LINABEN VORA

Romance

3  

LINABEN VORA

Romance

પ્રિય ઝરૂખો

પ્રિય ઝરૂખો

3 mins
180


હૃદયરૂપી મહેલની અંદર જોવા માટે નયનરૂપી ઝરૂખો જ કામ લાગે છે. જેમ ઝરૂખો ખુલ્લો હોય તો અંદરની પરિસ્થિતિની જાણ થાય છે. તેમ ખુલ્લા નયને, હૃદયના ભાવ જાણી શકાય, પણ બંધ નયને, બધું જ છુપાયેલું રહે છે. દરેક મહેલ કે મકાનમાં ઝરૂખાનો પોતાનો જ મહત્વ હોય છે. ઝરૂખા વગર મહેલ કે મકાન એક ડબ્બા જેવુ લાગે છે. "અરે ! અરે ! સત્યા મને પકડ, મને પકડ," સંતાકૂકડી રમતા- રમતા રાજકુમારી આભા, નગરશેઠના દીકરા સત્યાને કહી રહી હતી. બંને હમ ઉંમર હોવાથી વિદ્યાભ્યાસ સાથે જ કર્યો હતો અને સારી એવી મિત્રતા હતી. રાજાભોજ રાજની એકની એક કુંવરીને ખૂબ બંધનમાં રાખવામાં આવતી. મહેલમાં ઝરૂખો અને ઝરૂખાની સામે જ સત્યવીરની કોઠી,વચ્ચે એક શેરી જતી હતી,ઝરૂખાની કલાકૃતિ એટલી હદે સુંદર કે કોઈપણ રાહ ચાલતો વ્યક્તિ ત્યાં જોવા ઊભો રહી જાય અને તેમાં ઊભેલી, રૂપ રૂપના અંબાર જેવી, " રાજકુમારી આભા ". યૌવન અવસ્થામાં આવતા અને વિદ્યાભ્યાસ પૂર્ણ થતા બંને અલગ થઈ ગયા. પણ રાજકુમારીને ખબરજ ન પડી કે ક્યારે સત્યવીર સાથે પ્રેમ થઈ ગયો. 

ચૂપચાપ ઝરૂખામાંથી ડોકયુ કરી અવિરત સત્યવીર ને નિહાળતી અને હૃદયના શબ્દો હોઠની બદલે નયનોથી વ્યક્ત થતા. સત્યવીર આ બધાથી અજાણ હતો અને તે બાજુમાં જ રહેતી, રાધિકાને પ્રેમ કરી બેઠો. બંનેનો પ્રેમાલાપ અને મોજ - મસ્તી ધાબા પર થતો અને ઝરૂખામાં ઉભી રાજકુમારી બધું નિહાળતી.

ક્યારેય રાજકુમારીને ઈર્ષા ન આવતી બસ ઝરૂખામાંથી તેની નજર અને હૃદય, સત્યવીરને ચાહતા રહ્યા. થોડા જ દિવસમાં રાજકુમારીએ એક ચિઠ્ઠી લખીને એક સુવર્ણ ડબ્બામાં રાખી હતી. માતા-પિતાના આગ્રહથી પણ કોઈને બતાવવામાં ન આવી. ન લગ્ન કર્યા કે ન કાંઈ બીજી પ્રવૃત્તિ. બસ હંમેશા ઝરૂખે બેઠા - ઉભા દિવસો પસાર થયા.  

એક દિવસ વસંત પંચમીને દિવસે સત્ય વીર ના જીવનમાં વસંત ખીલી અને તેના અને રાધિકાના લગ્નનો દિવસ આવ્યો,રાજકુમારીને આમંત્રણ હોવા છતાં, તેના પગ ન ઉપાડી શકી. બસ ઝરૂખેથી સત્યાંને વરરાજાના રૂપમાં જોઈને ખૂબ હરખાઈ રહી હતી અને તેની જાન ને શેરીમાંથી નીકળતી પુલકિત હૃદય અને અશ્રુ સભર નયનોથી જોઈ રહી. 

સત્યા વ્યાપાર અર્થે વિદેશ ગમન માટે ગયો. કુદરતનો એવો તો કાળ વરસ્યો, કે સત્યાનું ભરી જવાનીમાં મૃત્યુ થયું. તેના મૃત્યુ દેહને ઘરે લાવવામાં આવ્યું. અને માતા-પિતા અને પત્ની જે,ગર્ભસ્થ હતી,કોઈનું પણ રુદન જોઈ શકાય તેવું ન હતું. રાજકુમારી ઝરુખે ઊભી ઊભી ભાંગી પડી હતી પણ કોણ આશ્વાસન આપે. સત્યાની સ્મશાન યાત્રા પણ ઝરૂખેથી જ જોવાની રહી. 

તેની તમામ વેદનાઓ અને લાગણીઓનો સાક્ષી એક ઝરૂખો જ હતો.

બાળકને જન્મ આપતાની સાથે જ રાધિકા પણ મૃત્યુને ભેટી પડી. ખૂબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો હતો અને એકદમ સત્યવીરની છબી હતી. તેને જોતા જ ઉમરવાન રાજકુમારીને પોતાના નાનપણના દિવસો યાદ આવી ગયા. ઝરૂખે ઊભા ઊભા વીરની ( સત્યવીર નો પુત્ર ) સાથે અઠખેલીયો કરતી. વીરના હૃદયમાં પણ અદભૂત "મા " જેવું લાગણીનું ઝરણું ફૂટી નીકળ્યું હતું. પછી રાજમહેલમાં તેની પા પા પગલી પડી અને માહોલ ખુશનુમા બની ગયો. જાણે ઋતુ વગર વસંત આવી ગઈ હતી. ઝરૂખાનું કામ કદાચ બંધ થઈ ગયું હતું. આમને આમ સમય વીતી ગયો, રાજકુમારી બીમાર પડી, શરીરમાં ખૂબ જ અગ્નિ થતી હતી અને અશક્તિ આવી ગઈ હતી. કોઈપણ ઈલાજ કામ ન કરતા હતા પણ ચમત્કાર ત્યારે થયો, જ્યારે તેનો શયન પલંગ ઝરૂખાની બાજુમાં ગોઠવવામાં આવ્યો. સીત પવન અને સત્યાના પ્રેમની યાદોથી તેને ઠંડક વળી અને શક્તિનો શરીરમાં સંચાર થયો. હવે ઝરૂખામાંથી નીચે નજર નહોતી કરવાની, ઉપર કરવાની હતી. કારણકે તેનું લક્ષ્ય, આજે આકાશમાં તારો બની ચમકી રહ્યું હતું (સત્યાનો પ્રેમ). 

 અંતે રાજકુમારી મૃત્યુ પામી અને સુવર્ણ ડબ્બો ખોલવામાં આવ્યો. તેમાં લખ્યું હતું, "મારા પ્રિય સુંદર, સુખ દુઃખના સાથી ઝરૂખા ને મારા મૃત્યુ દેહ સાથે સળગાવી દેવામાં આવે !". તે જ પ્રમાણે કરવામાં આવ્યું અને મહેલની શોભાને જાણે દાગ લાગી ગયો હોય.


Rate this content
Log in

Similar gujarati story from Romance