પ્રેમનું ઊર્ધ્વીકરણ
પ્રેમનું ઊર્ધ્વીકરણ
'બહુ ઉમદા કાર્ય થઈ રહ્યું છે, તમારા તરફથી મિસ્ટર અવિનાશ.' જાણે ઝાંઝરનો મધુર અવાજ રણકતો હોય એમ ખ્યાતિ આવીને બોલી. અવિનાશ પણ બે ઘડી તો જોઈ જ રહ્યો કે આ માધુરી કોણ ? ખ્યાતિએ અવિનાશને પોતાનો પરિચય આપ્યો. જ્યાં સુધી રહી ત્યાં સુધી તે અવિનાશને જ બિરદાવતી રહી.
પરિચય વધતો ચાલ્યો ને પ્રેમમાં પરિણમ્યો. બંનેને લાગ્યું કે અગાઢ પ્રેમ એટલે આ જ. બંધનમાં તો કોઈને બંધાવું ન હતું, બસ સમયને બાંધી રાખવો હતો પણ સમય કહે હું કાંઈ એમ બંધાવ, ને સમય પોતાની કમાન છટકાવી ચાલ્યો ગયો. ને અગાઢ પ્રેમનો સમંદર સૂકાઈ ગયો. અવિનાશ તરફથી તો નહીં પરંતુ ખ્યાતિ હવે દૂરી બનાવતી ચાલી ને એક દિવસ તે ચાલી ગઈ.
અવિનાશ તો હજી નિરપેક્ષ પ્રેમ કરતો જ હતો તેનો પ્રેમ કાંઈ શરતોને આધીન ન હતો, કે તેણે પ્રેમ પૂર્વે ખ્યાતિને કહ્યું ન હતું કે ટર્મસ એન્ડ કન્ડિશન એપ્લાય.
અવિનાશે ખ્યાતિને ક્યારેય દોષ આપ્યો જ ન હતો તે તો પરિસ્થિતિને જ દોષ આપતો હતો. પણ સાચું પૂછો તો ખ્યાતિ અવિનાશને સમજવામાં થાપ ખાઈ બેઠી.
અવિનાશના જે કામને તે બિરદાવતી તે જ તેના માટે વેરી બન્યું. ને અવિનાશે પોતાના કામને વધુ મહત્વ આપ્યું, ને પ્રેમ જતો કર્યો.
ખ્યાતિ આને ગાંડપણ સમજી બેઠી ને મતભેદ મનભેદમા પરિણમ્યો ને બને છૂટા પડી ગયા.
અણીદાર કાંટા ની વચ્ચે સરી જતો સમય,
બે આંકડા વચ્ચે વહી જતી જિંદગી ..
સંજોગો પાસે સંયોગોનો ગતિવિન્યાસ નથી ચાલતો, સમય નામની કમાન પર હરેકે ઝૂકવું જ પડે છે. એ નિર્લેપ જીવે ઘડિયાળને પણ પોતાના જેવી નિર્જીવ બનાવી દીધી છે, જે સમગ્ર જગતને પોતાની એડી પર નચાવે છે. આમ જુઓ તો બહુ સરસ છે આ ગતિશીલતા, બેઘડી વિરામ લેવા આજનો માનવી ઘડાયો નથી, ચરૈવેતી ચરૈવેતીની માફક માણસે બસ ચાલતા જ રહેવું જોઈએ. બંધિયાર પાણી પણ દુર્ગન્ધ આપવા લાગે છે, તો માણસ તો ક્યાંથી બંધાઈ શકે. પરિવર્તનના નિયમને માણસે હંમેશા સ્વીકારવો જ રહ્યો.
ખ્યાતિ અંશુમનને પરણીને સેટ થઈ ગઈ. પ્રથમ પ્રેમ ભૂલાતો નથી એ વાત અંશુમને ખોટી સાબિત કરી આપી. ખ્યાતિ અવિનાશને ભૂલી ગઈ. પોતાની દુનિયામાં ખ્યાતિ બહુ ખુશ હતી. પાંચ વર્ષ કેમ પસાર થઈ ગયા ખબર ન પડી. હવે ખ્યાતિને ખાલીપો લાગવા લાગ્યો. ને એ ખાલીપો એક બાળક જ પૂરો કરી શકે એવું તીવ્ર રીતે ખ્યાતિને લાગ્યું. ખ્યાતિ અંશુમનને બાળક માટે મનાવવામાં સફળ રહી.
બે એક વર્ષની રાહ જોવા છતાં નાનકડી કિલકારીઓ ઘરમાં ગુંજી નહીં. ખ્યાતિ દત્તક બાળક માટે વિચારવા લાગી. અંશુમનને આ વખતે મનાવવો અઘરો હતો. ખ્યાતિ કહેતી કે કોઈ અનાથને ઘર મળે ને મને એક આનંદનો સથવારો મળે તો શું વાંધો.અંશુમન કહેતો કે હું છું પછી તારે સથવારાની શી જરૂર. તારી જોબ ને બાળક તું બધું કેમ મેનેજ કરીશ. મારે બાળકની જરૂર નથી આપણે એકબીજાનો સહારો જ છીએ પછી બાળકની લાકડીની જરૂર ખરી !
ખ્યાતિ કહેતી કે હવે ઢળતી ઉંમરે એક બાળક તો હોવું જ જોઈએ, બાળક વિના તમારી પાછલી જિંદગી એકલી ગુજરે, તમારી પાસે જીવવા માટેનું કારણ નથી રહેતું, નિરાશા ઘેરી વળે છે.
અંશુમનનો મત જુદો હતો. તે તો કહેતો કે આ સમયમાં તમારા સંતાનો તમારી પાસે રહે તે તો શક્ય જ નથી. પતિ પત્ની એ જ એકબીજાનો સહારો બનવાનો હોય છે, ને એનાથી આગળ વ્યક્તિએ પોતે જ પોતાનો સહારો બનવાનો હોય છે.
બંનેનો મતભેદ લાંબો ચાલ્યો, ખ્યાતિને નમતું જોખવું જ પડ્યું, પણ તેણે પોતાની એક ઈચ્છા વ્યક્ત કરી કે તે પોતાની જોબમાંથી ફ્રી થઈને અનાથાશ્રમના બાળકોને સમય આપશે. અંશુમન તેમાં ના ન પાડી શક્યો.
ખ્યાતિએ ઘણા અનાથાશ્રમની તપાસ કરી. તેમાં તેને "માની ગોદ"એ અનાથાશ્રમ યોગ્ય લાગ્યો. ખાસ કરીને 'તાઈ' તરીકે કામ કરતા એ ગૌરવશાળી મહિલા તેને ગમી ગયા. આ અનાથાશ્રમમાં એવી બાળાઓને લાવવામાં આવતી કે જેના મા બાપ ભૂલ સમજીને તેને કચરામાં ફેંકી દીધી હોય. ક્યાંથી પણ આવી બાળકીના સમાચાર મળે એટલે બધા દોડી જતા ને બાળકીને માની ગોદ મળી જતી.
ખ્યાતિએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી તાઈએ કહ્યું કે સાહેબને પૂછવું પડે, ખ્યાતિ ટ્રસ્ટીની ઑફિસમાં ગઈ. ટ્રસ્ટીની ગોદમા કાલે જ લયાવેલી બાળા સૂતી હતી ને સાહેબ તેના સામે જોઈને સ્મિત કરતા હતા.
ખ્યાતિ અંદર ગઈ ને બોલે પે'લા તો જોઈને છક્ક થઈ ગઈ. તે અવિનાશને જોતી હતી સામે. જે કામને કારણે તે અવિનાશને સમજી ન હતી શકી નિયતિએ એ જ કાર્ય કરવા તેને પ્રેરી હતી. અવિનાશે ખ્યાતિને સંમતિ આપી દીધી. તે રાતભર વિચારતી રહી કે તે અવિનાશને સમજી ન શકી. જોબ પુરી કરી આશ્રમ ગઈ. અવિનાશે સાથે વાત થઈ, તમારામાં પ્રેમને સમજવાની તાકાત આવી ગયા બાદ બધી ફરિયાદો, વાસના, અપેક્ષાઓ બધું વિલીન થઈ જાય, હવે ખ્યાતિ ને અવિનાશનું પણ એવું જ થયું. ખ્યાતિ અંશુમન પ્રત્યે પૂર્ણ વફાદાર હતી, ને અવિનાશ તેના કામ પ્રત્યે.
નિખાલસતાથી બંને મળતા અવિનાશે ખ્યાતિને એક બાળકી ગોદ લેવા સલાહ આપી, જેથી તેનું જીવન પૂર્ણ થઈ જાય. આ વખતે અંશુમનને મનાવવામાં ખ્યાતિ, ને અવિનાશ બંને સફળ રહ્યાં. અવિનાશ તો પોતાના કામથી જ પૂર્ણતા પામી ચૂક્યો હતો, ને હવે તો ખ્યાતિ પણ પૂર્ણ બની ચૂકી હતી. પ્રેમનો મતલબ સમજવા તેમણે પ્રેમને આત્મસાત કર્યો હતો. આ પ્રેમનું ઊર્ધ્વીકરણ પામવા કરતા પણ વિશેષ આંનદદાયક હતું.

