના એક વાક્ય દ્વારા દર્શાવ્યો છે.
'પત્રકારત્વ એટલે ઝડપથી લખાયેલું સાહિત્ય અને સાહિત્ય એટલે ઘૂંટાયેલું પત્રકારત્વ...પત્રકારત્વ આયનો છે તો સાહિત્ય બિલોરી કાચ છે.'

