N.k. Trivedi

Romance

4  

N.k. Trivedi

Romance

પ્રેમની પરખ

પ્રેમની પરખ

3 mins
416


"અરે ! રોહિત, તું, ક્યારે આવ્યો ?"

"રીમા તું સૂતી રહે, હું અડધા કલાક પહેલાં આવ્યો. તું સૂતી હતી એટલે ડિસ્ટર્બ ન કરી, બસ તને નિરખતો રહ્યો. લે આ તારી પસંદગીનાં ફૂલોનો ગુલદસ્તો, હવે કેમ છે ?"

"સારું છે, પણ પગને વધુ ઈજા થઈ છે, એટલે... એટલે"

"સારું, તું આરામ કર આપણે પછી નિરાંતે વાતો કરીશું. "

રોહિતને ખબર હતી. રીમાને પગમાં મલ્ટીપલ ફેક્ચર થયા હતા અને કદાચ ચાલવા માટે સક્ષમ થતા ઘણો લાંબો સમય લાગશે એટલે વાત અધૂરી મૂકી નીકળી ગયો હતો. રીમાં ડોક્ટર હતી અને ક્લીનિકેથી આવતા તેની કારને એક્સિડેન્ટ થયો હતો. બધા મિત્રો અને સગા સંબંધીએ હોસ્પિટલમાં દાખલ કરી ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દીધી હતી. ત્યારે રોહિત છેક સુધી હાજર હતો.

રોહિત અને રીમા ડોકટરનાં અભ્યાસમાં પ્રથમ વર્ષથી ક્લાસ મેટ હતા. બીજા મિત્રો કરતા રીમાને રોહિત સાથે ટ્યુનિંગ સારું હતું. બંનેને સારું બનતું હતું. રોહિત મનોમન રીમાને પ્રેમ કરવા લાગ્યો હતો. રીમા આ બાબતે જરા પણ વિચારતી નહોતી. રોહિત ઘણી વખત વિચારતો કે તેની મનની વાત રીમાને કરે પણ સંકોચવશ ન કરી શક્યા અને વિચાર્યું કે રીમા જો તેની વાતને જરા પણ અનુમોદન આપે છે એવું લાગશે તો જ હું મારી વાત કરી દઈશ એમ માનીને રોહિત વાત કરતો નહોતો. રીમાને થોડોક અણસાર તો હતો કે રોહિત તેના પ્રત્યે કૂણી લાગણી ધરાવે છે પણ રીમા તો બીજું જ વિચારતી હતી.

અભ્યાસ પૂરો થયા પછી એક સાંજે બધા મિત્રો રીમાની જન્મદિવસની પાર્ટીમાં ભેગા થયા. રોહિત પણ હતો. એક મિત્રએ પૂછ્યું, "રીમા હવે લગ્ન ક્યારે કરે છે, અમને બધાને બોલાવજે."

"હું લગ્ન જ નથી કરવાની. મારા મમ્મી, પપ્પાનું હું એક જ સંતાન છું. મારા મમ્મી, પપ્પાએ મને ડોક્ટર બનાવવા માટે ખૂબ ભોગ આપ્યો છે. હવે મારી ફરજ છે તેમની સેવા કરવાની."

રીમાની મમ્મીએ કહ્યું "બેટા, એવા ઉતાવળા નિર્ણય ન લેવાય. અમે તો ખર્યું પાન કહેવાઈએ. તારી સામે આખી જિંદગી પડી છે."

"પણ મારો નિર્ણય અત્યારે તો અફર છે"

"સારું બેટા પછી વિચારશું."

રોહિત આ સાંભળી પોતાની મનની વાત ન કરી શક્યો. સમય વીતતો ચાલ્યો. રીમાનાં, મમ્મી, પપ્પા પણ ટૂંકા સમયમાં સ્વ. થઈ ફોટામાં સમાય ગયા. રીમા એકલે હાથે, સમય સાથે હાર્યા વગર લડી રહી હતી.

રીમાને આજે હોસ્પિટલમાંથી રજા આપવાની હતી. રીમાને પોતાનાં પગ ઉપર ચાલતા લાંબો સમય લાગશે એવું ડોક્ટરનું કહેવું હતું. રોહિત આ વાત જાણતો હતો. આજે તે પણ હોસ્પિટલમાં હાજર હતો. રીમાનાં ચહેરા ઉપર ચિંતાની રેખા જોઈ, રોહિતે કહ્યું, "રીમા, મારે જે વાત પહેલા કહેવી જોઈતી હતી, એ વાત હું તને આજે કરું છું. તે, જેમ મમ્મી પપ્પા માટે લગ્ન નહોતા કર્યા એમ મેં પણ તારી ઉપરનાં પ્રેમની ખાતર લગ્ન નથી કર્યા. આજે પણ હું તને એટલોજ પ્રેમ કરું છું. તું મારો પ્રેમનો સ્વીકાર કરીશ ત્યાં સુધી હું તારી રાહ જોઈશ."

"રોહિત, હું તારી લાગણી ત્યારે પણ સમજતી હતી. આજે પણ સમજુ છું. પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે હું પરાધીન બની બોજ બની ગઈ છું" ....રીમા આગળ કઈ બોલે તે પહેલાં રોહિતે રીમાનાં હોઠ ઉપર આંગળી મૂકી કહ્યું, "આજે પણ તું મને સ્વીકાર્ય છે મેં તને દિલ ફાડીને પ્રેમ કર્યો છે. જો તને સ્વીકાર્ય હોય તો આપણે અહીંથી સીધા..મારા...આપણે ઘરે જઈએ."

રીમાએ રોહિતને બેડ પાસે બોલાવ્યો, બે હાથ લાંબા કરી રોહિતની પ્રેમભરી બાહોમાં સમાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance