પર્યાવરણની સુરક્ષા
પર્યાવરણની સુરક્ષા
નાનકડો રિહાન અચાનક ઉંઘમાંથી ઉઠ્યો અને આજુબાજુ જોવા લાગ્યો, તેના મન માં કંઇક વિચિત્ર લાગણી ઉત્પન્ન થઇ. એની મમ્મી એ તેને રોજ કરતા વહેલા ઉઠેલો જોઇ પુછ્યું ,
"શું થયું બેટા ? આજે આટલો વહેલો કેમ ઉઠી ગયો ?
ત્યારે રિહાને તેને આવેલા સપના ની વાત કરી. તેના સપના ની દુનિયા વાસ્તવિક દુનિયા કરતા અલગ હતી. એ દુનિયામાં પૃથ્વી પર પુષ્કળ પ્ર્માણમાં પાણી હતું, ચારે બાજુ લીલોતરી હતી, પંખીઓનો કલરવ હતો, પ્ર્દૂષણમુક્ત વાતાવરણ હતું, ના કોઇ કચરાના ઢગલા, ના કોઇ ગંદકી. શહેરના રસ્તાઓ ચોખ્ખા હતા. એ દુનિયામાં માણસોનો વ્યવહાર પણ સરળ અને લાગણીભર્યો હતો. જ્યારે એ જે દુનિયામાં જીવી રહ્યો હતો, એ દુનિયામાં માણસો સ્વાર્થી, ગંદકીભર્યા રસ્તાઓ, ધુમાડાયુક્ત વાતાવરણ, જળ સ્તોત્રોમાં ગંદુ પાણી અને વૃક્ષો તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ. એ લોકોને ઓક્સીજન ના બાટલાથી શ્વાસ લેવો પડતો.
રિહાને એની મમ્મીને પુછ્યું, "શું મારા સપના જેવી કોઇ દુનિયા હોય ખરી ?"
ત્યારે એની મમ્મી એ કહ્યું, "બેટા આવી દુનિયા ખરેખર હતી. અત્યારે 2050 ચાલે છે. આજથી ચાલીસ-પચાસ વર્ષ પહેલા મારા મમ્મી – પપ્પા નાના હતા, ત્યારની દુનિયા આવી જ હતી. હું નાની હતી ત્યારે, મારી મમ્મી એ મને બધી વાત કરી હતી. પણ એ વખતે માણસોએ પોતાના ભવિષ્યની પેઢી નો કોઇ જ વિચાર ના કર્યો અને પર્યાવરણની સુરક્ષા માટે કોઇ ધ્યાન ના આપ્યું કે ના કોઇ સારા પગલાં લીધા. એમણે દાખવેલી બેદરકારીનું પરિણામ આપણે સૌ ભોગવી રહયા છે.
આ સાંભળી નાનકડો રિહાન બોલી ઉઠ્યો કે, "ચાલને મમ્મી આપણે ભૂતકાળમાંથી બહાર આવી એક સુંદર ભવિષ્ય રચીએ. મારા સપનાની દુનિયાને આકાર આપવા માટેના પ્ર્યત્નો કરીએ અને આપણી આવનારી પેઢી માટે મારા સપનાને વાસ્તવિકતા બનાવીએ. આ સાંભળી રિહાનની મમ્મી મલકાઇ ઉઠી. મા–દિકરો ભેગા થઇ પર્યાવરણની સુરક્ષા માટે ના વિચારોમાં ખોવાઇ ગયા. આજે બે નાનકડા હાથ પર્યાવરણની સુરક્ષા માટે કટિબધ્ધ થયા, જે આવનારા સુખદ ભવિષ્યની નિશાની હતી.