Shital Ruparelia

Romance Fantasy Inspirational

4.6  

Shital Ruparelia

Romance Fantasy Inspirational

પ્રેમ આવો પણ હોય !

પ્રેમ આવો પણ હોય !

3 mins
244


            સિડનીનાં વોલોન્ગોન્ગથી પતિ નીરવ સાથે સ્કાયડાઇવ કરી રહેલી માનસીની મનઃસ્થિતિ કંઈક અલગ જ હતી, ક્યારેક ડર તો ક્યારેક રોમાંચિત બની જતી હતી.

               ‘અહાહા ! …. કેટલી સુંદર છે આ ધરતી … ક્યાંક પાણી તો ક્યાંક હરિયાળી જ હરિયાળી…. ધરતીની આટલી સુંદરતા ધરતી પર રહેવા છતાં માણી નથી’ મનોમન વિચારતી માનસી આકાશમાંથી મન ભરીને પૃથ્વી નિહાળી રહી હતી.

                ‘પાંચે આંગળીએ પૂજ્યા હોય ત્યારે નીરવ જેવો પતિ મળે. કેટલો હેન્ડસમ…. કેટલો સ્માર્ટ…. કેટલી સરસ જોબ અને કેટલી હાઈ-ફાઈ લાઈફ….મને તો ધરતી પર સ્વર્ગ મળ્યું છે’. પોતાના નસીબ પર પોરસાતી માનસી નીરવ તરફ દ્રષ્ટિ કરી લેતી.

              મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા નીરવની પોસ્ટ જ એવી હતી કે તે અડધું વર્ષે તો વિદેશ પ્રવાસ પર હોય. લગ્નનાં ચાર વર્ષોમાં માનસી નીરવ સાથે ઘણી જગ્યા ફરી ચૂકી હતી.

              નીરવ પણ માનસીને ખુશ રાખવા બનતો પ્રયાસ કરતો. તેને નવા દેશમાં એકલું કે અજાણ્યું ન લાગે એટલે પોતાના કામ સિવાયનો સમય માનસી સાથે પસાર કરતો. વીકએન્ડમાં તે માનસીને તે દેશની પ્રખ્યાત જગ્યાઓ પર લઈ જતો.

              આજે પણ તે વોલોન્ગોન્ગ એ જ ઉદ્દેશથી લાવ્યો હતો. પરીઓની વાર્તા જેવી ખુશખુશાલ જિંદગી જીવતા આ દંપતી પર અચાનક વજ્રઘાત થયો જ્યારે માનસીને લગ્ન ના ચાર જ વર્ષમાં બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયો.

               ડોકટરે ચકાસણી બાદ ચોથા સ્ટેજના કેન્સર ને ડિટેક્ટ કર્યુ. માનસી આ સાંભળી પડી ભાંગી; જાણે તે આકાશમાંથી સીધી જમીન પર પટકાઈ ગઈ હોય એવું તેને લાગ્યું.

             ‘નીરવ આટલી મોટી કંપનીમાં જોબ કરે છે આટલી હાઈ ફાઈ લાઈફ જીવે છે એ ચોક્કસ મને છોડી દેશે ..કે કદાચ મને મારા મમ્મીને ત્યાં ઈલાજ માટે મૂકી જશે ..અને પછી… મારા વાળ.. મારૂં શરીર ખરાબ થઈ જશે તો ક્યાં સુધી તે મને સાચવશે.. ના.. એ કરતાં મારે જીવવું જ નથી મારે મરી જવું છે’. આવા કેટલાય નકારાત્મક વિચારોથી માનસી ઘેરાઈ ગઈ.

              માનસીની મનો:સ્થિતિ જોતાં નીરવે પોતાના બધા પ્રોજેક્ટ પડતા મૂકી ભારત પરત ફરવાનું નક્કી કર્યુ.

             નીરવ હંમેશા માનસી સમક્ષ એવી જ વાતો કરતો જેનાથી તેનું જીવવાનો ઉત્સાહ વધે અને દવાઓની પોઝીટીવ અસર જોવા મળે.

             ઓપરેશન બાદ યોગા, ફિટનેસ હેલ્થ આ બધી બાબતો જળવાઈ રહે એ રીતે ધ્યાન આપીને નીરવે માનસીને ટૂંકા સમયમાં આ બીમારીના માનસિક વેદનામાંથી બહાર લાવી દીધી. 

             ‘માનસી, મને લાગે છે કે હવે તારે પણ આગળ ઉચ્ચ અભ્યાસ કરીને તારી જાતને એક સ્ટેન્ડ આપવું જોઈએ, ક્યાં સુધી તું આમ મારી પાછળ ભાગતી રહીશ ….તું ભણેલી છે, લગ્ન પહેલા જોબ પણ કરતી જ હતી ને …તો હવે કેમ નહીં ?’ સ્વસ્થ થયેલી માનસીને સમજાવતા નીરવે કહ્યું.

              ‘નીરવ…. અડધું વર્ષ તો આપણે વિદેશમાં જ હોઈએ છીએ તો પછી હું જોબ કઈ રીતે કરૂં ?’ માનસી બોલી.

             ‘એટલે જ તને આગળ અભ્યાસનું કહું છું પોસીબલ છે તારા ઉચ્ચ અભ્યાસ બાદ તને મારી કંપનીમાં જ જોબ મળી જાય….’

              થોડો થંભીને નીરવ આગળ બોલ્યો,’અને ન પણ મળે તો શું થયું ? બીજી કોઈ સારી જોબ તો મળશે જ ને … તારી પોતાની ઓળખ…. તારી પોતાની સ્વતંત્રતા…એ તો મળશે જ ને….’ બોલતા નીરવ ને જોઈ મલકી ઉઠેલી માનસી મનમાં બોલી , ‘ પ્રેમ આવો પણ હોય…!’ 


Rate this content
Log in

Similar gujarati story from Romance