પ્રેમપત્ર
પ્રેમપત્ર
સંકેત માટે માટે આ સહુથી મોટો આશ્ચર્યાઘાત હતો. સુગંધાને પોતે રાણી-મહારાણીની જેમ રાખતો રહ્યો તો ય તેણે પોતાના બચપનના સાથી, પિયરના પ્રેમી દર્શન સાથે, પોતાથી છુપાવી છુપાવી આવો ગાઢ પ્રેમસંબંધ જાળવી રાખ્યો?
એટલે સુધી કે તેનો, ગ્રામોદ્યોગના પરબડિયામાંનો પ્રેમપત્ર, પાનેતરના ગડીમાં છુપાવી છુપાવી, જાણે એ બહુમૂલ્ય સંપત્તિ હોય, મહામૂલી યાદ હોય, પ્રાણનાથ કરતાય વિશેષ પ્રાણવાન પ્રેમીનો પ્રેમભર્યો સંદેશો હોય તેમ, તેને સાચવી સંભાળી, એ પ્રેમપાત્ર પ્રેમીના પ્રેમપત્રના અવારનવાર દર્શન, તેના માટે પતિ- દર્શન કરતા ય વધુ મહિમામય હોય તેમ રોજ સવારે વહેલી ઊઠી, પાનેતરમાંના આ પત્રને દરરોજ જુએ, આંખોથી ચૂમે અને ફરી પાછો એ પત્ર જેમનો તેમ પાનેતરની ગડીમાં જ સાચવી- સંભાળીને મૂકી દે -કોઈ મોટી અણમોલ અનામતની જેમ. આવું ઘણી વારમાં અડધી ઊંઘમાં જોયેલું દૃશ્ય આજે તો વહેમમાંથી સત્ય સ્વરૂપે જ સામે આવી ગયું.
એ તો યોગાનુયોગ કહેવાય કે સંકેત આજે ઊંઘની ગોળી લઈને સૂતેલો હોવા છતાંય વહેલો ઊઠી ગયો તેની નજર પડી, સુગંધાને પોતાનો વોર્ડરોબ ખોલી, સહુથી નીચેના સફેદ પોટલામાંથી પાનેતરની ગડી ખોલી, એ પ્રેમપત્રનું કવર ખોલી, પત્ર વાંચી, આંખોથી ચૂમી પાછો એ પત્ર કવરમાં મૂકી, પાનેતરની ગડીમાં ગોઠવીને મૂકી દેતા. આવા દૃશ્યો પહેલા પણ પોતે ઘી-ડોક્ટર તાંબેના નેચરક્યોર ક્લિનિકમાંથી પાછા આવ્યા બાદ ઘણી વાર વહેમના ભ્રમ સાથે જોયા તો હતા જ.
આજે તો પત્ની નિત્યકર્મ અને પૂજાપાઠ પતાવી ચા-નાસ્તાની તૈયારી કરવા ગઈ એટલે તેણે પત્ની સુગંધાનો ચાવીનો ઝૂડો ભારવેલો વોર્ડરોબ ખોલી, સાડીઓની થપ્પી નીચે મૂકાયેલ પોટલું ખોલીને, પાનેતરની ગડીમાં છુપાવેલા પત્રને જોવાની સફળ કોશિશ કરી જ લીધી.
ત્યાં તો કૈંક લેવા-મૂકવા સુગંધા બેડરૂમમાં પાછી ફરી. પતિ સંકેતને પોતાના વોર્ડરોબમાં આમ ખાંખાખોળા કરતો જોઈ એ હસી પડી. બોલી: "શું જુઓ છો સંકેત? એ પાનેતરમાં તો એક પત્ર છે જેને મેં જીવ ની જેમ જાળવ્યો-સાચવ્યો છે. જોવો છે એ પ્રેમપત્ર?”
કૈંક ભોંઠો પડતા સંકેત દાઢમાં બોલ્યો: "હા..સ્તો ! પ્રેમપત્ર અને તે પણ સાંભળી સાચવીને પાનેતરની ગાડીમાં મૂકાયેલો પ્રેમપત્ર તારા બચપનના પ્રેમીનો, મારા જીગરજાન દોસ્તનો જ પત્ર હશે એ તો હું સમજી શકું છું, કલ્પી શકું છું. પણ એ પત્રનું
દર્શન તારા માટે પ્રભાતે કરદર્શનમ જેવું જ બની ગયું હોય તેમ લાગે છે.”
“હા…સ્તો ! વાંચવો છે?” સુગંધા પત્રનું કવર આપતા બોલી.
ખાદી ગ્રામાદ્યોગનું પરબીડિયું જોઈ સંકેતને નવાઈ ન લાગી. કવર પર પ્રેષકનું નામ પણ સારા અક્ષરે લખેલું જ હતું ‘આદર્શ’. એથી પણ સુંદર અક્ષરોમાં લખાયેલું હતું સુગંધાનું નામ-પોતાના સરનામા સાથે. તેને યાદ આવ્યું કે સ્કુલમાં સાથે જ સાથે ભણતા આદર્શનો સુગંધા માટે અસીમ, અપાર સ્નેહ હતો. તે પોતાનો મિત્ર હોવાથી ખુલ્લા દિલે કહેતો પણ ખરો કે "હું પરણીશ તો મારી સુગંધાને જ પરણીશ”. સુગંધા સંકેતને પણ ગમતી અને સુગંધાના માતા પિતાએ સંકેતના માતાપિતા સાથે એક નાતના હોવાથી વાત ચલાવી અને બેઉની સગાઇ પણ કરી નાખી. સંકેતને આદર્શને માત આપ્યાની એક વિચિત્ર પ્રકારની ખુશી થઇ. તેને હંમેશા એમ જ લાગતું – આદર્શમાં આદર્શોની ઘેલછા જોઈ મનમાં એમ જ થયા કરતું કે આ માસ્તરનો, ખાદીધારી ગાંધીવાદી દીકરો સુગંધાને ખુશ રાખી જ કેવી રીતે શકશે? તે હવ
ે તો પોતાને વિજયી -પરાક્રમી સમજવા માનવા લાગ્યો.
મનોમન, પોતાના મિત્રને પરાજિત કરી, પોતાને ગમતી સુગંધાને પ્રાપ્ત કરી લઇ અર્જુને કર્ણને પરાજિત કરી દ્રૌપદીને પોતાની બનાવેલી એ પ્રસંગ યાદ આવી જતો. અર્જુન બાણાવળી હતો તો પોતે મોટા ઉદ્યોગવીર પિતાનો એકનો એક પુત્ર હતો. તેના મનમાં એક ક્યાંક સાંભળેલું સંસ્કૃતનું સુભાષિત યાદ રહી ગયેલું જેને યાદ કરી એ વિચારતો “સર્વે ગુણા: કાંચનમાશ્રયંતિ.”
આદર્શવાદી આદર્શે સુગંધ પાસે રાખડી બંધાવી તેને ધરમ ની બહેન બનાવી પોતાની પ્રેમભાવનાને, ભાઈ-બહેનના પ્રેમસંબંધની પવિત્રતાથી સંસ્કારવાનું પુનીત કાર્ય કરી, પોતાના સાચા પ્રેમને સારો નવો યોગ્યસર વળાંક આપ્યો. સંકેત-સુગંધના લગ્ન પણ ધામધૂમથી સંપન્ન થયા અને આદર્શે અણવરની ફરજ પ્રેમપૂર્વક ઉત્સાહભેર ભજવી. પછી તો પિતાના વેપાર અને ઉદ્યોગનો વિકાસ કરવા સંકેત સપરિવાર મુંબઈ પહોંચ્યો. લાખોમાંથી કરોડોમાં રમતો થવા લાગ્યો. આદર્શ ‘રીલિજિયન એન્ડ કલ્ચર’ વિષયમાં એમ.એ.કરી તેમાં જ પી-એચ.ડી કરી પ્રોફેસર બન્યો. દર વર્ષે રાખડી- પૂનમના દિવસે એ મુંબઈ નિયમિત જતો અને ધરમની બહેન સુગંધા પાસે રાખડી બંધાવી, તે ફૂલ નહિ તો ફૂલની પાંખડીની ભાવના સાથે, સો રૂપિયા પસલીના, બહેનને આપી રાજી થતો. સંકેત માટે તો એ સો રૂપિયા સો પૈસા જેવા હતા. પણ સુગંધા બહુ જ પ્રેમ-શ્રદ્ધા સાથે એ સો રૂપિયાની નોટ ધરમના ભાઈ આદર્શને આશીર્વાદ આપી, હોંસે હોંસે સ્વીકારી લેતી -સાચવતી રહેતી. આગળ જતા, વિસ્તરતા રહેતા ધંધા- વેપારના ટેન્શને સંકેતને બ્લડપ્રેશર અને કોલેસ્ટરલનો રાજરોગ ભેટ આપી દીધો. પણ તે એન્જિયોગ્રાફી કરાવવા કરતા એન્જોયગ્રાફીમાં જ મસ્ત-વ્યસ્ત રહ્યા કરતો. એક વાર આવી, આદર્શે મિત્રધર્મ બજાવતા, સંકેતને સાચી સલાહ આપી: "આજના ડોકટરો એન્જિયોગ્રાફી કરી, જરૂરી હોય તો એન્જિયોબલૂનપ્લાસ્ટી કરી, જરૂરી જણાય તો બાયપાસ સર્જરી કરી નવજીવન આપે છે તો એમ કરાવી લેવું જ હિતાવહ છે. તમારા ઘી- ડોક્ટર તાંબેની નેચરોપથીની થીયરી ના જ ચાલે”.
પણ જીદ્દી સંકેતે ક્યાંય સુધી પોતાની જીદ પકડી જ રાખી. અંતે સુગંધાએ સ્ત્રીહઠ કરી આ બધું સંકેતને સમજાવી-મનાવી, જોઈતા ઈલાજો કરાવી તેને નવજીવન અપાવી જ દીધું. હવે એ દવાઓ લેતો, ઊંઘની ગોળી લેતો, પોતાની પૂરતી અને બરાબર કાળજી લેતો થઇ ગયો. આમાં સુગંધની જીદે જ સાચો સારો ભાગ ભજવ્યો. પતિના મનમાં, પોતાના પાનેતરમાં છુપાવેલા પરબીડિયા માટે જે સંદેહ-શંકાનો કીડો સળવળી રહ્યો હતો તેને દૂર કરવા આજે તેણે સામેથી જ એ કવર તેના હાથમાં મૂકી દીધું.
જાડા એવા કવરમાંથી કાઢીને જોયું તો આદર્શે પોતાના સુંદર અક્ષરે લખેલા એ ભાવસભર પત્રમાં લંબાણથી જે કાંઈ લખ્યું હતું તેનો સાર એટલો જ હતો કે "સુગંધાબહેને જીદ્દી સંકેતને, પત્નીના નાતે, સ્ત્રીહઠ કરીને પણ, દવા લેવા માટે, જરૂરી અને પૂરતા ઈલાજો કરાવવા માટે મનાવવો જ રહ્યો. પત્રમાં ભાઈની, બહેનના સૌભાગ્યની રક્ષા કરવા માટેની આજીજી માત્ર હતી, બહેનની રક્ષાબંધનની ભેટની પ્રેમભરી યાદ આપી- અપાવીને.” પાનેતરની ગાડીમાં સચવાયેલા એ પ્રેમપત્રને વાંચી સંકેતને પોતાનો જીગરી દોસ્તની, લગ્ન સમયે બનેલા અણવરની, પત્ની સુગંધના ધરમના ભાઈ આદર્શની યાદ એવી તો આવી ગઈ તેની આંખોમાંથી પ્રેમાશ્રુ -હર્ષાશ્રુની ધારા વરસવા -વહેવા લાગી ગઈ. એ અશ્રુધારામાં શંકા અને વહેમનો કીડો તો વહી જ ગયો. એ અશ્રુધારા પ્રેમભીના હાથે લૂછતાં લૂછતાં સુગંધાની આંખોમાંથી પણ શ્રાવણ-ભાદરવો વરસી એ પ્રેમપત્રને ભીંજવવા લાગ્યો.
(અર્ધ સત્ય કથા)