પરીક્ષાનો ડર...? છૂમંતર...! - 10
પરીક્ષાનો ડર...? છૂમંતર...! - 10
દોસ્તો ! આપણે પણ હિંમત હાર્યા વગર મહેનત કરશું, તો તેમાં સફળતા મળશે જ. કોઈએ કહ્યું જ છે, નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. જેમ થોમસની માતાના પ્રોત્સાહનથી ભરેલા શબ્દો થોમસને મહાન બનાવી ગયા, તેમ આપણે પણ કોઈ માટે કે ખુદ આપણા માટે પણ નિરાશા વધારે એવા શબ્દો ન બોલવા જોઈએ.''
જય : ''ભાઈ, તને વાર્તા કહેવાની તો સારી ફાવટ
છે હો ! કહેવું પડે ! ગમે તેને સાંભળવા
મજબૂર કરી દે એવી તારામાં તાકાત છે ! ''
યશ : ''એની આવડતમાં તું બળતો નહિ હો !
એની પાછળ આપણે આટલા રોકાયા, એ
આપણી પાછળ રોકાશે ?''
મન ઝડપથી બોલ્યો, ''અત્યારે તમારા માટે જ રોકાયો છું. હું જે કહું છું એમાંય તમને મશ્કરી સૂઝે છે. અને હા, ખાલી ભણવામાં જ ધ્યાન રાખવું પડે એવું નથી. પરીક્ષામાં પણ ધ્યાન તો આપવું જ જોઈએ. પરીક્ષાના પેપરમાં ખોટું લખાણ ન લખવું જોઈએ. પૂછાયેલું હોય તે મુજબ જ લખવું જોઈએ. પ્રશ્નના વિષયવસ્તુને બરાબર સમજવાનું. ત્યાં વાતો કરીને સમય ન બગાડાય. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ હોવો જ જોઈએ. જવાબ ન આવડતો હોય એવું બને તો ધમપછાડા કરવાને બદલે તેના વિશે મનથી વિચારશો તો જરૂર આવડી જશે. અને આવું કયારે બનશે ? ત્યારે જ, જ્યારે મેં આગળ કહ્યું એ મુજબ અગાઉથી સમયને માન આપીને, સમયની સાથે રહીને, મન દઈને, યોગ્ય મહેનત કરીને, આયોજન બનાવીને, દૃઢ નિર્ણય કરીને ભણ્યા હશો. આ જ તો છે મારો જાદુ ! પણ તે તમને દેખાયો હોય તો !''
બધા એક સાથે જ બોલ્યા, ''એ મનિયા ! તારી અડધી વાત થઈ ત્યાં જ અમે સમજી ગયા હતા કે પરીક્ષાનો ડર ન રહે તેના માટે શું કરવું જોઈએ ! આ તો શરૂઆતમાં તેં અમારી નસો ખેંચી, તેમ તે પછીથી અમે પણ તારી નસો જ ખેંચી છે અને અત્યાર સુધી બોલાવ્યે રાખ્યો. હવે અમારા માટે તો પરીક્ષાનો ડર, છૂમંતર થઈ જ ગયો છે. હવે અમને પરીક્ષાનો ડર જરાય લાગવાનો નથી.''
બધાને રોકીને મન બોલ્યો, '' તમે તો સમજ્યા, પણ આ વાર્તા વાંચવાવાળા સમજ્યા હશે કે નહિ ?''
(પૂર્ણ)
