પૃથ્વીલોક' સંસારલોક' મૃત્યુલોક
પૃથ્વીલોક' સંસારલોક' મૃત્યુલોક
'આ સંસાર અસાર છે' મારા બાપુ(દાદા) આવી માળા ગણતાં. ત્યારે મને સમજાતું નહતું કેમ આવાં સુંદર સંસારને અસાર કહેવાય છે. મોટી થતી ગઈ તેમ સમજાતું ગયું કે આ સંસારમાં રહેલું બધું મિથ્યા જ તો છે વળી. શરીર અને શ્વાસ બધુંજ તો ઊછીનું છે. આધિ, વ્યાધિ, ઉપાધિ અને વેદના ના ચક્રવ્યૂહમાં બધાંજ સપડાયેલા છીએ છતાં મોહ અને માયાથી અનાસક્ત નથી રહી શકતા. પોતાનો ફાયદો જોવામાં દરેક વ્યક્તિ વ્યસ્ત છે. દેશનું રાજકારણ હોય કે પછી કોઈ સંસ્થા, કોર્પેરેશન કે ઘર, નજર બધાંની પૈસા, ખુરશી અને પાવર પર જ ટંકાયેલી હોય છે. અલ્પકાલિન હોવા છતાં બધા જીવનને ચિરસ્થાયી માનીનેજ ચાલે છે. જાણતાં હોવા છતાં એ માનવાં કોઈ તૈયાર નથી કે જીવનના બેજ છેડા છે- જન્મ અને મૃત્યુ. અંતે બધાએ જવાનું છે મૃત્યુના શરણે જ. અને એટલેજ આ સંસારલોક ને 'મૃત્યુલોક' કહેવાય છે. મૃત્યુની વાત કરવામાં બધાને ખચકાટ થાય છે, ભય લાગે છે. મૃત્યુ કરતા એનો ડર વ્યાપક હોય છે. એટલેજ આટલી ઈન્શ્યોરન્સ કંપનીઓ કમાય છે અને ધોમ ચાલે છે -ડર વેચીને. જીવવામાં જેટલું જોમ નથી હોતું એનાથી વધુ મરવાના ડર હેઠળ દબાયેલા હોઈએ છીએ આપણે. જીવનના કોઈપણ નાના-મોટા ગોલ એચિવ કરી મંજિલ પર પહોંચીએ ત્યારે આપણે એની ઉજવણી, સેલિબ્રેશન કરીએ છીએ. પરંતુ જયારે જીવનનો અંતિમ ગોલ પૂરો થવાની અણીએ હોય અને ડેસ્ટિનેશન આવવાનું હોય ત્યારે કેમ ભય લાગે છે ? આવકાર તો નથી આપી શક્તાં ઉલ્ટા એનાથી દૂર ભાગીયે છીએ, અને એટલેજ એનો સતત ભય સતાવે છે. મૃત્યુ એ એક ઘોર અંધકાર સમું, ઊંડી ખીણ જેવું લાગે છે. એની નજીક આપણે દરેક પળ જઈ રહ્યાં છીએ પણ જવું નથી. એટલે મૃત્યુ પછી કમેમરેટ સેરેમની થાય પણ માણસની હયાતીમાં એનું સેલિબ્રેશન ન થાય. મૃત્યુનું તો કાંઈ સેલિબ્રેશન હોય ?
કોલેજમાં હતી ત્યારે વઢવાણ ગામનાં એક દાદીએ સંથારો કર્યો હતો. એમના દર્શન કરવા અમે બધા મિત્રો ગયા હતા. હું જૈન એટલે બધા સ્વાભાવિક પ્રશ્નો પૂછતાં કે સંથારો એટલે શું ? કેમ કરે સંથારો ? મારી થોડીઘણી જાણકારી અનુસાર જયારે આપણે બધીજ મોહ-માયા છોડવાને સમર્થ થઈએ, ખાવા-પીવાનું પણ છોડી દેવા મક્કમ હોઈએ અને બસ ઈશ્વરના શરણે જવા રાજીખુશી તૈયાર હોઈએ ત્યારે આવી ભાવના જાગે છે. ત્યારે આપણે મૃત્યુને આવકારીએ છીએ. જીવનની અંતિમ કસોટીમાં પાર ઉતારવા માટે ત્યાગ,જપઃ,અને તપ કરીએ છીએ. મારા બા ની ભાષામાં કહું તો 'સારા કર્મોનો ઉદય થાય ત્યારે આવી ભાવના જાગે'. આ દાદી ત્યાગ અને તપસ્યાના એ પડાવ પર પહોંચી ગયા હતા, પણ હજી કસોટી તો બાકીજ હતી. લગબાગ ૬૮ વર્ષ એમની ઉંમર હશે અને ૩૪ દિવસ થયા હતા અન્ન-પાણી વગર, છતાં ચેહરા પર તેજ છલકતું હતું. બધાં મહાસતીજી એમની સેવામાં, મહિલાઓ આખો દિવસ સ્તવન કરાવે અને ઘરમાં એવું દિવ્ય વાતાવરણ કે ત્યાંથી જવાનું મન ન થાય. લોકો લાંબી કતારમાં ઊભાં રહીને એમના દર્શન કરવા આવતા. થોડા સમય પછી મને પાછું જાણવાની ઈચ્છા થઈ કે દાદી કેમ હશે ? ૬૧ દિવસ થયા હતા છતાં એ દાદીની પરીક્ષા હજી ચાલુજ હતી. હું પાછી દર્શન કરવા ગઈ હતી, એવુંજ દિવ્ય વાતાવરણ પણ હવે દાદી ઊભાં નહતા થઈ શકતા, લાગી રહ્યું હતું કે હવે એમની કસોટી પુરી થશે. ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હવે એમની કસોટી પુરી કરો. અને જયારે થોડા દિવસ પછી એ કાળધર્મ પામ્યાં ત્યારે એક ઉત્સવનો માહોલ સર્જાયો. દાદીની જયજયકાર,કંકુ/વાસ્કેપનો છંટકાવ, જમણવાર અને લ્હાણીઓ. 'દાદી દેવલોક પામ્યાં' એવું મનાય છે કે સંથારો કરી દેવલોકને પામીયે. ન કોઈ શોક કે ન કોઈ રોકકકળ, ત્યારે મને સમજાયું કે મૃત્યુનો માત્ર ખોફ ન હોય મહોત્સવ પણ હોય.
આ કરવું સહેલું નથી હું જાણું છું, આપણા જેવા સામાન્ય માણસ માટે લગભગ અશક્ય જેવુંજ છે. પણ મૃત્યુનો ડર કે ખોફ રાખવો એ પણ બિનજરૂરી જ છે. જીવવાં માટે બધાજ પ્રયાસ કરવાનાં, બને એટલું હકારાત્મકતા અને ઝિંદાદિલીથી જીવવું પણ એક દિવસ મોતના શરણે જવાનું છે એ ધ્યાનમાં જરૂર રાખવું જોઈએ. આપણે થીઅરી ઓફ રિલેટીવિટી ન સમજતા હોઈએ તો કોઈ વાંધો નહિ પણ જો એટલું સમજીયે કે મૃત્યુ છે તો જીવનનું મહત્વ છે તો પણ ઘણું. પહાડો સામે બધાને જોવું ગમે, એને ચઢવામાં એડવેન્ચર લાગે, પણ ખીણ વગર પહાડ કેમ ઉદ્ભવે ? અંધકાર વગર અજવાળાનો સો મહિમા, દુઃખ વગર સુખ સમજાય ?
આ જીવન એક દેન છે, ભેટ છે. કોઈએ આપેલું છે અને એ પણ એક્સપાયરી ડેટ સાથે. વળી, ૭૦ વર્ષ પછીનો તો દરેક દિવસ બોનસ જ છે. ભારતનો 'લાઈફ એક્સપેક્ટનસિ રેટ ૭૦' છે. છતાં પણ કોઈપણ ૭૦ ઉપરનાં વૃદ્ધ વ્યક્તિનું નિધન થાય તો લોકો દુઃખદ અવસાન કરી લાંબી લાંબી પોસ્ટ મૂકે. આજકાલ એફબી એક અવસાન નોંધ અને યુલોજીનું માધ્યમ બની રહ્યું છે. ૭૦ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ જાય તો તમારી ખોટ અનુભવાશે, અમને એકલા છોડતાં ગયા, અમારા ઉપરથી હાથ ઊઠી ગયા, આવું ગમગીન વાતાવરણ શું કામ ? કોઈ સાહિત્યકારની કૃતિઓ વાંચશે નહિ પણ એમના માટે લાંબી લચક પોસ્ટ લખશે, અરે ! ખોટ નથી કરતા ગયાં ઘણું મૂકતા ગયા છે, વાંચવું હોય તો ! જે મોટી ઉંમરની વ્યક્તિ રિબાઈ નથી, કોઈની સેવાચાકરી કરાવી નથી, પરવશ નથી થઈ, અને સૌંયો ભોંકાવ્યા વગર હરિશરણ પામી છે એમના માટે આપણે સંતોષ કેમ ન અનુભવીએ ? કેમ એમ ન કહી શકીયે કે સારું જીવન જીવ્યાં,અમને ઘણું શીખવતાં ગયાં, આજે એ અહીં નથી રહ્યાં પણ એમનો આશીર્વાદ હંમેશા રહેશે. અવસાન દુઃખદ જ કેમ ? એ પણ વરિષ્ઠ વ્યક્તિનું ? એનું કારણ છે કે આપણને દયામણા, બિચારા, લાંબી બીમારીથી પીડાઈ મરતાં લોકો જોવાની આદત છે. માત્ર હાડકા ઉપર ચામડી ચોંટાડી હોય એમ જીવતા લોકો માટે એમના છૂટવાની પ્રાર્થના કરવાની આપણને આદત છે. મારા બા અને નાનીના છેલ્લા વર્ષો મેં એવા જોયા છે કે પ્રાર્થના કરતા પણ રડી પડીયે કે, હૈ ભગવાન, હવે આમને લઈ લ્યો ! એમની સરખામણીમાં તો મને આ કોરોનામાં જતા વૃદ્ધ વ્યક્તિઓનું મૃત્યુ સંતોષકારક લાગે છે. હા, દુઃખ તો થવાનુંજ છે,એ સ્વાભાવિક છે. પણ અંદરખાને આપણે પણ જાણીયે છીએ કે ઉંમરલાયક થવું અને ઉંમરની બીમારીઓ સહન કરવી સહેલી નથી.આ કોરોનાને ગમે તેટલી ગાળો આપીયે પણ એ રિબાવતો નથી, જલ્દી ફેંસલો આપે છે. એનો અર્થ એ નથી કે ૭૦ ઉપરના એ જીવવાની આશ છોડી દેવી જોઈએ. અરે, પૂરતી લડત કરવાની જીવવા માટે. બનતા બધાંજ ઉપાયો અને પ્રયાસો પણ કરવાનાં. પણ છેલ્લે ઘરવાળાઓ ને સમજાવતાં જવાનું કે લોકો ને સાહસ આપે, આમ દુઃખદ અવસાન કરીને ડરાવે નહિ. કેટલા નાની ઉંમરના લોકો માત્ર આંકડા જોઈને, ડરીને, હિંમત હારી જાય છે. યુવાનો, બાળકો, પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ ને આજે સારવાર કરતા ધૈર્ય અને નિર્ભયતાની વધારે જરૂર છે. મૃત્યુથી ભાગવાનું નથી, ડરવાનું પણ નથી, બસ પુરા જોશથી એની સામે અડીખમ ઊભાં રહેવાનું છે, આવકાર નથી કરવાનો પણ એનો અસ્વીકાર પણ નથીજ કરવાનો. એક વાર વ્યક્તિ ચાલી ગઈ પછી એની પાછળ દુઃખમાં બધી એનર્જી કાઢવા કરતાં એમના માટે મેડિટેશન કેમ ન કરીયે ? ધ્યાન ધરીયે, શાંતિ સ્થાપીએ અને અવસાનને દુઃખદ નહિ પણ સંતોષકારક બનાવીયે. RIP અને લાંબા દુઃખડા ગાવાં કરતાં ખરેખર એમના માટે પીસફુલ વાતાવરણ સર્જીએ. એ ત્યારેજ થાય જયારે આપણે શોક ન કરતાં શાંતિપ્રિય થઈ એમને પ્રેમથી યાદ કરીએ. બીજાઓ માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ બનીયે.
નાના ઉંમરના યુવાનો અને બાળકોના મૃત્યુની ઘટના રુંવાડા ઊભાં કરી દે છે, માત્ર કોરોનાથી નહિ અનેક રીતે લોકો જિંદગી ગુમાવે જ છે. રેલવે અકસિડેન્ટ, રોડ અકસ્માત, પ્લેન ક્રેશ, જેવી ઓચિંતી બનતી ઘટનાઓ તો ક્યારેક આપઘાત, લાંબી બીમારીઓ અને કુદરતી આફતો. આ મૃત્યુલોકમાં બધું થવાનુંજ છે. આપણે એને ઘટાડી જરૂર શકીયે મિટાવી ન શકીયે. કોઈ ને કોઈ નિમિત્ત તો બનવાનુંજ છે. જિંદગી અને આપણું અસ્તિત્વ એક સત્ય છે એમ મૃત્યુ પણ એક સત્ય જ છે. જયારે આ સત્યને સ્વિકારીશું ત્યારે દરેક નજીવી બાબતને લઈને દુઃખી નહિ થઈએ. જીવનને સંપૂર્ણતાથી જોઈ શકીશું અને સત-ચિત્ત-આનંદથી આ જિંદગીને વ્યતીત કરીશું.
મોત ને હરાવવાની નથી એમાંથી આપણે છૂટી નીકળવાનું છે, મોત શાશ્વત છે એને હરાવી ન શકાય, અંતરથી જાગૃત થઈએ ત્યારે સ્વીકારી શકાય. એને સ્વીકારવાની પણ એક ઉંમર,સમજણ, જ્ઞાન,ભાવના અને મનોવૃત્તિ હોય છે. જિંદગી જીવવાની સાથે આ ભાવનાને કેળવવી પણ એટલીજ જરૂરી છે એવું હવે મને સમજાય છે.
દરેક દિવસનો ઉત્તમોત્તમ ઉપયોગ કરી, પોતાના આંતરિક વિકાસ માટે અને બીજા માટે બને એટલું કરી છૂટવા માટે આ જીવન છે.
રિલેટીવિટી થીઅરી પ્રમાણે આપણે બધાં એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા જ છીએ. આપણે જેવા વાયબ્રેશન બ્રહ્માંડમાં છોડીયે છીએ એવુંજ વિશ્વ આપણી આસપાસ રચાય છે. આપણે એક પેઢીને ઉછેરવાની છે અને નવી પેઢીને આવકારવાની છે. આપણે બધાં સાથે મળીને કેમ સારી એનર્જી, વાયબ્રેશન અને એક પોઝિટિવ ઔરા સર્જી ન શકીયે ? કુદરત એની કરામત કરશેજ અને સદીઓથી કરતીજ આવી છે. આપણે આપણી સહનશક્તિ અને સર્જનાત્મકતા વડે એની સાથે વહેવાનું છે, એનાથી વિરુદ્ધ નહિ. ડર થી નહિ, નીડર બનીને !
