Prem ni jeet
Prem ni jeet
ચારેબાજુ શોર-બકોર, હર્ષ-ઉલ્લાસ, નવી-નવી વર્કવાળી સાડીઓ પહેરીને ફરતી સ્ત્રીઓ, ચિચિયારી કરતાં બાળકોથી વાતાવરણ જીવંત લાગે છે. ઢોલ અને શરણાઈના સૂર વાતાવરણને વધારે ધબકતું કરે છે.
હા, આજે મયુરીનો માંડવો છે. મામેરું ભરાઈ રહ્યું છે. સૌ હર્ષ-ઉલ્લસથી નાચે છે. રૂપિયા ઉડાડે છે. નાના-મોટા સૌ કોઇ પોતપોતાની ધૂનમાં મસ્ત છે.સગાંવહાલા પોતનો સમય ફાળવી લગ્નમાં હાજરી આપે છે. સાંજ સુધીમાં તો લગભગ બધા જ મહેમાનો આવી ગયા છે. મયુરીના હાથ પર મહેંદીનો રંગ વધારે ઘેરો થતો જાય છે. પીઠીની વિધિ પણ પૂરી થાય છે. હસીમજાક અને ધમાલ ચાલે છે. રાત્રે ડાંડિયાનો પ્રોગ્રામ છે. સાંજનું જમણવાર વહેલું રાખેલ છે. જેથી બાર વાગ્યા સુધીમાં ડાંડિયારાસ પૂર્ણ થઈ જાય અને બધા થોડો આરામ કરી શકે. જેથી વહેલી સવારના જાનનું સ્વાગત અને લગ્નમાં કોઇ કમી ન રહી જાય.
મયુરી એક શ્રીમંત કહી શકાય તેવા મા-બાપની દીકરી છે. એક ભાઈ પણ છે. એંજીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ થતાજ મોટા ધંધાવાળા શ્રીમંત કુટુંબમાં લગ્નનું નક્કી થાય છે. મયુરીની મમ્મીની ઇચ્છા તો નોકરિયાત છોકરો શોધવાની હતી, કેમકે મયુરી મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી અને વળી કોમ્પ્યુટર એંજિનિયરની ડિગ્રી પણ ધરાવતી હતી. પરંતુ મયુરીના પપ્પાને પૈસાદાર કુટુંબમાં દીકરીને પરણાવી સુખી જોવાની ઇચ્છા હતી. મયુરી એટલી સરળ અને નિખાલસ હતી કે પોતાના માબાપ જે નક્કી કરે તે બરાબર જ હોય તેવું માનતી. જમાનાની હવા તેને લાગી ન હતી. આજના સમયમાં આટલી સરળ, શરમાળ છોકરી હોય તે જ નવાઇની વાત લાગે. તે કોલેજમાં ક્યારેય છોકરઓ સાથે વાત ન કરતી. બહેનપણીઓ ક્યારેક હસતી, મયુરી કોલેજમાં તો અભ્યાસ સાથે થોડી મોજ-મસ્તી પણ કરવી જોઇએ. જીવનમાં ફરી ક્યારેય આવી બિંધાસ્ત લાઇફ માણવા નહિ મળે, પરંતુ મયુરીને એવું બિલકુલ પસંદ ન હતું. તે તો એકદમ ધીરગંભીર અને શિસ્તમાં માનનારી હતી અને હરણીશી ગભરું પણ ખરી!
આથી જ માબાપે જે છોકરો પસંદ કર્યો તેમાં તે ખુશ હતી. છોકરો ગ્રેજ્યુએટ હતો અને બિઝનેસ સંભાળતો હતો.સગાઇમાં બધી બહેનપણીઓને આમંત્રણ આપ્યું હતું મયુરી ખૂબ ખુશ હતી. બે-ત્રણ મહિના સગાઇ રહી બાદમાં લગ્ન ગોઠવાયા હતા. વચ્ચે તે સસરાના ઘરે પણ બે-ત્રણ વાર જઈ આવી હતી.
મયુરીને ક્યારેક કૌશિકનો સ્વભાવ વિચિત્ર લાગતો. ફોન પર બંને રોજ વાત કરતાં કૌશિક તેને ઘણીવાર પૂછતો, મયુરી તે કોલેજ કરી છે તો તારે કોઇ ખાસ બોયફ્રેંડ જરૂર હશે. હોય તો મને કહી દે,મને કોઇ વાંધો નથી. ત્યારે મયુરી કહેતી ખરેખર મારે કોઇ બોયફ્રેંડ નથી. મે ક્યારેય કોઈ સાથે વાત પણ કરી નથી. પરંતુ કૌશિક તે માનવા તૈયાર જ નહોતો. વારંવાર પૂછતો. ક્યારેક બંને વચ્ચે રકઝક થતી. આમ કરતાં બેત્રણ મહિના નીકળી ગયા. મયુરી ક્યારેક ઉદાસ થઈ જતી. તેની મમ્મી ઘણીવાર પૂછતી બેટા કંઇ ચિંતામાં છે કે શું પણ તે કંઇ કહેતી નહિ. તેના મમ્મીને બી.પી.ની તકલીફ હતી. આથી વળી તે નાહક ચિંતા કરશે એમ માની એણે ઘરમાં ક્યારેય કંઇ વાત ન કરી.
આજે તો લગ્નના દિવસ આડે બસ એક રાત જ બાકી હતી. મયુરી સમજુ હતી. તેને એમકે લગ્ન પછી બધું બરાબર થઈ જશે. હું કૌશિકનો વિશ્વાસ જીતી લઈશ. એ બધું ભૂલીને આજે ખૂબ ખુશ હતી. તેની જિંદગીના આ મહત્વના દિવસો હતા. દરેક કોડભરી કન્યા આ દિવસની રહ જોતી હોય છે. મયુરીને ડાંડિયાનો ખૂબ શોખ હતો. આથી જ તો મ્યુઝિક પાર્ટીવાળાને પણ બોલાવ્યા હતા. બધી સહેલીઓ સાથે ખૂબ રાસ લીધા. ખૂબ આનંદ કર્યો. રાત્રિના બાર થવા આવ્યા હતા. છેલ્લે સનેડો લઈ, નાસ્તા અને આઇસ્ક્રીમ ખાઈ બધા સૂવની તૈયારી કરવા લાગ્યા. મયુરી પણ નહાવા માટે બાથરૂમમાં ગઈ.. થાક પણ ખૂબ હતો. ઝડપથી નહાઇને બેત્રણ કલાક ઊંઘ કરી લઉં તેમ વિચારતી હતી. તે નહાવા માટે ગઈ અને તેના ફોનની રીંગ વાગી. ઘણીવાર સુધી રીંગ વાગી. તે ઝડપથી નહાઇને બહાર નીકળી. ફોન જોયો તો કૌશિકનો હતો. તેણે ઝડપથી ફોન લગાડ્યો. સામેથી કૌશિક ગુસ્સાથી બરાડવા લાગ્યો ક્યાં હતી? કોની સાથે આટલો સમય થયા વાતોમાં હતી કે તે મારો ફોન ઉપાડવો જરૂરી ન સમજ્યો. મયુરી કહેવા લાગી કે હું બાથરૂમમાં હતી. પણ કૌશિક કંઇ સાંભળવા તૈયાર જ ન હતો. એ ઝઘડવા લાગ્યો. મયુરી રડવા લાગી. તેનાં મામી-માસી અને સહેલીઓ અવાજ સાંભળી પૂછવા લાગ્યા. શું થયું? પરંતુ તે રડતી રહી. કશું જ ન બોલી. કોઇ તેના ભાઇને બોલાવી લાવ્યું. તેનો ભાઈ મયુરીનો હાથ પકડી બીજા રૂમમાં લઈ ગયો. મયુરીના માથે હાથ ફેરવી પાણી પાયું અને બધી વાત કરવા કહ્યું. મયુરીએ બધી વાત કરી. ભાઇ બહેન બંનેની આંખમાં આંસુ હતા. મહેમાન બધા આવી ગયા હતા. સવારે લગ્ન હતાં હવે બહું મોડું થઈ ગયું હતું. મયુરીના ભાઇએ છતાંય મયુરીને કહ્યું, લાવ હું કૌશિક જોડે વાત કરું. તેણે વાત કરી તો તેનું પણ અપમાન કરી નાખ્યું. થોડીવાર તો ભાઈ-બહેન સૂનમૂન બેસી રહ્યાં. હવે શું કરવું? મયુરીના ભાઈએ મયુરીને કહ્યું બોલ શું કરવું છે? તે પહેલા વાત કેમ ન કરી? આવા શંકાશીલ માણસ સાથે તું આખી જિંદગી કેમ વિતાવીશ? ચાલ વડીલોને વાત કરીએ તો કંઇક રસ્તો નીકળશે. પરંતુ મયુરીએ ના પાડી. હવે કશું જ કરવું નથી. મમ્મી-પપ્પા ટેંશનમાં આવી જશે. મમ્મીને કંઇ થઈ જાય તો આપણે શું કરીશું? મયુરીએ કહ્યું મારા સસરાને વાત કરીએ તેમણે મને એકવાર કહ્યું હતુંકે, કૌશિક તારી સાથે કંઇ તોછડાઇ કરે કે ખરાબ વર્તન કરે તો મને વિના સંકોચે કહી દે જે. હું તેને સમજાવી દઈશ. આથી મયુરીએ તેના સસરાને રડતાં રડતાં બધી વાત કરી. તેના સસરાએ કહ્યું ‘બેટા, તું ચિંતા ન કરીશ બધુ બરાબર થઈ જશે. હું એ નાલાયકને હમણાં જ વાત કરું છું તું શાંતિથી સૂઇ જા. અમે બધા તારી સાથે છીએ. મયુરીને થોડી શાંતિ થઈ તેણે તેના સસરાને કહ્યું, પપ્પા તમે આજે કૌશિકને કંઇ ન કહેતા એને થશે કે મેં તમને ફરિયાદ કરી. વાત વધુ બગડશે. હવે કંઇ કહેવું નથી. સવારે લગ્ન છે. અને સગાવહાલાંમાં બધે ખોટી વાતો થશે.
મયુરી અને તેનો ભાઈ એ રૂમમાં જ લાચારી ભરી સ્થિતિમાં બેઠા. લગ્નનો બધો ઉમંગ ઊડી ગયો. મયુરીની આંખો થાકથી ઘેરાવા લાગી. તે આંસુથી ખરડાયેલા ચહેરા સાથે જ સૂઇ ગઈ. તેનો ભાઈ આખી રાત મયુરી પાસે બેસી રહ્યો!.
વહેલી સવારે જાનનું આગમન થયું મયુરીનાં મામી-માસી બહુ સારાં હતાં તેના ચહેરા પરથી ખુશી અદ્રશ્ય થઈ ગઈ. મયુરીનાં મમ્મી-પપ્પાને પણ અણસાર આવી ગયો. સગાઈ પછી થોડી શંકા તો હતીજ, પણ આટલું બધું બની જશે તેવો ખ્યાલ ન હતો.
લગ્ન સમયે પણ કૌશિકની ઊધ્ધતાઈ દેખાઈ આવતી હતી. ત્યાં હાજર મહેમાનોને પણ તેનું વર્તન કંઈક ઘમંડી લાગ્યું. મયુરીના ચહેરા પરથી તો જાણે નૂર ઊડી ગયું હતું. કેટલી ખુશ હતી પહેલાં. કેટલા અરમાનો હતા, પરંતુ તેને તો વગર વાંકે સજા મળી હતી. તેને થયું મારી સાથે જ કેમ આવું થયું? મેં તો ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. ક્યારેય કોઈ છોકરાઓ સાથે વાત કરી નથી. ક્યારેય એકલી બહાર નીકળી નથી. મારી સાથે ભણતી બધી છોકરીઓ પાર્ટીમાં જતી. મોડી રાત્રે રૂમ પર આવતી. છોકરાઓ સાથે ફોનમાં વાતચીત, મેસેજ વગેરે કરતી. છતાંય એ બધાને સારા છોકરાઓ મળી ગયા. મેં ક્યારેય ખોટું કર્યું નથી, છતાય મને જ આવી સજા કેમ?
આજે મયુરી તેના પતિ સાથે અમદાવાદમાં એકલી રહે છે. સાસુ-સસરા બીજા ગામમાં રહે છે. બધાના બિઝનેસ જુદા જુદા શહેરમાં છે.શરુઆતમાં કૌશિક મયુરીનો ફોન ચેક કરતો. સગા-સબંધીમાં ક્યાંય ફોન કરવા દેતો નહિ. તેની હાજરીમાં જ ફોન કરવાનો. કૌશિકના ઘડેલા બધા જ નિયમો તેણે પાળવાના. તેને ભાવે એ રસોઈ જ બનાવવાની. મોડું થાય તો જરાય ચાલે નહિ. ઈચ્છા હોય કે નહોય તે કહે ત્યારે ફરવા જવાનું કોઈ પાંજરામાં કેદ પંખી જેવી એની હાલત હતી!. એકવાર તેણે તેની રૂમપાર્ટનર સહેલીને રડતા-રડતા આ બધી વાત કરી.અને કહ્યું હું તો આવી જિંદગીથી કંટાળી ગઈ છું ક્યારેક થાય છે કે, આ પાંચમા માળેથી કૂદકો મારી દઉં. તેની બહેનપણીએ સમજાવ્યું એવું ક્યારેય ન કરતી. તારો કઈં વાંક નથી, તો તું શું કામ મરે? તારા મા-બાપ, ભાઇ છે એને વાત કર. સમાજની બીકે તું આવું પગલું ભરીશ તો કૌશિકને કંઈ ફેર નહિ પડે.એ તો એમ માનશે કે તારેજ કંઈક લફરું હશે. આથી જ તું વિચાર કાં તો કૌશિકથી છૂટી થઈ જા અથવા તો તેનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કર.
મયુરીએ મનોમન નક્કી કર્યું કે, હિંસક જાનવરને પણ પ્રેમથી વશ કરી શકાય છે તો આ તો માણસ છે. હું તેનો પ્રેમ જીતીને જ જંપીશ. કદાચ તેના સાસુ-સસરાને પણ કૌશિકના આવા વર્તનની ખબર જ હશે. એટલેજ એણે મયુરીને કહ્યું હતું કે તે કંઇ અયોગ્ય વર્તન કરેતો અમને વાત કરજે અમે તેને સમજાવીશું! મયુરીએ હવે નક્કી કરી લીધું હું કૌશિકને સુધારીને જ રહિશ.
મયુરી હવે કૌશિક સાથે વધારે પ્રેમથી રહેવા લાગી. તેનો પડ્યો બોલ જીલતી. તેનો મોબઈલ પણ કૌશિકને આપી દીધો અને કહ્યુ તમને જ્યારે મારા પર પૂરો વિશ્વાસ આવે ત્યારે જ હું લઈશ. આમને આમ સમય વિતવા લાગ્યો. મયુરીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. દીકરાની સાથે-સાથે એ કૌશિકની પણ પૂરી સંભાળ લેતી. એક વખત કૌશિક બહુ બિમાર પડી ગયો. મયુરી રાત-દિવસ તેની સાથે જ રહેતી અને સેવા કરતી. થોડા સમયમાં તે સાજો થઈ ગયો. હવે તેને મયુરી પ્રત્યે ખુબજ માન થવા લાગ્યું . મયુરી વગર જરા પણ ના ચાલતું. હવે તેને સમજાવા લાગ્યું કે તેણે મયુરીને કેટલું દુ:ખ આપ્યું હતું. કારણ વગર ખોટા આક્ષેપો મૂક્યા હતા.તે કોલેજમાં હતો ત્યારે તેણે ઘણી છોકરીઓને છોકરઓ સાથે રખડતી જોઈ હતી.આથી તે બધી છોકરીઓને રખડું માનતો. નાનપણથી જ શંકાશીલ વૃતિવાળો તો હતોજ! આથી મયુરીને વગર વાંકે કેવી સજા આપી હતી. તે હવે સમજાયું તેણે એક દિવસ મયુરીને પોતાની પાસે બેસાડી પ્રેમથી તેનો હાથ પકડી નવો મોબાઈલ આપ્યો અને માફી માંગી.અને કહ્યું મયુરી મને માફ કરી દે. મે તને બહુ અન્યાય કર્યો છે. તારું દિલ દુભવ્યું છે. હવે ક્યારેય એવું નહિ કરું. મયુરીની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા, પણ આજે એ આંસુ હર્ષના હતા. તેના પ્રેમની જીતના હતા.