STORYMIRROR

Mittal Chudgar Nanavati

Inspirational Others

3  

Mittal Chudgar Nanavati

Inspirational Others

આપણે કોણ છીએ ?

આપણે કોણ છીએ ?

7 mins
197

જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,

થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.

- વિવેક મનહર ટેલર

'યુ આર ગોડ્ઝ સ્પેશ્યલ ચાઈલ્ડ' ખરેખર ? આ દુનિયામાં સેંકડો બાળકો અનાથ છે, હજારો એવા જેમના માતા-પિતા એજ એમને ત્યજી દીધા છે તો ઘણાં એવા જે માત્ર કમાણીનું સાધન બની રહ્યાં છે [ભીખ માંગી કે મજૂરી કરી કમાતાં,અઢળક બાળકો ભૂખે મરે છે તો કેટકેટલાય જીવલેણ બિમારીઓથી પીડાય છે. આ વિશ્વવ્યાપી પરિસ્થિતિઓ કંઈ નવી નથી,હજારો વર્ષોથી ચાલતી આવે છે અને કોઈજ તેનાથી અજાણ નથી. છતાંપણ આપણે આપણા બાળકોને 'યુ આર સ્પેશ્યલ' કહીને ઉછેરીએ છીએ. જે બાળકો કે માણસો જીવનની હાડમારીઓ અને ઉપરોક્ત પરિસ્થિતિઓ સામે લડી રહ્યાં છે એમને મન આવા શબ્દોનો કોઈજ અર્થ નથી હોતો, એમને સહાય જોઈએ છે શબ્દો નહિ! બીજી બાજુ છીએ આપણે અને આપણાં બાળકો જે પોતાને ક્યાંક ને ક્યાંક એ 'સ્પેશ્યલ' છે એવું માને છે. આપણાં જન્મમાં એવું શું વિશેષ છે ? અસંતુલનના જે પાયા પર દુનિયાનું અસ્તિત્વ સ્થપાયું છે એમાં તુલનાત્મક રીતે સારી પરિસ્થિતિમાં આપણે જન્મ લીધો છે. એમાં 'સ્પેશ્યલ' આપણે નથી આપણી જોડે કાંઈક સ્પેશ્યલ થયું છે. પરંતુ આપણે એવી ગેરસમજ કે ભ્રમ પાળી લીધો છે કે 'હું કંઈક છું' ;હું કરું છું' કે 'માત્ર હુંજ કરું છું'. નાનપણથી જ આપણે એક 'આઈડેન્ટિટી' કે 'ઓળખ' સાથે મોટા થઈએ છીએ. નામ, જાત, ધર્મ, અને ભાષા થકી આપણું વર્ગીકરણ થઈ જાય છે. ડિગ્રી, ધંધો કે હોદ્દો એ આપણી સર્વોચ્ચ ઓળખ બની જાય છે. આપણે આ 'ઓળખના અહમ' સાથે જ જીવતા હોઈએ છીએ. 'વિવિધતામાં એકતા' એવું આપણને ભણાવવામાં જરૂર આવે છે પરંતુ જાત-ભાત,ધર્મ અને હોદ્દાએ આપણને ક્યારેય એક થવા દીધા ? અરે એક છીએ એવા વિચાર પણ કોઈ શુધ્ધા કરતું નથી. નાના હોઈએ ત્યારથી આપણાં પર આપણી આગવી ઓળખ ઊભી કરવાનું દબાણ હોય છે. કહેવા માટે બાળકોને 'સ્પેશ્યલ' કહીશું પણ ધકેલીશું એજ ઝુંડ કે સમુદાયમાં જ્યાં ખરેખર 'સ્પેશ્યલ' બનવા માટે યુદ્ધના ધોરણે લોકો મહેનત કરી રહ્યાં હોય. મોટિવેશન અને પર્સનાલિટીની મોટી વાતો અને કોન્ફિડન્સને [એક જાતનો અહમ] ઊંચા રાખવાના પુસ્તકોની આજે કોઈજ કમી નથી. કલાસીસ અને કોચિંગથી લઈને ટ્રેનિંગ અને સર્ટિફિકેશન સુધી બધેજ 'આઈડેન્ટિટી' ઊભી કરતા જ શીખવે છે. મને થાય કે કોઈ મોઢા પર સીધું કેમ નહિ કહી દેતું હોય- લુક, યુ આર નો વે 'સ્પેશ્યલ'. અબજો લોકો છે આ દુનિયામાં તમે પણ એમાંનાજ એક છો. તમારી લાક્ષણિકતાઓ કે પ્રતિભા અનુપમ હોય શકે પણ તમે 'વિશેષ' નથી. મહેનત કરવી એ તમારી ફરજ છે છતાં દુનિયામાં કોઈજ વાતની ગેરંટી હોતી નથી. જન્મ અને મૃત્યુની પણ નહિ તો સફળતાની તો ક્યાંથી હોય ? તો બસ પોતાનાથી બનતું કરી, જે પણ પરિણામ આવે એને સ્વીકારવું એજ આપણાં હાથમાં છે. કૃષ્ણ ફરી ફરીને એકજ વાતનું પુનરાવર્તન કરે છે 'કર્મ કરો...'. પણ આપણે એ માત્ર સાંભળ્યુંજ છે સમજ્યું નથી. એમણે જયારે અર્જુનને પોતાનું વિરાટ વિશ્વરૂપદર્શન કરાવી કહ્યું કે, બ્રહ્માંડમાં તું જ્યાં નજર કરીશ સર્વસ્વ હુંજ છું ત્યારે આપણને કૃષ્ણજ ઘમંડી લાગે...પણ એ અર્જુનને એક સાચા મિત્ર તરીકે અરીસો બતાવી કહે છે કે તું કોઈજ નથી...અને હું તો પહેલા પણ હતો અને આ શરીર નહીં રહે પછી પણ રહીશ...મારામાં, તારામાં કે આ અનંત,નિરાકાર,અક્ષર બ્રહ્માંડમાં કોઈજ ફેર નથી. 'તું છે કે તું કરે છે એનો અહમ ન રાખ'...પણ આપણો સ્વભાવજ ચર્ચાસ્પદ, વિવાદાસ્પદ અને શંકાસ્પદ છે. એટલે જન્મથીજ આપણે 'ઓળખ અને અહમ' ને પોસીસું અને 'યુ કેન ડૂ ઈટ' ના ઈન્જેકશન આપીશુ. પરંતુ જયારે નિષ્ફળ જઈએ, દુનિયા સમક્ષ પોતાની આગવી ઓળખ બનાવવામાં હારી જઈએ ત્યારે હતાશ થઈશું.વાય મી ? વાય નોટ મી ? જેવા અર્થહીન પ્રશ્નો કરીશું. અરે ભાઈ, જયારે આપણાં જન્મની સંભાવના ૦.૦૨ % [૫૦૦૦ માંથી ૧ સ્પર્મ ફર્ટિલાઈઝ થાય] છે તો જન્મ્યા પછી અબજો લોકોની સાપેક્ષે જયારે આપણાં જીવનનું મૂલ્યાંકન થાય ત્યારે કેટલી હોય ? આટલું સાદું ગણિત ન સમજી શકતો માણસ ઓળખના અભાવે રિબાય છે. ઓળખ અને હોદ્દાની એવી છાપ આપણા પર પડી જાય છે કે માણસ રીટાયર થયા પછી પણ એ ભૂલી નથી શકતો કે એ મેનેજર, મંત્રી, માલિક, સીઈઓ, કે કોઈ સ્ટાર હતો. એની ઓળખ ક્યારેય એનો પીછો નથી છોડતી. આપણે જયારે આપણી સૂક્ષ્મ ઓળખ માટેજ ચિંતિત હોઈએ ત્યારે અખિલ ભ્રહ્માંડ સાથેની એકરૂપતા વિશે કેવી રીતે વિચારી શકીયે ? હું કેમ નહિ અને હું જ કેમ ? મારે કેમ નહિ અને મારેજ કેમ ? જેવા ક્ષુલ્લક પશ્નોમાંજ આપણું જીવન વ્યતીત થઈ જાય છે. પરંતુ આ જીવનનો મહિમા પ્રશ્નોમાં નહિ 'ભવ્ય અનુભૂતિ' માં છે જેમાં 'ઓળખના અહમ'ને કોઈજ સ્થાન નથી.

જીવનમાં બહુ ઓછા એવા અનુભવ હોય છે જે આપણને આપણી 'ઓળખ' કે 'હું 'થી દૂર લઈ જાય છે. ના, નવલકથાની કોઈ કાલ્પનિક દુનિયા કે સિનેમાની કોઈ વાર્તા થકી રચાતી મનોહર વિચારસૃષ્ટિમાં નહિ પરંતુ એક એવા વાસ્તવિક વિશ્વમાં જે દેખાતું ન હોવા છતાં સનાતન છે, સત્ય છે. એ વિશ્વની ક્ષણભરની અનુભૂતિ પણ આપણને આ દેખીતું વિશ્વ ઈંદ્રજાળ છે એ સમજાવવાં માટે સમર્થ હોય છે. પણ શું આવા અનુભવ સામાન્ય માણસ માટે શક્ય છે ? માત્ર યોગીઓ અને તપસ્વીઓ ઉગ્ર તપસ્યા, ત્યાગ અને સાધના થકી આવી દિવ્ય અનુભૂતિ કરી શકે છે. વાત ખોટી નથી, સામાન્ય માણસ પોતાના મગજ અને એની ઉપજો [પૂર્વગ્રહો,ભેદભાવો, શાસન, શોષણ,ભય અને અહમ] ના જાળમાંજ એવો ફસાયેલો છે કે આ અનુભૂતિ કરવા માટે નથી એની પાસે સમય કે નથી ઉચિત જ્ઞાન. આંખ બંધ કરીને એક કલાક બેસી શકે એવા કેટલા લોકો હશે આજની દુનિયામાં ? શાસ્ત્રોના લખાણની કદાચ આપણને જાણ છે છતાં અહમ ઓગાળી આત્માની શુદ્ધિ માટેના મૂલ્યો અને ગુણો કેમ અપનાવી નથી શકતા ? કારણ કે, આજ નો મનુષ્ય બુદ્ધિવાળો છે પણ બૌદ્ધિક નથી. એ પ્રશ્નો કરવામાં માને છે, શંકા કરે છે, વિધિ-વિધાન સામે પડકાર કરે છે, વાતનું તથ્ય જાણવાનો આગ્રહ રાખે છે. એ માનવાં કરતા જાણવામાં વધુ રુચિ રાખે છે. એ વિશ્વાસ કરતા સંદેહ વધુ કરે છે. એ લોકોને ફોલૉ કરશે પણ જાગૃત થઈ 'સ્વ-અનુભવ' માટે કોઈજ પ્રયાસો નહિ કરે. આજનો સંદિગ્ધ મનુષ્ય એ સત્ય ભૂલી જાય છે કે 'અનુભવ' જ જીવનના ગૂઢ રહસ્યોનો જવાબ છે. પ્રશ્ન ઉપજવા કુદરતી છે પણ આ કુદરતે અનુભવ માટેના રસ્તાઓ પણ આપ્યાં છે. આપણે જો એ સ્વીકારવા તૈયાર ન હોઈએ તો આપણે અંધકાર માંજ રહીશું એ પણ એક સત્ય છે. 

જો હું એમ કહું કે આ વૈજ્ઞાનિક ઢબે પણ સાબિત થઈ રહ્યું છે તો ? આજનો બુદ્ધિમાન મનુષ્ય વિજ્ઞાનની સાબિતી સામે પ્રશ્ન નહિ કરે. હું બુદ્ધિમાન નથી એટલે બહુ પ્રશ્નો અને શંકાઓ નહતી છતાં 'આપણાં રહસ્યમય અસ્તિત્વ'ની ઘણીખરી વૈજ્ઞાનિક સમજ મને 'તાઓ ઓફ ફિઝિક્સ' પુસ્તકમાંથી મળી. આધુનિક ભૌતિકશાસ્ત્ર અને પૂર્વીય સંસ્કૃતિ [હિન્દૂ, બૌદ્ધ, તાઓ,ઝેન, ચાઈનીઝ] વચ્ચેની સામ્યતા આ પુસ્તકમાં ખૂબ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવવામાં આવી છે. 

-ક્વોન્ટમ થિયરી હોય કે ક્વોન્ટમ ઈલેક્ટ્રોડાયનામિક્સ એક વાતની સાબિતી એ મળી છે કે નાનામાં નાના કણો અથવા તરંગોનું વ્યક્તિગત કોઈજ સ્વરૂપ નથી. એનું અસ્તિત્વ બીજાની સાપેક્ષે જ સંભવ છે. 

-બ્રહ્માંડના બધાજ અણુઓ કે પેટાણુંઓ એક અવિભાજ્ય માળખાંનો જ એક ભાગ છે. એકબીજા સાથેની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ થકી જ એમનો સંબંધ છે. 'વ્યક્તિગત અસ્તિત્વ' શક્યજ નથી. 

-સંપૂર્ણ બ્રહ્માંડ એક જાળ છે જેમાં રહેલા અણુઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જો કોઈ એક નાના ભાગનું સ્વરૂપ જાણવું હોય તો એ અખંડ બ્રહ્માંડની સાપેક્ષે જ જાણી શકાય છે અને એ માટે પણ 'નિરીક્ષક' પર આધાર રાખવો પડે છે. 

-આ બ્રહ્માંડના તમામ સ્વરૂપો સતત બદલાતા રહે છે. અહીં નિશ્ચિત મૂળભૂત અસ્તિત્વ માટે કોઈજ જગ્યા નથી. 

જે શાસ્ત્રોમાં વર્ષો પહેલા કહેવાયું છે એની સાબિતી આજે વિજ્ઞાન પણ આપે છે. આવાં પુસ્તકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કુદરતના રહસ્યો આપણી સમક્ષ છતાં કરે ત્યારે આપણને આપણું અસ્તિત્વ નજીવું લાગે, અહમ ઓગાળી જાય છે અને ક્ષણભર માટે 'શૂન્યતા'ની પ્રતીતિ થાય. યોગીઓ જે ધ્યાનથી મેળવે છે એ વૈજ્ઞાનિકો પ્રયોગોથી મેળવાનો પ્રયાસ કરે છે. ધ્યેય બંનેનો સમાન જ છે. 

ચાઈનીઝમાં એક તહેવાર ઉજવાય છે- 'ડ્રેગન બોટ રેસ'. ૫૦૦મીટર થી લઈને ૨૫-કીલોમીટર સુધી બોટ રેસ થાય છે. દરેક ટીમમાં ૨૨ લોકો જેમાં ૨૦ પેડલર્સ, ૧ ડ્રમર અને ૧ સંચાલક હોય છે. બંને બાજુથી પેડલર્સ પોતાની મહત્તમ ઉર્જા વડે પાણી ઉલેચી બોટ ને આગળ તરફ વેગ આપે છે. એકપણ પેડલર જો ખોટી દિશામાં પેડલ ફેરવે તો બીજા બે જોડે અથડાય અને એ લોકો બીજા ૪ જોડે પરિણામે બોટની સ્પીડ ઘટી જાય છે. દરેક પેડલર બીજા સાથે સુમેળ રાખે એ અતિમહત્વનું હોય છે. આ રેસમાં કોઈ એક પેડલરનું મહત્વ નથી પણ કોઈપણ એક વગર ચાલે એવું પણ નથી. દરેકે પોતાની ઉર્જા પોતાના માટે નહીં પરંતુ બોટને ઝડપથી આગળ વધારવા માટે વાપરવાની છે. કોઈના 'વ્યક્તિગત અહમ'ને અહીં કોઈજ સ્થાન નથી. તમે બીજા માટે અને બીજા તમારા માટે કાર્યરત હોય છે.

બ્રહ્માંડમાં આપણું યોગદાન કંઈક આવુંજ છે. આપણાં એકલાથી કશુંજ શક્ય નથી અને આપણાં વગર પણ કશુંજ શક્ય નથી. આપણે બધાજ એકબીજા સાથે જોડાયેલા છીએ. 'એક વિશાળ બ્રહ્માંડ સાથેના આંતરસંબંધમાં'. આપણે બ્રહ્માંડમાં ચાલી રહેલી અઢળક ક્રિયાઓના સહભાગી છીએ. આપણું કર્મ આપણે કરવાનુંજ છે માત્ર અવલોકન માટે આપણી ચેતના નથી બની. એટલેજ કહેવાય છે 'કર્મની ગતિ' થી બધું બને છે. આપણે ક્યારેય પણ સંપૂર્ણ સ્વતંત્રતા નથી મેળવી શકવાનાં, જો કોઈ અનુભવ થઈ શકે એમ હોય તો એ માત્ર 'સંપૂર્ણતાનો' છે...આપણો દરેકે દરેક કણ વિશ્વનો જ એક ભાગ છે.ઓળખ મળે કે ન મળે, હોદ્દો મળે કે ન મળે આ સનાતન સત્ય કોઈજ બદલી નહીં શકે. આપણે સ્પેશ્યલ નથી પરંતુ કુદરતે આપેલ જીવન 'અમૂલ્ય' છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational