કંઈક જુદું કરવું છે, અનેરું, હટકે..! પણ શું ?
કંઈક જુદું કરવું છે, અનેરું, હટકે..! પણ શું ?
કંઈક જુદું કરવું છે, અનેરું, હટ કે..!
દરેક વ્યક્તિને જીવનમાં એવું કોઈ કાર્ય કરવાની અભિલાષા હોય છે જે નોંધવાજોગ હોય,અલગ હોય, 'હટ કે' હોય. આવી ઈચ્છા થવી પણ સ્વાભાવિક છે. સામાન્ય કામ કે રાબેતા મુજબના કામથી આગળ વધી કોઈ અનોખું કામ કરવા સૌ આતુર હોય છે, ખાસ કરીને યુવાનો. કમાવવાં માટે ધંધો કરવાનો હોય કે કેરિયર નિશ્ચિત કરવાનું હોય, બધાને કાંઈક જુદું કરવું હોય છે- 'કંઈક હટ કે' પણ શું ?આ પ્રશ્નનો જવાબ શોધવામાં મારા જેવા ઘણાં લોકોનું સંપૂર્ણ જીવન નીકળી જાય છે છતાં શું હટકે કરવું એનો હલ નથી મળતો. એનું કારણ છે કે, આ પ્રશ્ન 'મૂળ' નથી 'અંત' છે. કોઈપણ કાર્ય કે એનાથી મળતી સિદ્ધિ 'બેનમૂન' કે 'અભૂતપૂર્વ' બને છે, શરૂઆતથી હોતી નથી, એ એક પરિણામ છે. સાધારણ લાગતી કોઈપણ ક્રિયામાં અસાધારણ હેતુ, તપ અને બલિદાનો હોમવામાં આવે ત્યારે મળતું અતુલ્ય પરિણામ. કાર્ય હંમેશા સામાન્ય હોય છે પણ એનું પરિણામ 'હટકે' હોય શકે છે. વાત એવી છે કે આપણને વિના ભોગ આપ્યે જ પ્રસાદ મેળવવાની લાલસા હોય છે. સામાન્ય શરૂઆત કરતાં પહેલાજ એને બેનમૂન બનાવવાની આશા. પણ શરૂઆત તો દરેકની સામાન્ય જ હોય છે. દોડવા, ગાવાં, રાંધવા જેવા સાધારણ કાર્યોને યુસૈન બોલ્ટ, એ આર રહેમાન અને તરલા દલાલે સતત મહેનત, ધૈર્ય અને ખંતથી અનન્ય બનાવ્યાં છે. નીરજ ચોપરાએ બરછી ફેંકને આજે સુપ્રસિદ્ધ કરી દીધી, શું આપણે શરૂઆતથી એને કે આ રમતને જાણતાં હતાં ?
હું વ્હેલો ઊઠું છું અને મોડે સુધી જાગું છું, દિવસ પછી દિવસ અને વર્ષ પછી વર્ષ ....મને રાતોરાત સફળ થતાં 17 વર્ષ અને 114 દિવસો લાગ્યાં...-લાયોનેલ મેસ્સી -ફૂટબોલર
નીરજની પુષ્કળ મહેનત આજે રંગ લાવી છે એટલે એ રાતોરાત વિશ્વવિખ્યાત બન્યો હોય એવું લાગે, એવું છે નહીં. પરંતુ એવા પણ ઘણાં લોકો હોય છે જે પડદા પાછળ અવિરતપણે પ્રયાસો કરે છે પણ કમનસીબે પડદો સમાજ સામે ક્યારેય ઊઠતો નથી એટલે એ જાણીતા નથી. આવી પરિસ્થિતિમાં પ્રશ્નએ ઉદ્ભવે કે કશું નવું કરવાનું જોમ અને કરી રહેલા સામાન્ય કાર્ય પર ટકી રહેવાની હિંમત ક્યાંથી લાવવી ?
પહેલી વાત એ કે કોઈપણ સફળતા ક્ષણભર માટે હોય છે, હરહંમેશ ટકતી નથી. મેચ પત્યાં પછી, હાઈએસ્ટ પ્રોડક્શન ટાર્ગેટ હાંસિલ કર્યા પછી, પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં પછી હંમેશા આગામી પગલાં વિશે જ વિચારવાનું હોય છે. નેક્સ્ટ સ્ટેપ, નેક્સ્ટ ગેમ, નેક્સ્ટ ડીલ ઉપર ફોકસ કરી જયારે કામે વળગીયે ત્યારે એ કામ રૂટિન જ થઈ જાય છે, હાં, આપણાં ટાર્ગેટ બદલાતાં જાય છે. સિદ્ધિ કે નોંધણી એક વર્ષે થાય કે પચીસ વર્ષે, મહેનત ૨૫-વર્ષ કરવાનીજ હોય છે. વળી, હંમેશને માટે કોઈપણ કાર્ય કે સિદ્ધિ 'અદ્ધિતીય' બની નથી રહેતી. રેકોર્ડ્સ બનતાં જાય છે અને તૂટતાં જાય છે, એ પછી કોઈપણ ક્ષેત્ર કેમ ન હોય, આ ક્રિયા અવિરતપણે ચાલ્યાં કરે છે. પરંતુ ક્ષણભર માટે મળતું મહેનતનું એ ફળ જીવનભર માટે અવિસ્મરણીય સ્મૃતિ અંકિત કરી જાય છે.
'અસાધારણ કાર્યો નથી હોતા ઈરાદા હોય છે'. કંઈક હટ કે કરવાં શું કરવું એ જાણવું જરૂરી છે પણ એ 'કેમ કરવું છે' એ જાણવું અતિઆવશ્યક છે. કોઈપણ કાર્ય કરવા પાછળનો 'ઉદ્દેશ' જયારે માણસ સમજી શકે ત્યારે એને કરવાનાં રસ્તા આપમેળે મળી જાય છે. ઝુકરબર્ગે દુનિયાના લોકોને એકબીજા સાથે જોડવાનાં હેતુથી ફેસબુક શરુ કર્યું હતું, એની સાથે મળેલી સંપત્તિ અને સિદ્ધિ એના પરિણામ છે. એની શરૂઆત પણ સાધારણ જ હતી પણ ઈરાદા મક્કમ હતાં. હેતુ ગહન હતો.
-જીવનમાં કોઈપણ કામ કરવાં પાછળનો 'ઉદ્દેશ કે હેતુ' આપણાં સ્વાર્થ અને લાભ કરતા ચડિયાતા હોય તો 'કંઈક હટ કે' થશે એમ જાણી લેવું.આ વાતની સાબિતી જી. આર.ગોપીનાથ જે ભારતમાં લો-કોસ્ટ એરલાઈન્સ- એર-ડેક્કનને લાવવામાં પાઈઓનીર હતાં એમણે આપી છે. આજે મધ્યમ વર્ગ પ્લેઈનમાં મુસાફરી કરી શકે છે એનો શ્રેય ગોપીનાથને જાય છે. એમણે ભોગવેલી ગરીબી અને લાચારી માંથી જન્મેલો એમનું હેતુ માત્ર એમના પરિવાર પૂરતો સીમિત ન હતો. સમગ્ર ભારતના સામાન્ય લોકો ઊડવાનો અનુભવ કરી શકે અને ઉડવું એ માત્ર એલિટ કે શ્રીમંત લોકોનોજ અધિકાર નથી એવું એમનું માનવું હતું. એટલે જ એમનું સપનું અને ધ્યેય એક સાધારણ એર-લાઈન બનાવવાનું હતું. એક ગામડાંનો માણસ જયારે પ્લેઈન બનાવવાનાં સપના જોવે ત્યારે એ મૂર્ખો જ લાગે પણ ગોપીનાથે એ પાગલપન થકીજ સામાન્ય લોકોને આકાશમાં ઉડાડ્યાં. અને કહે છે ને જયારે તમારો હેતુ સમષ્ટિના હિત માટે હોય ત્યારે પૂરી કાયનાત તમને એ હાંસિલ કરવામાં મદદ કરે છે, ધેટ્સ ટ્રુ. ગોપીનાથની બાયોગ્રાફી બૂક -'સિમ્પલી ફ્લાય' પરથી સાઉથનું એક મૂવી છે, એમાં ખૂબજ સરસ રીતે એમની જર્ની જે પડકારો અને અડચણોથી ભરપૂર છે એ દર્શાવવામાં આવી છે. પોતાના ઉમદા હેતુ વડે પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને અવરોધોનો સામનો કેવી રીતે કરે છે એ જાણવા જેવું છે.
ઘણીવાર લાલચી અને કપટ લોકોની સફળતા જોઈને લાગે કે હેતુ મહત્વનો નથી નફો સર્વસ્વ છે. પરંતુ જયારે કશું કરવાં પાછળનું કારણ જ કપટ હોય ત્યારે એ લાંબા સમય સુધી ટકતું નથી. ગોપીનાથે એર-ડેક્કનને વિજય માલ્યાને ઈન્વેસ્ટર્સના દબાણને કારણે વેચ્યું હતું. આજે 'માલ્યા' ના હાલ બેહાલ છે ત્યારે ગોપીનાથ ભારત સરકાર માટે ઉડાન સ્કીમ પર કાર્યરત છે અને કહે છે કે 'મારું સપનું જીવે છે અને સાકાર છે કારણ કે બજેટ એર લાઈન્સની ક્રાંતિ ચાલુ છે, સામાન્ય લોકો પાસે આજે ઊડીને સફર કરવાનાં ઘણાં વિકલ્પો છે. નીચેની પંક્તિઓ ગોપીનાથ માટે સાચી છે.
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
-ખલિલ ધનતેજવી
કોઈપણ વ્યક્તિ જયારે કોઈ કામ 'હટકે' પરિણામો માટે કરે ત્યારે એ મેળવવાં માટેના બલિદાનો અને સંઘર્ષોને ગણવાનું ભૂલવું પડે કારણ કે એ દેખાય કે ન દેખાય, અસંખ્ય હોય છે. વળી, શરૂઆત કોઈની સુંવાળી નથી હોતી અને પરિણામ ક્યારેય હટકે, સ્પષ્ટ કે નિશ્ચિત નથી હોતું. આરંભકાળથીજ પરિણામની ચિંતા કરતો વ્યક્તિ કંઈક જુદું કરવાનું વિચારી તો શકે પણ કરી ન શકે.
કોઈપણ સામાન્ય કામને જયારે એક ઉમદા હેતુથી જોડી દેવામાં આવે છે ત્યારે એ કાર્ય 'અદ્વિતિય' બની જાય છે. શરત એ છે કે આપણે પડદો ઊઠશે, સમાજમાં નોંધ લેવાશે કે કદર થશે એની હઠ ન રાખીયે તો. કહેવાય છે ને 'લોગ પ્રેસેંટેશન યા રિઝલ્ટ દેખતે હૈ પર ઉપરવાલા ઈંટેંશન દેખતાં હૈં. એટલે પરિણામ સમાજ સમક્ષ આવે કે ન આવે હર્ષોઉલ્લાસથી આપણું કાર્ય કરવું, ઉપરવાળો નોંધ લઈ રહ્યો છે. આપણી ગઈકાલથી આજ અને આજથી આવતીકાલ ને ઉન્નત કરવાની છે, વ્યકિગત રીતે અને પછી સાર્વત્રિક રીતે અભિવાદનની આશા વગર.
-માત્ર પોતાના માટે કરાતું કામ 'પર્પઝ' કે 'મીનિંગ' ક્યારેય નથી આપતું. પર્સનલ ગોલ્સ આપણી આંતરિક વૃદ્ધિ માટે હોય છે પછી એણે સમષ્ટિ માટેના હેતુ સાથે સંકલન સાધવાનું હોય છે ત્યારેજ એ સિદ્ધિ બને છે. આ સમષ્ટિ એટલે આપણો પરિવાર, ગામ, દેશ, કે વિશ્વ. આપણાં કાર્યથી જો કોઈ એક વ્યક્તિ કે જાનવરની પણ જરૂરિયાત સંતોષાતી હોય, શાંતિ કે સુખ મળતું હોય તો એ કાર્ય 'અસામાન્ય' જ છે. જેમ જેમ આપણે એકત્વ સાધી ખુદને સમજીએ ત્યારે એ અચૂક સમજાશે કે માત્ર 'મારું' વિચારીયે ત્યારે 'ન્યૂનતમ' મળે છે પણ જયારે 'સર્વે'નું વિચારીયે ત્યારે 'મહત્તમ' મળે છે.
