Mittal Chudgar Nanavati

Inspirational Others

3  

Mittal Chudgar Nanavati

Inspirational Others

થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા

થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા

6 mins
270


ઇટ્સ ઓકે સમ ટાઇમ્સ નોટ ટુ બી ઓકે.

હમણાં થોડા સમયથી મન નહોતું લાગતું, મૂડ ઑફ રહેતો હતો...સતત કાર્યરત હોવા છતાં કશુજ કરતી ન હોય એવું લાગ્યા કરે. ઘરમાં, છોકરા પાછળ, કામમાં સમય ક્યાં જતો રહે છે એની ખબર જ નથી પડતી. સ્વયં માટે સમય ન મળવાથી થોડી અકળામણ પણ થાય. ઘણું કરવું હોય પણ કશુંજ કરી ન શકાય. શરીર નિર્બન્ધ હોવા છતાં સમય અને જવાબદારીઓએ બળપૂર્વક બાંધી રાખી હોય એવું લાગે. વર્તમાન ગમે નહિ અને ભવિષ્ય નીરસ લાગે. નથી આ ડિપ્રેશન કે નથી એન્ક્ઝાઈટી, માત્ર મનોસ્થિતિ છે, જે સતત બદલાતી રહે છે. આવી નિસ્તેજ ક્ષણો બધાના જીવનમાં આવી શકે અને આવતી પણ હોય છે. સ્ત્રી હોય કે પુરુષ,યુવાન હોય કે ઉંમરલાયક, ઘરમાં, ઓફિસમાં, કે ધંધામાં, દરેકના જીવનમાં ડલ મોમેન્ટ્સ આવે છે. સ્ત્રીઓને મૂડસ્વિંગ્સ હોર્મોનલ ચેન્જીસને કારણે વધુ આવે છે પરંતુ પુરુષ અને વળી ટીનેજર્સના મનોભાવમાં પણ ક્યારેક અસ્થિરતા આવે છે. કોઈપણ મનુષ્ય ચોવીસ કલાક ૩૬૫ દિવસ હસતો, ગાતો અને મોજમાં નથી રહી શકતો. ઘણીવાર કોઈ કારણ વગર પણ આપણે મૂડલેસ ફીલ કરીયે છીએ. આવું થવું બહુ સ્વાભાવિક છે. જે સહજ નથી એ છે આ સ્થિતિનો 'સ્વીકાર'. અંદરથી ખુશ ન હોવા છતાં આજે માણસ પોતાના મિત્રો કે સ્વજનને દિલ ખોલીને એમ કહી નથી શકતો કે 'યાર, આજે મૂડ નથી' 'કંઈક ખૂટતું હોય એવું લાગે છે' 'મજા નથી આવતી ...કારણ કે સામેવાળો લાબું લેક્ચર જ આપશે એની આપણને ખાતરી હોય છે. શું કમી છે તારે ?ઈશ્વરનું આપેલું બધું તો છે તારી પાસે, કાઉન્ટ યોર બ્લેસિંગ્સ, બીજાના દુઃખની સાપેક્ષે તારું દુઃખ તો કંઈજ નથી, મોટિવેશનના વિડિઓઝ જોવાનું કે સેલ્ફ હેલ્પ બુક્સ વાંચવા કહેશે. બધું હોવા છતાં ઉદાસ હોવું એ એક ગુનો બની રહે છે. આપણો સમાજ અને આપણે અવાસ્તવિક રીતે સકારાત્મક અપેક્ષાઓ પર વળગી ગયા છીએ. હેપી, હેલ્ધી, બેસ્ટ, સ્માર્ટર, ફાસ્ટર, રિચર બનવા પાછળ આપણે દોટ મૂકી છે. બધાને કશુંક કરવું છે, પામવું છે...લાઇક્સ, કૉમેન્ટ્સ, ફોલોવર્સ, એક પછી એક ગોલ્સ પુરા કરવા માટે દરેક તત્પર છે. આ સ્થિતિમાં જે ધીરો પડે કે નીરસ થાય એને કોણ ગાંઠે, માત્ર સલાહ અને સૂચનો જ મળે. 

ઉંચા વિચાર,શેરો ને ફિલસૂફી જીવનની

કંઈ કેટલું દઈ ગઈ પળવારની ઉદાસી

-વિરલ દેસાઈ

આજકાલ ફીલિંગ એક્સાઈટેડ, હેપી, વન્ડરફૂલ, કે ક્રેઝી એજ ટ્રેન્ડિંગ છે. કોઈ 'ફીલિંગ લો' કેમ જાહેરમાં નથી કહી શકતા ?લોકો ખુશ દેખાવામાં એટલા બધા વ્યસ્ત છે કે ખુશીનો અનુભવ થાય એ પહેલા ફોટા અપલોડ થઇ જાય છે. ગાડી ચલાવવાનો આનંદ લઈએ એ પહેલા તો સ્ટેટ્સ 'એક્સાઈટેડ' થઇ જાય ભલેને પછી પેટ્રોલના ભાવથી ચિંતાતુર હોઈએ, ખાવાનું મોઢામાં જાય એ પહેલા સ્ટેટ્સમાં આવે,સાથે જીવન જીવવાનું ચાલુ થાય એ પહેલા સ્ટેટ્સ 'હૅપ્પીલી મેરીડ' થઇ જાય, પરણેલાને પૂછો મેરીડ થાવ પછી 'હેપી' જ રહેવાય છે ?ગેટિંગ ડિવોર્સડ એવું કોઈનું સ્ટેટ્સ કેમ અપડેટ નથી થતું ?કારણ કે એ વાસ્તવિકતાને કોઈએ સ્વીકારવી નથી. નિષ્ફળતાઓ વ્યક્તિ સફળ થાય પછી જ બહાર આવે છે. કોઈપણ વ્યક્તિ એનો માનસિક કે શારીરિક તણાવ જાહેરમાં રજૂ નથી કરતી માત્ર સિદ્ધિઓ અને સફળતાજ જાહેર જનતા માટે ખુલ્લા કરાય છે. 

એ બધું જે આનંદ આપે એ દેખાય અને શેર થાય માત્ર નથી થતું શેર એ છે 'આપણી લો ફીલિંગ્સ' 'આપણી નિષ્ફળતા' 'આપણા હાર્ટબ્રેક'. એ મનોભાવ પણ એટલોજ સહજ છે જેટલી બીજી બધી ભાવનાઓ. જાહેરમાં એ બધીજ વાતો, વસ્તુઓ અને ઉપચારો વહેંચવા લોકો તત્પર હોય છે જે આપણને દુઃખ, હતાશા, નિરાશાથી દૂર લઇ જાય. પરંતુ જેમ અંધકાર કે પડછાયાથી ભાગી નથી શકાતું એવીજ રીતે આવા હતોત્સાહી વિચારોથી હંમેશ માટે ભાગી નથી શકાતું. જેટલા આપણે એનાથી દૂર ભાગતા જઈએ એ એટલાજ આપણને વળગતા જાય છે, એને કહેવાય છે 'લો ઓફ રિવર્સ ઈફેક્ટ'. જે વસ્તુ, વ્યક્તિ, કે વિચારોથી આપણે ભાગીયે છીએ એજ આપણી સમક્ષ વારંવાર પ્રગટ થઇ અથડાય છે. કારણ કે મગજમાં એ ગૂંજ્યા કરે છે પણ આપણે એનો વિદ્રોહ કરીએ છીએ. જ્યાં સુધી આપણે આપણી અને આપણા નજીકના લોકોની મનોસ્થિતિને સમજીશુ નહિ ત્યાં સુધી એનો સ્વીકાર નહિ કરીયે અને જ્યાં સુધી સ્વીકાર નહીં કરીયે એ વિચારોથી કેવી રીતે બહાર આવવું એનું નિરાકરણ નહીં લાવી શકીયે. વ્યક્તિએ પહેલા પોતે એ સમજવું જરૂરી છે કે ક્યારેક નિરાશ થવું એકદમ સ્વાભાવિક છે, અલબત્ત એ કાયમી નહિ અલ્પ સમય માટે હોય તો. આપણા ઉપર પરમકૃપાળુના અનહદ આશીર્વાદ છે એ જાણતાં હોવા છતાં ઘણીવાર આપણી આગવી યાતનાઓ હોઈ શકે છે. કોઈ ચિંતા, સંબંધમાં તાણ, કશુંક નહિ કરવાનો અફસોસ, કોઈ ભય, એવા કારણો જેને આપણે વિચારો માંથી મોટાભાગે ભગાવી દેતા હોઈએ પરંતુ એના પ્રકોપ હેઠળ ક્યારેક આપણું મન દબાય પણ જાય, બની શકે. સૂર્યપ્રકાશ હોય ત્યારે પણ વરસાદ આવી શકે છે, વાદળો ન હોય, ઋતુ ન હોય તો પણ કમોસમી વરસાદ પાક બગાડી નથી જતો? કુદરત, જીવન, શરીર અને મન કોઈ નિશ્ચિત દર પર જ નથી ચાલતા, આકસ્મિક કે ચમત્કારિક બનાવો હંમેશા બનતા રહે છે. આપણા મન અને મગજ ઉપર પણ અમુક પરિબળો અસર કરે છે જેના કારણે આપણા મૂડ, ઊર્જા અને કાર્યક્ષમતા અસરગ્રસ્ત થાય છે. ખરાબ અનુભવો, દુઃખદ સ્મૃતિ, જિનેટિક્સ, માનસિક આઘાત, ઊંઘનો અભાવ, ખરાબ સપના એવું ઘણું બધું જે આપણા કાબૂમાં ન હોવાથી આપણી માનસિક સ્થિતિને અસર કરે છે. એનો અર્થ એવો નથી કે આપણે માનસિક રીતે નબળા છીએ. જમીન ફળદ્રુપ હોય પણ જો આબોહવા વિષમ હોય તો ફળ કે પાક નથી જ ઉપજતા. આપણા માનસ પર પણ આસપાસની પરિસ્થિતિઓ,આપણી ખામીઓ અને લોકોની અસર થાય જ છે, હા, ન થવા દેવી જોઈએ પણ હંમેશા એમાં કોઈ સફળ થઇ શક્યું છે ?કહેવાનો અર્થ એ છે કે આપણે યાતના અનુભવીએ છીએ એ સ્વીકારવામાં કોઈ શરમ ન રાખવી. એક વાર સ્વીકારીએ એટલે એ ડલ મૂડ માંથી બહાર આવવાનાં,ફરી ઉમંગી બનવાના ઉપાયો પર કામ શરુ કરી શકીયે. માનસિક સ્થિતિ એવી છે જે દેખીતી નથી એટલે એને સમજવી અને સમજાવવી મુશ્કેલ છે. એવો એકપણ મનુષ્ય આ સંસારમાં નથી જેને મગજ અને મને પોતાના ચક્રવ્યૂહમાં ન ફસાવ્યાં હોય, પરંતુ આપણે અર્જુનની જેમ એને ભેદી બહાર પણ નીકળવાનું છે. અભિમન્યુ ચક્રવ્યૂહનું ભેદન ન કરી શક્યો તેથી તેનો વધ થયો. આપણે એ ભૂલ નથી કરવાની.

એકવાર એક યોદ્ધાએ એના ગુરુને પ્રશ્ન પૂછ્યો, સૌથી શ્રેષ્ઠ યોદ્ધા કોણ છે ? ગુરુએ કહ્યું, આ આશ્રમની પાછળ એક મોટું મેદાન છે અને એમાં એક મોટો પથ્થર છે, તું ત્યાં જજે અને એ પથ્થરને ગાળો આપજે. પણ કેમ ? પથ્થરને ગાળો આપી શું ફાયદો, એ કોઈ પ્રતિભાવ ન આપે. ગુરુએ કહ્યું, બરાબર, તો પછી તું તારી તલવારથી એના પર વાર કરજે. હું એ પણ નહિ કરું કારણ કે મારી તલવાર તૂટી જશે અને હું મારા હાથ વડે પણ એના પર હુમલો નહિ કરું નહીંતર મારા હાથ તૂટી જશે.પણ આ મારા પ્રશ્નનો જવાબ નથી. મારો પ્રશ્ન છે કે સૌથી શ્રેષ્ઠ યોદ્ધા કોણ છે ? ત્યારે ગુરુએ જવાબ આપ્યો,'શ્રેષ્ઠ યોદ્ધા એ છે જે આ પથ્થર જેવો છે, મ્યાનમાંથી તલવાર કાઢ્યા વગર જે દર્શાવી શકે કે એની સામે જીતવું અઘરું નથી અશક્ય છે.' 

આપણે બધાજ આપણાં જીવનના યોદ્ધા છીએ પથ્થર નહીં. ઈશ્વરને પથ્થરમાં એટલેજ પુજાતો હશે કારણ કે એ સર્વશ્રેષ્ઠ છે, એના પર કોઈજ અસર થતી નથી તૂટે તો પણ એ તો પથ્થર જ રહે...આપણે ભેદ્ય છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે ઘવાયીએ છીએ, દુઃખી થઈએ છીએ, હેરાન થઈએ છીએ. લોકોથી, સંજોગોથી, પરિસ્થિતિઓથી, હારથી, ખરાબ વિચારોથી. પરંતુ જો આપણે માનસિક રીતે ૫૦ ટકા પણ પથ્થર જેવા મજબૂત બનીયે તો જીવન ઘણું સહેલું બની રહે. આ જીવન કોઈ કલાકની રમત થોડી છે જેમાં સતત ભાગ્યાં જ કરવાનું ?કોઈવાર થાક પણ લાગે,આગળ ચાલવાનું મન ન પણ થાય, વિસામો ખાવો પડે...પછી જયારે સ્ફૂર્તિ આવે, રિચાર્જ થઈએ ત્યારે પાછી સફર ચાલુ કરવાની... પરંતુ આજે એટલો સમય કોની પાસે છે જે તમારી સાથે વિસામો ખાય ?તમારા માટે પોતાની ઝડપ ઓછી કરી સાથે ચાલે ?થોડા સમય માટે કશુંજ ન કરવાની તમારી ઈચ્છાને સમજે, માત્ર એટલું કહે 'ટેક યોર ટાઈમ'...'આઈ વિલ વેઇટ'...આજના જમાનામાં બહુ અઘરું છે કોઈ એવું મળવું જે તમારી ઝડપે સંગાથે ચાલે...જો કોઈ એવું મળે તો વધાવી લેવાનું પણ જો ન મળે તો 'સ્વયં માટે ઊભાં થઈએ' 'સ્વયંને સમય આપીયે' ...આપણાં આ અમૂલ્ય જીવનની સફર આપણે જાતેજ ખેડવાની છે અને ખેડીશુંજ પરંતુ પોતાની આગવી ગતિ અને પ્રતિભા થકી.

આપણી કોઈ અંગત વ્યક્તિ આવી મનોવ્યથા અનુભવતી હોય તો તેને કહેવાનું ભુલીયે નહિ 'ટેક યોર ટાઈમ'...'આઈ વિલ વેઇટ'... આ નિસ્તેજ ક્ષણો પણ આરામથી પસાર થઈ જશે. વિચારો અને જીવન પાછું રંગબેરંગી અને ઉજ્જવળ બની જશે.

થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,

આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.

જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;

એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.

– કિરીટ ગોસ્વામી 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational