'Sagar' Ramolia

Fantasy Inspirational

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational

પ્રવાસ

પ્રવાસ

3 mins
337


એક કહેવત છે કે, ’ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે !’ બળદ કે અન્ય પશુને બાંધી રાખીએ ને ચારો કે અન્ય ખાવાનું આપીએ જ નહિ તો શું થાય ? અરે, ભાઈ ! ભૂખે મરવાનો વારો આવે ! ખાવાનું ન મળે તો શું થાય ? અરે, શાંતિ જ ન મળે ! દરેક મનુષ્યને પણ ખોરાકની જરૂર પડે છે. એક ખોરાક વિશે તો સૌને ખબર જ છે ! પણ સાથે સાથે અન્ય ખોરાકની પણ જરૂર પડે છે. કયો ? જાણો છો ? અરે, મનનો ખોરાક ! એ વળી શું ? ન સમજ્યા ? તો લો હું કહું... ! કંઈક જાણવાની ભૂખ લાગે ત્યારે શું કરવાનું ? કયાંક જવાનું, કંઈક જોવાનું... હા, મનનો ખોરાક એટલે મનની જિજ્ઞાસાને સંતોષવી. દરેક સમયે કે દરરોજ તો મનની જિજ્ઞાસા સંતોષી નથી શકાતી. એટલે એનું આયોજન ઘણા સમય અગાઉથી કરવું પડતું હોય છે, સ્વપ્ન જોવાં પડતાં હોય છે.

લો, તો હવે થોડી સ્વપ્નની વાત કરી લઈએ ! સ્વપ્ન જોવું એ દરેકનો જન્મસિદ્ઘ અધિકાર છે. આ અધિકારને કોઈ છીનવી શકતું નથી. હા, કોઈ નહિ. ખૂબ સ્વપ્ન જોવો. ડરામણાં સ્વપ્ન જોવાની જરાય જરૂર નથી. સ્વપ્ન જુવો તો... કંઈક સંતોષ મળે, કંઈક શાંતિ મળે એવું જુવો ! શું દરેક સ્વપ્ન સુખ અને શાંતિ આપનાર હોય છે ? ના, ન પણ હોય. પણ સ્વપ્ન થોડી લાંબી દૃષ્ટિથી જોવું જોઈએ. જે પૂરું પણ થઈ શકે અને તેમાં સફળતા પણ મળે.

મારે પણ આવું કંઈક સ્વપ્ન હતું. શેનું ખબર છે ? કયાંક ફરવા જવાનું....... વિચાર્યું કયાં જવું ? પહેલા તો એવો વિચાર કર્યો કે ભારતના ઉત્તર ભાગમાં જઈએ. પણ મનની ગતિને કોણ આંબી શકયું છે કે હું આંબી શકું ! મન તો વારંવાર બદલ્યા કરે. તેની સાથે આપણે પણ બદલવું ? શું થાય ભાઈ ? બદલવું પડયું. એવું તો બદલવું પડયું કે આખી દિશા જ બદલી નાખી. દિશા તો બદલી... પણ એકદમ વિરુદ્ઘની દિશા જ પકડી લીધી. વિરુદ્ઘ દિશા એટલે કે ઉત્તરની સામેની દિશા દક્ષિણ દિશા ! હા, અમે નક્કી કર્યું ભારતની દક્ષિણ સરહદ સુધી ફરવા જવાનું. મુંબઈથી દૂર કયારેય ગયેલ જ નહિ. ઘણી ઘણી વાતો સાંભળી હતી. ભાષાના ધાંધિયા થશે, ખાવાના ધાંધિયા થશે. કયાંક ગરમી હશે, કયાંક ઠંડી હશે. પણ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે એ વાત સાચી. અહીં ગુમાવવાનું તો કંઈ હતું જ નહિ. માત્ર મેળવવાનું જ હતું. શું ? જ્ઞાન ! ગુમાવવાનું કહો તો થોડા પૈસા અને થોડો સમય. બાકી તો મેળવવાનું જ મેળવવાનું.

એક જાણીતું ગીત છે,

’’ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી.’’

અમે પણ આવી રીતે જ નીકળી પડયા. એ બાજુના સ્થળોનાં માત્ર નામથી જ પરિચય હતો. એ સ્થળ કયાં આવ્યું ? ત્યાં કેવું વાતાવરણ હશે ? એ બાબત તો જરાય જાણતા નહોતા. છતાં મનમાં હિંમત હતી, મનમાં કંઈક જોવાની જિજ્ઞાસા હતી. જિજ્ઞાસા થકી તો માનવે કેટલીયે શોધો કરી નાખી છે. તો અમારે તો ફરવા જ જવાનું હતું. એમાં મગજને હલાવવાનું કયાં હતું ? માત્ર પગ હલાવીને આંખોને ઠંડક પહોંચાડવાની હતી અને મનને આનંદ આપવાનો હતો. કહ્યું છે ને ? ’મન હોય તો માળવે જવાય !’ તો મનને માળવે જવાનું મન કયારે થાય ? અરે, ભઈ ! મનને કંઈક ફાયદો તો થવો જોઈએ ને ? તો દર્શનીય જગ્યાએ જવાથી મનને ફાયદો જ ફાયદો છે એનો પ્રત્યક્ષ અને જાત અનુભવ કરીને જ આપની સામે આવું કઈક ગતકડું કહો તો ગતકડું, પણ લઈને આવ્યો છું. તો ચાલોને ! અમે પ્રત્યક્ષ કરેલી સફર આપના મનમાં પરોક્ષ તો પરોક્ષ, પણ જાણે પ્રત્યક્ષ હોય એમ કરાવી તો દઉં ! એ કઈ રીતે ? કંઈ નહિ... માત્ર આ સફરને વાંચતી વખતે અમારા બદલે તમે ફરતા હો એવું અનુમાન કરતા રહેજો. એટલે અમને જે આનંદ મળ્યો એ તમે પણ મેળવી શકો ! તો છોને તૈયાર ? તો હાલો બેસી જાવ મારી સાથે ગાડીમાં....


Rate this content
Log in

Similar gujarati story from Fantasy