પુસ્તક પરિચય - મળેલા જીવ
પુસ્તક પરિચય - મળેલા જીવ
મળેલા જીવ
લેખક : પન્નાલાલ પટેલ
કિંમત: ૨૪૦રૂ.
પ્રકાશન વર્ષ: ૧૯૪૧
'મળેલા જીવ' એ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલ એક પ્રેમકથા છે. જે સૌપ્રથમ ફૂલછાબ નામના દૈનિકમાં પ્રકાશિત કરવામાં આવી હતી જે બાદ વર્ષ ૧૯૪૧માં તેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવી હતી વર્ષો પહેલા પ્રકાશિત થયેલ આ પુસ્તકમાં કરવામાં આવેલ સમાજ અને જ્ઞાતિ ભેદને કારણે અધૂરા રહી જતા પ્રેમની વાત આજના સમાજમાં પણ એટલી જ લાગુ પડે છે. એટલું જ નહીં પરંતુ લોકોની અમુક ખોટી ધાર્મિક માન્યતા પર પણ લેખકે આછો કટાક્ષ કર્યો છે. સાથે જ જ્યારે પ્રેમ અને સહનશકિત પોતાની હદ વટાવી જાય છે ત્યારે માણસની શી દશા થાય છે એનું આલેખન પણ લેખકે અંતમાં ગાંડી થઈને આખા ગામમાં રખડતી જીવીના પાત્ર દ્વારા કર્યું છે.
પુસ્તકની પ્રસ્તાવના વિશે વાત કરું તો આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણી સાહેબે લખી છે. પ્રસ્તાવના મેઘાણી સાહેબે એટલી તો સચોટ રીતે તૈયાર કરી છે કે વાંચ્યા બાદ તો વાર્તા વાંચવાની તાલાવેલી વધી જ જાય. પુસ્તકમાં વાર્તાકારે વાપરેલી તળપદી ભાષા અને વચ્ચે ક્યાંક ક્યાંક લખેલા દોહરા વાચકને આપણી લોકબોલી અને લોકસાહિત્યમાં પણ રસ જન્માવવા મદદરૂપ બને છે અને વાચકને વાર્તા સાથે જકડી રાખે છે.
'મળેલા જીવ'ની કાનજી અને જીવીની આ પ્રણય કથા કાનજીના ઉધડિયા ગામના પોતાના મિત્રો સાથે મેળામાં જતા અને એ મેળામાં જોગીપરા ગામેથી આવેલી જીવી સાથે અજાણતા જ મેળાની ચકડોળમાં બેસી જતા શરૂ થાય છે અને પ્રણયકથા અને વાર્તાનો અંત પણ એક મેળામાં બંનેના મિલનથી જ થાય છે, ફરક છે તો બસ એ જ કે અંતમાં કાનજી અને જીવી નામના બે મળેલા જીવ, બે પ્રેમી એકબીજાને મળે તો છે પરંતુ અલગ અલગ દિશામાંથી આવી આ મેળામાં એક થતાં પહેલાં જીવી અને કાનજી એ વેઠેલી વ્યથાઓ અને તડપને વ્યક્ત કરતા લેખક લખે છે: .
'શીદ મેલ્યું 'લ્યા ઝરમર કાળજું !
ભૂલ્યો ભૂલ્યો ભલા ભગવાન !'
એક હૈયામાં ઉઠેલી લાગણીઓને લીધે જ કાનજી અને જીવીને અનેકગણું સહેવું પડ્યું અને હૈયાની લાગણીઓને લીધે જ તો આખીયે વાર્તા ઘડાઈ હતી.
ટૂંકમાં કહું તો 'મળેલા જીવ' એટલે જેને વાંચતા વાંચતા આપણો જીવ અધ્ધર થઈ જાય એવી એક ગામડાની પ્રેમગાથા જે કુલ ૨૨ પ્રકરણમાં વણાયેલી છે. જેમાં પોતાના પ્રિયપાત્રને પરિવારથી છૂપાઈને મળવાનો હરખ પણ છે અને પોતાના પ્રિય પાત્રને લોકલાજે અને સમાજના ડરથી કોઈ બીજાને સોંપી દેવાની વેદના પણ છે.

