પ્રાર્થના થકી નાગરિક ધર્મ
પ્રાર્થના થકી નાગરિક ધર્મ
આજના બાળકો, આવતીકાલના નાગરિક, એમને નાગરિકધર્મ સરળ રીતે કેવી રીતે શીખવીશું ?
મારા હાઈ-સ્કૂલની કોઈ એક વાત જે મને ખૂબ ગમતી,એ હતી એની પ્રાર્થના પદ્ધતિ. મોટા સભાખંડમાં નીચે બેસીને હાથ જોડીને અઠવાડીયાના દરેક દિવસ માટે અલગ પ્રાર્થના થતી. પ્રાર્થના અને રાષ્ટ્રીય પ્રતિજ્ઞા બોલીને જ શાળાના જીવનની શરૂઆત થતી. વિશ્વના બધા દેશોમાં કદાચ પ્રાર્થના ફરજીયાત નથી પરંતુ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા ચોક્સપણે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. આપણે કોઈપણ જાતી, ધર્મ કે સંપ્રદાયના હોઈએ પરંતુ પહેલા આપણે 'દેશના નાગરિક' છીએ એ પ્રતીતિ અચૂક કરાવવામાં આવે છે અને કરાવવીજ જોઈએ.
પોલિટિકલ પાર્ટીઓ દેશને કેવી રીતે ચલાવે છે, આપણે વિપક્ષમાં રહેવું કે ભક્ત બનવું એ બધા વિષેની સમજ કે ગેરસમજ તો આપણને મોટા થઈએ પછી આવે છે. નાનપણમાં તો પ્રત્યેકને રાષ્ટ્ર પ્રત્યે આદર અને માન દાખવતા શીખવવામાં આવે છે, રાજકીય પક્ષ કોઈપણ હોય ! એક નાગરિક તરીકે આપણા કર્તવ્યો અને મૂલ્યો શું છે અને એમનું અનુશાશન કેવી રીતે કરવું એ બધું નાગરિક શાસ્ત્રમાં દરેકને શીખવાવમાં આવ્યુજ છે પરંતુ પાઠ્ય પુસ્તકોમાં જે આવે એ પરીક્ષાલક્ષી પ્રશ્નો ગોખી-લખી આપણે ભૂલી જઈએ છીએ. નાગરિકશાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતો ન્યૂટનના નિયમોની જેમ માત્ર સમજી અને સ્વીકારી નથી લેવાના, એ તો આચરણમાં પણ મુકવાના હોય છે. હ્દય પર હાથ મૂકી બોલેલી પ્રતિજ્ઞા શું આપણને ટેબલ નીચેથી હાથ લંબાવતા અટકાવી દે છે ?
ગીતાનો મહિમા જાણતા હોવા છતાં ગીતા હવે માત્ર સમ ખાવાં પુરતીજ રહી ગયી છે એવું કહેવાવાળા પણ આપણેજ છીએ. નાનપણમાં જે સારુ શીખીયે એ બધુજ મોટા થઈએ ત્યારે આચરણમાં નથી મુકાતું કારણ કે એવા ઘણાં પ્રસંગો બને છે જે આપણી શ્રદ્ધાને હચમચાવી મૂકે છે, એ મૂનુષ્ય પ્રત્યેની, કાયદાઓ પ્રત્યેની કે દેશ પ્રત્યેની પણ કેમ ન હોય. પરંતુ સમાજના દુષણોને કારણે પોતાના નૈતિક મૂલ્યોને ત્યજવા શું તે વાજબી છે ? જો કોઈ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ અખંડ રાખવાની વાત હોઈ તો એ 'સ્વયં' પરની હોવી જોઈએ. 'સ્વયં'ના મૂલ્યો અને સિદ્ધાંતોથી ડગવું નહિ એવી શિક્ષા આપણને સૌને મળી છે અને આપણાં છોકરાઓને પણ આપણે એ શીખવીએ છીએ. આપણા મૂલ્યો કે ચરિત્રનું નિર્માણ તત્ક્ષણ નથી થઇ જતું એ તો નાનપણથી ધીરે ધીરે ઘડાય છે. આપણા ચરિત્રના ઘડતરમાં માતા-પિતા, મિત્રો, શિક્ષકો, પુસ્તકો,અનુભવો અને અવલોકનો અગત્યનો ભાગ ભજવે છે. સ્વયંના ચરિત્ર, નૈતિકતા અને પ્રમાણભૂતતાની જવાબદારી આપણી જ છે. જયારે આપણે 'સ્વયં'ની જવાબદારી સર્વાંશે સ્વીકારીશું ત્યારે એક નાગરિક તરીકેનું ઉત્તરદાયિત્વ સરળતાથી નિભાવી શકીશું. આજે પુખ્તવયી થયા પછી જયારે હું વિચારું કે મારે મારા છોકરાને એક જવાબદાર નાગરિક બનાવવા માટે અમુક બોધ સરળ રીતે શીખવવા હોય તો કેવી રીતે શીખવું? આજનું બાળક/બાળકી આવતીકાલનો/ની નાગરિક જ છે ને? બાળક તરીકે શીખવાડવું શ્રેષ્ઠ છે કારણ કે છોડને વાળવું હોય તેમ વળે છે, ઘટાદાર વૃક્ષ બન્યા પછી ડાળીઓ વળે નહિ એ માત્ર તૂટે!
ઉપરના પ્રશ્નનો જવાબ ક્યાંક મારી સ્કૂલમાં થતી પ્રાર્થનામાં છુપાયેલો છે. સ્કૂલમાં ગવાતી વિભિન્ન પ્રાર્થનાઓમાં મંગળવાર અને શુક્રવારની પ્રાર્થના મારી પ્રિય હતી. 'મંગલ મંદિર ખોલો દયામય' અને 'વૈષ્ણવજન'. તાલબદ્ધ રીતે એકસાથે જયારે આ ભજન ગવાતા ત્યારે ખંડમાં એક અનેરી ઉર્જા પ્રસરી જતી અને સકારાત્મક ભાવનાઓની વર્ષા થતી હોય એવો અનુભવ થતો. ગાંધીજીનું પ્રિય ભજન એટલે 'વૈષ્ણવજન' માત્ર એજ એની ઓળખ નથી. હા, ગાંધીજીએ ભજનને લોકપ્રિય જરૂર બનાવ્યું પણ નરસિંહ મહેતાએ જે ભાવથી એ લખ્યું છે એ ભાવ અને શબ્દો માટે ગાંધીજી અને આપણે એમના ઋણી છીએ. ગાંધીજીના પક્ષમાં કે વિરુદ્ધમાં બોલવા જેટલા તો મેં હજી એમને સમજ્યા કે વાંચ્યા નથી.
સ્કૂલમાં જે ભણવામાં આવતું એના સિવાય એમના સત્યના પ્રયોગો પુસ્તક વાંચ્યું છે. મારુ માનવું છે કે દરેક વ્યક્તિનું આગવું વ્યક્તિત્વ હોય છે જેમાં અમુક સારા તો કોઈ નરસા મૂલ્યો, આદતો કે સિદ્ધાંતો હોય છે. સારા અને નરસા પાસા પણ 'સાપેક્ષતાના સિદ્ધાંત' માફક જોવાવાળાના વિચારો, સમય અને વૃત્તિને સંબંધિત હોય છે. ગાંધીજીનો સમગ્ર જીવનકાળ જોઈએ તો સમજાય કે એ હરહંમેશ આત્મસંયમ અને શિસ્ત લાવવાં તત્પર હતા. અહિંસા, સત્ય અને સાદગીના માર્ગ પર ચાલવું અઘરું છે એ સૌ જાણીયે છીએ અને સમાજમાં રહી એને અનુસરવું તો અત્યંત કઠિન છે. જો બુદ્ધ અને મહાવીરને ભગવાનનું બિરુદ આપીયે તો ગાંધીજીનું આદર અને સન્માન કરવુંજ જોઈએ, એમાં વિવાદ કરવો અર્થહીન છે. 'વૈષ્ણવજન'માં કહેલા મૂલ્યોજ ગાંધીજીના જીવનમૂલ્યો રહ્યાં છે અને એટલેજ બાપુ એ મૂલ્યોને દરેક ભારતીય સુધી પહોંચાડવા માંગતા હતા.
મારા મતે તો ગાંધીજી 'લાંબી રેસના ઘોડા' કે 'મેરાથોન રનર' જેવું એન્ડયોરન્સ અને સ્ટ્રેટેજી [ધૈર્ય, સહનશક્તિ અને યુદ્ધનીતિ] ધરાવતા અહિંસક દૂરદર્શી લીડર હતા. મારો પ્રશ્ન કે આજના જમાનામાં છોકરાઓને જવાબદાર નાગરિક તરીકેની ફરજ શીખવવી હોય તો શું કરવું એનો જવાબ મને 'જય વસાવડા'ના પુસ્તક 'જય શ્રી કૃષ્ણ'ના એક અંશે આપ્યો જેમાં વૈષ્ણવજનનો ઉલ્લેખ છે. અત્યાર સુધી હું એને માત્ર પ્રાર્થના સમજતી હતી પણ JVએ આ ભજનને તદ્દન અલગ દ્રષ્ટિકોણથી જોયું અને સમજ્યું છે. કૃષ્ણપ્રેમી નરસિંહ મહેતા એ લખેલું વૈષ્ણવજન '૨૧મી સદીનું નાગરિકશાસ્ત્ર' છે એવું એ કહે છે, સમજાવે છે અને ઉદાહરણ સાથે સાબિત પણ કરે છે. કૃષ્ણ પરના પુસ્તકમાં કૃષ્ણપ્રેમી કવિનું ભજન 'નાગરિકધર્મ' શીખવે છે એવો અનન્ય અભિગમ દાખવી સુંદર, સરળ અને સબળ શબ્દો થકી એમની વિચારધારા આકર્ષક રીતે રજૂ કરી છે. વૈષ્ણવજન માત્ર ભારતીય નાગરિક માટેજ નહિ પરંતુ એ તો 'ગ્લોબલ સિટીઝન ચાર્ટર' છે એવું એ કહે છે અને એમાં શંશયને કોઈજ સ્થાન નથી. માણસે ત્રણ બાબતે પોતાની જાત ઘડવાની છે, માણસ પોતાની જાત પ્રત્યે કેવો છે, બીજા માણસો પ્રત્યે કેવો છે અને માણસ સમસ્ત પ્રકૃતિ પ્રત્યે કેવો છે. આ ત્રણ વર્તનોના થ્રી ડાયમેંશનમાં માનવનો અસલી આકાર છુપાયેલો છે. વૈષ્ણવજન એટલે ન્યાય, નીતિ અને નિયમનો તિરંગો લહેરાવતો સાચો નાગરિક."-JV
[JSK આખું પુસ્તક જ એક નહિ વારંવાર વાંચી શકાય એવું છે પણ આ અંશ તો આહલાદક છે, જરૂર વાંચજો]
બીજું એક જૈન સ્તવન જે મને ગમે છે અને માણસ તરીકે અને નાગરિક તરીકેની ફરજ સમજાવે છે- 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું'. આ સ્તવનમાં વિશ્વના હિત વિષેની વાત છે, મંગલકામના છે. આપણને ઘણીવાર એવા અનુભવ થાય છે કે કોઈને સાચી સલાહ આપી હોય, માર્ગ ચીંધ્યો હોય છતાં આપણી અવગણના થઇ હોય, ત્યારે સમતા રાખવાનું કહી આપણાં મનને શાંત કરે છે. દરેક માનવી હૈયે ધર્મની[સ્વધર્મ] ભાવના સેવે અને વેર-ઝેર ત્યજી મંગલગીતો ગાય એવી પરમેશ્વરને પ્રાર્થના છે.
પ્રાર્થના થકી ઘણીખરી મૂંઝવણ અને અશાંતિ દૂર થઇ જાય છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થના એ આપણાં સંસ્કારોનો પાયો છે એમ કહેવાય છે. પ્રાર્થના એ ધાર્મિક ક્રિયા નથી એ આદ્યાત્મિક પ્રક્રિયા છે. પ્રાર્થના નાસ્તિક હોય કે આસ્તિક, હિન્દૂ હોય કે મુસ્લિમ, ગરીબ હોય કે તવંગર દરેક કરી શકે છે કારણ કે પ્રાર્થના થકી આત્મા સમીપ જઈ શકાય છે, પ્રાર્થના થકી શાંતિ પામી શકાય છે, પ્રાર્થના થકી સ્થિરતા પામી શકાય છે, પ્રાર્થના થકી 'સ્વયં'ને જાણી શકાય છે. માણસ જયારે સ્વયંને પારખી લે છે પછી દુન્યવી દુષણોની અસર ઓછી થઇ જાય છે. નાનપણમાં બાળકોને પ્રાર્થના, ધ્યાનનું મૂલ્ય સમજાવવું અતિ અગત્યનું છે કોઈ ભગવાન, અલ્લાહ, કે ગોડ માટે નહિ પરંતુ એના થકી 'વૈષ્ણવજન'માં કહેલા માનવ બનવા માટેના ધર્મ અને મૂલ્યો માટે. યુનિફોર્મ સિવિલ કોડ વિષે આજે ઘણી ચર્ચા ચાલે છે પણ જો દરેક નાગરિક 'સિવિક સેન્સ' 'સિવિક રેસ્પોન્સિબિલિટી' દાખવે તો આવા કોડની જરૂર રહે? નરસિંહ મહેતા જે કૃષ્ણના ભક્ત હતા એનાથી વિશેષ બીજું કોણ કૃષ્ણના સામાજિક જીવન પરથી આ દુનિયામાં, સમાજમાં રહેવાના સિવિલ કોડ કે સિવિલ એટ્ટીટ્યૂડ વિષે કહી શકે?
ગાંધીજી એ 'વૈષ્ણવજન' ને માત્ર ધાર્મિક ભજન તરીકે કે નિત્યકર્મ તરીકે પોતાના જીવનમાં સ્થાન નહતું આપ્યું. વૈષ્ણવજનનો અપાર મહિમા, એનું ઊંડું જ્ઞાન અને સમજ જો દરેક ભારતીય પોતાના જીવનમાં ઉતારે તો ભારતનો જરૂર ઉદ્ધાર થશે એમ એ માનતા હતા. આજે ગાંધી જયંતિ નિમિત્તે એમના ગુણગાન ન ગાયીયે પણ 'વૈષ્ણવજન' દરરોજ જરૂર ગાયીયે અને એના મૂલ્યો બને એટલા જીવનમાં ઉતારિયે. આત્મકલ્યાણ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે અને વિશ્વ કલ્યાણ માટે.
