પશુઓની શાળા
પશુઓની શાળા
એક મોટું જંગલ હતું. તેમા ઘણાં પ્રાણીઓ અને પક્ષીઓ રહે. પક્ષીઓ અને પ્રાણીઓ વચ્ચે હંમેશા હરિફાઈ થતી રહે. કયારેક કોઈ સ્પર્ધા પણ થાય. એક વખત કાગડાભાઈ ઊડતા ઊડતા જતા હતા. નીચે જોયું તો બધા પ્રાણીઓ ભેગા થયા હતા. તે નીચે જઈ સાંભળવા લાગ્યો કે શું વાત હશે.
કાગડાભાઈ તો ઊડતા ઊડતા બધા પ્રાણીઓ પાસે ગયા અને પૂછવા લાગ્યા,
” કાઉ કાઉ બોલુ
કાગડાભાઈ છે નામ
કેમ તમે સૌ ભેગા
મને સમજાયું નહિ કંઈ. ”
પ્રાણીઓની સભામાંથી શિયાળભાઈ ઊભા થયા અને બોલ્યા,
“ કાઉ કાઉ કાગડાભાઈ
અમે બધા છે ચિંતામાં
પ્રાણીઓની શિક્ષણ માટે
કરીએ શું વિચારીએ. ”
કાગડાભાઈ એ પૂછ્યું,” એટલે શું તમે પ્રાણીઓ માટે શાળા ખોલવાની વાત કરો છો. પ્રાણીઓ બધા નિશાળે જશે. અને શિક્ષણ મેળવશે. ”
શિયાળભાઈ બોલ્યા,” હા, અમને પ્રાણીઓ બાબતે ચિંતા છે. તેમને પણ શિક્ષણ મળવું જોઈએ એટલે અમે બધા ભેગા થયા છીએ. કાગડાભાઈ અમારી વાત માનો તો તમારે પણ પક્ષીઓના શિક્ષણ માટે એક શાળા ખોલી જોઈએ.
કાગડાભાઈ ને જાણવા મળ્યું કે પશુઓ તેમના બચ્ચા માટે એક શાળા ખોલી રહ્યા છે.
કાગડાભાઈ ઊડતા ઊડતા તરત પાછા આવ્યા. તેણે તો કા કા કરી બધા પક્ષીઓને બોલાવ્યા.
“ કાઉ કાઉ બોલુ હું
સૌ પક્ષીઓને બોલાવું હું
કરવી છે ચર્ચા સાથે
પક્ષીઓના શિક્ષણ કાજે. ”
તરત જ ઊડતા ઊડતા બધા પક્ષીઓ કાગડાભાઈ ની વાત સાંભળી નીચે આવવા માંડ્યા. પોપટભાઈ, મોરભાઈ, ચકીબેન, મરધીબેન, હંસ, બતક, કબૂતર,સમડી, બૂલબૂલ, દરજીડો, લક્કડખોદ,કોયલ આવ્યા. આવીને બધા પક્ષીઓ પુછવા લાગ્યા કે શું થયું. આમ કેમ અચાનક સભા બોલાવી. કાગડાભાઈ ઊભા થયા અને બોલ્યા
“કાઉ કાઉ કરુ છું
સૌ પ્રાણીઓને સાંભળીને આવું છું.
પ્રાણીઓના બચ્ચાંને મળે શિક્ષણ
એની ચર્ચાઓ સૌ સાથે કરે છે. ”
મે જોયું કે પ્રાણીઓ તેમના બચ્ચાને શિક્ષણ આપવા એક શાળા ખોલી રહ્યા છે. તેમજ બધા પ્રાણીઓ તેમના બચ્ચાને શિક્ષણ આપવા પુરતા પ્રયત્નો કરી રહ્યાં છે.
તરત જ મોરભાઈ ઊભા થયા અને બોલ્યા,
“ ટેહુક ટેહુક બોલુ
સૌ પ્રાણીઓ થાય ભેગા
કરે શિક્ષણની ચિંતા
એમાં આપણે શું પરેશાની”
કાગડાભાઈ ફરી બોલ્યા,” કે આપણે પણ કંઈક વિચારવું જોઈએ. બાકી આપણે બધાની પાછળ રહી જશું. આપણે પક્ષીઓ તો બધાનો મુકાબલો નહી કરી શકીએ. બધા જ વિષયની તાલીમ પક્ષીઓને પણ મળવી જોઈએ ને. ”
પોપટભાઈ બોલ્યા,”
રામ રામ બોલુ હું
નકલ સૌની કરુ હું
પ્રાણીઓ સૌ ભેગા થઈ
કરે પ્રાણીઓ માટે ચિંતા શિક્ષણની
આપણા બચ્ચાં છે જવાબદારી આપણી
આપણે પણ કંઈક વિચારીએ”
પક્ષીઓના શિક્ષણ કાજે
કટિબદ્ધ સૌ થઈએ. ”
આપણે પણ આપણા બચ્ચાં માટે એક શાળા ખોલીએ તો કેવું રહે. તેમને પણ બધું શીખવા મળે”.
કાગડાભાઈ બોલ્યા,
“કાઉ કાઉ કરું છું
ચિંતા સૌની કરુ હું
પક્ષીઓ સૌ એક આપણે
શિક્ષણ માટે વિચારીએ
યોજના આપણે બનાવીએ”
કબૂતર કહે,”વાત તો સાચી છે પણ આપણા બચ્ચાંઓને કેળવણી આપશે કોણ. ”
બધા વિચારવા લાગ્યા.
કોયલબેન કહે, “ કુહૂ કુહૂ બોલુ હું
મીઠું મીઠું બોલુ હું
સૌને ગાન મારું ગમતું જી
કેમ હું સૌને ગાન શીખવીને
સૌને માસ્ટર બનાવુ રે. ”
મને ગાન કરતા સારું આવડે. આપણા બચ્ચાંઓને સંગીતનું શિક્ષણ હું આપીશ. બધાને મારો અવાજ પણ સાંભળવો ગમે છે. તો રોજ હું કવિતા સાથે સંગીત શિક્ષણ આપુ. નવાં નવાં ગીતો શીખવીશ. સાથે સાથે વિવિધ વાદ્ય વગાડતા શીખવીશું. આનંદ સાથે ગમ્મત અને રમત સાથે શિક્ષણ.
બધા પક્ષીઓ સહમત થયા હા એ બરાબર રહેશે.
પોપટભાઈ કહે,
“મીઠી મીઠી બોલી મારી
નકલ સૌની કરતું સારી
ગણતરીમાં છું ભાઈ પાકો
સૌને ગણન શીખવું હુ “
તમે બધા જાણો છો, ગણતરી કરતાં મને ખુબ આવડે તો ગણિતનું શિક્ષણ હું આપીશ. ” એમાં બધા સહમત થયા. પછી તો શું ? બધા પક્ષીઓ એક પછી એક હોદ્દો સંભાળવા લાગ્યા.
ચકીબેન કહે,”
ચીં ચીં ચીં ચીં બોલું છું
નાનકડું હું પક્ષી છું
વાર્તામાં હું આવુ છું
ઘરમાં સૌના રહું છું
વાર્તા હું જાણું છું
મને વાર્તા સાંભળવી પણ ગમે. અને કહેવી પણ ગમે છે. તો હું સૌને વાર્તા અને ભાષા શિક્ષણ આપીશ. હું ગુજરાતી ભાષા અને વાર્તાનું શિક્ષણ આપીશ. તેમજ ભાષામાં આવતાં મૂળાક્ષરો નું જ્ઞાન આપીશ. ”
કુકડાભાઈ કહે,
“ કૂકડે કુક ટુકડે કૂક બોલું
રોજ સવારે વહેલા ઉઠુ હું
સૌનો હું એલાર્મ છું.
સમય ને સારી રીતે જાણું હું. ”
તમે બધા જાણો છો કે હું સૌથી પહેલા ઉઠું છું અને સૌને ઊઠાડું છું. સમય બાબત નું જ્ઞાન મારી પાસે સારું છે. તો હું બધાને સમયનું જ્ઞાન શીખવીશ. ”
મોરભાઈ કહે,
” ટેહુક ટેહુક બોલુ છું
વરસાદને બોલાવું છું
નૃત્ય હું કરું છું
સૌને હું નચાવુ છું. ”
હું મોર ચોમાસું આવતાં જ નૃત્ય કરવા લાગું છું. મારી કળા જોવા સૌ થંભી જાય છે. વ્યાયામ શરીર માટે ખૂબ જરૂરી છે. કસરતથી શરીર તંદુરસ્ત રહે. જો શરીર તંદુરસ્ત હશે તો મન તંદુરસ્ત રહેશે. આથી પક્ષીઓને હું યોગાસન અને પ્રાણાયામ કરાવીશ. હું બધાને વ્યાયામ અને કસરત દ્વારા તંદુરસ્તી ના પાઠ શીખવીશ. ”
કાગડાભાઈ કહે,
“ કાઉ કાઉ બોલુ હું
સફાઈ કામદાર કહેવાઉં હું
શિક્ષણ સાથે જરૂરી છે.
સફાઈ તન અને મનની. ”
શિક્ષણ શરુ કરતાં પહેલાં સફાઈ કરવી તો જરૂરી જ છે. હું પણ પાછળ કેમ રહું. આમપણ મને સૌ સફાઈ કામદાર તરીકે ઓળખે છે. આથી શાળાની સાફસફાઈ ની જવાબદારી મારી રહેશે.
ત્યાં કાબરબેન બોલ્યા,
“ કલબલ કલબલ બોલુ હું
પક્ષીઓમાં વધુ બોલું હું
પટાવાળા ની જવાબદારી
શિક્ષણ કાજે સંભાળું હું”
શિક્ષણ માટે પટાવાળાની જવાબદારી હું સંભાળીશ. ઘંટ વગાડી સમયસર સૌને બોલાવવા, પ્રાર્થના શરુ કરાવવી, રીશેષ આપવી વગેરે કામ કરીશ હું.
દરજીડો બોલ્યો,
“ પાંદડા સીવુ હું
સુંદર માળો બનાવુ હું
પક્ષીઓ કાજે પર્યાવરણ
શિક્ષણ આપીશ હું. ”
હું પાંદડા સીવીને સુંદર માળો બનાવું છું. વનસ્પતિ વિશે જ્ઞાન ધરાવું છું. પક્ષીઓને આસપાસ ના પર્યાવરણ અંગેનું શિક્ષણ હું આપીશ.
બતકભાઈ બોલ્યા,
“પાણીમાં રહુ છું
તરવાનું હું જાણું છું
સૌ પક્ષીઓને તરવાનું શિક્ષણ
આપુ હું”
પાણીમાં તરતા શીખવું એ પણ એક કળા છે. જે દરેકને નથી આવડતી. આથી હૂં સૌને તરવાનું કૌશલ્ય શીખવીશ.
કબૂતર બોલ્યું,
“ ઘુ ઘુ ઘુ ઘુ બોલું હું
શાંતિદૂત કહેવાઉં હું
સંદેશો સૌનો મોકલું હું
ચિત્રનું જ્ઞાન આપુ હું. ”
હું સૌની ટપાલ પહોંચાડું છું ચિત્ર અંગેનું થોડું જ્ઞાન ધરાવું છું. આથી ચિત્ર અંગે શિક્ષણ હું આપીશ.
બધા પક્ષીઓ રાજી રાજી થઈ ગયા. પોતાના બાળકોને શિક્ષણ મળશે.
કાગડાભાઈ તો સફાઈ કરવા
વહેલા નિશાળે આવે
સાફ સફાઈ કરે ને
રૂમ સુંદર બનાવે,
કુહુ કુહુ કોયલડી
ગીત ગાન કરાવે
પ્રાર્થના નિત કરાવે
સૌને ગાન શીખવે,
કાબર બેન ઘંટ વગાડી
સૌને નિશાળે બોલાવે
પોપટભાઈ ગણતરી કરી
સૌને ગણન કરાવે,
ચકીબેન તો ચીં ચીં કરતા
નિતનવા પાઠ રોજ ભણાવે
કવિતાઓ એવી સંભળાવે
સૌને આનંદમાં લાવે,
કુકડાભાઈ તો સૌને
સમય ના પાઠ ભણાવે
મોરભાઈ વ્યાયામ કરાવી
તંદુરસ્ત સૌને બનાવે
સવાર થતાં જ કાબરબેને ઘંટ વગાડ્યો. બધા પક્ષીઓ હાજર થઈ ગયા. સૌ પ્રથમ કોયલબેન સરસ મજાની પ્રાર્થના બોલાવી શાળા શરૂ કરાવે.
બધા પક્ષીઓ ખુશી ખુશી ભણવા લાગ્યા.
