પતન
પતન


એક સે એક મિલે તો કતરા બના જાતા હૈ, દરિયા એક સે એક મિલે તો ઝર્રા બન જાતા હૈ, સેહરા એક સે એક મિલે તો રાઈ બન સકતી હૈ, પરબત એક સે એક મિલે ઇન્સા બસમેં કરલે કિસ્મત.સાથી હાથ બઢાના સાથી રે....
ભારતમાં ઘણા ધર્મ છે. જો બધા ઇન્સાન હળીમળીને કામ કરે તો ભારત એક મજબૂત રાષ્ટ્ર બની શકે છે. એક બીજાના દિલમાં ઝેર રાખવાથી આપણું વતન જ કમજોર બનશે.
રાજકારણીઓ એ વાત ખાસ સમજવા જેવી છે બીજા ઘણા દેશોમાં અનેક ધર્મના લોકો રહેતા હોય છે. પણ ચૂંટણી માં ક્યારેય પણ ધર્મ આડે આવતો નથી. જો દરેક વ્યકિત બીજા ધર્મને માન આપે અને એક માનવ તરીકે વ્યવહાર કરે તો ધર્મ ક્યાંય પણ આડે આવતો નથી. દરેક પોતાની માન્યતા પ્રમાણે ચાલે છે. જેને જે ધર્મ પાળવો હોય તેની છૂટ હોવી જોઈએ. ધર્મમાં જબરદસ્તી નથી. બધા ધર્મ એક પઝલના પીસ છે, એને સાથે મૂકીએ એટલે રાષ્ટ્ર બને છે. ક્રિશ્ચિયાનિટી ઇસ્લામ, જુડિઝમ, હિન્દુઈઝમ, બુદ્ધિઝમ આવા ઘણાં ધર્મ મળીને એક રાષ્ટ્ર બને છે. જેમ એક બગીચામાં અનેક રંગના ફૂલો હોય છે એમ અનેક ધર્મ થી દેશ શોભે છે. ક્યાંક મંદિરમા ઝાલર તો ક્યાંક કોઈ મિનારાથી અઝાન સંભળાય છે.
ગઈ કાલે એક વિડિઓ જોયો જેમાં દિલ દેહલાવી નાખે એવું દ્ગશ્ય હતું. એક સ્ત્રી જે સ્કાર્ફ પહેરીને ગોઠણિયા ભર બેઠી છે. અને એક તગડો પુરુષ એના માથા પર લાકડીથી માર મારી રહ્યો છે. અને બોલી રહ્યો છે કે," બોલ શ્રી રામ બોલ શ્રી રામ."સ્ત્રી ઊંધું ઘાલીને બરાડા પાડી રહી છે. કોઈ મદદ માટે આવતું નથી. અંતે એ કદાચ બેહોશ થઇ ગઈ કે કદાચ મરી ગઈ. અને વિડિઓ બંધ થઇ ગયો. મારા માનસ પટ પરથી હજુ એ વિડિઓ જતો નથી. કેવું અધમ કાર્ય આ હતું. શું આવા કામ અટકાવવા આપણી સરકાર કાંઈ નહિ કરે? શું વાંક હતો એ સ્ત્રીનો ? શું એને હક નથી એનો ધર્મ પાળવાનો? શું શ્રી રામ કહેવાથી એનો આત્મા એ ધર્મ સ્વીકારી લેશે? શું કોઈ કોઈના આત્માને બદલી શકે ? ખાસ કરીને જુલ્મથી? તાકાત હોય તો તમે સમજાવીને એનો ધર્મ બદલો,પણ આવી રીતે અજ્ઞાનતા બતાવીને દેશને નીચા જોવા જેવું ના કરો. આવા વિડિઓ વિદેશમાં જઈને તમારી ઈજ્જતને ધૂળમાં મેળવે છે. સરકારે આ બાબત કૈક કરવું જોઈએ, પણ જો સરકાર જ સાથ આપે તો?