પ્રેમમાં પડવાની મજા !
પ્રેમમાં પડવાની મજા !
પ્રેમ ! પ્રેમ શું છે કોને ખબર ? અને પ્રેમ શું છે એ સહુ કોઈને ખબર. આ બંને વાત સર્વાંશે સાચી છે. પ્રેમ નો સંપૂર્ણ પ્યાલો દરેક વ્યક્તિ એ કદાચ પીધો ન હોય પરંતુ એનો રસ બધાએ જ માણ્યો હશે એમ સહજતાથી કહી શકાય. પ્રેમ થવો, પ્રેમ કરવો અને પ્રેમ ને જાણવો અત્યંત સરળ હોવા છતાં સદીઓથી આપણે પ્રેમ વિષે થોડું ઔર સમજવા, જોવા અને વાંચવા માટે આતુર જ રહીયે છીએ.કોઈપણ ઉંમરે પ્રેમ વિષે ની દરેક વાત આપણને કેમ આકર્ષતી હશે ? પ્રેમગીત હોય કે પ્રેમ કહાની, પ્રેમમિલન હોય કે પ્રેમવિરહ, વાસ્તવિક હોય કે કાલ્પનિક, પ્રેમ સંબંધિત લાગણીઓ આપણને ચુંબક ની જેમ પોતાની તરફ ખેંચે છે. પ્રેમ વિષેની અગણિત વાતો, વાર્તાઓ, દ્રષ્ટાંતો અને કવિતાઓ હોવા છતાં પણ આ વિષય હંમેશા મનમોહક અને રસપ્રદ જ રહે છે. એનું કારણ છે કે પ્રેમ એક એવો અનન્ય અનુભવ છે જેને શબ્દોમાં ઢાળવાની કોશિશ કરી શકાય પરંતુ સંપૂર્ણપણે એનું વર્ણન નથી થઈ શકતું. પ્રેમ એક એવું રહસ્ય છે જેનું અનુમાન કરી શકાય પણ એનો હલ ન કરી શકાય. પ્રેમ એક એવી જીગ્સૉ પઝલ છે જેનું ચિત્ર સામે હોવા છતાં પણ એને ગોઠવવામાં આપણે હંમેશા ગોથા ખાઈએ છીએ. આ ગૂઢતા ને કારણેજ કદાચ આપણે પ્રેમ તરફ હરદમ મોહિત થઈએ છીએ.
પ્રેમ ના રંગ, રૂપ,આકાર અને સ્વાદ નો અનુપમ અહેસાસ દરેક મનુષ્ય માટે તદ્દન જુદા હોય છે. દુનિયાની કોઈપણ બે પ્રેમ કહાનીઓ ક્યારે પણ સમાન નથી હોતી. સ્નેહાળ, રમતિયાળ, નિર્દોષ અને નિઃસ્વાર્થ પ્રેમ થી લઈને ઓબ્સેસિવ,ઈરોટિક, રોમેન્ટિક અને મેચ્યોર લવ સુધી પ્રેમ નો વર્ણપટલ ખૂબ જ લાંબો છે.
બાળપણ નો નિર્દોષ પ્રેમ માત્ર એકબીજા નો સાથ ઈચ્છે છે. પ્રેમ ની વ્યાખ્યા શું છે એ જાણવાની જરૂરત પણ ત્યારે નથી હોતી, માત્ર સાથ મહત્વ નો હોય છે. એકબીજા ની આંગળી પકડી દોડવાની, એકબીજા ને પોતાની નાની નાની વસ્તુઓ ની ભેટ આપવાની, ભેટ ને સરસ સાચવવાની, રમવા માટે એકબીજા ની રાહ જોવાની અને પોતાની ફેવરેટ ચોકલૅટ શેર કરવાની અલૌકિક મજા આ પ્રેમ માં ભરપૂર હોય છે. બાળપણ માં આપણે પ્રેમ નું આગળ નું પગલું કયું હશે એ વિચારવા માટે સક્ષમ નથી હોતા અને એટલેજ પ્રેમ ની પ્રત્યેક પળને મન ભરીને જીવીયે છીએ.
યૌવન માં પ્રવેશતા ની સાથેજ પ્રેમ ના લાર્જ સ્પેક્ટ્રમ અને સપ્તરંગી રંગો નો એહસાસ આપણને થવા લાગે છે. પ્રેમ ના રંગ માં રંગાવવા માટે કોઈ તૈયારી ની જરૃર નથી હોતી કારણ કે એ અતિ સ્વાભાવિક છે. આપણી ઉંમર, ઉમંગ અને તરંગ પ્રેમ રંગોના આલિંગન માટે ઉત્સુક હોય છે. પ્રેમ માં મુક્ત મને પડવા ,એની આગ માં બળવા અને એની ઊંડાઈ માં ડૂબવા આપણે કુદરતી રીતે તૈયાર જ હોઈએ છીએ. દિલ અને દિમાગ ફાયર ટ્રાયંગલ ના ઓક્સિજન અને એટમોસ્ફિયર નું કામ કરે છે, જરૂર હોય છે તો બસ એક સ્પાર્ક ની ! એવો સ્પાર્ક જે ફાયર ઓફ લવ ને પ્રજ્જવલિત કરે. આ સ્પાર્ક ક્યાં શોધવો ? ના, એ શોધવાથી ક્યારેય મળતો નથી. પ્રેમ ક્યારેય શોધવાથી મળતો નથી અને પરાણે થતો નથી. પ્રેમ માં તો બસ પડી જવાય છે.
પાર્ટિકલ ફઝિક્સ ની દ્રષ્ટિ એ જોઈએ તો આપણે બધા જ અણુઓથી બનેલા છીએ. આ અણુઓ સતત એકબીજા સાથે ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ની આપ-લે કર્યા કરે છે. જયારે બે વ્યકિતઓ ની તરંગલંબાઈ રેસોનેટ થાય છે અથવા તો અનફોર્સ્ડ રેઝોનન્સ વડે તેમની વચ્ચે મહત્તમ ઉર્જા ની આપ-લે થાય છે ત્યારે એક પ્રબળ કુદરતી આકર્ષણ મારફત એકબીજા તરફ ખેંચાય છે. આ ઈન્ટેન્સ ફોર્સ પર કોઈનો કાબુ નથી રહેતો અને એટલેજ બે વ્યક્તિ પ્રેમ ના સાગર માં મુક્તપણે પડે છે. જયારે આપણે મૂકપણે પડીયે ત્યારે આપણે વેઈટલેસ ફીલ કરીએ છીએ અને એટલેજ દરેક વ્યક્તિ પ્રેમ ની રોલર કોસ્ટર રાઈડ માં ફ્રી ફોલ કરવા અતિ ઉત્સુક હોય છે.
પ્રેમ માં પડ્યા પછી નો સ્ટેજ ખૂબ જ શૌર્ય માંગી લે છે. એકબીજા ને કહેવું એટલું સહેલું નથી જેટલું પ્રેમ નું સ્વાભાવિક રીતે થઈ જવું. છોકરાઓ જન્મ થીજ છોકરીઓ કરતા થોડા ઈન્ફિરિયર હોય છે. એનું કારણ કદાચ કુદરતે છોકરીઓને આપેલી ખૂબસુરતી અને સર્જનાત્મક તાકાત હોય શકે. એટલેજ પોતાના પ્રેમ ને છોકરી સામે પ્રસ્તુત કરવામાં એ ડરે છે, ખચકાય છે અથવા તો રિજેકશન ના ભયે પ્રેમ ને દબાવી દે છે. I love you કહેવાની હિંમત ન દાખવીશકનાર ઘણા લોકો પાછળ થી પછતાય છે. પરંતુ પ્રેમ ની પૂર્વશરત જ રિજેકશન છે એ કેમ ભૂલી શકાય ? જે આગ પ્રેમ ને પરિપક્વ બનાવે છે એજ અગ્નિ પ્રેમ ને બાળી પણ શકે છે. પ્રેમ અને પેઈન એકબીજા સાથે અજોડ રીતે સંકળાયેલા છે.
જે વ્યક્તિ પ્રેમ ને વ્યક્ત કરે છે એ ખરેખર દૃઢનિશ્ચયી અને બળવાન છે. છોકરીઓએ પણ પોતાની નીડરતા દેખાડી પોતાનો પ્રેમ દર્શાવવો જોઈએ. જ્યાં હું અને તું ઓગળી 'આપણે' થઈ જઈએ એજ તો પ્રેમ છે, તું કહે કે હું કહું, શું ફર્ક છે ? પ્રેમ તો બંને નો છે. એકબીજા ને પામવાની ઈચ્છા બંને ની છે તો પછી કહેવામાં વાર શેની ?
જ્યાં અહમ નો અંત આવે ત્યાં જ પ્રેમ સ્વતંત્ર રીતે રહી શકે છે. જયારે પઝેશન કરતા એપ્રિશીયેશન વધારે માન્ય રાખે ત્યારે પ્રેમ પાંગળી શકે છે નહીંતર સંકોચાય જાય છે.
જે વ્યક્તિ પાસે દિલ ખોલી ને રડી શકાય અને આપણા રુદન નો વગર કારણે આરોપ પણ એના ઉપર ઢોળી શકાય એ વ્યક્તિ તમારા માટે છે એવું કહી શકાય. જ્યાં પોતાની નબળાઈઓ છુપાવવી ન પડે પણ એનેજ તાકાત માં બદલવાની સામી વ્યક્તિ ની કોશિશ હોય એ વ્યક્તિ તમારા માટે છે એમ કહી શકાય. તમારી ક્ષમતા પ્રમાણે તમને મહત્તમ સિદ્ધિઓ મળે એ માટે ના બનતા પ્રયાસ અને પ્રાર્થના કરે એ વ્યક્તિ તમારા માટે છે એમ કહી શકાય.જે વ્યક્તિ તમારા સ્વતંત્ર વ્યક્તિત્વ નો સ્વીકાર કરી શકે એ વ્યક્તિ તમારા માટે છે એમ કહી શકાય.
પ્રેમના પ્રયત્નો અને પરિણામો ને સ્વીકારવા માટે જયારે બંને વ્યક્તિઓ સજાગ અને તૈયાર હોય ત્યારે જ પ્રેમ સંબંધ માં પરિણમે છે. પ્રેમને કોઈ સંબંધમાં બાંધવો જરૂરી નથી, કોઈ પણ સંબંધ વગર પણ પ્રેમ તો રહી જ શકે છે. હાં, સમાજ એને સ્વીકારે એની શરત ન હોય તો. સમાજે તો ઘણા પ્રેમ ના ગળા દબાવી દીધા છે અને દબાવતુંજ રહેશે. માત્ર પ્રેમ સમાજ માં કયારેય સ્વીકાર્ય નહતો, એટલેજ રૂઢિગત સંબંધ માં ન બંધાય શકનાર ઘણા પ્રેમીઓ નો પ્રેમ અધૂરો રહી ગયો. મારા મતે પ્રેમ સમાજ નો ગુલામ ન હોવો જોઈએ, સમાજ ની બુનિયાદ પ્રેમ હોવી જોઈએ. સંબંધ છે એટલે પ્રેમ કરવો એ તો અડજ્સમેન્ટ કહેવાય, અને વ્યવસ્થા આપણા માટે પર્યાપ્ત જ હોય એ શક્ય નથી. પ્રેમ નું સ્થાન હંમેશા ઊંચું હોવું જોઈએ, કારણ કે પ્રેમ જ સનાતન છે, સત્ય છે અને જીવન નો મર્મ છે. પ્રેમ વગર નું બીજું બધુંજ સમાજ ના વ્યાપાર,વ્યવસ્થા અને નિયમો નો હિસ્સો છે.
પ્રેમનો એક જ નિયમ છે 'આઝાદી'. એકબીજા ને એકબીજા થકી મળતી સંપૂર્ણ આઝાદી.

